જ્યારે જ્યારે હું મારા પોતાના લોકોના મૃત્યુ વિષે લખવાનો પ્રયત્ન કરું છું ત્યારે ત્યારે મારું મન વિચારશૂન્ય-જડ બની જાય છે.
આપણી આસપાસની દુનિયા ઘણી આગળ વધી ગઈ છે છતાં આપણો સમાજ હાથેથી મેલું સાફ કરનાર શ્રમિકોની જિંદગીને ને કશું જ મહત્ત્વ આપતો નથી. આવા મૃત્યુની ઘટનાઓ બની હોવાનો સરકાર સ્પષ્ટ ઈનકાર કરે છે, પરંતુ આ વર્ષે મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ (સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી) રામદાસ આઠવલેએ લોકસભામાં એક પ્રશ્ન ના જવાબમાં રજૂ કરેલા આંકડા દર્શાવે છે કે 2019-2023 સુધીમાં "ગટર અને સેપ્ટિક ટેંકની જોખમી સફાઈને કારણે" 377 થી વધુ મૃત્યુ થયા છે.
છેલ્લા સાત વર્ષોમાં મેં વ્યક્તિગત રીતે ગટર સાફ કરતા થયેલા અસંખ્ય મૃત્યુમાં હાજરી આપી છે. માત્ર આવડી ચેન્નઈ જિલ્લામાં 2022 થી અત્યાર સુધીમાં આવા 12 મોત થયા છે.
કરાર પરના શ્રમિક તરીકે કામ કરતા આવડીમાં રહેતા અને અરુંધતિયર સમુદાયના એક સભ્ય 25 વર્ષના હરિનું 11 મી ઓગસ્ટના રોજ ગટરની કેનાલ સાફ કરતી વખતે ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
બાર દિવસ પછી હું હરિ અન્નાના મૃત્યુ સંબંધિત અહેવાલ તૈયાર કરવા ગયો હતો. તેમનો મૃતદેહ મને તેમના ઘરમાં ફ્રીઝર બોક્સમાં પડેલો મળ્યો હતો. તેમના પત્ની તમિળ સેલ્વીને તેમના પરિવાર દ્વારા આખરે વિધવા દ્વારા અપેક્ષિત તમામ ધાર્મિક વિધિઓ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમના પડોશીઓના સંબંધીઓએ સેલ્વીના શરીર પર હળદર લગાવી દીધી હતી અને પછી તેમની તાલી [પરિણીત સ્ત્રીનું પ્રતીક] કાપતા પહેલા તેમને નવડાવ્યા હતા. આ ધાર્મિક વિધિઓ દરમિયાન તેઓ ગંભીર અને મૌન રહ્યા હતા.
જ્યારે સેલ્વી પોતાના કપડાં બદલવા માટે બીજા ઓરડામાં ગયા ત્યારે ઘરમાં ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. માત્ર લાલ ઈંટો વડે ચણેલા તેમના ઘરને સિમેન્ટ લગાવવામાં આવ્યો નહોતો. દરેકેદરેક ખુલ્લી ઈંટ ઘસાઈ ગઈ હતી અને તેના નાના નાના ટુકડા થઈ રહ્યા હતા. ઘર ધરાશાયી થવાના આરે આવીને ઊભું હોય તેવું લાગતું હતું.
તમિળ સેલ્વી અક્કા તેમની સાડી બદલીને પાછા આવ્યા ત્યારે એક ચીસ પાડીને તેઓ ફ્રીઝર બોક્સ તરફ દોડી ગયા હતા અને ફ્રીઝર બોક્સની બાજુમાં બેસીને રડવા માંડ્યા હતા, આક્રંદ કરવા માંડ્યા હતા. તેમનું આક્રંદ સાંભળીને ભીડ શાંત થઈ ગઈ હતી, ઓરડો તેમના આક્રંદથી ભરાઈ ગયો હતો.
“ઓ વ્હાલા! જાગો! મારી સામે જુઓ, મામા [વ્હાલ વ્યક્ત કરતું સંબોધન]. તેઓ મને સાડી પહેરાવે છે. હું સાડી પહેરું એ તમને ગમતું નથી, ખરું ને? જાગો અને તેમને કહો કે મને દબાણ ન કરે.”
