વારાણસીમાં, મતદાનના દિવસે, સલમાએ જોયું કે ત્યાં બે કતારો હતી — એક પુરુષો માટે અને બીજી મહિલાઓ માટે. બંગાળી ટોળા મતદાન મથક એક સરકારી શાળામાં સેટ અપ કરવામાં આવ્યું હતું, જે પ્રખ્યાત વિશ્વનાથ મંદિર તરફ જતી એક સાંકડી ગલીમાં આવેલી છે.
25 વર્ષીય પરલૈગિંક મહિલા મહિલાઓની કતારમાં ઊભાં હતાં, પરંતુ, તેઓ કહે છે, “આંખેં બડી હો ગયી થી સબકી [બધાં આંખો ફાડીને તાકી રહ્યાં હતાં]. પુરુષોએ જાણે મને જોઈ જ ન હોય તેવો ડોળ કરતા હતા અને જ્યારે હું તેમની કતારના છેડે ઊભી રહી હતી ત્યારે સ્ત્રીઓ હસવા લાગી અને બબડાટ કરવા લાગી.”
પણ સલમાને તેની પરવા નહોતી. તેઓ કહે છે, “હું કોઈપણ રીતે અંદર ગઈ. મને [મત આપવાનો] અધિકાર છે અને મેં તેનો ઉપયોગ આજે અમને જરૂરી પરિવર્તન લાવવા માટે કર્યો છે.”
ભારતીય ચૂંટણી પંચનો ડેટા દર્શાવે છે કે ભારતમાં 48,044 “તૃતીય લિંગના મતદારો” છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં, પરલૈંગિક વ્યક્તિ તરીકે મતદાર ઓળખપત્ર બનાવવું હંમેશાં સરળ નથી હોતું. વારાણસીમાં, બિન-સરકારી સંસ્થા પ્રિઝમેટિકનાં સ્થાપક-નિર્દેશક નીતિ કહે છે, અહીં લગભગ 300 પરલૈંગિક વ્યક્તિઓ છે, અને તેમના માટે મતદાર ઓળખપત્ર મેળવવું સંઘર્ષભર્યું રહ્યું છે. તેઓ ઉમેરે છે, “અમે લગભગ 50 પરલૈંગિક વ્યક્તિઓ માટે મતદાર ઓળખપત્ર મેળવવામાં સફળ રહ્યાં હતાં. પરંતુ ચૂંટણીપંચે ખરાઈ માટે ઘેર આવીને ફરજિયાતપણે તપાસ કરી હતી, જે સમુદાયના ઘણા સભ્યો માટે સમસ્યા હતી જેઓ ઇચ્છતાં ન હતાં કે લોકો ઘેર આવીને તેમના લિંગની ચકાસણી કરે.”
જોકે, સલમાને તેનું મતદાર ઓળખપત્ર બનાવવામાં કોઈ અડચણનો સામનો કરવો પડ્યો ન હતો. તેઓ કહે છે, “હું મારા પરિવાર સાથે કે મારી ઓળખ ન જાણતી કોઈ વ્યક્તિ સાથે નથી રહેતી.”
તેમને પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી શાળા છોડવાની ફરજ પડી કારણ કે તેમનાં સહપાઠીઓ તેમની ચાલવાની અને વાત કરવાની રીતની મજાક ઉડાડતા અને હેરાન કરતા. સલમા હવે તેમના ભાઈ સાથે રહે છે. તેઓ બનારસી સાડીઓ વેચવાનો એક નાનો વ્યવસાય ચલાવે છે, જેમાંથી તેમને દર મહિને આશરે 10,000 રૂપિયાની કમાણી થાય છે. સલમા સ્થાનિક દુકાનોમાંથી સાડીઓ ખરીદે છે અને તેને અન્ય શહેરોમાં ગ્રાહકોને મોકલે છે.
વારાણસીમાં છેલ્લા છ વર્ષથી, એક પરલૈંગિક મહિલા શમા,સેક્સ વર્કર તરીકે પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ કહે છે, “મારો જન્મ અને ઉછેર બાલિયા જિલ્લાના એક ગામમાં થયો હતો. પરંતુ મારા લિંગને કારણે ત્યાં પરિસ્થિતિ ખૂબ જટિલ હતી. પડોશીઓ મારા માતા-પિતાને પજવતા. મારા પિતા મને અને મારી માતાને નોર્મલ ન હોવાને કારણે મારઝૂડ કરતા. તેઓ મારી માતાને મારા જેવી વ્યક્તિ, કે જેનું કોઈ લિંગ નથી, તેને જન્મ આપવા માટે દોષી ઠેરવતા. તેથી હું મારા માટે સૌથી નજીકના શહેર વારાણસી આવી.” મતદાનના દિવસે તેઓ બૂથ પર વહેલા પહોંચી ગયાં હતાં. શમા પારીને કહે છે, “હું ભીડ અને લોકોની નજરથી બચવા માંગતી હતી.”
પરલૈંગિક વ્યક્તિઓ ( અધિકારોનું રક્ષણ ) કાયદો સરકારોને પરલૈંગિક વ્યક્તિઓના બચાવ, રક્ષણ અને પુનર્વસન માટે પગલાં લેવા અને આવી વ્યક્તિઓની જરૂરિયાતોને પહોંચી વળવા નિર્દેશ આપે છે, તેમ છતાં આ શહેર હંમેશાં સલામત નથી રહ્યું, ખાસ કરીને પરલૈંગિક વ્યક્તિઓ માટે. નીતિ કહે છે કે દર મહિને પાંચથી સાત વખત તેમની સતામણી થાય છે.
જે પરલૈંગિક મહિલાઓ સાથે પારીએ વાત કરી હતી તેઓ દુર્વ્યવહારના તેમના અનુભવો શેર કરે છે, જેમ કે સલમા જેમણે પજવણીનો સામનો કરવો પડ્યો હતો, અથવા અર્ચના, જેમની તેઓ જ્યાં કામ કરતી હતી તે બ્યુટી પાર્લરમાં તેમના નોકરીદાતા દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી. અર્ચના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયાં તો પોલીસ અધિકારીઓએ તેમના પર વિશ્વાસ ન કર્યો અને તેના બદલે તેમને ધમકી આપી અને તેમનું અપમાન કર્યું. પણ અર્ચના તેમના વર્તનથી જરાય નવાઈ નહોતી લાગી. તેઓ વર્ષ 2024માં IIT-BHUમાં એક વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક બળાત્કારનો ઉલ્લેખ કરીને કહે છે, “જ્યારે એક મહિલાની કોઈ સુરક્ષા નથી, ત્યારે એક પરલૈંગિક મહિલાની સુરક્ષાની તો વાત જ શી કરવી?”
*****
વારાણસીની હાઇ-પ્રોફાઇલ લોકસભા બેઠક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી, જેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસ પક્ષના અજય રાય સામે 1.5 લાખના માર્જિનથી જીત મેળવી હતી.
સલમા પૂછે છે, “પીએમને અમારા શહેરના સાંસદ તરીકેનો કાર્યભાર સંભાળ્યાને દસ વર્ષ થઈ ગયા છે, પરંતુ શું તેમણે ક્યારેય અમારા વિશે વિચાર્યું છે ખરું?” હવે, તેઓ ભવિષ્ય વિશે ચિંતિત છે. તેઓ કહે છે, “તે અંધકારમય લાગે છે. પરંતુ અમે આ સરકાર પર અમારી નજર રાખી રહ્યાં છીએ.”
શમા અને અર્ચના બંને સંમત થાય છે. આ બંને પરલૈંગિક મહિલાઓએ 2019માં નરેન્દ્ર મોદીને મત આપ્યો હતો, પરંતુ 2024માં તેમની પસંદગી બદલી નાખી હતી. આ વખતે, શમા કહે છે, “મેં પરિવર્તન માટે મત આપ્યો છે.”
અર્ચના, 25 વર્ષીય સ્નાતકનાં વિદ્યાર્થી સેક્સ વર્ક દ્વારા પોતાના અભ્યાસને ટેકો આપે છે. તેઓ કહે છે, “હું મોદીના ભાષણોથી પ્રભાવિત થઈ હતી. પણ, હવે મને ખબર પડી કે તે તો માત્ર ટેલિપ્રોમ્પ્ટરથી વાંચતા જ હતા.”
કાયદામાં થયેલા ફેરફારો અને કાગળ પર તેમને મળેલા અધિકારો વિશે પણ તેઓ એવું જ અનુભવે છે.
શમા સુપ્રિમ કોર્ટના 2014ના એક ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરે છે, જેમાં તેમણે સરકારને અન્ય માર્ગદર્શિકાઓમાં સાથે પરલૈંગિક વ્યક્તિઓને ત્રીજા લિંગ તરીકે માન્યતા આપી હતી. તેઓ કહે છે, “દસ વર્ષ પહેલાં, તેમણે ખૂબ ઓછું કામ કર્યું હતું અને અમને માત્ર ત્રીજી જાતિ તરીકે સ્વીકાર્યા હતા, પરંતુ માત્ર કાગળ પર જ સ્વીકાર્યા હતા.” આ અન્ય માર્ગદર્શિકાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર રોજગારમાં અનામત અને સમુદાય માટે સામાજિક કલ્યાણ યોજનાઓ ઘડવા માટે પગલાં લેવાનો સમાવેશ થાય છે.
વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પરલૈંગિક વ્યક્તિઓ ( અધિકારોનું રક્ષણ ) કાયદો પસાર કર્યો હતો, જેણે શિક્ષણ અને નોકરીઓમાં બિન-ભેદભાવ અને જવાબદારી સુનિશ્ચિત કરી હતી; તેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર રોજગારમાં પ્રવેશમાં કોઈ અનામતની જોગવાઈ નહોતી.
સલમા કહે છે, “અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમને દરેક નોકરીમાં અનામત આપે — પટાવાળાથી લઈને અધિકારી સુધી.”
(નીતિ અને સલમા સિવાય વાર્તાના તમામ નામ વિનંતી પર બદલવામાં આવ્યા છે)
અનુવાદક: ફૈઝ મોહંમદ