ગાયત્રી કાચ્ચરાબીને દર મહિને એક ચોક્કસ સમયે અચૂક પેટમાં સખત દુખાવો થાય છે. ત્રણ દિવસ ચાલનારો એ દુખાવો એ એક વર્ષથીય વધારે સમય પહેલા બંધ થઈ ગયેલા તેમના માસિકસ્રાવની યાદ અપાવનાર એકમાત્ર સંકેત છે.

ગાયત્રી કહે છે, "આ રીતે મને ખબર પડે છે કે આ મારો માસિકસ્ત્રાવનો સમયગાળો છે, પણ મને રક્તસ્ત્રાવ થતો નથી." 28 વર્ષની ગાયત્રી કહે છે, "કદાચ ત્રણ બાળકો જણ્યા પછી હવે માસિક સ્રાવ માટે મારામાં પૂરતું લોહી જ રહ્યું નથી." એમેનોરિયા - રજોરોધ (માસિક ચક્ર દરમિયાન રક્તસ્ત્રાવ ન થવા છતાં) - છતાં દર મહિને પેટમાં આવતી ચૂંક અને પીઠનો દુખાવો ઓછા થતા નથી, ગાયત્રી કહે છે કે એ એટલા તો પીડાદાયક હોય છે કે તેમને એવું લાગે છે કે તેમને વેણ ઉપડ્યું છે. "ઊભા થવું પણ મુશ્કેલ બની જાય છે."

ઊંચી અને પાતળી ગાયત્રીની આંખો ધ્યાનાકર્ષક છે અને તેઓ અટકી અટકીને શબ્દસમૂહોને છૂટા પાડીને બોલે છે. કર્ણાટકમાં હાવેરી જિલ્લાના રાણીબેન્નુર તાલુકામાં અસુંદી ગામની સીમમાં માડિગાસ દલિત સમુદાયની એક વસાહત માદિગરા કરીમાં રહેતા ખેતમજૂર ગાયત્રી પાક માટેના એક નિષ્ણાત હેન્ડ-પોલિનેટર (હાથેથી પરાગનયન કરાવવામાં નિષ્ણાત) પણ છે.

લગભગ એક વર્ષ પહેલા જ્યારે પેશાબ કરવો પીડાદાયક બન્યો ત્યારે તેમણે તબીબી સહાય લીધી હતી. તેઓ તેમના ગામથી લગભગ 10 કિલોમીટર દૂર બ્યાડ્ગીમાં એક ખાનગી દવાખાને ગયા હતા.

Gayathri Kachcharabi and her children in their home in the Dalit colony in Asundi village
PHOTO • S. Senthalir

આસુંદી ગામમાં દલિત વસાહતમાં પોતાના ઘરમાં ગાયત્રી કાચ્ચરાબી અને તેમના બાળકો

તેઓ કહે છે, "સરકારી હોસ્પિટલોમાં તેઓ બરોબર ધ્યાન આપતા નથી. હું ત્યાં જતી નથી. મારી પાસે મફત તબીબી સંભાળ માટેનું એ કાર્ડ પણ નથી." તેઓ આયુષ્માન ભારત યોજના હેઠળના આરોગ્ય વીમા કાર્યક્રમ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો ઉલ્લેખ કરી રહ્યા છે, જો ગૌણ અને તૃતીય સ્તરની સંભાળ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો આ યોજના હેઠળ દર વર્ષે કુટુંબ દીઠ 5 લાખ રુપિયાનો તબીબી ખર્ચ પૂરો પાડવામાં આવે છે.

ખાનગી દવાખાનામાં તબીબે તેમને લોહીની તપાસ અને પેટનું અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવવાની સલાહ આપી.

એક વર્ષ પછી પણ ગાયત્રીએ નિદાન-વિષયક પરીક્ષણ કરાવ્યા નથી. ઓછામાં ઓછા 2000 રુપિયાનો ખર્ચ ગાયત્રી માટે વધુ પડતો હતો. તેઓ કહે છે, "હું એ કરાવી શકી નથી. જો હું આ રિપોર્ટ્સ વિના ડૉક્ટર પાસે પાછી જાઊં તો તેઓ નક્કી મને ઠપકો આપે. તેથી હું ફરી બતાવવા કદી પાછી ગઈ જ નહીં."