આ શબ્દો આજે પણ મારી અંદર ગુંજ્યા કરે છે. તમિળ સેલ્વી અક્કા એક હાથ ગુમાવવાને કારણે શારીરિક રીતે અક્ષમ છે. પોતાના ખભા પરના સાડીના છેડાની પાટલીઓમાં પિન ખોસવાનું તેમને માટે મુશ્કેલ છે. તેથી જ તેઓ સાડી પહેરતા નથી. આ હું ભૂલી શકતો નથી અને એ યાદ રોજેરોજ મને પરેશાન કર્યા કરે છે.
આવા દરેકેદરેક મૃત્યુ જેમાં મેં હાજરી આપી છે તે હું ભૂલી શક્યો નથી.
ગટરમાં ગૂંગળાઈ જવાથી થયેલા દરેક મૃત્યુની પાછળ કંઈકેટલીય વાર્તાઓ છુપાયેલી હોય છે. 22 વર્ષના દીપા, જેમણે પણ આવડી ખાતે તાજેતરમાં ગટરમાં ગૂંગળાઈ જવાથી થયેલા મૃત્યુની ઘટનામાં પોતાના પતિ ગોપીને ગુમાવ્યા હતા તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું વળતર તરીકે મળતા 10 લાખ રુપિયાથી તેમના પરિવારે ગુમાવેલ આનંદ અને ખુશી પાછા મળી શકશે? તેમણે કહ્યું, "20 મી ઓગસ્ટ એ અમારા લગ્નનો દિવસ છે અને 30 મી ઓગસ્ટ અમારી દીકરીનો જન્મદિવસ છે, અને તે જ મહિનામાં ગોપી અમને છોડીને ચાલ્યા ગયા છે." તેઓને મળતું નાણાકીય વળતર તેમની તમામ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકતું નથી.
ગટરમાં ગૂંગળાઈને થયેલા મોતની ઘટનાનો સામનો કરતા પરિવારોની મહિલાઓ અને બાળકોને ઘણીવાર પીડિત તરીકે ગણવામાં આવતા નથી. વિલ્લુપુરમ જિલ્લાના માદમપટ્ટુ ગામમાં જ્યારે અનુશિયા અક્કાના પતિ મારી ગટરમાં ગૂંગળાઈ મર્યા હતા ત્યારે તેઓ ઊંચે સાદે રડી શક્યા નહોતા કારણ કે તેઓ ગર્ભવતી હતા, તેમને આઠમો મહિનો ચાલતો હતો. આ દંપતીને અગાઉ જ ત્રણ દીકરીઓ હતી; પહેલી બે દીકરીઓ રરડતી હતી પણ તેમની ત્રીજી દીકરી જે સમજી શકતી ન હતી કે શું થઈ રહ્યું છે તે તમિલનાડુના પૂર્વીય છેડે આવેલા આ ઘરમાં આમતેમ દોડાદોડી કરતી હતી.
રાજ્ય તરફથી અપાતા વળતરને લોહિયાળ પૈસા તરીકે જોવામાં આવે છે. અનુશિયા અક્કાએ કહ્યું, "આ પૈસા ખર્ચવા માટે હું મારી જાતને તૈયાર કરી શકતી નથી. આ પૈસા ખર્ચવા એ મારા પતિનું લોહી ગળે ઉતારવા જેવું લાગે છે.”
જ્યારે મેં તમિળનાડુના કરુર જિલ્લામાં મૃત્યુ પામેલા હાથેથી મેલું સાફ કરનાર એક શ્રમિક બાલકૃષ્ણનના પરિવાર સાથે વધુ વાતચીત કરી ત્યારે મેં જોયું કે તેમના પત્ની ગંભીર ડિપ્રેશનથી પીડાય છે. તેમણે કહ્યું કે કામ કરતી વખતે પણ તેઓ ઘણીવાર પોતાની આસપાસની વસ્તુઓ અને પરિસ્થિતિ ભૂલી જાય છે. તેમણે કહ્યું કે તેમને પોતાની સ્થિતિ સમજતા સમય લાગે છે.
આ પરિવારોના જીવન બિલકુલ બદલાઈ જાય છે. જો કે આપણા માટે આ મૃત્યુ સમાચાર સિવાય બીજું કંઈ નથી.
11 મી સપ્ટેમ્બર, 2023 ના રોજ આવડીના ભીમા નગરના એક સફાઈ કર્મચારી મોઝિસનું મૃત્યુ થયું હતું. અહીં ટાઇલ્સવાળી છત ધરાવતું કોઈ ઘર હોય તો એ એકમાત્ર તેમનું ઘર છે. તેમની બંને દીકરીઓ પરિસ્થિતિ સમજી શકતી હતી. તેમનો મૃતદેહ ઘેર લાવવામાં આવ્યો તેના એક દિવસ પહેલા હું તેમને ઘેર હતો અને તેમની દીકરીઓએ 'પપ્પા મને પ્રેમ કરે છે' અને 'પપ્પાની નાની રાજકુમારી' લખેલા ટી-શર્ટ પહેર્યા હતા. મને ચોક્કસ ખબર નહોતી કે એ માત્ર સંયોગ હતો કે કેમ.
તેઓએ આખો દિવસ સતત રડતા-રડતા વિતાવ્યો હતો અને બીજા લોકો તેમને સાંત્વના આપતા હતા છતાં તેઓ શાંત થયા ન હતા.
આપણે આ સમસ્યાનું દસ્તાવેજીકરણ કરવાનો અને એ રીતે તેને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકીએ પરંતુ તેમ છતાં આવા મૃત્યુને માત્ર એક સમાચાર તરીકે ગણવાનું વલણ જોવા મળે છે.
બે વર્ષ પહેલાં શ્રીપેરુમ્બુદુરના એક ગામ કાંજીપટ્ટુમાં ત્રણ સફાઈ કર્મચારીઓ - 25 વર્ષના નવીન કુમાર, 20 વર્ષના તિરુમલાઈ અને 50 વર્ષના રંગનાથન મૃત્યુ પામ્યા હતા. તિરુમલાઈ નવપરિણીત હતા અને રંગનાથન બે બાળકોના પિતા છે. મૃત્યુ પામેલા અસંખ્ય શ્રમિકો નવપરિણીત હોય છે અને તેમની વિધવાઓને આશા ગુમાવી દેતી જોવી એ હૃદયદ્રાવક હોય છે. પતિના અવસાનના થોડા મહિના પછી બીજા લોકોએ મુતુલક્ષ્મીનો ખોળો ભરવાની વિધિ કરી હતી.
હાથેથી મેલું સાફ કરાવવું એ આપણા દેશમાં ગેરકાયદેસર કામ છે. તેમ છતાં આપણે ગટરમાં ગૂંગળાઈ જવાથી થતા મૃત્યુની સંખ્યા ઘટાડી શક્યા નથી. મારે આ મુદ્દાને આગળ કેવી રીતે લઈ જવો જોઈએ એની મને ખબર નથી પડતી. મારા લેખન અને ફોટોગ્રાફ્સ એ બે જ રસ્તા હું જાણું છું કે જેના દ્વારા હું આ અત્યાચારી કૃત્યને રોકવાની આશા રાખું છું.
આવા દરેક મૃત્યુ મારા મન-હૃદય પર ભારે બોજરૂપ બની જાય છે. હું વારંવાર પ્રશ્ન કરું છું કે તેમના અંતિમ સંસ્કારમાં રડવું એ મારે માટે યોગ્ય છે કે નહીં. વ્યાવસાયિક વ્યથા જેવી કોઈ વસ્તુ નથી. વ્યથા હંમેશ વ્યક્તિગત હોય છે. જો કે જો આ મૃત્યુ ન હોત તો હું ફોટોગ્રાફર બન્યો ન હોત. ગટરમાં ગૂંગળાઈ જવાથી થતા વધુ એક મોતને રોકવા માટે મારે બીજું શું કરવું જોઈએ? આપણે બધાએ શું કરવું જોઈએ?
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક