“હું અહીં લગ્ન કરીને પસ્તાઈ ગઈ છું”
29 વર્ષીય રોઝી એક યુવાન નવવધૂ તરીકેનો પોતાનો અનુભવ શેર કરી રહ્યાં છે. તેઓ આમાં એકલાં નથી. શ્રીનગરના ડાલ તળાવના રહેવાસીઓનું કહેવું છે કે છોકરીઓ અહીં વસતા કોઈની પણ સાથે લગ્ન કરવા માંગતી નથી. પોતાના નાના પુત્ર માટે યોગ્ય પાત્રની શોધમાં રહેલાં ગુલશન નઝીર કહે છે, “પહેલેથી જ ત્રણ વખત અમારા પ્રસ્તાવનો અસ્વીકાર થયો છે. અહીં તો લગ્નની જોડી કરી આપનાર લોકોએ પણ આવવાનું બંધ કરી દીધું છે.”
બારૂ મોહલ્લાનાં આ માતા કહે છે કે તેનું કારણ એ છે કે રાજ્યના સૌથી મોટા તાજા પાણીના તળાવોમાંથી એક પર રહેતા રહેવાસીઓને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડે છે.
સુથાર તરીકે કામ કરતા મુશ્તાક અહેમદ કહે છે, “નવ વર્ષ પહેલાં, અમે અમારી બોટ લઈ જતા અને ડાલ તળાવની આજુબાજુના વિવિધ સ્થળોએથી પાણી એકત્રિત કરતા. એ વખતે પાણીની ટેન્કરો નહોતી.”
પરંતુ છેલ્લા એક દાયકા કરતાંય વધુ સમયથી, મુશ્તાક સવારે 9 વાગ્યે મુખ્ય માર્ગ પર પહોંચી જાય છે, અને રાજ્ય સરકાર તરફથી આવતી પાણીની ટેન્કર આવવાની રાહ જોવા લાગે છે. ગુડૂ મોહલ્લામાં રહેતો તેનો 10 સભ્યોનો પરિવાર તેમના પર નિર્ભર છે. વસ્તુઓને સરળ બનાવવા માટે, તેમણે પાણીનો સંગ્રહ કરવા ટાંકીઓ ખરીદી છે અને પાઇપલાઇન પણ સ્થાપિત કરી છે, જેમાં તેમણે 20,000-25,000 રૂપિયાનો ખર્ચ થયો છે. તેઓ કહે છે, “આ આયોજન ત્યારે જ કામ કરે છે જ્યારે વીજળી હોય, જે કાશ્મીરમાં શિયાળા દરમિયાન એક મોટી સમસ્યા છે.” આ મહિને (માર્ચ) ટ્રાન્સફોર્મરમાં ખામીને કારણે તેમણે પાણી ડોલમાં લઈ જવું પડ્યું હતું.
મુર્શિદાબાદની બેગુનબારી ગ્રામ પંચાયતના હિજુલી નેસના રહેવાસીઓ પણ પાણીના ટેન્કરમાંથી પાણી એકત્રિત કરે છે. જો કે, તેમને પાણી ખાનગી કંપનીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે, જેઓ અહીં પશ્ચિમ બંગાળમાં 20 લિટર દીઠ 10 રૂપિયા વસૂલે છે.
લાલબાનુ બીબી કહે છે, “અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ તે પાણી છે જે અમે ખરીદીએ છીએ. જો તમે તેને લેવાનું ચૂકી જાઓ, તો તમારે પીવાના પાણીના ફાંફા થઈ પડશે.”
તે સ્પષ્ટ છે કે રોઝી, મુશ્તાક અને લાલબાનુ એવા લોકોમાં સામેલ છે જેમને કેન્દ્ર સરકારના જલ જીવન મિશન (જે.જે.એમ.) નો કોઈ લાભ મળ્યો નથી. જે.જે.એમ.ની વેબસાઇટ કહે છે કે 75 ટકા ગ્રામીણ પરિવારો (19 કરોડ લોકો) પાસે પીવાનું સુરક્ષિત પાણી ઉપલબ્ધ છે. તે એમ પણ કહે છે કે 2019માં કરેલ 3.5 લાખ કરોડના ખર્ચને લીધે પાંચ વર્ષમાં ઘરોમાં નળનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું છે, તેથી આજે 46 ટકા ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચે છે.
નળ લાગવાની વાત સાચી છે, જેમ કે બિહાર રાજ્ય સરકારની સાત નિશ્ચય યોજના હેઠળ ચિંતા દેવી અને સુશીલા દેવીના ગામ અકબરપુરમાં 2017-18 માં નળ લગાવવામાં આવ્યા હતા. ચિંતા કહે છે, “નળ છ-સાત વર્ષ પહેલાં લગાવવામાં આવ્યા હતા. એક ટાંકી પણ લગાવવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ નળમાંથી પાણીનું એક ટીપું પણ બહાર આવ્યું નથી.”
તેનું કારણ એ છે કે ચિંતા અને સુશીલા દલિત છે, અને 40 દલિત ઘરોને ક્યારેય પાણીનું જોડાણ મળ્યું જ નથી, જ્યારે કે અન્ય ઉચ્ચ જાતિના ઘરોને તે મળ્યું હતું. નળમાંથી પાણી ન આવવું એ હવે જાતિનું સૂચક છે.
અકબરપુરની દલિત વસાહતમાં જ્યાં તેઓ રહે છે, ત્યાં માત્ર એક જ હેન્ડ પંપ છે જે મોટાભાગે મુસહર અને ચમાર સમુદાય (રાજ્યમાં અનુક્રમે અત્યંત પછાત જાતિ અને અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) ની જરૂરિયાતોને સંતોષે છે.
જ્યારે એક હેન્ડ પંપ તૂટી જાય છે, જે ઘટના વારંવાર બને છે, ત્યારે નાલંદા જિલ્લાની આ કોલોનીનાં રહેવાસી 60 વર્ષીય ચિંતા કહે છે, “અમે બધાં મળીને પૈસા ઊઘરાવીને તેનું સમારકામ કરાવીએ છીએ.” આ સિવાય, એકમાત્ર અન્ય વિકલ્પ ઉચ્ચ જાતિના યાદવોને પૂછવાનો છે, પરંતુ તેઓ કહે છે કે તેઓ મનાઈ કરવા માટે કુખ્યાત છે.
દલિત માનવાધિકાર પર રાષ્ટ્રીય અભિયાન (એન.સી.ડી.એચ.આર.) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં તમામ દલિત ગામડાંમાંથી લગભગ અડધાં (48.4 ટકા) ગામડાં પાણીના સ્રોતોથી વંચિત છે અને 20 ટકાથી વધુ ગામડાંને પીવાનું સુરક્ષિત પાણી મળતું નથી.
મહારાષ્ટ્રના પાલઘરમાં કે. ઠાકુર આદિવાસી સમુદાયનાં રાકુ નડાગેની વાત કરીએ તો આદિવાસીઓની પણ આવી જ હાલત છે. તેમના ગામ ગોંડે ખુર્દ વિશે તેઓ કહે છે કે, “ટેન્કર ક્યારેય આવતી નથી.” તેથી જ્યારે 1,137 લોકોને સેવા આપતા સ્થાનિક કૂવા ઉનાળામાં સુકાઈ જાય છે ત્યારે, “અમારે બે કળશીઓ [પાણી લઈ જવા માટેનાં વાસણ] લઈને જંગલમાંથી પસાર થવું પડે છે − એક માથા પર અને એક અમારા હાથમાં. ત્યાં એકે રસ્તો નથી.”
રાકુને તેના પરિવારની જરૂરિયાતો માટે પૂરતું પાણી લાવવા માટે ત્રણ આંટા મારવા પડે છે − અને નવ કલાકમાં આશરે 30 કિલોમીટર ચાલવું પડે છે.
*****
કાકરંબા ગામના રહેવાસી શિવમૂર્તિ સાઠેએ પોતાના જીવનના છ દાયકામાં પાંચ દુકાળ જોયા છે.
તેઓ એક ખેડૂત છે. તેઓ કહે છે કે મહારાષ્ટ્રના તુલજાપુર પ્રદેશમાં, એક સમયે ફળદ્રુપ જમીન છેલ્લા બે દાયકામાં ઉજ્જડ થઈ ગઈ છે, અને ત્યાં ઘાસનો એક ટુકડો પણ ઉગતો નથી. તેઓ આ માટે ટ્રેક્ટર્સના ઉપયોગને દોષી ઠેરવતાં કહે છે, “હળ અને બળદોથી થતી ખેતીમાં, જમીનમાં ઘાસ વસન [કુદરતી બંધ] બનાવે છે, જે પાણીને ધીમું કરવામાં અને શોષાવામાં મદદ કરતું હતું. ટ્રેકટરો માટીને ખોલે છે અને પાણી સીધું એક છેડેથી બીજા છેડે પહોંચી જાય છે.”
તેઓ 1972માં નવ વર્ષના હોવાનું યાદ કરે છે, જ્યારે તેમણે “સૌથી પહેલો અને સૌથી ખરાબ દુષ્કાળ” જોયો હતો. “એ વખતે પાણી હતું પણ ખાવા માટે કંઈ નહોતું. તે પછી પરિસ્થિતિ ક્યારેય સામાન્ય થઈ ન હતી.” સાઠે કાકા તુલજાપુર શહેરના રવિવારના બજારમાં શાકભાજી અને ચીકૂ વેચે છે. તેમણે 2014માં દુષ્કાળને કારણે તેમના કેરીના બગીચાનો એક એકર ભાગ ગુમાવ્યો હતો. “આપણે ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ કર્યો છે અને તમામ પ્રકારના ઝેરી રસાયણોનો ઉપયોગ કરીને આપણી જમીનને છીછરી બનાવી દીધી છે.”
માર્ચ મહિનો છે, અને તેઓ કહે છે, “અમે મે મહિનામાં ચોમાસા પહેલાં થોડોક વરસાદ પડવાની આશા રાખીએ છીએ, નહીંતર આ વર્ષે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બનશે.” પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. “અમે એક હજાર લિટર પાણી માટે 300 રૂપિયા ચૂકવી રહ્યા છીએ. અને માત્ર આપણને માણસોને જ નહીં, અમારાં ઢોરને પણ પાણીની જરૂર હોય છે.”
સ્વામિનાથન આયોગના પ્રથમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઘાસચારાની અછતને કારણે પશુધનના મૃત્યુને કારણે ખેડૂતો માટે આગામી મોસમમાં ઉભી થતી અનિશ્ચિતતાઓનો સામનો કરવો વધુ મુશ્કેલ બની જાય છે. અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “આ રીતે દુકાળ એક અસ્થાયી ઘટના નથી, પરંતુ તે કાયમી ધોરણે નુકસાન પહોંચાડે છે.”
2023માં જૂનથી સપ્ટેમ્બર સુધી, ધારાશિવ (અગાઉ ઉસ્માનાબાદ) જિલ્લાના તુલજાપુર બ્લોકમાં 570.3 મીમી વરસાદ પડ્યો હતો (સામાન્ય રીતે 653 મીમીના વાર્ષિક વરસાદની સામે). તેમાંથી અડધાથી વધુ વરસાદ જુલાઈમાં માત્ર 16 દિવસમાં પડ્યો હતો. જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં 3-4 અઠવાડિયા સુધી સર્જાએલા સૂકાએ જમીનને જરૂરી ભેજથી વંચિત કરી દીધી હતી, અને જળાશયો ફરી ભરાઈ શક્યા ન હતાં.
તેથી કાકરમ્બાના ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ પારીના આ પત્રકારને ચેતવતાં કહે છે, “અમને હાલ અમારી જરૂરિયાતનો માત્ર 5-10 ટકા હિસ્સો મળી રહ્યો છે. તમે આખા ગામમાં વાસણો અને હાંડીઓની લાંબી કતાર જોશો.”
સાઠે કાકા કહે છે, “આ [દુષ્કાળ જેવી પરિસ્થિતિ] માનવ સર્જિત છે.”
મુર્શિદાબાદ જિલ્લામાં પણ આવી જ કટોકટી છે, જ્યાં ભૂગર્ભજળ આર્સેનિકથી દૂષિત થયું છે. પશ્ચિમ બંગાળમાં ગંગાના વિશાળ મેદાનોમાં ભાગીરથીના કિનારે આવેલા આ વિસ્તારમાં એક સમયે મીઠા પાણીથી છલોછલ ટ્યુબવેલ ઝડપથી સૂકાઈ રહ્યા છે.
બેગુનબારી ગ્રામ પંચાયતમાં નળનું પાણી ન હોવાથી લોકો ટ્યુબવેલ પર નિર્ભર હતા (વસ્તીઃ 10,983, વસ્તી ગણતરી 2011 અનુસાર). રોશનારા બીબી કહે છે, “અમે ટ્યુબવેલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હવે [2023માં] બધું સૂકાઈ ગયું છે. જેવું કે અહીં બેલડાંગા-1 બ્લોકનાં જળાશયોમાં જોવા મળે છે. તળાવો પણ ઝડપથી ઘટી રહ્યાં છે.” તેઓ કહે છે કે આ વરસાદના અભાવને કારણે છે, સાથે સાથે ભૂગર્ભજળને બહાર કાઢતા પંપોના અનિયંત્રિત ઉપયોગને કારણે છે.
ભૂગર્ભ જળ એ ભારતમાં કૃષિ અને ઘરગથ્થુ ઉપયોગ બંને માટે એક મુખ્ય સ્રોત છે, જે ગ્રામીણ પાણી પુરવઠામાં 85 ટકા ફાળો આપે છે, એમ 2017નો આ અહેવાલ જણાવે છે.
જહાંઆરા બીબી સમજાવે છે કે અહીં ભૂગર્ભજળનો અતિશય ઉપયોગ એ ચોમાસામાં વરસાદની ઉણપનું સીધું પરિણામ છે. હિજુલી ગામનાં આ 45 વર્ષીય રહેવાસીએ શણની ખેતી કરતા પરિવારમાં લગ્ન કર્યાં છે. તેઓ કહે છે, “આ પાકની સારી લણણી ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના પછી તેને પાણીમાં પળાલીને રાખવામાં આવે. એક વાર તેની લણણી થઈ ગયા પછી, શણ પાણી વગર ટકી શકતું નથી, તે નાશ પામે છે.” ઓગસ્ટ 2023ના અંતમાં બેલડાંગા-1 બ્લોકના ખેતરોમાં પાકેલો શણનો પાક પાણી વિના ત્યાં જ ઊભો છે તે ચોમાસુ વરસાદમાં ભારે અછતનો પુરાવો આપે છે.
ગમે તે હોય, પણ આ વિસ્તારના રહીશો પારીને કહે છે કે, આર્સેનિકના દૂષણને કારણે આ વિસ્તારોમાં ટ્યુબવેલ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. જ્યારે ભૂગર્ભજળમાં આર્સેનિકની વાત આવે છે ત્યારે મુર્શિદાબાદ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક છે, જે ત્વચારોગ, મગજને લગતી સમસ્યાઓ અને પ્રસૂતિ સ્વાસ્થ્યને અસર કરે છે.
પરંતુ આર્સેનિક દૂષણની વધતી જાગૃતિ સાથે, તે હવે બંધ થઈ ગયું છે. જો કે, તેઓ હવે સંપૂર્ણપણે ખાનગી પાણી પૂરવઠો આપનારાઓ પર નિર્ભર છે અને વ્યંગાત્મક રીતે કોઈને ખબર નથી કે તેઓ ડીલરો પાસેથી જે પાણી ખરીદી રહ્યા છે તે સુરક્ષિત છે કે નહીં.
પાણીનાં ટેન્કરે કેટલાક બાળકોને શાળામાંથી ઘરે લાવી દીધાં છે, જેમ કે બેગુનબારી હાઈસ્કૂલના ધોરણ 5ના વિદ્યાર્થી અને હિજુલીના રહેવાસી રજ્જૂ. રજ્જૂ ઘરે મદદ કરવા માટે હેન્ડપંપના પાણીના ટેન્કરમાંથી પાણી ઘરે લઈ જાય છે. આ પત્રકાર સાથે આંખથી આંખ મિલાવીને તે આંખ મારતાં કહે છે, “ઘરે અભ્યાસ કરવા કરતાં આ વધુ સારું છે.”
આ ભાગોમાં તે એકમાત્ર ખૂશ ભિસ્તી નથી. હિજુલીથી થોડા કિલોમીટર દૂર આવેલા કાઝીસાહામાં (વસ્તી: 13,489, વસ્તી ગણતરી 2011 અનુસાર) કેટલાક ઉત્સાહી છોકરાઓ પાણીના ડીલર કહે તે મુજબ વડીલોને તેમના વાસણો અને બરણીઓ ફરીથી ભરવામાં મદદ કરી રહ્યા છે. છોકરાઓ કહે છે કે તેમને આવું કરવું ગમે છે કારણ કે “અમને વાનની પાછળ બેસીને ગામમાં ફરવા મળે છે.”
મુર્શિદાબાદમાં આર્સેનિક અને મહારાષ્ટ્રના પાલઘરમાં અતિસાર — હજારો કિલોમીટર દૂર પરંતુ કારણભૂત સમસ્યા એક જ — પાણીના ભંડારમાં થયેલો ઘટાડો.
રાકુ નાદાગે કહે છે કે તેમના ગામ ગોંડે ખુર્દના કૂવામાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે અને 227 પરિવારો આ એક સ્રોત પર જ આધાર રાખે છે. તેઓ કહે છે, “આ અમારા માટે પાણીનો સૌથી નજીકનો અને એકમાત્ર સ્રોત છે.” મોખડા તાલુકાના આ ગામમાં મોટાભાગના લોકો કે. ઠાકુર આદિજાતિના છે.
બે વર્ષ પહેલાં, તેમના પુત્ર દીપકને અતિસાર થયો હતો, જે સંભવતઃ તેઓ પીવા માટે જે પાણીનો ઉપયોગ કરતા હતા તેના કારણે થયું હતું. વર્ષ 2018ના એક અભ્યાસમાં પાલઘર જિલ્લાના નવ ગામોના બાળકોમાં અતિસારનો વ્યાપ 33.4 ટકા હોવાનું નોંધાયું છે. તેમના પુત્રને માંદગી થઈ ત્યારથી, રાકુ દરરોજ પાણી ઉકાળીને જ વાપરે છે.
પરંતુ તેઓ પાણી ઉકાળી શકે તે પહેલાં રાકૂએ તેને ઘરે લાવવું પડે છે. ઉનાળામાં, જ્યારે કૂવાનું પાણી સૂકાઈ જાય છે, ત્યારે ગામની મહિલાઓ વાઘ નદી તરફ જાય છે, જે આશરે નવ કિલોમીટર દૂર છે, અને તેઓ દિવસમાં બે થી ત્રણ વખત ત્રણ કલાકની મુસાફરી પુનરાવર્તન કરે છે, કાં તો વહેલી સવારે અથવા સાંજ પછી જ્યારે તાપમાન સહેજ સારું હોય.
યુનિસેફના એક અહેવાલ અનુસાર, સમગ્ર ભારતીય ઉપખંડમાં પાણી સંબંધિત ઘરગથ્થુ કાર્યોનો બોજ અન્યાયી રીતે ફક્ત મહિલાઓના માથે હોય છે અને “લગભગ 54 ટકા ગ્રામીણ મહિલાઓ, તેમજ કેટલીક કિશોરવયની છોકરીઓ, દરરોજ અંદાજે 35 મિનિટ પાણી લાવવામાં ગાળે છે.” તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તે એક વર્ષમાં 27 દિવસના વેતનના નુકસાનની સમકક્ષ છે.
ચિંતા દેવી કહે છે, “પુરુષોએ કામ અર્થે [બહાર] જવું પડે છે, તેથી રસોઈ માટે અમારે જ પાણી લાવવું પડે છે. સવારે હેન્ડપંપમાં ખૂબ ભીડ થઈ જાય છે. બપોરે, અમારે સ્નાન કરવા અને કપડાં ધોવા વગેરે માટે અને પછી સાંજે રાત્રિભોજન રાંધવા માટે પણ પાણીની જરૂર પડે છે.”
આ દલિત વસાહતમાં પાણીનો એકમાત્ર સ્રોત ચાંપાકલ (હેન્ડ પંપ) છે, અને ત્યાં પાણી ભરવા માટે મોટી કતારો છે. સુશીલા દેવી કહે છે, “આટલા મોટા ટોળામાં [વસાહતમાં] માત્ર એક જ હેન્ડ પંપ છે. અમે ટોકના-બાલ્ટી [વાસણો] લઈને ઊભાં રહીએ છીએ.”
ઉનાળામાં જ્યારે હેન્ડ પંપમાં પાણી આવવાનું બંધ થઈ જાય છે, ત્યારે મહિલાઓ પાકની સિંચાઈ માટે પંપમાં આવતું પાણી લેવા માટે ખેતરોમાં જાય છે. 45 વર્ષીય સુશીલા દેવી કહે છે, “ક્યારેક તે એક કિલોમીટર દૂર હોય છે. પાણી લાવવામાં ઘણો સમય વેડફાય છે.”
તેઓ સાંજનું ભોજન બનાવવાની શરૂઆત કરે છે ત્યારે ગુસ્સે થઈને કહે છે, “ગરમી બઢતા હૈ તો હમ લોગોં કો પ્યાસે મરને કા નૌબત આ જાતા હૈ [ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમી વધે છે, ત્યારે અમે તો તરફનાં માર્યાં હેરાનપરેશાન થઈ જઈએ છીએ].”
આ પારીની મલ્ટી–લોકેશન વાર્તા છે, જેમાં કાશ્મીરથી મુઝમિલ ભટ્ટ , પશ્ચિમ બંગાળથી સ્મિતા ખટોર , બિહારથી ઉમેશ કે. રે , મહારાષ્ટ્રથી મેધા કાલે અને જ્યોતિ શિનોલી અને છત્તીસગઢથી પુરુષોત્તમ ઠાકુરે અહેવાલ આપ્યો છે. આમાંના ગીતો પારીમાં સંગ્રહીત થઇ રહેલા ગીતોના બે પ્રોજેક્ટ ‘ ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ’ અને ‘ સોંગ્સ ઓફ ધ રનઃ કચ્છી લોકગીતો’ માંથી લેવામાં આવ્યાં છે જે અનુક્રમે નમિતા વાયકર અને પ્રતિષ્ઠા પંડ્યા સાંભળી રહ્યાં છે . સંવિતી ઐય્યરે ગ્રાફિક્સ બનાવ્યા છે.
કવર અનાવરણ: પુરુષોત્તમ ઠાકુર
અનુવાદક: ફૈઝ મોહંમદ