તેને બદલે તેમણે દુખાવાની દવા માટે દવાની દુકાનનો સંપર્ક સાધ્યો - (તેમની દ્રષ્ટિએ) એક સસ્તો અને ઝડપી ઉકેલ. તેઓ કહે છે, "એન્તા ગુળીગે એડવો ગોત્તિલ્લા [કઈ ગોળી છે એ મને ખબર નથી]. આપણે ખાલી એમ કહીએ કે આપણને પેટમાં દુખાવો છે, તો દુકાનવાળા દવાઓ આપી દે છે."

અસુંદીમાં હાલની સરકારી તબીબી સેવાઓ ગામની 3808 ની વસ્તી માટે અપૂરતી છે. ગામમાં કોઈ પણ તબીબી વ્યવસાયી પાસે એમબીબીએસની ડિગ્રી નથી, અને ત્યાં કોઈ ખાનગી દવાખાનું કે નર્સિંગ હોમ નથી.

A view of the Madigara keri, colony of the Madiga community, in Asundi.
PHOTO • S. Senthalir
Most of the household chores, like washing clothes, are done in the narrow lanes of this colony because of a lack of space inside the homes here
PHOTO • S. Senthalir

ડાબે: અસુંદીમાં મદિગા સમુદાયની વસાહત માદિગરા કરીનું દૃશ્ય. જમણે: અહીંના ઘરોની અંદર જગ્યાના અભાવને કારણે ઘરનાં મોટાભાગના કામો, જેમ કે કપડાં ધોવાનું કામ, આ વસાહતની સાંકડી ગલીઓમાં કરવામાં આવે છે

આ ગામથી લગભગ 10 કિલોમીટર દૂર રાણીબેન્નુરમાં આવેલી જાહેર સુવિધા મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ (એમસીએચ)માં પ્રસૂતિ-સ્ત્રીરોગ નિષ્ણાત (ઓબ્સ્ટેટ્રિશન-ગાયનેકોલોજિસ્ટ - ઓબીજી) માટેની બે જગ્યાઓ મંજૂર થયેલી હોવા છતાં હોસ્પિટલમાં માત્ર એક જ પ્રસૂતિ-સ્ત્રીરોગ નિષ્ણાત છે. નજીકની બીજી સરકારી હોસ્પિટલ અસુંદીથી લગભગ 30 કિલોમીટર દૂર હિરેકેરુરમાં છે. આ હોસ્પિટલમાં ઓબીજી નિષ્ણાતની એક જગ્યા મંજૂર હોવા છતાં અહીં કોઈ ઓબીજી નિષ્ણાત નથી.  લગભગ 25 કિલોમીટર દૂર હાવેરીની જિલ્લા હોસ્પિટલમાં જ ઓબીજી નિષ્ણાતો છે – અહીં છ ઓબીજી નિષ્ણાતો છે. પરંતુ અહીં પણ જનરલ મેડિકલ ઓફિસરની તમામ 20 જગ્યાઓ અને નર્સિંગ અધિક્ષકની છ જગ્યાઓ ખાલી છે

ગાયત્રીને આજ સુધી ખબર નથી કે તેમનો માસિકસ્ત્રાવ શા માટે બંધ થઈ ગયો છે અથવા તેઓ વારંવાર પેટના દુખાવાથી શા માટે પીડાય છે. તેઓ કહે છે, "મારું શરીર ભારે લાગે છે. મને ખબર નથી કે હું તાજેતરમાં ખુરશી પરથી પડી ગઈ હતી એટલે પેટમાં દુખે છે કે પછી કિડનીમાં પથરીને કારણે દુખે છે કે માસિક સ્રાવ સંબંધિત સમસ્યાને કારણે."

ગાયત્રી હિરેકેરુર તાલુકાના ચિન્નામુલાગુંડ ગામમાં ઉછર્યા હતા, જ્યાં તેણે 5 મા ધોરણ પછી અધવચ્ચે શાળા છોડી દીધી હતી. તેમણે હેન્ડ પોલિનેશન [હાથેથી પરાગનયન કરાવવા] નું કૌશલ્ય હાંસલ કર્યું, જેનાથી તેમને ખાતરીપૂર્વકની આવક અને દર છ મહિને ઓછામાં ઓછા 15 કે 20 દિવસ માટે નિયત કામ મળી રહે છે. તેઓ કહે છે, "ક્રોસિંગ [હેન્ડ પોલિનેશન] ના 250 રુપિયા મળે."

