"એઇ ગાછ, એઇ ઘોર, એઇ માટીર જે માયા, શેઇ માયા લીયે અમ્ર કુઠ્ઠાય જાબો? [આ ઝાડ… આ ઘર… આ જમીનની માયા… અમારે આ બધાંની હૂંફને કેવી રીતે લઈ જવી?]"
અપુનકુળી હેમ્બ્રોમ દુ:ખી પણ છે અને ગુસ્સે પણ છે. ચારે તરફ તેમની આંખો ફેરવીને આ સંથાલ આદિવાસી કહે છે, “આ બધું મારું છે.” જમીન પર એક ચિહ્નથી બીજા ચિહ્ન તરફ નિર્દેશ કરતાં આ 40 વર્ષીય ઉમેરે છે, “મારી પાસે મારી પોતાની જમીન છે.” તેમની 5-6 વીઘા (આશરે દોઢ એકર) જમીન પર ડાંગરની ખેતી કરવામાં આવે છે.
“શું આટલા વર્ષોમાં મેં જે કંઈ બનાવ્યું છે, તે બધું સરકાર આપી શકશે?” પશ્ચિમ બંગાળના બિરભુમ જિલ્લાની દેઉચા પાચામી (જેને દેઉચા પાછ્મી તરીકે પણ લખાય છે) કોલસાની ખાણ પરિયોજના, અપુનકુળીના હોરીંશિંગા સહિત 10 ગામોને બરબાદ કરી મૂકશે.
અપુનકુળી મક્કમ અવાજે કહે છે, “આ બધું છોડીને અમે ક્યાં જઈશું? અમે ક્યાંય જવાનાં નથી.” ખાણની પરિયોજના સામેના વિરોધ પ્રદર્શનમાં તેઓ મોખરે છે. તેમના જેવી મહિલાઓ પોલીસદળ અને શાસક પક્ષની સંયુક્ત શક્તિનો સામનો કરીને મીટિંગો અને કૂચનું આયોજન કરી રહી છે. તેઓ લાકડીઓ, સાવરણી, દાતરડાં, અને કાટારી (ધારિયા જેવી કુહાડી) જેવા રસોડા અને ખેતીના ઓજારોથી સજ્જ છે.
હોરીંશિંગા ગામમાં શિયાળાની બપોરનો સૂરજ ચમકી રહ્યો છે. અપુનકુળી તેમનાં પાડોશી, લબ્શાના ઘરના આંગણામાં ઊભાં રહીને અમારી સાથે વાત કરી રહ્યાં છે. ગામના પ્રવેશદ્વારે આવેલા લબ્શાના ઘરના ઓરડાઓ ઈંટના બનેલા છે અને છત ટાઈલ્સથી બનેલી છે.
બપોરના ભોજનમાં ગઈકાલે રાત્રે રાંધેલા ભોજનમાંથી વધેલા શાક સાથે ચોખા અને પાણીનું મિશ્રણ ખાતાં લબ્શા હેમ્બ્રોમ આ ચર્ચામાં જોડાઈને કહે છે, “તેમણે અમારી જમીનો પર કબજો કરવા માટે અમારો જીવ લેવો પડશે.” 40 વર્ષીય લબ્શા ક્રશરમાં કામ કરે છે, જ્યાં પથ્થરો તોડવામાં આવે છે. ત્યાં 200 થી 500 રૂપિયા જેટલું દૈનિક વેતન મળે છે.
હોરીંશિંગાની મોટાભાગની વસ્તી આદિવાસી છે. અહીં ઘણા વર્ષો પહેલા ઓડિશાથી આવેલા દલિત હિંદુઓ અને ઉચ્ચ જાતિના સ્થળાંતર મજૂરો પણ રહે છે.
અપુનકુળી, લબ્શા અને અન્ય લોકોની માલિકીની જમીન વિશાળ દેઉચા-પાચામી-દિવાનગંજ-હોરીંશિંગા કોલસાના બ્લોક પર આવેલી છે. પશ્ચિમ બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન હેઠળ અમલમાં મૂકાનારી આ પરિયોજના, ટૂંક સમયમાં જીવંત થશે. અને જિલ્લા વહીવટીતંત્ર અનુસાર, 2.31 ચોરસ કિલોમીટર અથવા 3,400 એકર વિસ્તારને આવરી લેતી ઓપન-કાસ્ટ કોલસાની આ ખાણ એશિયાની સૌથી મોટી અને વિશ્વની બીજા ક્રમે હશે.
આ ખાણની પરિયોજના બિરભુમ જિલ્લાના મોહંમદ બજાર બ્લોકનાં હાટગાચ્છા, મોકદુમનગર, બહાદુરગંજ, હોરીંશિંગા, ચાંદા, સાલુકા, દિવાનગંજ, આલીનગર, કાબિલનગર, નિશ્ચિંતપુર મૌઝા ગામોની જમીનને ભરખી જશે.
દેઉચા પાચામીની મહિલાઓ ખાણકામ વિરોધી આંદોલનમાં સક્રિય ફાળો ભજવી રહી છે. લબ્શા કહે છે, “અમે [ગ્રામજનો] આ વખતે એક છીએ. જમીનનો આ પટ્ટો બહારના લોકોને નહીં મળે. અમે અમારાં દીલોજાનથી તેનું રક્ષણ કરીશું.”
અધિકારીઓ આ પરિયોજનાથી “પશ્ચિમ બંગાળ આવનારાં 100 વર્ષોમાં વિકાસના અજવાળામાં ‘ચમકશે’” ના દાવા કરી રહ્યા છે, તેનાથી વિપરીત આ પરિયોજના ત્યાંના હજારો રહેવાસીઓને, બેઘર અને જમીનવિહોણા બનાવી દેશે.
આ ‘અજવાળા’ની ઓથે અંધકાર તોળાઈ રહ્યો છે. કદાચ કોલસા જેટલો જ ઘાટો. આ પરિયોજનાથી પર્યાવરણ પર પણ વિનાશક અસર થશે.
ડિસેમ્બર 2021માં ખાણના વિરોધમાં એક નિવેદન પ્રકાશિત કરીને, પર્યાવરણવિદો અને પર્યાવરણ કાર્યકરો સહિત પશ્ચિમ બંગાળના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. નિવેદનમાં નોંધવામાં આવ્યું હતું કે, “ખુલ્લા-ખાડાવાળી કોલસાની ખાણોમાં, લાખો વર્ષોથી બનેલી ટોચ પરની માટી કાયમ માટે ધોવાઈ જાય છે અને કચરાના ઢગલામાં ફેરવાઈ જાય છે. માત્ર ભૂસ્ખલન જ નહીં, પણ આનાથી પૃથ્વી અને જમીન પર રહેનારા જીવોને પણ ભારે નુકસાન થાય છે. ચોમાસા દરમિયાન, કચરાના આ ઢગલાનું ધોવાણ થાય છે અને તે વિસ્તારની નદીઓના તળિયે જમા થાય છે, જેના કારણે અણધાર્યાં પૂર આવે છે. [...] જેનાથી ફક્ત આ વિસ્તારના ભૂગર્ભજળના પ્રવાહમાં જ વિક્ષેપ નથી પડતો, પરંતુ તે ખેત અને જંગલની પેદાશોના ઉત્પાદન પર પણ પ્રતિકૂળ અસર કરે છે અને સમગ્ર પ્રદેશના પર્યાવરણીય સંતુલનને નુકસાન પહોંચાડે છે.”
વિરોધ કરી રહેલી મહિલાઓ ધામશા અને માદુલ પર આધાર રાખી રહી છે. ધામશા અને માદુલ ફક્ત સંગીતનાં સાધનો જ નથી, પણ તે આદિવાસી સમુદાયના સંઘર્ષો સાથે આંતરિક રીતે જોડાયેલા તેમના જીવન અને પ્રતિકારના આ પ્રતીકો છે. આની ધૂન પર તેઓ તેમના સૂત્ર ઉચ્ચારી રહ્યા છે — “આબુઆ દિસમ, આબુઆ રાજ [આપણી જમીન, આપણું રાજ].”
લડત આપી રહેલી મહિલાઓ અને અન્ય લોકો સાથે એકતા દેખાડવા, મેં દેઉચા પાચામીની મુલાકાત લીધી હતી અને આ ચિત્રો બનાવ્યાં હતાં. મેં તેમને સરકાર દ્વારા આપેલાં વચનો વિષે બોલતાં સાંભળ્યાં —આવાસ, પુનર્વસન વસાહતમાં પાકા રસ્તાઓ, પીવાલાયક પાણી, વીજળી, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, પરિવહન સુવિધાઓ અને બીજા બધા માટે.
અહીં વિડંબના એ છે કે આઝાદીના આટલાં વર્ષો પછી જે મૂળભૂત અધિકારો હોવા જોઈએ તેમનો ઉપયોગ હવે સોદાબાજી કરવા માટે થાય છે.
જે લોકો પોતાની જમીન જતી ન કરવા માટે મક્કમ છે, તેઓ બિરભુમ જોમીન-જિબન-જિબીકા-પ્રકૃતિ બાચાઓ (જમીન, જીવન, આજીવિકા અને પ્રકૃતિ બચાવો) મહાસભાની છત્રછાયા હેઠળ એકત્ર થયા છે. સી.પી.આઈ.એમ. (એલ), જય કિસાન આંદોલન અને એકુશે ડાક માનવાધિકાર સંગઠન જેવી શહેરી વિસ્તારોની ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ જમીન સંપાદન સામે લડી રહેલા આ લોકોના પડખે ઊભા રહેવા માટે દેઉચાની મુલાકાત લઈ રહ્યાં છે.
હોરીંશિંગાનાં રહેવાસી સુશીલા રાઉત ફાટેલી તાડપત્રીમાંથી બનાવેલા તેમના કામચલાઉ શૌચાલય તરફ ઈશારો કરતાં કહે છે, “જાઓ, અને તમારી સરકારને આ ચિત્ર બતાવો.”
અહીંથી લગભગ એક કલાકના અંતરે દિવાનગંજ ગામ છે, જ્યાં અમે આઠમા ધોરણની વિદ્યાર્થીની હુસ્નહારાને મળીએ છીએ. દેઉચા ગોરંગીની હાઈસ્કૂલની આ વિદ્યાર્થીની પૂછે છે, “આટલા દિવસો સુધી તો સરકારને અમારી પડી નહોતી. પણ હવે તેઓ કહે છે, અમારા ઘરોની નીચે ઘણો કોલસો છે. આ બધું છોડીને અમે ક્યાં જઈશું?”
તેને શાળાએ જવા-આવવામાં કુલ ત્રણ કલાક લાગે છે. તે કહે છે કે, હાઈસ્કૂલની તો વાત જ જવા દો, પણ સરકાર તેમના ગામમાં એક સારી પ્રાથમિક શાળા પણ બનાવી શકી નથી. તે કહે છે, “જ્યારે હું શાળાએ જાઉં છું ત્યારે મને એકલું એકલું લાગે છે, પણ મેં ભણવાનું છોડ્યું નથી.” લોકડાઉન દરમિયાન તેના ઘણી સહેલીઓએ શાળા છોડી દીધી હતી. “હવે રસ્તાઓ પર બહારના લોકો અને પોલીસની અવરજવર વધી ગઈ છે, તેથી મારા પરિવારના સભ્યો ડરી ગયા છે, અને હવે હું પણ શાળાએ જઈ શકતી નથી.”
હુસ્નહારાનાં દાદી, લાલબાનું બીબી અને માતા, મીના બીબી, એ આંતુમા બીબી અને પાડોશની અન્ય મહિલાઓ સાથે તેમના આંગણામાં ચોખા સાફ કરી રહ્યાં છે. શિયાળામાં ગામડાની મહિલાઓ આ ચોખામાંથી લોટ બનાવીને વેચે છે. આંતુમા બીબી કહે છે, “અમારા દીવાનગંજમાં ન તો સારા રસ્તા છે, ન તો શાળા છે, કે ન એકે હોસ્પિટલ છે. જો કોઈ બીમાર પડે તો અમારે દેઉચા દોડી જવું પડે છે. શું તેઓ ક્યારેય એ જાણવા આવ્યા છે કે અહીંની ગર્ભવતી સ્ત્રીઓને કેટલી મુશ્કેલી પડે છે? હવે સરકાર વિકાસની વાતો કરી રહી છે. શેનો વિકાસ?”
આંતુમા બીબી અમને એ પણ જણાવે છે કે દિવાનગંજથી દેઉચાની હોસ્પિટલ સુધી પહોંચવામાં લગભગ એક કલાક જેટલો સમય લાગે છે. સૌથી નજીકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાચામીમાં છે. અથવા તો તેમણે મોહંમદ બજારની સરકારી હોસ્પિટલમાં જવું પડે છે. તે હોસ્પિટલે જવામાં પણ એક કલાક થાય છે. જો મામલો ગંભીર હોય, તો તેમણે સિઓઉરીની હોસ્પિટલમાં જવું પડે છે.
તે બધાંના પતિઓ પથ્થરની ખાણોમાં કામ કરે છે અને લગભગ 500-600 રૂપિયા દૈનિક મજૂરી મેળવે છે. આટલી આવકમાંથી આ પરિવારોનું ગુજરાન ચાલે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાણ વિસ્તારમાં લગભગ 3,000 ક્વોરી અને ક્રશર કામદારો છે, જેમને તેમની જમીનના નુકસાન માટે વળતર આપવાનું થશે.
ગામની મહિલાઓને ચિંતા છે કે જો તેમને ગામમાંથી વિસ્થાપિત કરવામાં આવશે, તો જે પથ્થર તેમની આવકનો સ્રોત છે, તે પણ નહીં રહે. તેઓ સરકારના નોકરી આપવાના વચન અંગે શંકાસ્પદ છે. તેઓ કહે છે કે આ ગામમાં ઘણા શિક્ષિત છોકરા-છોકરીઓ છે, જેમની પાસે નોકરી નથી.
તાંઝિલા બીબી ડાંગર સૂકવી રહ્યાં છે અને ધમાચકડી મચાવતી બકરીઓને ભગાડવા માટે તેમના હાથમાં લાકડી રાખી છે. જ્યારે તેઓ અમને જુએ છે, ત્યારે તેઓ હાથમાં લાકડી લઈને અમારી તરફ દોડે છે. “તમે સાંભળશો એક વાત ને લખશો બીજી. તમે અમારી સાથે આવી રમતો રમવા શા માટે આવો છો? હું તમને કહું છું કે એક વાત નક્કી છે, હું મારું ઘર નહીં છોડું. તેઓ અમારું જીવન નરક બનાવવા માટે પોલીસને મોકલી રહ્યા છે. હવે તેઓ દરરોજ પત્રકારોને પણ મોકલી રહ્યા છે.” પછી ઊંચા અવાજે તેઓ ઉમેરે છે, “અમારે બસ એક જ વાત કહેવાની છે, કે અમે અમારી જમીન જતી નહીં કરીએ.”
2021 થી 2022 સુધી, જે-જે મહિલાઓને હું મળી, તેમાંની ઘણી મહિલાઓ જમીન અધિકારો માટેની લડાઈમાં ભાગ લઈ રહી હતી. તે પછી, આ આંદોલને તેની ગતિ ગુમાવી દીધી છે, પણ પ્રતિકારના આ અવાજો હજુય મજબૂત છે. આ મહિલાઓ અને છોકરીઓ દમન અને શોષણ સામે અડીખમ ઊભી રહીને બોલવાનું ચાલુ રાખે છે. ન્યાય માટે તેમની સિંહગર્જના હંમેશા જલ જંગલ જમીન (પાણી, જંગલ અને જમીન) માટે ગુંજતી રહેશે.
અનુવાદક: ફૈઝ મોહંમદ