પંજાબના સંગરૂર જિલ્લાનાં રહેવાસી 60 વર્ષીય ચરણજીત કૌર કહે છે, “અમારે દિલ્હીથી પાછા ફર્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સરકારે કહ્યું હતું કે તેઓ અમારી બધી માંગણીઓ પૂરી કરશે, પરંતુ તે માંગણીઓ પર ચર્ચા કરવા માટે કોઈએ અમને ખેડૂતોને બોલાવ્યા જ નથી.” તેઓ અને તેમનો પરિવાર તેમની બે એકર જમીન પર ઘરગથ્થુ વપરાશ માટે ઘઉં, ડાંગર અને થોડા શાકભાજીનું વાવેતર કરે છે. તેઓ ઉમેરે છે, “અમે બધા ખેડૂતોના અધિકારો માટે લડી રહ્યાં છીએ.”
ચરણજીત તેમનાં પાડોશી અને સહેલી ગુરમિત કૌર સાથે પટિયાલા જિલ્લાના શંભુ સરહદ પર મહિલાઓના જૂથમાં બેઠેલાં છે. આ ટોળા પર બપોરનો સૂર્યનો તડકો પડી રહ્યો છે. ગુરમિત કહે છે, “તેમણે (સરકારે) અમને દિલ્હી જવા પણ નથી દીધાં.” ગુરમિત કોંક્રિટની દિવાલો, લોખંડના ખીલા અને કાંટાળા તારોના બહુસ્તરીય બેરિકેડ્સનો ઉલ્લેખ કરી રહ્યાં છે, જે હરિયાણા-પંજાબની સરહદો પરના રસ્તાઓ પર અને પછી દિલ્હી-હરિયાણાની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હી પહોંચતા અટકાવવા માટે અવરોધ તરીકે લગાવવામાં આવ્યા છે. વાંચો: શંભુ સરહદ પર મારો જીવ ઘૂંટાય છે
અહીં એકત્ર થયેલા ખેડૂતો કહે છે કે કેન્દ્ર સરકાર તેમને ઘણી બાબતોમાં નિષ્ફળ રહી છે, અને તે છે: સ્વામીનાથન પંચની ભલામણો અનુસાર લઘુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી.) ની બાંયધરી, ખેડૂતો અને ખેત મજૂરોની સંપૂર્ણ દેવા માફી, લખીમપુર-ખેરી હત્યાકાંડમાં અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય, ગુનેગારોની ધરપકડ, ખેડૂતો અને મજૂરો માટે પેન્શન યોજના અને 2020-2021ના વિરોધ પ્રદર્શનમાં શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને વળતર.
થોડા અઠવાડિયા પહેલાં 13 ફેબ્રુઆરીના રોજ, જ્યારે આ ખેડૂતોએ તેમની માંગણીઓ માટે દબાણ ઊભું કરવા માટે દેશની રાજધાની તરફ શાંતિપૂર્ણ કૂચ શરૂ કરી હતી, ત્યારે તેમને આગળ વધતા રોકવા માટે હરિયાણા પોલીસ દ્વારા તેમના પર આંસુ ગેસ, પાણીના ગોળા, અને પેલેટ ગનથી રબરની ગોળીઓ વરસાવવામાં આવી હતી.
સુરિંદર કૌરના પુત્ર પણ હરિયાણા અને પંજાબની વચ્ચેની શંભુ સરહદ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ કહે છે, “સડ્ડે તે મોબાઇલ, ટેલિવિઝન બન્દ હી નહીં હોંદે. અસી દેખતે હૈ ના સારા દિન ગોલે વજદે, તદો મન વિચ હૌલ જેયા પૈન્દા હૈ કી સાદે બચ્ચે તેયે વજ્જે ના. [અમારા મોબાઈલ ફોન અને ટેલિવિઝન સતત ચાલુ રહે છે. જેમ જેમ અમે દિવસ દરમિયાન આંસુ ગેસની ગોળીબારને જોતાં હોઈએ છીએ, તેમ તેમ અમને અમારાં બાળકોની સલામતીની ચિંતા થાય છે.]”
સુરિંદર કૌર ખોજે માજરા ગામનાં છે અને 24 ફેબ્રુઆરી, 2024ની સવારે 21 વર્ષીય શુભકરણ સિંહ માટે મીણબત્તીની રેલીમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં, જે ખનૌરીમાં હરિયાણા-પંજાબ સરહદ પર સુરક્ષા કર્મચારીઓ અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે અથડામણમાં મૃત્યુ પામ્યા હતા.
તેઓ ભારપૂર્વક જણાવે છે, “અમે અમારા અધિકારો (હક) માટે વિરોધ કરી રહ્યાં છીએ, જ્યાં સુધી અમારા અધિકારો અમને આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે પાછાં નહીં જઈએ.” 64 વર્ષીય સુરિંદરની સાથે તેમનાં પુત્રવધૂ અને પૌત્રો પણ છે.
સુરિંદર કૌરનો છ લોકોનો પરિવાર ફતેહગઢ સાહિબ જિલ્લામાં તેમના બે એકરના ખેતર પર આધાર રાખે છે જ્યાં તેઓ ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. તેઓ કહે છે કે માત્ર પાંચ પાક માટે આપવામાં આવેલું એમ.એસ.પી. પૂરતું નથી. તેઓ તેમના ખેતરોમાં અને તેની આસપાસ વેચાતા સરસવ જેવા અન્ય પાકોનો ઉલ્લેખ કરતાં કહે છે, “મિટ્ટી દે ભાવ લાએન્દે હૈ સડ્ડી ફસલ [તેઓ અમારા પાકને પાણીના ભાવે ખરીદે છે].”
વિરોધ પ્રદર્શનની શરૂઆતથી જ જેમના પુત્રો વિરોધ સ્થળ પર હાજર છે, તેવાં દેવિંદર કૌર ચિંતિત અવાજે પૂછે છે, “અમારા શાંતિપૂર્ણ વિરોધ છતાં, પોલીસ આવા આત્યંતિક પગલાંનો આશરો કેમ લે છે?” પંજાબના સાહિબઝાદા અજીત સિંહ નગર જિલ્લાના લાંડરા ગામનાં રહેવાસી દેવિંદર કૌર પણ તેમના પરિવાર સાથે અહીં આવ્યાં છે. તેમના પરિવારમાં તેમની પુત્રવધૂઓ અને અનુક્રમે 2,7 અને 11 વર્ષની વયના પૌત્રોનો સમાવેશ થાય છે.
દેવિંદર પૂછે છે, “સરકાર માત્ર ઘઉં અને ડાંગર એમ બે પાક માટે જ એમ.એસ.પી. (લઘુતમ ટેકાના ભાવ) પૂરાં પાડે છે. પછી તેઓ અમને અન્ય પાકોમાં વિવિધતા લાવવા (બદલા કરો) નું કહે છે. આવા સંજોગોમાં અમે કેવી રીતે વિવિધતા લાવી શકીએ? અમે જે મકાઈ ઉગાડીએ છીએ તે 800 થી 900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવે છે, જ્યારે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા મકાઈ પર 1,962 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એમ.એસ.પી. નક્કી કરવામાં આવી છે.”
બેરિકેડ્સથી લગભગ 200 મીટર દૂર, ટ્રોલી પર બનેલા કામચલાઉ મંચ પર ઊભા રહીને ખેડૂત નેતાઓ ભાષણો આપી રહ્યા છે અને વિરોધ કરી રહેલા ખેડૂતોને આગામી કાર્યક્રમો વિશે અપડેટ કરી રહ્યા છે. લોકો ધોરીમાર્ગ પર પાથરેલી ચટ્ટાઈ પર બેઠા છે; હજારો ટ્રેક્ટર ટ્રોલીઓનો ચાર કિલોમીટર લાંબો કાફલો પંજાબ તરફ લંબાય છે.
પંજાબના રાજપુરાનાં 44 વર્ષીય ખેડૂત પરમપ્રિત કૌર 24 ફેબ્રુઆરીથી અહીં શંભુ ખાતે છે. અમૃતસર અને પઠાણકોટ ગામોની ટ્રેક્ટર ટ્રોલીઓમાં દરેકમાં ચારથી પાંચ મહિલાઓ હોય છે. તેઓ આખો દિવસ અહીં રહે છે અને બીજા દિવસે મહિલાઓના અન્ય જૂથો આવે છે. તેઓ કહે છે કે વિરોધ સ્થળ પર શૌચાલયોની અછતને કારણે તેઓ રાતોરાત અહીં રહી શકતાં નથી. પરમપ્રિત કહે છે, “મને એવું લાગે છે કે મારા પરિવારમાંથી કોઈએ મારી મદદ માટે આવવું જોઈએ.” તેમનો 21 વર્ષીય પુત્ર બીમાર છે અને અહીં આવી શક્યો નથી તેથી તેઓ તેના બદલે તેમના સંબંધીઓ સાથે આવ્યાં છે. આ પરિવાર પાસે 20 એકર જમીન છે જેના પર તેઓ ઘઉં અને ડાંગરનું વાવેતર કરે છે, પરંતુ 2021માં તેમના પતિને સ્ટ્રોકનો હુમલો થયા પછી, તેઓએ આ જમીનમાંથી કંઈપણ કમાવ્યું નથી.
તેઓ ઉમેરે છે, “અહીં કોઈને પણ ભાડાપટ્ટા પર ખેતી કરવામાં રસ નથી, કારણ કે નજીકના કારખાનામાંથી છોડવામાં આવેલા રસાયણથી ત્યાંનું ભૂગર્ભજળ પ્રદૂષિત થયું છે.”
અમનદીપ કૌર અને તેમના પરિવાર પાસે પટિયાલા જિલ્લાના ભટેહરી ગામમાં 21 એકર જમીન છે. તેઓ મુખ્યત્વે ઘઉં અને ડાંગરનું વાવેતર કરે છે. “પાક જ્યારે અમારા ખેતરોમાં ઊભો હોય ત્યારે તેનું મૂલ્ય નગણ્ય રહે છે. જો કે, એકવાર તે અમારો કબજો છોડી દે ત્યારે બજારમાં તે બમણી કિંમતે વેચાય છે.”
વિરોધ વિશે બોલતાં તેઓ કહે છે, “પ્રદર્શનકારીઓ નિઃશસ્ત્ર છે, તેમ છતાં સરકાર તેના પોતાના નાગરિકો સામે હથિયારોનો ઉપયોગ કરી રહી છે. ભારતમાં રહેવા માટે હવે વધુ કારણો રહ્યાં નથી. તેમાં કોઈ નવાઈની વાત નથી કે હવે યુવાનો દેશ છોડી છોડીને જઈ રહ્યા છે. અહીં માત્ર નોકરીઓ જ મર્યાદિત છે એવું નથી, પરંતુ જ્યારે અમે અમારા અધિકારો માટે દાવો કરીએ છીએ, ત્યારે અમારે આવી વર્તણૂકનો સામનો કરવો પડે છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