16 વર્ષની ઉંમરે પરણેલા ગાયત્રીનું ખેતમજૂર તરીકેનું કામ હંમેશા અનિશ્ચિત રહ્યું છે. નજીકના ગામોમાં જમીનની માલિકી ધરાવતા સમુદાયો, ખાસ કરીને લિંગાયત સમુદાયને, મકાઈ, લસણ અથવા કપાસની લણણી માટે મજૂરોની જરૂર હોય ત્યારે જ તેમને કામ મળે છે. તેઓ કહે છે, "અમારું કૂલી [દાડિયું] દિવસના 200 રુપિયા છે." ત્રણ મહિનાના સમયગાળામાં તેમને 30 અથવા 36 દિવસ માટે ખેતી સંબંધિત કામ મળે છે. “જમીનદારો અમને બોલાવે તો અમારી પાસે કામ હોય. નહિંતર નહીં."

Gayathri and a neighbour sitting in her house. The 7.5 x 10 feet windowless home has no space for a toilet. The absence of one has affected her health and brought on excruciating abdominal pain.
PHOTO • S. Senthalir
The passage in front is the only space where Gayathri can wash vessels
PHOTO • S. Senthalir

ડાબે: ગાયત્રી અને તેમના ઘરમાં બેઠેલા એક પાડોશી. 7.5 x 10 ફૂટના બારી વિનાના ઘરમાં શૌચાલય માટે જગ્યા જ નથી. શૌચાલય ન હોવાને કારણે તેમના સ્વાસ્થ્યને અસર થઈ છે અને પેટમાં અસહ્ય દુખાવો થવાની સમસ્યા ઊભી થઈ છે. જમણે: બંને તરફ દીવાલોવાળો આગળનો સાંકડો રસ્તો એ એકમાત્ર જગ્યા છે જ્યાં ગાયત્રી વાસણો સાફ કરી શકે છે

ખેત મજૂર અને હેન્ડ-પોલિનેટર તરીકે કામ કરીને તેઓ મહિને 2400-3750 રુપિયા કમાય છે જે તેમની તબીબી સંભાળની જરૂરિયાતો માટે પૂરતા નથી. ઉનાળામાં જ્યારે નિયમિત કામ મળતું નથી ત્યારે પૈસાની વધુ ખેંચ રહે છે.

તેમના પતિ પણ ખેતમજૂર છે, તેમને દારૂની લત છે અને પરિણામે પરિવારની આવકમાં તેઓ ઝાઝો ઉમેરો કરતા નથી. તેઓ ઘણીવાર અસ્વસ્થ રહે છે. ગયા વર્ષે ટાઇફોઇડ અને થાકને કારણે તેઓ છ મહિનાથી વધુ સમય માટે કામ કરી શક્યા ન હતા. 2022 ના ઉનાળામાં તેમને અકસ્માત થયો હતો અને તેમનો એક હાથ ભાંગી ગયો હતો. તેમની સંભાળ રાખવા માટે ગાયત્રી પણ ત્રણ મહિના સુધી ઘેર રહ્યા હતા. તેમનો તબીબી ખર્ચ લગભગ 20000 જેટલો થયો હતો તે તો અલગ.

ગાયત્રીએ ખાનગી શાહૂકાર (નાણાં ધીરનાર) પાસેથી 10 ટકાના વ્યાજના દરે પૈસા ઉછીના લીધા હતા. પછી એ વ્યાજ ચૂકવવા માટે તેમણે પૈસા ઉછીના લીધા. તેમને ત્રણ અલગ અલગ માઈક્રોફાઈનાન્સ કંપનીઓને કુલ મળીને લગભગ 1 લાખ રુપિયાની ત્રણ લોન ચૂકવવાની બાકી છે. દર મહિને તેઓને આ લોન માટે 100000 રુપિયા ચૂકવવા પડે છે.

તેઓ ભારપૂર્વક કહે છે, “કુલી માડિદ્રાગે જીવન અગોલરી મત્તે [દાડિયા પર અમારું જીવન નભી ન શકે]. અમે બીમાર હોઈએ ત્યારે અમારે પૈસા ઉછીના લેવા પડે છે. લોન ચૂકવવાનું ચૂકી જવું અમને ન પોસાય. અમારી પાસે ખાવાનું ન હોય તો પણ અમે સાપ્તાહિક બજારમાં ન જઈએ. અમારે સંઘ [માઇક્રોફાઇનાન્સ કંપની] ને એકેએક અઠવાડિયે પૈસા ચૂકવવાના હોય. એ પછી જો પૈસા બચે તો જ અમે શાકભાજી ખરીદીએ.

Gayathri does not know exactly why her periods stopped or why she suffers from recurring abdominal pain.
PHOTO • S. Senthalir
Standing in her kitchen, where the meals she cooks are often short of pulses and vegetables. ‘Only if there is money left [after loan repayments] do we buy vegetables’
PHOTO • S. Senthalir

ડાબે: ગાયત્રીને બરોબર ખબર નથી કે તેમનો માસિકસ્ત્રાવ શા માટે બંધ થઈ ગયો છે અથવા તેઓ વારંવાર પેટના દુખાવાથી શા માટે પીડાય છે. જમણે: પોતના રસોડામાં ઉભેલા ગાયત્રી, જ્યાં તેઓ જે ભોજન બનાવે છે તેમાં ઘણી વાર કઠોળ અને શાકભાજી હોતા જ નથી. '[લોનની ચુકવણી પછી] પૈસા બચ્યા હોય તો જ અમે શાકભાજી ખરીદીએ'

ગાયત્રીના ભોજનમાં લગભગ કઠોળ અથવા શાકભાજી હોતા જ નથી. જ્યારે પૈસા બિલકુલ ન હોય ત્યારે તેઓ પડોશીઓ પાસેથી ટામેટાં અને મરચાં ઉછીના લઈને કરી બનાવે છે.

સેન્ટ જોન્સ મેડિકલ કોલેજ, બેંગલુરુના પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન વિભાગના સહયોગી પ્રોફેસર ડૉ. શૈબ્યા સલદાન્હા કહે છે કે એ "અપૂરતો આહાર" છે. કિશોરો અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે કામ કરતી સંસ્થા એનફોલ્ડ ઈન્ડિયાના સહ-સ્થાપક ડૉ. સલદાન્હા ઉમેરે છે, "ઉત્તર કર્ણાટકમાં મોટાભાગની મહિલા ખેતમજૂરો અપૂરતા આહાર પર જીવે છે. તેઓ ચોખા અને પાતળી દાલ સાર [કરી] ખાય છે, જેમાં વધારે તો પાણી અને મરચાંની ભૂકી હોય છે. લાંબા વખતથી ચાલતો ભૂખમરો તીવ્ર એનિમિયાનું કારણ બને છે, જેનાથી તેઓ થાકી જાય છે." આ પ્રદેશમાં અનિચ્છનીય હિસ્ટરેકટમી (શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય દૂર કરવા) ની તપાસ માટે 2015 માં કર્ણાટક રાજ્ય મહિલા આયોગ દ્વારા રચાયેલી સમિતિના તેઓ સભ્ય હતા.

ગાયત્રી વચ્ચે વચ્ચે ચક્કર આવવાની, હાથ-પગ ખોટા પડી જવાની, પીઠના દુખાવાની અને થાકની ફરિયાદ કરે છે. ડૉ. સલદાન્હા કહે છે કે આ લક્ષણો તીવ્ર કુપોષણ અને એનિમિયાના સૂચક છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ) 2019-21 ( એનએફએચએસ-5 ) અનુસાર છેલ્લા ચાર વર્ષમાં કર્ણાટકમાં એનિમિયાથી પીડાતી 15-49 વર્ષની વયની મહિલાઓની ટકાવારી 2015-16માં 46.2 ટકા હતી જે વધીને 2019-20 માં 50.3 ટકા થઈ ગઈ છે. હાવેરી જિલ્લામાં આ વય જૂથની અડધાથી વધુ મહિલાઓ એનિમિક હતી.

ગાયત્રીની નાજુક તબિયત તેની કમાણી પર પણ અસર કરે છે. તેઓ નિસાસા સાથે કહે છે, “હું બીમાર છું. એક દિવસ કામ પર જાઉં તો બીજા દિવસે ન જઈ શકું."

PHOTO • S. Senthalir

મંજુલા મહાદેવપ્પા કાચ્ચરાબી તેમના પતિ અને પરિવારના બીજા 18 સભ્યો સાથે આ જ વસાહતમાં બે રૂમના મકાનમાં રહે છે. જે રૂમમાં તેઓ અને તેમના પતિ રાત્રે સૂએ છે એ જ રૂમ દિવસ દરમિયાન પરિવારનું રસોડું બની જાય છે

25 વર્ષના મંજુલા મહાદેવપ્પા કાચ્ચરાબી પણ સતત પીડામાં રહે છે. તેઓ તેમના માસિકસ્ત્રાવના સમયગાળા દરમિયાન પેટમાં સખત ચૂંક અને એ પછી પેટનો દુખાવો અને યોનિમાર્ગ સ્રાવની સમસ્યાથી પીડાય છે.

દિવસના 200 રુપિયાના દાડિયા પેટે ખેતમજૂર તરીકે કામ કરતા મંજુલા કહે છે, “માસિક ધર્મ આવે છે તે પાંચ દિવસ મારે માટે અત્યંત પીડાદાયક હોય છે. પહેલા બે-ત્રણ દિવસ તો હું ઊઠી જ શકતી નથી. મને પેટમાં ચૂંક આવે છે અને હું ચાલી શકતી નથી. હું કામ પર નથી જતી. હું ખાતી પણ નથી. હું બસ ચૂપચાપ પડી રહું છું.”

દુખાવા ઉપરાંત ગાયત્રી અને મંજુલા બંનેની બીજી એક સામાન્ય સમસ્યા છે: સલામત અને સ્વચ્છ શૌચાલયનો અભાવ.

12 વર્ષ પહેલા લગ્ન બાદ ગાયત્રી અસુંદીની દલિત કોલોનીમાં 7.5 x 10 ફૂટના બારી વગરના મકાનમાં રહેવા આવી હતી. તેમનું ઘર ટેનિસ કોર્ટના વિસ્તારના માત્ર ચોથા ભાગનું છે. બે દીવાલો તેને રસોડામાં, રહેવાના અને નહાવાના વિસ્તારોમાં વહેંચે છે. શૌચાલય માટે જગ્યા જ નથી.

મંજુલા પોતાના પતિ અને પરિવારના બીજા 18 સભ્યો સાથે આ જ વસાહતમાં બે રૂમના મકાનમાં રહે છે. માટીની દીવાલો અને જૂની સાડીઓમાંથી બનાવેલા પડદા રૂમને છ ભાગોમાં વહેંચે છે. તેઓ કહે છે, "યેનુક્કુ ઈમ્બિલરી [કશા માટે કશી જગ્યા જ નથી]. જ્યારે પરિવારના તમામ સભ્યો તહેવારો પ્રસંગે હાજર હોય છે, ત્યારે બેસવાની પણ જગ્યા હોતી નથી." આવા દિવસોમાં પુરુષોને સુવા માટે કમ્યુનિટી હોલ (સાર્વજનિક હોલ) માં મોકલી દેવામાં આવે છે.

Manjula standing at the entrance of the bathing area that the women of her house also use as a toilet sometimes. Severe stomach cramps during her periods and abdominal pain afterwards have robbed her limbs of strength. Right: Inside the house, Manjula (at the back) and her relatives cook together and watch over the children
PHOTO • S. Senthalir
Inside the house, Manjula (at the back) and her relatives cook together and watch over the children
PHOTO • S. Senthalir

નહાવાના વિસ્તારના પ્રવેશદ્વાર પર ઊભેલા મંજુલા, એ વિસ્તારનો ઉપયોગ તેમના ઘરની મહિલાઓ ક્યારેક શૌચાલય તરીકે પણ કરે છે. માસિકસ્ત્રાવના સમયગાળા દરમિયાન પેટમાં સખત ચૂંક અને તે પછી થતા પેટના દુખાવાએ તેમના હાથ-પગની તાકાત જ છીનવી લીધી છે. જમણે: ઘરની અંદર મંજુલા (પાછળની બાજુએ) અને તેમના સંબંધીઓ સાથે મળીને રસોઈ કરે છે અને બાળકોનું ધ્યાન રાખે છે

તેમના ઘરની બહારના નહાવા માટેના નાનકડા વિસ્તારના પ્રવેશદ્વારને સાડીથી ઢાંકેલું છે. જો ઘરમાં વધારે લોકો ન હોય તો મંજુલાના પરિવારની મહિલાઓ પેશાબ કરવા માટે આ જગ્યાનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમયથી અહીંથી દુર્ગંધ આવવા લાગી છે. જ્યારે વસાહતની સાંકડી ગલીઓ પાઈપલાઈન નાખવા માટે ખોદવામાં આવી ત્યારે અહીં પાણી ભરાઈ ગયું હતું અને દીવાલો પર ફૂગ ઉગી નીકળી હતી. માસિક ધર્મના સમયગાળા દરમિયાન મંજુલા અહીં જ તેમના સેનિટરી પેડ બદલે છે. "હું ફક્ત બે વાર જ પેડ બદલી શકું છું - એક વાર સવારે કામ પર જતાં પહેલાં અને સાંજે ઘરે આવ્યા પછી." તેઓ જ્યાં કામ કરે છે એ ખેતરોમાં તેઓ ઉપયોગ કરી શકે તેવા કોઈ શૌચાલય જ નથી.

બીજા સમુદાયોની વસાહતોથી અલગ વિસ્તારમાં આવેલ અન્ય દલિત વસાહતોની જેમ જ અસુંદીની માદિગરા કરી પણ ગામને સીમાડે આવેલ છે. અહીંના 67 ઘરોમાં લગભગ 600 લોકો રહે છે, અને અડધા ઘરોમાં ત્રણ કરતાં વધુ પરિવારો એકસાથે રહે છે.

અસુંદીના મદિગા સમુદાયને 60 વર્ષ પહેલાં ફાળવવામાં આવેલી 1.5 એકર જમીનમાં ફેલાયેલી આ વસાહતમાં વસ્તી વધી રહી છે. પરંતુ વધુ આવાસની માંગણી કરતા અનેક વિરોધ પ્રદર્શનોથી કંઈ વળ્યું નથી. યુવા પેઢી અને તેમના વધતા પરિવારોને સમાવવા માટે લોકોએ ઉપલબ્ધ જગ્યાને દીવાલો અથવા સાડીમાંથી બનાવેલા પડદા વડે વહેંચી છે.

આ રીતે ગાયત્રીનું ઘર 22.5 x 30 ફીટના એક મોટા ઓરડામાંથી ત્રણ નાના ઘરોમાં વહેંચાયું. તેઓ, તેમના પતિ, તેમના બે દીકરાઓ અને તેમના પતિના માતાપિતા, તેમાંથી એક ભાગમાં રહે છે. તેમના પતિનો વિસ્તૃત પરિવાર બીજા બેમાં રહે છે. ઘરની સામે બંને તરફ દીવાલોવાળો એક સાંકડો, ગંદો અને અંધારિયો રસ્તો એ સાંકડા ઘરમાં ન થઈ શકે તેવા કામો કરવા - કપડાં ધોવા, વાસણો સાફ કરવા અને તેમના 7 અને 10 વર્ષના બે દીકરાઓને નવડાવવા-ધોવડાવા - માટેની એકમાત્ર જગ્યા છે. તેમનું ઘર ખૂબ નાનું હોવાથી ગાયત્રીએ પોતાની 6 વર્ષની દીકરીને ચિન્નામુલાગુંડ ગામમાં તેના નાના-નાની સાથે રહેવા મોકલી દીધી છે.

Permavva Kachcharabi and her husband (left), Gayathri's mother- and father-in-law, at her house in Asundi's Madigara keri.
PHOTO • S. Senthalir
The colony is growing in population, but the space is not enough for the families living there
PHOTO • S. Senthalir

ડાબે: ગાયત્રીના સાસુ અને સસરા, પરમાવ્વા કાચ્ચરાબી અને તેમના પતિ (ડાબે), અસુંદીના માદિગરા કરીમાં તેમના ઘેર. જમણે: વસાહતમાં વસ્તી વધી રહી છે, પરંતુ ત્યાં રહેતા પરિવારો માટે એ જગ્યા પૂરતી નથી

એનએફએચએસ 2019-20ના આંકડા અનુસાર કર્ણાટકમાં 74.6 ટકા પરિવારો 'સુધરેલી સ્વચ્છતા (ખાસ કરીને મળ સાફ કરવાની) સુવિધા' નો ઉપયોગ કરે છે, જ્યારે હાવેરી જિલ્લામાં માત્ર 68.9 ટકા પરિવારો પાસે આવી સુવિધા છે. એનએફએચએસ અનુસાર સુધરેલી સ્વચ્છતા સુવિધામાં "ટાંકી ફ્લશ કરીને અથવા પાણી રેડીને શૌચાલય સાફ કરી શકાય તે પ્રકારની પાઈપવાળી ગટર વ્યવસ્થા (સેપ્ટિક ટેંક અથવા પિટ લેટ્રીન), હવાઉજાસવાળું સુધરેલ પિટ શૌચાલય, સ્લેબ સાથેના પિટ શૌચાલય અથવા કમ્પોસ્ટિંગ શૌચાલય (જૈવિક શૌચાલય) નો સમાવેશ થાય છે." અસુંદીના માદિગરા કરીમાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. ગાયત્રી કહે છે, “હોલ્દાગા હોગબેક્રિ [અમારે ખેતરોમાં પેશાબ કરવા અને મળ ત્યાગ કરવા જવું પડે છે]" તેઓ ઉમેરે છે, "ખેતરના માલિકો પોતાના ખેતરોને વાડ કરી દે છે અને અમને મોટે મોટેથી ગાળો ભાંડે છે."  તેથી વસાહતના રહેવાસીઓ દિવસ ઊગે તે પહેલાં વહેલી સવારે મળ ત્યાગ કરવાનું કામ પતાવી દે છે.

