મે મહિનાની શરૂઆતમાં, અજયકુમાર સૉએ જોયું કે તેમને તાવ હતો. તેથી તેમણે ઝારખંડના ચતરા જિલ્લામાં આવેલા પોતાના ગામ અસરહિયાથી આઠ કિલોમીટર દૂર ઇખ્તોરી શહેરના એક ખાનગી ક્લિનિકમાં ડોક્ટરની મુલાકાત લીધી.
ડોક્ટરે કપડાના વેપારી એવા 25 વર્ષીય અજય (કવર છબીમાં તેમના દીકરા સાથે)નું કોવિડ પરીક્ષણ કરાવ્યા વગર, ટાઇફોઇડ અને મેલેરિયા હોવાનું નિદાન કર્યું. જો કે તેમણે અજયનું બ્લડ ઓક્સીજન સેચ્યુરેશન માપ્યું હતું, જે 75થી 80 ટકાની વચ્ચે હતું. (સામાન્ય રેન્જ 95થી 100 હોય છે.) ત્યારબાદ તેમણે અજયને ઘેર મોકલી દીધા હતા.
2-3 કલાક પછી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પાડવા લાગી અને તેઓ ચિંતિત થઈ ગયા. તે જ દિવસે તેઓ બીજા એક ડોક્ટરને મળવા નીકળી પડ્યા. આ વખતે તેઓ હઝારીબાગ (અસરહિયાથી લગભગ 45 કિલોમીટર દૂર)ના બીજા એક ખાનગી ક્લિનિકમાં ગયા. અહીંયાં પણ તેમનું ટાઇફોઇડ અને મેલેરિયાનું પરીક્ષણ કરવામાં આવ્યું, પણ કોવિડ-19નું નહીં.
જો કે, અજય એ જ ગામના એક વિડિઓ એડિટર હૈયુલ રહમાન અન્સારીને કહે છે કે તેમનું કોવિડ પરીક્ષણ કર્યા વગર પણ “ડોક્ટરે મને જોયો અને કહ્યું કે મને કોરોના છે. તેમણે મને કહ્યું હતું કે સદર હોસ્પિટલ [હઝારીબાગની એક સરકારી હોસ્પિટલ] જાવ કારણ કે જો તેઓ મારી સારવાર કરશે તો ખર્ચ વધી થશે. ડરના માર્યા, અમે કહ્યું કે જે ખર્ચ થશે એ અમે ચૂકવશું. અમને સરકારી હોસ્પિટલો પર ભરોસો નથી. જે પણ ત્યાં [કોવિડની] સારવાર માટે જાય છે, તે જીવતા પાછા નથી આવતા.


