ન તો રાત્રીનો અંધકાર એટલો ડરામણો હોય છે કે ન તો થોડી-થોડી વારે બાજુમાંથી દોડી જતી ટ્રેન એટલી ડરામણી હોય છે જેટલો કોઈ પુરુષ તાકી રહ્યો હોવાનો ખ્યાલ.
૧૭ વર્ષીય નીતુ કુમારી કહે છે, “રાતના સમયે ફક્ત રેલના પાટા જ શૌચક્રિયા માટે ઉપલબ્ધ હોય છે.”
નીતુ, દક્ષીણ-મધ્ય પટનાના યારપુર વિસ્તારના વોર્ડ નંબર ૯ ની ઝુંપડીઓમાં રહે છે. આ વસાહતમાં બનેલા ઘણા ઘરોની વચ્ચે સિમેન્ટની એક દીવાલ પણ છે, જ્યાં ઘણાં નળ લાગેલાં છે. ત્યાં બે પુરુષો એમના અંદરના કપડા પહેરીને પોતાના શરીર પર જોરથી સાબુ ઘસી રહ્યા છે. લગભગ ૧૨ એક છોકરાઓ પાણીમાં રમી રહ્યા છે, લપસણી લાદી પર લપસી રહ્યા છે અને એકબીજાને નીચે પાડીને હસી રહ્યા છે.
લગભગ ૫૦ મીટર દૂર એક શૌચાલયોનો બ્લોક છે, જે આ કોલોનીનો એકમાત્ર બ્લોક છે, જેના ૧૦ એ ૧૦ શૌચાલયો પર તાળા મારેલા છે, જેથી કોઈ એનો ઉપયોગ નથી કરતું. મહામારીના લીધે આ લોક સુવિધા કેન્દ્ર લોકોના હવાલે કરવામાં મોડું થયું છે. બ્લોકની નજીક થોડીક બકરીઓ બેઠી છે. પાછળની બાજુ રેલ્વેના પાટા તરફ કચરાના ઢગ છે. અહીંથી સૌથી નજીકનું શૌચાલય ૧૦ મિનીટ દૂર છે, પણ કેટલાક લોકો રેલના પાટા પાર કરીને યારપુરની પેલે પાર બનેલા શૌચાલયનો ઉપયોગ કરે છે - જે પણ ૧૦ મિનીટ દૂર છે.
નીતુ કહે છે, “છોકરાઓ ક્યારેય પણ અને ક્યાંય પણ શૌચ કરી દે છે. પરંતુ, છોકરીઓ માત્ર રાતના સમયે જ પાટાનો ઉપયોગ કરી શકે છે.” નીતુ બીએ પ્રથમ વર્ષની વિદ્યાર્થી છે. (આ લેખમાં બધા નામ બદલી દેવામાં આવ્યા છે.) તેઓ કહે છે કે એમનું નસીબ આ વસાહતની અન્ય છોકરીઓની સરખામણીમાં સારું છે, કેમ કે દિવસના સમયે તેઓ અહીંથી ૨૦૦ મીટર દૂર આવેલા એમની કાકીના ઘરનું શૌચાલય વાપરી શકે છે.
નીતુ કહે છે, “આ સિવાય અમારા ઘરમાં બે રૂમ છે. એકમાં મારો નાનો ભાઈ સૂએ છે અને બીજામાં હું, મમ્મી અને પપ્પા રહીએ છીએ. આથી, મને સેનીટરી પેડ બદલવા માટે ગોપનીયતા મળી જાય છે. ઘણી છોકરીઓ અને સ્ત્રીઓને આ માટે આખો દિવસ વાટ જોવી પડે છે, જેથી તેઓ રાતના અંધારામાં રેલના પાટા પર જઈને સેનીટરી પેડ બદલી શકે.”
એમની કોલોની, વોર્ડ નંબર ૯ની ઝુંપડીઓ તથા એની બાજુની યારપુર આંબેડકર નગરની ઝુંપડીઓમાં મળીને કુલ ૨,૦૦૦ પરિવારો રહે છે, જેમાંથી મોટાભાગના મજૂરો છે અને અહિંના નિવાસીઓમાં મોટાભાગના નીતુની જેમ પટનામાં બે પેઢીઓથી રહે છે. એમાંથી ઘણા પરિવાર બિહારના અન્ય ક્ષેત્રોમાં રોજગારની શોધમાં દાયકાઓ પહેલા શહેરમાં આવ્યા અને અહિં જ રોકાઈ ગયા છે.
યારપુર આંબેડકર નગરની સ્ત્રીઓ જણાવે છે કે તેઓ લાંબા સમયથી સેનીટરી નેપકીનનો ઉપયોગ કરતી હતી, પણ હવે મહામારીના લીધે નોકરીઓ છૂટી જવાથી અને આર્થિક સંકટના લીધે કેટલીક સ્ત્રીઓ ઘરે બનાવેલા કાપડના નેપકીન વાપરવા મજબૂર થઇ ગઈ છે. અને અન્ય સ્ત્રીઓ, જેઓ મારી સાથે વાત કરવા માટે મંદિરના વરંડામાં એકઠી થઇ હતી, તેઓ કહે છે કે ત્યાં શૌચાલય છે તો ખરા, પણ જાળવણી અને સમારકામના અભાવ ઉપરાંત ત્યાં અજવાળું પણ ઓછું હોય છે. શૌચાલય ૨૪ કલાક ખુલ્લા રહે છે, પણ અંધારામાં ત્યાં જવું એક મોટી સમસ્યા છે.
૩૮ વર્ષીય પ્રતિમા દેવી કહે છે કે, “પાટાની પેલે પાર વોર્ડ નંબર ૯ માં જ એક શૌચાલય છે, એ સિવાય અહિં એકેય શૌચાલય નથી.” પ્રતિમા દેવી માર્ચ ૨૦૨૦માં શાળાઓ બંધ થઇ તે પહેલા સુધી, એક શાળામાં બસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવીને મહીને ૩,૫૦૦ રૂપિયા કમાતા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેમને કંઈ કામ મળ્યું નથી. એમના પતિ એક હોટલમાં ખાવાનું બનાવતા હતા, પણ ૨૦૨૦ના અંતમાં તેમની પણ નોકરી જતી રહી.
હવે આ બંને પતિ-પત્ની યારપુર જતા મુખ્ય રસ્તા પર, એક થેલામાં સમોસા અને બીજામાં નાસ્તો વેચીને રોજગાર મેળવી રહ્યા છે. પ્રતિમા દરરોજ સવારે ચાર વાગે ઉઠીને ખાવાનું બનાવે છે, ખરીદી કરે છે, આખા દિવસ દરમિયાન વેચવાની વસ્તુઓ બનાવે છે, અને સાફ-સફાઈ કરીને પરિવાર માટે બીજા વખત માટેનું ખાવાનું બનાવે છે. તેઓ કહે છે, “અમે પહેલાની જેમ કંઈ દસથી બાર હજાર રૂપિયા નથી કમાતા, આથી અમારે ઘરખર્ચમાં ઘણી સાવધાની રાખવી પડે છે.” પ્રતિમા યારપુરની એ સ્ત્રીઓ માંથી છે જેમણે હાલ પૂરતા સેનીટરી નેપકીન ખરીદવાનું બંધ કરી દીધું છે.
નીતુ કોલેજની વિદ્યાર્થી છે. તેમના પિતાને દારૂની લત હતી, અને થોડાક વર્ષો પહેલા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના માતા વસાહતથી પાંચ કિલોમીટર દૂર આવેલા બોરિંગ રોડ પાસેના કેટલાક ઘરોમાં ખાવાનું બનાવવાનું કામ કરે છે. આ સિવાય, સાફ-સફાઈના નાના-મોટા કામ કરીને તેઓ મહીને પાંચથી છ હજાર રૂપિયા કમાય છે.
નીતુ કહે છે, “કોલોનીમાં અમારી બાજુના ૮-૧૦ ઘર એવાં છે જેમની પાસે ખાનગી શૌચાલયની સુવિધા છે. પરંતુ, એમના સિવાય બાકીના બધા લોકો કાં તો પાટા પર કાં તો કોઈ બીજા જાહેર શૌચાલયમાં શૌચક્રિયા કરવા જાય છે.” આમાં એમના ફોઈ, અને કાકીનું ઘર પણ છે - જો કે આવા શૌચાલયમાં નિકાલ વ્યવસ્થા સામાન્ય જ હોય છે, અને તે કોઈ ગટર લાઈનથી જોડાયેલા નથી હોતા. “મને ફક્ત રાતના સમયે તકલીફ થાય છે. પણ, હવે મને આદત પડી ગઈ છે,” તેઓ ઉમેરે છે.
એ રાત્રિઓમાં જયારે નીતુને રેલના પાટા ઉપર શૌચક્રિયા કરવા જવું પડે છે, તેમણે ટ્રેનની હોર્નના અવાજ અને એની કંપારીથી સજાગ રહેવું પડે છે. તેઓ કહે છે કે વર્ષો જતા, આ વિસ્તારમાં આવતી ટ્રેનના સમય અને આવૃત્તિ વિષે તેમને અંદાજ થઇ ગયો છે.
તેઓ કહે છે, “આ સુરક્ષિત નથી અને હું આશા રાખું છું કે મારે ત્યાં ન જવું પડે, પણ બીજો વિકલ્પ શું છે? ઘણી છોકરીઓ અને સ્ત્રીઓ પાટા પર સૌથી અંધારી જગ્યાએ જઈને સેનીટરી નેપકીન બદલે છે. ક્યારેક તો એવું લાગે છે કે પુરુષો અમને જોઈ રહ્યા છે.” તેઓ આગળ કહે છે કે સફાઈ કરવી પણ દર વખતે શક્ય નથી હોતી, પણ જો ઘરે પુરતું પાણી હોય તો, તેઓ એક ડોલ પાણી ભરીને આવે છે.
જો કે તેઓ કોઈના દ્વારા નજર રાખવાની આશંકા વિષે જણાવે છે, પણ ન તો નીતુ કે ન તો અન્ય યુવાન સ્ત્રીઓ કે છોકરીઓ શૌચક્રિયા માટે જતી વખતે જાતીય ઉત્પીડન થયું હોવાની વાત કરે છે. શું તેઓ શૌચ ક્રિયા માટે જતી વખતે સુરક્ષિત અનુભવ કરે છે? નીતુની જેમ, બાકી બધા પણ કહે છે કે હવે તેમને આદત થઇ ગઈ છે અને તેઓ સાવધાની માટે ટોળામાં જ શૌચક્રિયા માટે જાય છે.
નીતુની મા એ મહામારી દરમિયાન કેટલાક મહિનાઓ સુધી સેનીટરી નેપકીન ખરીદવાનું બંધ કરી દીધું હતું. નીતુ કહે છે, “મેં તેમને કહ્યું કે આ જરૂરી છે. હવે અમે તે ખરીદીએ છીએ. ક્યારેક-ક્યારેક કેટલાક એનજીઓ સેનીટરી નેપકીનના થોડાક પેકેટ આપી જાય છે.” પણ, આ સેનીટરી નેપકીનનો નિકાલ ક્યાં અને કઈ રીતે કરવો એ પણ એક પ્રશ્ન છે. તેઓ આગળ કહે છે, “ઘણી છોકરીઓ એમને જાહેર શૌચાલયો કે પછી ટ્રેનના પાટા પર મુકીને આવે છે, કેમકે એમને કાગળમાં લપેટીને કચરા પેટી શોધવી અજીબ લાગે છે.”
નીતુ પોતે પણ યોગ્ય સમયે કચરાની ગાડી સુધી પહોંચી જાય તો ત્યાં, નહિંતર તેઓ ચાલીને આંબેડકર નગરની ઝુંપડીઓના બીજા છેડે રાખેલો કચરા પેટીમાં તેમના વાપરેલા સેનીટરી નેપકીનનો નિકાલ કરે છે. જો એમની પાસે ત્યાં ૧૦ મિનીટ ચાલીને જવાનો સમય ન હોય તો તેઓ તેને એ પાટા ઉપર જ ફેંકી દે છે.
યારપુરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર, દક્ષિણ-મધ્ય પટનામાં આવેલા હજ ભવનના પાછળ સગદ્દી મસ્જિદ રોડ પર ખુલ્લા ગટરની બંને બાજુ અડધા પાકા ઘરોની લાંબી લાઈન લાગેલી છે. અહિંના રહેવાસીઓ પણ આ શહેરમાં સ્થળાંતરિત થઈને લાંબા સમયથી અહિં રહે છે. આમાંથી ઘણા લોકો રજાઓમાં, લગ્ન પ્રસંગે, અને અન્ય સમારોહમાં બેગુસરાય, ભાગલપુર, કે પછી ખાગારીયામાં તેમના પરિવારો પાસે જાય છે.
૧૮ વર્ષીય પુષ્પા કુમારી એ લોકોમાંથી છે કે જેઓ ગટર લાઈનના નીચલા કિનારે રહે છે. તેઓ કેડી પર હાથ મુકીને વધારે વરસાદ પડે ત્યારે સર્જાતી પરીસ્થિતિ વિષે કહે છે, “અહિં સુધી પાણી ભરાઈ જાય છે. ગટર ઉભરાઈને અમારા ઘરો અને શૌચાલયોમાં આવી જાય છે.”
લગભગ ૨૫૦ ઘરોમાં મોટાભાગના ઘરોના બહાર શૌચાલય છે, જે આ પરિવારોએ ગટરના કિનારે બનાવ્યા છે. શૌચાલય માંથી નીકળતો બગાડ બે મીટર પહોળા ગટરમાં જાય છે, જ્યાંથી ખુબજ દુર્ગંધ આવે છે.
૨૧ વર્ષીય સોની કુમારી, જેઓ અહિંથી થોડાક ઘરોના અંતરે રહે છે, કહે છે કે વરસાદના મહિનાઓમાં શૌચાલયમાંથી પાણી નો નિકાલ થતા ઘણીવાર આખો દિવસ પસાર થઇ જાય છે. આ દરમિયાન, એમની પાસે વાટ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.
એમના પિતા જેઓ ખાગરીયાજિલ્લાના એક જમીન વગરના પરિવારથી આવે છે, પટના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરાર પર કામ કરનારા એક સફાઈ કર્મચારી છે. તેઓ કચરા ગાડી ચલાવે છે અને એક મોટા ડબ્બામાં કચરો એકઠો કરવા માટે ગલી-ગલીમાં ફરે છે. સોની કહે છે, “એમણે આખા લોકડાઉન દરમિયાન કામ કર્યું હતું. તેમને [એમની ટીમને] માસ્ક અને સેનીટાઈઝર આપીને કામ પર જવાનું કહેવામાં આવ્યું હતું.” સોની બીએ બીજા વર્ષની વિદ્યાર્થી છે. એમની મા નજીકના ઘરમાં આયા તરીકે કામ કરે છે. તેમના ઘરની માસિક આવક ૧૨,૦૦૦ રૂપિયા છે.
ખુલ્લા ગટર વાળી એમની કોલોનીમાં દરેક શૌચાલય ઘરની આગળ બનેલું છે અને એનો ઘરના લોકો દ્વારા જ ઉપયોગ થાય છે. પુષ્પા કહે છે, “અમારું શૌચાલય ખરાબ હાલતમાં છે, અને એક દિવસ સ્લેબ ગટરમાં પડી ગયો હતો.” પુષ્પાની મા ગૃહિણી છે અને તેમના પિતા કડિયા કામ અને બાંધકામના સ્થળોએ મજૂરી કરે છે, પણ તેમને ઘણા મહિનાઓથી કામ મળ્યું નથી.
શૌચાલય નાનકડા ચોકઠાંના સ્વરૂપમાં છે, જે એસ્બેસ્ટોસ અથવા ટીનની શીટોથી બનેલા હોય છે અને વાંસના થાંભલાઓ અને રાજનૈતિક પક્ષોના ફેંકી દીધેલા બેનર, લાકડી, અને ઇંટો જેવી સામગ્રીના સહારે ઉભા કરેલ હોય છે. એમાં બેસીને મળમૂત્ર ત્યાગ માટે સિરામિક બાઉલ હોય છે - જેમાંથી મોટાભાગના કાં તો તૂટી ગયા છે, કાં તો દાગ અને ધબ્બાવાળા છે, જેને કેટલાક શૌચાલયોમાં થોડેક ઉંચે બનાવેલા છે. આ શૌચાલયોમાં કોઈ દરવાજો નથી અને એમાં ગોપનીયતા જાળવવાના નામે જુના કપડા લટકાવવામાં આવ્યા છે.
આ વસાહતના શરૂઆતના મકાનોથી થોડેક જ દૂર, સગદ્દી મસ્જિદ રોડના અંતે, એક સરકારી પ્રાથમિક શાળા છે. આ ઈમારતની બહાર બે શૌચાલય છે, જેના ઉપર મહામારીની શરૂઆતથી (ગયા વર્ષે માર્ચ ૨૦૨૦થી) શાળાની જેમ જ તાળા લાગેલાં છે.
કોલોનીના રહેવાસીઓ સાર્વજનિક નળની હરોળ માંથી પાણી લાવે છે, જે સ્નાનાગાર પણ છે. કેટલીક સ્ત્રીઓ એમના ઘરની પાછળ ખૂણામાં પડદો કરીને થોડી ઘણી ગોપનીયતા જાળવીને સ્નાન કરે છે. ઘણી છોકરીઓ અને યુવાન સ્ત્રીઓ પોતાના ઘરની બહાર દરવાજા પર કે પછી સાર્વજનિક નળની હરોળ પાસે સમૂહમાં પુરા કપડા પહેરીને સ્નાન કરે છે.
સોની કહે છે, “અમારા માંથી કેટલાક અમારા ઘરની પાછળ ખૂણામાં પાણી લઇ જઈને સ્નાન કરવા જઈએ છીએ. ત્યાં થોડી ઘણી ગોપનીયતા સચવાય છે.”
પુષ્પા સ્નાન કરવાની વાત વિષે કહે છે, “અમે એડજસ્ટ કરી લઈએ છીએ, પણ પાણી લઈને શૌચાલય સુધી ચાલતા જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.” તેઓ હસીને આગળ કહે છે, “બધાને ખબર છે કે તમે ક્યાં જઈ રહ્યા છો.”
આ સિવાય, પાણીનો એકમાત્ર વિકલ્પ હેન્ડપંપ છે, જે આ વસાહતમાં અલગ-અલગ જગ્યાએ લાગેલાં છે. એ જ પાણી (નળ અને હેન્ડપંપ નું) ઘરમાં ખાવાનું બનાવવા અને પીવાના કામો સહીત બધા કામોમાં ઉપયોગમાં લેવાય છે. છોકરીઓ કહે છે કે, એનજીઓના સ્વયંસેવકો અને શાળાના શિક્ષકો આવીને અહિંના લોકોને પીવાના ચોખ્ખા પાણી વિષે સલાહ આપે છે, તેમ છતાં અહિં કોઈ પાણી ઉકાળતું નથી.
સેનીટરી નેપકીન અહિં સામાન્ય વાત છે, અને ખુબજ ઓછી છોકરીઓ કપડાનો ઉપયોગ કરે છે. જો કે, લોકડાઉન દરમિયાન દુકાનથી નેપકીન ખરીદવામાં એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઘણી છોકરીઓ કહે છે કે તેમની માતાઓ હંમેશા એમના માટે પેડ ખરીદે છે, પણ વયસ્ક સ્ત્રીઓ પોતે તો કપડાનો ઉપયોગ કરે છે.
ઘણીવાર, વાપરેલા સેનીટરી નેપકીન ખુલ્લા ગટરમાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં થોડાક દિવસો કે અઠવાડિયાઓ પછી કાગળ કે પોલીથીન માંથી તે બહાર આવી જાય છે. સોની કહે છે કે, “અમારે [એનજીઓ અને સ્વયંસેવકો દ્વારા] કહેવામાં આવ્યું હતું કે પેડને સારી રીતે ઢાંકીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીમાં કચરો વીણતી ગાડીમાં ફેંકી દેવા. પણ એક પેડ ભલેને સારી પેઠે ઢાંકેલું હોય, તેને સાથે લઈને ચાલવામાં અને તેને કચરાપેટીમાં ફેંકવું શરમજનક લાગે છે, કારણ કે બધા પુરુષો તે જોઈ રહ્યા હોય છે.”
સ્થાનિક સામુદાયિક હોલમાં મારી સાથે વાત કરવા એકઠી થયેલી છોકરીઓ હસીને ઘણી વાતો કરે છે. પુષ્પા બધાને યાદ કરાવે છે, “યાદ છે ગયા ચોમાસામાં આપણે આખો દિવસ ખાધું નહોતું જેથી આપણે પાણીથી છલોછલ ભરાયેલા શૌચાલયમાં જવું ન પડે?”
સોની સ્નાતક બન્યા પછી નોકરી કરવા માંગે છે. તેઓ કહે છે, “આવું એટલા માટે કે જેથી મારા માતા-પિતા ને એ કામ ન કરવું પડે જ તેઓ અત્યારે કરી રહ્યા છે.” તેઓ આગળ કહે છે કે અત્યારે તેમને ભણતર, થોડીક સ્વાસ્થ્ય સેવાઓ અને અન્ય સુવિધાઓ મેળવી છે, પણ સ્વચ્છતા બાબતે તેઓ હજુપણ ઘણા પછાત છે: “ઝુંપડીમાં શૌચાલયો છોકરીઓ માટે સૌથી મોટી સમસ્યા છે.”
લેખકની નોંધ: હું દીક્ષા ફાઉન્ડેશનને આ લેખમાં મદદ કરવા બદલ અને ઈનપુટ આપવા બદલ આભાર માનું છું. આ ફાઉન્ડેશન (યુએનએફપીએ અને પટના મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને) પટના શહેરની ઝુંપડીઓમાં રહેતી સ્ત્રીઓ અને બાળકોને લગતા સ્વચ્છતાના અને અન્ય મુદ્દાઓ પર કામ કરે છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદક: ફૈઝ મોહંમદ