તેના ઉપાય તરીકે ગાયત્રીએ પાણી પીવાનું જ ઓછું કરી દીધું છે. અને હવે જ્યારે જમીનના માલિકો આસપાસ હોય ત્યારે તેઓ પેશાબ કર્યા વિના ઘેર પાછા ફરે ત્યારે તેમને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. “જો હું થોડા સમય પછી પાછી પેશાબ કરવા જાઉં, તો મને પેશાબ કરવામાં ઓછામાં ઓછો અડધો કલાક લાગે છે. એ ખૂબ પીડાદાયક બની જાય છે."

તો બીજી તરફ મંજુલાને યોનિમાર્ગના ચેપને કારણે પેટનો દુખાવો થાય છે. દર મહિને તેમના માસિકસ્ત્રાવનો સમયગાળો પૂરો થાય ત્યારે યોનિમાર્ગ સ્રાવ શરૂ થાય છે. “તે આગામી માસિક ચક્ર સુધી ચાલુ રહે છે. માસિકસ્ત્રાવ ન આવે ત્યાં સુધી મને પેટ અને પીઠનો દુખાવો રહે છે. એ ખૂબ પીડાદાયક હોય છે. મારા હાથ અને પગમાં જરાય તાકાત રહેતી નથી.”

તેઓ અત્યાર સુધીમાં 4-5 ખાનગી દવાખાનામાં બતાવી આવ્યા છે. તેમના સ્કેન સામાન્ય (નોર્મલ) આવ્યા છે. “મને બાળક ન થાય (હું ગર્ભવતી ન થાઉં) ત્યાં સુધી વધુ તપાસ માટે ન જવાનું કહેવામાં આવ્યું હતું. તેથી જ એ પછી હું કોઈ દવાખાનામાં પાછી ગઈ નથી. ત્યાં કોઈ રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું.

ડૉક્ટરોની સલાહથી સંતોષ ન થતાં તેમણે પરંપરાગત જડીબુટ્ટીઓથી બનેલી દવાઓ અને સ્થાનિક મંદિરના પૂજારીઓનો આશરો લીધો. પરંતુ દુખાવો અને સ્રાવ બંધ થયા નથી.

With no space for a toilet in their homes, or a public toilet in their colony, the women go to the open fields around. Most of them work on farms as daily wage labourers and hand pollinators, but there too sanitation facilities aren't available to them
PHOTO • S. Senthalir
With no space for a toilet in their homes, or a public toilet in their colony, the women go to the open fields around. Most of them work on farms as daily wage labourers and hand pollinators, but there too sanitation facilities aren't available to them
PHOTO • S. Senthalir

તેમના ઘરોમાં શૌચાલય માટે જગ્યા ન હોવાથી અથવા તેમની વસાહતમાં જાહેર શૌચાલય ન હોવાથી મહિલાઓ પેશાબ કરવા અને મળ ઉત્સર્જન કરવા માટે આસપાસના ખુલ્લા મેદાનોમાં જાય છે. તેમાંની મોટા ભાગની મહિલાઓ ખેતરોમાં દાડિયા મજૂર તરીકે અને હેન્ડ પોલિનેટર તરીકે કામ કરે છે, પરંતુ ત્યાં પણ તેમને સ્વચ્છતાની (શૌચાલયની) સુવિધાઓ ઉપલબ્ધ નથી

ડૉ. સલદાન્હા કહે છે કે અસ્વચ્છ પાણી અને ખુલ્લામાં શૌચની સાથોસાથ કુપોષણ, કેલ્શિયમની ઉણપ અને લાંબા સમય માટે શારીરિક શ્રમને કારણે પીઠનો દુખાવો, પેટમાં દુખાવો અને પ્રજનન અંગોના ચેપ સાથે યોનિમાર્ગ સ્રાવની સમસ્યા ઊભી થઈ શકે છે.

કર્ણાટક જનરોગ્ય ચલુવલી (કેજેએસ) ના સભ્ય રહી ચૂકેલા ઉત્તર કર્ણાટકના એક કાર્યકર ટીના ઝેવિયર કહે છે, "એ હાવેરી અથવા માત્ર કેટલાક સીમિત વિસ્તારોની વાત નથી."  આ સંસ્થાએ 2019 માં આ પ્રદેશમાં માતૃત્વ મૃત્યુદર સંબંધિત એક અરજી પણ કર્ણાટક હાઈકોર્ટમાં કરી હતી. "શારીરિક રીતે નબળી તમામ મહિલાઓ ખાનગી આરોગ્ય ક્ષેત્ર દ્વારા આર્થિક શોષણનો ભોગ બને છે."

