નામદેવ તરાળે તેમના ખેતરમાં પગ મૂકતાં જ ધીમા પડી જાય છે. આ 48 વર્ષીય ખેડૂત લીલા ચણાના છોડના પટ્ટાનું નજીકથી અવલોકન કરવા માટે નીચે તરફ વળે છે, જેને કચડીને ખાવામાં આવ્યા હોય તેવું લાગતું હતું. તે ફેબ્રુઆરી 2022માં શિયાળાની સુખદ સવાર છે, અને ઉપરના આકાશમાં સૂર્ય નરમ છે.
તેઓ ધીરજપૂર્વક કહે છે, “હા એક પ્રકારચા દુકાળચ આહે [આ એક નવા જ પ્રકારનો દુકાળ છે].”
આ નિવેદન તરાળેની હતાશા અને ડરને છતો કરે છે. પાંચ એકર જમીન ધરાવતા આ ખેડૂતના માથે, ત્રણ મહિનાની મહેનત પછી લણવા માટે તૈયાર થયેલો તુવેર અને લીલા ચણાનો ઊભો પાક ગુમાવવાની ચિંતા છે. તેઓ છેલ્લા 25 વર્ષ કરતાં વધુ સમયથી ખેતી કરે છે તે દરમિયાન તેમણે વિવિધ પ્રકારના દુકાળ જોયા છે – હવામાનને પગલે દુકાળ, જેમાં વરસાદ પડતો જ નથી કે ખૂબ વધારે પડે છે; પાણીજન્ય દુકાળ, કે જેમાં ભૂગર્ભજળનું સ્તર ભયજનક સ્તરે પહોંચી જાય છે; અથવા કૃષિને લગતા દુકાળ, જેમાં જમીનમાં ભેજ ઓછો થવાથી પાક નિષ્ફળ જાય છે.
ઉશ્કેરાયેલા તરાળે કહે છે કે, જ્યારે તમને લાગે કે આ વખતે તમારે સારી ઉપજ થઈ છે, ત્યારે આ આફત ચાર પગે આવીને ચોરી કરે છે કે પછી ખેતર ઉપર ઊડીને ત્રાટકે છે અને તેને સફાચટ કરી નાખે છે.
તેઓ આફતને ગણાવતાં કહે છે, “દિવસના સમયે જળકૂકડી, વાંદરાઓ, સસલાં; અને રાતના સમયે હરણ, નીલગાય, સાંભર, ભૂંડ, અને વાઘ.”
તેઓ હારેલ સ્વરે કહે છે, “આમ્હાલે પેરતા યેતે સાહેબ, પણ વાચવતા યેત નાહી. [અમને વાવણી કેવી રીતે કરવી તે તો ખબર છે, પણ પાકની કેવી રીતે સાચવણી કરવી તે ખબર નથી].” તેઓ સામાન્ય રીતે કપાસ અથવા સોયાબીન જેવા રોકડિયા પાકો સિવાય લીલા ચણા, મકાઈ, જુવાર અને વટાણાની ખેતી કરે છે.
મહારાષ્ટ્રમાં વિપુલ પ્રમાણમાં જંગલો ધરાવતા અને ખનિજોથી સમૃદ્ધ ચંદ્રપુર જિલ્લાના ધામણી ગામમાં ઉશ્કેરાયેલા ખેડૂતોમાં તરાળે એકલા નથી. આ જિલ્લાના તેમજ મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં તાડોબા અંધારી વાઘ અભયારણ્ય (TATR) ની આસપાસના ઘણા ગામડાઓમાં આ પ્રકારની નિરાશા ખેડૂતોને જકડી રહી છે.
તરાળેના ખેતરથી લગભગ 25 કિલોમીટર દૂર ચપરાળા ગામમાં (2011ની વસ્તી ગણતરી મુજબ ચિપરાળા), 40 વર્ષીય ગોપાલ બોંડે પણ એટલા જ વિચલિત છે. હાલ ફેબ્રુઆરી 2022ની મધ્યનો સમય છે, અને તેમની 10 એકર જમીનમાં થયેલી તારાજી જોઈ શકાય છે, જેમાંથી અડધા ભાગમાં લીલા ચણા વાવેલા છે. કેટલાક ભાગોમાં પાક સાવ સપાટ દેખાય છે - જાણે કોઈએ બદલો લેવા પાક ઉપર આળોટી, એને જડમૂળથી ઉખાડી, બધા દાણા હજમ કરી જઈ ને ખેતરોમાં તોડફોડ ના કરી હોય.
અમે પહેલી વાર મળ્યા તેના લગભગ એક વર્ષ પછી બોંડે જાન્યુઆરી 2023માં કહે છે, “જ્યારે હું રાત્રે સૂઈ જાઉં છું, ત્યારે મને ચિંતા થાય છે કે કદાચ બીજે દિવસે સવારે મને મારો પાક જોવા નહીં મળે.” અને આ ચિંતામાં તેઓ વરસાદ કે ઠંડીની પરવા કર્યા વગર રાતમાં ઓછામાં ઓછા એક−બે વાર તો તેમના ખેતરમાં પાક બરાબર છે કે કેમ તે તપાસ કરવા બાઈક લઈને નીકળી પડે છે. લાંબા સમય સુધી ઓછી ઊંઘ મળવાના કારણે અને ઠંડીને કારણે તેઓ ઘણીવાર બીમાર પડે છે. શિયાળાની સવારે તેમના ઘરના આગળના ભાગમાં ખુરશીમાં બેસીને તેઓ ઉમેરે છે કે, ઉનાળામાં જ્યારે ખેતરમાં કોઈ પાક ન હોય, ત્યારે તેમને આરામ મળે છે. પરંતુ બાકીના સમયે તેમણે દરરોજ રાત્રે ચક્કર લગાવવું જ પડે છે, ખાસ કરીને લણણીની મોસમ દરમિયાન.
જંગલી પ્રાણીઓ આખા વર્ષ દરમિયાન ખેતરોમાં ધાડ મારે છે અને તેમના પાકની મિજાણી કરે છે: શિયાળામાં જ્યારે ખેતરો લીલા હોય ત્યારે અને ચોમાસામાં તેઓ નવા અંકુર ફૂટે તેના પર ચરતા હોય છે. ઉનાળામાં, તેઓ ખેતરોમાં પાણી સહિતની દરેક વસ્તુ પર હુમલો બોલી દે છે.
તેથી બોંડેએ “રાત્રે જ્યારે તેઓ સૌથી વધુ સક્રિય હોય ત્યારે” છૂપાયેલા જંગલી પ્રાણીઓનો સામનો કરવો પડે છે, અને જો પ્રાણીઓ પાકનો નાશ કરે તો “રોજના અમુક હજાર રૂપિયા” નું નાણાકીય નુકસાન વેઠવું પડે છે. છુપાઈને હુમલો કરતી જંગલી બિલાડીઓ પશુધનને પણ મારી નાખે છે. એક દાયકામાં તેમણે વાઘ અને દીપડાના હુમલામાં ઓછામાં ઓછી બે ડઝન ગાયો ગુમાવી છે. તેઓ કહે છે કે, દર વર્ષે તેમના ગામમાં વાઘના હુમલામાં સરેરાશ 20 પશુઓ પોતાનો જીવ ગુમાવે છે. ગંભીર બાબત તો એ છે કે, જંગલી પ્રાણીઓના હુમલામાં લોકો ઘાયલ થાય છે અથવા મૃત્યુ પણ પામે છે.
મહારાષ્ટ્રના સૌથી જૂના અને સૌથી મોટા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો પૈકીનું એક એવું, TATR ચંદ્રપુર જિલ્લાના ત્રણ તાલુકાઓમાં 1,727 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન અને સંલગ્ન અંધારી વન્યજીવ અભયારણ્યને જોડે છે. આ વિસ્તાર માનવ−પ્રાણી સંઘર્ષના કેન્દ્રોમાંનો એક છે. NTCA 2022નો અહેવાલ જણાવે છે કે, TATR જે ભારતીય પઠારનો એક ભાગ છે, તેમાં 2018માં અંદાજિત 1,033ની વસ્તીની સરખામણીમાં “વાઘની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે, જેમાં 1,161 અનન્ય વાઘના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા છે.”
રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ તંત્ર (NTCA)ના 2018ના અહેવાલ મુજબ રાજ્યમાં આવેલા 315થી વધુ વાઘમાંથી લગભગ 82 જેટલા વાઘ તાડોબામાં સ્થિત છે.
વિદર્ભ સુધી ફેલાયેલા આ વિસ્તારના દસેક ગામડાઓમાં, તરાળે અથવા બોંડે જેવા ખેડૂતો – જેમની પાસે ખેતી સિવાય આજીવિકાનો બીજો કોઈ વિકલ્પ નથી − તેઓ જંગલી પ્રાણીઓને ભગાવવા માટે વિચિત્ર યુક્તિઓ અજમાવતા હોય છે. તેઓ સૌર બેટરીથી ચાલતી વાડ બાંધે છે, જે આંચકા આપે છે, તેમના ખેતરોને અને જંગલની સીમાને સસ્તી અને રંગબેરંગી નાયલોનની સાડીઓથી ભરચક્ક કરે છે; ફટાકડા ફોડે છે; કૂતરાઓના ટોળાને રખેવાડીએ રાખે છે, અને પ્રાણીઓના અવાજો કાઢતાં નવીનતમ ચાઇનીઝ ઉપકરણો વગાડે છે.
પણ કોઈ વસ્તુ કારગર નથી નીવડતી.
બોંડેના ચપરાળા અને તરાળેના ધામણી ગામો TATR ના બફર ઝોનની નજીક આવેલા છે, જેમાં ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ સંરક્ષિત વાઘ વિસ્તારો પૈકીનું એક અને પ્રવાસન સ્થળ એવું શુષ્ક પાનખર જંગલ આવેલું છે. અહીં, સંરક્ષિત જંગલના મુખ્ય વિસ્તારથી નજીક હોવાને કારણે, ખેડૂતોએ જંગલી પ્રાણીઓની ધાડનો વારંવાર સામનો કરવો પડે છે. બફર ઝોનમાં માનવ વસવાટ હોય છે અને તે સંરક્ષિત જંગલના મુખ્ય ભાગને ઘેરી લે છે, બાકીના વિસ્તારમાં માનવ પ્રવૃત્તિ મર્યાદિત હોય છે, અને તેનું સંચાલન રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.
ચંદ્રપુર સહિત 11 જિલ્લાઓને આવરી લેતા પૂર્વીય મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં પરિસ્થિતિ ખાસ કરીને ચિંતાજનક છે. વિદર્ભમાં ભારતના કેટલાક છેલ્લા બાકી રહેલા સંરક્ષિત જંગલો આવેલા છે, જેમાં વાઘ અને જંગલી પ્રાણીઓની ભરપૂર વસ્તી છે. આ પ્રદેશમાં ગ્રામીણ પરિવારોમાં દેવાનું અને ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધુ છે.
મહારાષ્ટ્રના વન મંત્રી સુધીર મુનગંટીવારના એક નિવેદન અનુસાર, માત્ર 2022માં જ ચંદ્રપુર જિલ્લામાં વાઘ અને દીપડાઓ દ્વારા 53 લોકોનાં મોત નીપજ્યાં હતાં. છેલ્લા બે દાયકામાં, મોટેભાગે TATR પ્રદેશમાં લગભગ 2,000 લોકો રાજ્યમાં જંગલી પ્રાણીઓના હુમલાથી મૃત્યુ પામ્યા છે. આ હુમલાઓ મુખ્યત્વે વાઘ, કાળા રીંછ, જંગલી ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે. અહીં ઓછામાં ઓછા 15−20 ‘સમસ્યા સર્જતા વાઘ’ − મનુષ્યો સામે સંઘર્ષમાં રહેલા વાઘ – ને ન્યુટરાઇઝ કરીને શાંત પાડવા પડ્યા હતા, જે એ વાતની સાબિતી છે કે ચંદ્રપુર એ વાઘ−માનવ સંઘર્ષનું મુખ્ય સ્થળ છે. પ્રાણીઓના હુમલામાં ઘાયલ થયેલા લોકોની કોઈ ઔપચારિક ગણતરી નથી.
જંગલી પ્રાણીઓનો સામનો પુરુષો એકલા નથી કરતા, સ્ત્રીઓ પણ તેમનો સામનો કરે છે.
નાગપુર જિલ્લાના બેલ્લારપાર ગામમાં 50 વર્ષીય ખેડૂત અર્ચનાબાઈ ગાયકવાડ કહે છે, “અમે સતત ભયમાં કામ કરીએ છીએ.” તેમણે તેમના ખેતરમાં ઘણીવાર વાઘ જોયેલો છે. તેઓ કહે છે, “સામાન્ય રીતે, જો અમને લાગે કે આસપાસ વાઘ કે ચિત્તો છે, તો અમે ખેતરમાંથી જતાં રહીએ છીએ.”
*****
“જો અમે ખેતરમાં પ્લાસ્ટિક ઉગાડીશું, તો તેઓ [જંગલી પ્રાણીઓ] તે પણ ખાઈ જશે!”
ગોંદિયા, બુલઢાણા, ભંડારા, નાગપુર, વર્ધા, વાશિમ અને યવતમાલ જિલ્લાઓમાં ખેડૂતો સાથેની નાનકડી વાતચીત ચેતનવંતી થઈ જાય છે. તેઓ વિદર્ભ વિસ્તારમાં પ્રવાસ કરતા આ પત્રકારને કહે છે કે, હાલના દિવસોમાં જંગલી પ્રાણીઓ લીલા કપાસના દડાની મિજબાની કરે છે.
નાગપુર જિલ્લામાં TATR વિસ્તારમાં આવેલા બેલ્લારપરમાં માના સમુદાયના 50 વર્ષીય ખેડૂત પ્રકાશ ગાયકવાડ કહે છે, “લણણી દરમિયાન, અમે અમારા જીવનું જોખમ હોવા છતાં, પાકને બચાવવા માટે દિવસ−રાત ખેતરોમાં રહીએ છીએ.”
જે ગામમાં ગોપાલ બોંડે રહે છે, તે ચપરાળા ગામના રહેવાસી 77 વર્ષીય દત્તુજી તાજળે કહે છે, “જો અમે બીમાર પડીએ, તો પણ અમારે અમારા ખેતરમાં જ રહેવું પડે છે, અને અમારા પાકની સુરક્ષા કરવી પડે છે, નહિતર તો અમારે કશી ઉપજ હાથ નહીં લાગે. એક સમય એવો હતો કે હું મારા ખેતરમાં કોઈ પણ પ્રકારના ડર વિના સૂઈ શકતો હતો; હવે એ શક્ય નથી, કારણ કે ચારે બાજુ જંગલી પ્રાણીઓ છે.”
આ પાછલા દાયકામાં, તરાળે અને બોંડેએ તેમના ગામોમાં નહેરો, કૂવા અને બોરવેલના રૂપમાં સિંચાઈની સુવિધાઓ વિકસતી જોઈ છે. આનાથી તેઓ પાકમાં વૈવિધ્યીકરણ લાવી શકે છે અને પરંપરાગત કપાસ અથવા સોયાબીન ઉપરાંત વર્ષભરમાં બે કે ત્રણ પાકની ખેતી કરી શકે છે.
આનું નુકસાન સ્પષ્ટ છે: ઊભા પાકોવાળા લીલાછમ ખેતરોનો અર્થ છે વિપુલ પ્રમાણમાં ચારો, અને હરણ, નીલગાય અને અને સાબર જેવા શાકાહારીઓ પ્રાણીઓ માટે મબલખ ખોરાક. શાકાહારી પ્રાણીઓની અવરજવર થવાથી, માંસાહારીઓ પ્રાણીઓ પણ આસપાસ સંતાઈ રહે છે.
તરાળે યાદ કરે છે, “એક દિવસ, મને એક તરફ વાંદરાઓ અને બીજી તરફ ડુક્કરો પરેશાન કરતા હતા; એવું લાગતું હતું કે જાણે તેમણે મારી કસોટી લેવાનું નક્કી કર્યું છે, અને તેઓ મને ચીડવતા હતા.”
સપ્ટેમ્બર 2022માં એક વાદળછાયા દિવસે, વાંસની લાકડીથી સજ્જ બોંડે અમને તેમના ખેતરની મુલાકાતે લઈ જાય છે, જ્યાં સોયાબીન, કપાસ અને અન્ય પાક લહેરાઈ રહ્યા છે. ખેતર તેમના ઘરથી 15 મિનિટના અંતરે, લગભગ બે−ત્રણ કિમીની દૂરી પર આવેલું છે. તેમના ખેતરની સરહદે એક નદી વહે છે, જે ખેતરોને ગાઢ અને અત્યંત શાંત જંગલોથી અલગ કરે છે.
ખેતરની આસપાસ ચાલીને, તેઓ અમને ભીની કાળી માટી પર સસલા સહિત લગભગ ડઝન જેટલા જંગલી પ્રાણીઓના પગના નિશાન બતાવે છે. તેઓએ અહીં મળત્યાગ કર્યો છે, પાક ખાધો છે, સોયાબીનને વેરવીખેર કરી નાખ્યું છે અને લીલા ચણાની ડાળીઓને જડમૂળથી ઉખેડી નાખી છે.
બોંડે નિસાસો નાખીને કહે છે, “આતા કા કરતા, સાંગા? [હવે, બોલો આનું શું કરીએ!]”
*****
કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ ટાઈગર પ્રોગ્રામના ભાગરૂપે વાઘના સંરક્ષણ માટે તાડોબાના જંગલો મુખ્ય કેન્દ્ર હોવા છતાં, આ વિસ્તારમાં હાઈવે, સિંચાઈ નહેરો અને નવી ખાણોની અવિરત વૃદ્ધિ જોવા મળી રહી છે. આનાથી સંરક્ષિત જંગલ વિસ્તારોમાં ઘટાડો થયો છે, લોકો વિસ્થાપિત થયા છે અને જંગલની જૈવપરિસ્થિતિમાં વિક્ષેપન થયું છે.
અગાઉ જે વિસ્તારો વાઘ માટેના હતા તેના પર ખાણકામનું અતિક્રમણ થઈ રહ્યું છે. ચંદ્રપુર જિલ્લામાં 30થી વધુ સક્રિય જાહેર અને ખાનગી ક્ષેત્રની કોલસાની ખાણો છે, જેમાંથી લગભગ બે ડઝન ખાણો દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં છેલ્લા બે દાયકામાં જ બની છે.
પર્યાવરણ કાર્યકર્તા અને સંરક્ષણવાદી, બંદુ ધોત્રે કહે છે, “વાઘ કોલસાની ખાણોની નજીક અથવા ચંદ્રપુર સુપર થર્મલ પાવર સ્ટેશન (CSTPS) ના પરિસરમાં જોવા મળ્યા છે. આ વિસ્તારો માનવ−પ્રાણી સંઘર્ષના કેન્દ્રબિંદુ છે. આપણે તેમના નિવાસસ્થાન પર અતિક્રમણ કર્યું છે.” વાઘના અંદાજો પરના NTCA 2022ના અહેવાલ મુજબ, મધ્ય ભારતીય ઉચ્ચ પ્રદેશોમાં ઊંચી માત્રામાં થતી ખાણકામ પ્રવૃત્તિ, સંરક્ષણ માટે એક મોટો પડકાર છે.
TATR એ યવતમાલ, નાગપુર અને ભંડારા જિલ્લામાં પડોશી વન વિભાગો સાથેના વિશાળ મધ્ય ભારતીય વન વિસ્તારનો એક ભાગ છે. 2018નો NTCAનો અહેવાલ જણાવે છે કે, “આ વિસ્તારમાં મનુષ્યો અને વાઘનો મહત્તમ સંઘર્ષ થાય છે.”
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER), પૂણેના વન્યજીવ જીવવિજ્ઞાની અને ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. મિલિન્દ વાટવે કહે છે, "આ મુદ્દો ખેડૂતો માટે તેમજ રાજ્યની સંરક્ષણ આવશ્યકતાઓ માટે તેમજ રાષ્ટ્રીય સ્તરે વિશાળ આર્થિક અસરો ધરાવનારો છે."
જો કે, કાયદાઓ આરક્ષિત જંગલ વિસ્તારો અને વન્યજીવનનું રક્ષણ કરે છે, ત્યારે પાક અને પશુઓના નુકસાનને ખેડૂતોએ અપ્રમાણસર રીતે સહન કરવું પડે છે. વાટવે સમજાવે છે કે પ્રાણીઓની ધાડથી પાકને થતા નુકસાનથી ખેડૂતો ખિજાય છે, જેનાથી સંરક્ષણ પહેલ પર પ્રતિકૂળ અસર પડે છે. કાયદાઓ ટોળામાંથી બિનઉત્પાદક અથવા સંવર્ધન માટે યોગ્ય ન હોય તેવા અનિચ્છનીય પ્રાણીઓને મારવાની કે તેમને હાંકી કાઢવાની પ્રથાને પણ અટકાવે છે.
વાટવેએ 2015થી 2018ની વચ્ચે TATR આસપાસના પાંચ ગામોમાં લગભગ 75 ખેડૂતો સાથે મળીને ક્ષેત્રીય અભ્યાસ હાથ ધર્યો હતો. તે અભ્યાસ માટે વિદર્ભ વિકાસ બોર્ડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં તેમણે ખેડૂતો માટે પ્રાણીઓની ધાડને કારણે તેમને આખા વર્ષ દરમિયાન થતા નુકસાનની જાણ કરવા માટે એક પ્રણાલી બનાવી હતી. તેમણે અનુમાન લગાવ્યું હતું કે પાકનું નુકસાન અને નાણાકીય નુકસાન 50થી 100 ટકાની વચ્ચે હતું. તેની રૂપિયામાં ગણતરી કરીએ તો તે એકર દીઠ, 25,000થી 1,00,000 રૂપિયાનું નુકસાન થાય છે.
જો વળતર ન મળે, તો ઘણા ખેડૂતો મર્યાદિત પાકની વાવણીને વળગી રહે છે અથવા તો તેમના ખેતરોને ઉજ્જડ છોડી દે છે.
રાજ્યના વન વિભાગ દ્વારા ખેડૂતોને પાકના નુકસાન અથવા જંગલી પ્રાણીઓ દ્વારા માર્યા ગયેલા ઢોર માટે 80 કરોડ રૂપિયાનું વાર્ષિક વળતર આપવામાં આવે છે. આવું માર્ચ 2022માં મહારાષ્ટ્રના મુખ્ય મુખ્ય વન સંરક્ષક અને તત્કાલીન ફોરેસ્ટ ફોર્સના વડા સુનિલ લિમયેએ પારીને જણાવ્યું હતું.
ભદ્રાવતી તાલુકામાં ઝુંબેશ ચલાવનાર 70 વર્ષીય વિઠ્ઠલ બડખળ કહે છે, “હાલનું વળતર નજીવું છે.” તેઓ આ મુદ્દા પર ખેડૂતોને એક મંચ પર લાવવા માટે રેલી કરી રહ્યા છે. તેઓ સમજાવે છે, “ખેડૂતો સામાન્ય રીતે વળતરનો દાવો નથી કરતા, કારણ કે તે. માટેની પ્રક્રિયા બોજારૂપ અને તકનીકી રીતે સમજવી મુશ્કેલ છે.”
બોંડેએ થોડા મહિના પહેલાં જ, ગાય સહિત વધુ પશુઓ ગુમાવ્યા પડ્યા હતા. 2022માં, તેમણે લગભગ 25 વખત વળતરના દાવા દાખલ કર્યા હતા. દરેક વખતે તેમણે એક ફોર્મ ભરવું પડતું હતું, સ્થાનિક વન અને મહેસૂલ વિભાગના સત્તાવાળાઓને જાણ કરવી પડતી હતી, સ્થાનિક સત્તાવાળાઓને ફરજિયાતપણે સ્થળનું પંચનામું (અથવા નિરીક્ષણ) કરવા માટે મનાવવા, તેમના ખર્ચનો રેકોર્ડ જાળવવા અને તેના દાખલ કરેલ દાવા વિશે આગળની કાર્યવાહી માટે તપાસ કરવી પડતી હતી. તેઓ કહે છે કે, તેમને વળતર મળવામાં મહિનાઓ પસાર થઈ જશે. “અને તેમ છતાં તેમાં મારા બધા નુકસાનની ભરપાઈ તો નહીં જ થાય.”
ડિસેમ્બર 2022માં શિયાળાની એક સવારે, બોંડે અમને ફરી એકવાર તેમના ખેતરમાં લઈ જાય છે, જે નવા વાવેલા લીલા ચણાથી છલકાય રહ્યું હતું. જંગલી ડુક્કરોએ તાજા ફૂટેલા અંકુર પર પણ હુમલો બોલિ દીધો છે, જેનાથી બોંડે પાકના ભાવી વિશે અનિશ્ચિત થઈ ગયા છે.
ત્યારપછીના મહિનાઓમાં, હરણના ટોળા દ્વારા ખવાઈ ગયેલા પાકના અમુક પટ્ટાને છોડીને તેઓ મોટાભાગના પાકને બચાવવામાં સફળ રહ્યા હતા.
પ્રાણીઓને ખોરાકની જરૂર હોય છે. અને બોંડે અને તેમના જેવા અન્ય ખેડૂતોના પરિવારોને પણ. આથી, આ જરૂરિયાત સંતોષવા માટે તેમના ખેતરોમાં અથડામણ થાય છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