કર્ણાટકમાં ગ્રામીણ આરોગ્ય સુવિધાઓમાં તબીબો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફનો અભાવને કારણે ગાયત્રી અને મંજુલા જેવી મહિલાઓને ખાનગી આરોગ્યસંભાળના વિકલ્પો શોધવાની ફરજ પડે છે. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (નેશનલ રુરલ હેલ્થ મિશન) હેઠળ પ્રજનન અને બાળ આરોગ્યની સ્થિતિની 2017 માં કરવામાં આવેલી તપાસણી માં દેશની પસંદગીની આરોગ્ય સંભાળ સુવિધાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, તેમાં કર્ણાટકમાં તબીબો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની ભારે અછત તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ માળખાકીય સમસ્યાઓથી અજાણ, પોતાની મુશ્કેલીઓથી ચિંતિત ગાયત્રીને આશા છે કે કોઈક દિવસ તેમની સમસ્યાનું નિદાન થઈ જશે. તેમને અસહ્ય પીડા થાય તે દિવસોની ચિંતા કરતા તેઓ કહે છે, "મારું શું થશે? મેં કોઈ રક્ત પરીક્ષણ કરાવ્યું નથી. જો મેં કરાવ્યું હોત તો કદાચ મને ખબર પડી હોત કે સમસ્યા શું છે. મારે ગમે તે રીતે પૈસા ઉછીના લઈને પણ નિદાન તો કરાવવું જ પડશે. બીજું કંઈ નહિ તો મારે ઓછામાં ઓછું એટલું તો જાણવું જોઈએ ને કે મારી તબિયતમાં વાંધો શું છે.

ગ્રામીણ ભારતના  કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

S. Senthalir

ਐੱਸ. ਸੇਂਥਾਲੀਰ, ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਦੀ ਸੀਨੀਅਰ ਸੰਪਾਦਕ ਅਤੇ 2020 ਪਾਰੀ ਫੈਲੋ ਹੈ। ਉਹ ਲਿੰਗ, ਜਾਤ ਅਤੇ ਮਜ਼ਦੂਰੀ ਦੇ ਜੀਵਨ ਸਬੰਧੀ ਰਿਪੋਰਟ ਕਰਦੀ ਹੈ। ਸੇਂਥਾਲੀਰ ਵੈਸਟਮਿੰਸਟਰ ਯੂਨੀਵਰਸਿਟੀ ਵਿੱਚ ਚੇਵੇਨਿੰਗ ਸਾਊਥ ਏਸ਼ੀਆ ਜਰਨਲਿਜ਼ਮ ਪ੍ਰੋਗਰਾਮ ਦਾ 2023 ਦੀ ਫੈਲੋ ਹੈ।

Other stories by S. Senthalir
Illustration : Priyanka Borar

ਪ੍ਰਿਯੰਗਾ ਬੋਰਾਰ ਨਵੇਂ ਮੀਡਿਆ ਦੀ ਇੱਕ ਕਲਾਕਾਰ ਹਨ ਜੋ ਅਰਥ ਅਤੇ ਪ੍ਰਗਟਾਵੇ ਦੇ ਨਵੇਂ ਰੂਪਾਂ ਦੀ ਖੋਜ ਕਰਨ ਲਈ ਤਕਨੀਕ ਦੇ ਨਾਲ਼ ਪ੍ਰਯੋਗ ਕਰ ਰਹੀ ਹਨ। ਉਹ ਸਿੱਖਣ ਅਤੇ ਖੇਡ ਲਈ ਤਜਰਬਿਆਂ ਨੂੰ ਡਿਜਾਇਨ ਕਰਦੀ ਹਨ, ਇੰਟਰੈਕਟਿਵ ਮੀਡਿਆ ਦੇ ਨਾਲ਼ ਹੱਥ ਅਜਮਾਉਂਦੀ ਹਨ ਅਤੇ ਰਵਾਇਤੀ ਕਲਮ ਅਤੇ ਕਾਗਜ਼ ਦੇ ਨਾਲ਼ ਵੀ ਸਹਿਜ ਮਹਿਸੂਸ ਕਰਦੀ ਹਨ।

Other stories by Priyanka Borar
Editor : Kavitha Iyer

ਕਵਿਥਾ ਅਈਅਰ 20 ਸਾਲਾਂ ਤੋਂ ਪੱਤਰਕਾਰ ਹਨ। ਉਹ ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021) ਦੀ ਲੇਖਕ ਹਨ।

Other stories by Kavitha Iyer
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik