વિમલ ઠાકરે વાંગાણી શહેરમાં તેમના બે ઓરડાવાળા ઘરના નાના બાથરૂમમાં કપડાં ધોઈ રહ્યાં છે. તેમના હાથ નબળા પડી ગયા છે અને તેથી સાડી, શર્ટ અને અન્ય કપડાંના ઢગલા પર સાબુ લગાવવામાં અને લીલા પ્લાસ્ટિકના મગમાંથી પાણી રેડવામાં તેઓ સંઘર્ષ કરી રહ્યાં છે.
તેઓ પછી તે દરેક ધોયેલી વસ્તુને નાકની પાસે લઈ જાય છે અને તે સ્વચ્છ છે કે કેમ તેની ખાતરી કરવા માટે તેને ઘણી વખત સૂંઘે છે. પછી, દિવાલને પકડીને, દિશા માટે દરવાજાની ફ્રેમને સ્પર્શ કરીને, તેઓ બાથરૂમમાંથી બહાર નીકળે છે, પરંતુ ઉંબરા પર ઠોકર ખાય છે. પછી તેઓ મારી સાથે વાત કરવા માટે ઓરડામાં બેડ પર બેસે છે.
62 વર્ષીય વિમલ કહે છે, “અમે સ્પર્શ વડે વિશ્વને જોઈએ છીએ, અને તે સ્પર્શ દ્વારા જ અમે અમારી આસપાસના વાતાવરણને અનુભવીએ છીએ.” તેઓ અને તેમના પતિ નરેશ બંને દૃષ્ટિહીન છે. તેઓ મુંબઈની પશ્ચિમ રેલવે લાઇન પર ચર્ચગેટથી બોરીવલી સ્ટેશનો સુધીની ટ્રેનોમાં રૂમાલ વેચતાં હતાં. જોકે, તે કામ 25 માર્ચથી બંધ થઈ ગયું છે, જ્યારે દેશવ્યાપી કોવિડ-19 લોકડાઉન દરમિયાન શહેરની લોકલ ટ્રેન સેવાઓને સ્થગિત કરવામાં આવી હતી.
લોકડાઉન પહેલાં મુંબઈની સ્થાનિક ટ્રેનની ખીચોખીચ ભીડ સામે લડીને, તેઓ સાથે મળીને, કોઈકવાર 250 રૂપિયા જેટલા પણ કમાતાં હતાં. રવિવારે તેઓ આરામ કરતાં હતાં. તેઓ દક્ષિણ મુંબઈમાં મસ્જિદ બંદરના જથ્થાબંધ બજારમાંથી એક સાથે 1,000 રૂમાલ ખરીદતાં હતાં. લોકડાઉન પહેલાં દરરોજ તેઓ 20-25 રૂમાલ વેચવામાં સફળ રહેતાં હતાં, જે દરેકની કિંમત 10 રૂપિયા હતી.
તેમની સાથે રહેતો તેમનો 31 વર્ષીય પુત્ર સાગર 10 ધોરણ સુધી ભણ્યો છે અને લોકડાઉન શરૂ થયું ત્યાં સુધી થાણેમાં એક ઓનલાઈન કંપનીના વેરહાઉસમાં કામ કરતો હતો. તેમણે અને તેમનાં પત્ની મંજુ, જેઓ એક ઘરેલુ કામદાર છે, તેમની બંનેની મળીને માસિક આવક 5,000-6,000 રૂપિયા છે. તેમની ત્રણ વર્ષની પુત્રી સાક્ષી સાથે, ઠાકરે પરિવારનાં પાંચ સભ્યો બે ઓરડાના નાના મકાનમાં સાથે રહે છે. નરેશ કહે છે, “હવે દર મહિને 3,000 રૂપિયા ભાડું ચૂકવવું મુશ્કેલ થઈ પડે છે. આ ઉપરાંત રેશન, દવાઓ અને પ્રસંગોપાત ડૉક્ટરોની ફી જેવા ખર્ચ પણ થાય છે.”
લોકડાઉનના કારણે સમગ્ર પરિવારની આવક બંધ થઈ ગઈ હોવા છતાં, સાગર અને મંજુને આખરે કામ પર પાછા બોલાવવાની અપેક્ષા છે — પરંતુ વિમલ અને નરેશને ખબર જ નથી કે તેઓ કામ ફરી શરૂ કરી શકશે કે કેમ. વિમલ પૂછે છે, “શું અમે હવે પહેલાંની જેમ ટ્રેનમાં રૂમાલ વેચી શકીએ? શું લોકો અમારી પાસેથી રૂમાલ ખરીદશે ખરા?”
પ્લાસ્ટિકની ખુરશી પર બેઠેલા 65 વર્ષીય નરેશ કહે છે, “અમારે દિવસમાં હજાર વખત વસ્તુઓને સ્પર્શ કરવો પડે છે - ચીજવસ્તુઓ, સપાટીઓ, પૈસા, જાહેર શૌચાલયની દિવાલો, દરવાજા. એવી અગણિત વસ્તુઓ છે જેને અમે સ્પર્શીએ છીએ. જે વ્યક્તિ સામેથી આવી રહી છે તેને અમે જોઈ શકતાં નથી, અમે તેમની સાથે ટકરાઈ જઈએ છીએ. અમે આ બધું કેવી રીતે ટાળી શકીએ, જરૂરી અંતર કેવી રીતે રાખી શકીએ?” તેઓ જે રૂમાલ બાંધે છે તેમાંથી એક આછો ગુલાબી સુતરાઉ રૂમાલ તેમણે તેમના મોંની આસપાસ માસ્ક તરીકે બાંધ્યો છે.
આ પરિવાર ગોંડ ગોવારી સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જે એક અનુસૂચિત જનજાતિ છે. તેમની પાસે BPL રેશનકાર્ડ છે, અને તેમને લોકડાઉન દરમિયાન સ્વૈચ્છિક જૂથો પાસેથી વધારાની રેશન કીટ મળી હતી. વિમલ કહે છે, “ઘણાં એનજીઓ અને અન્ય સંસ્થાઓએ [અમારી વસાહતમાં] ચોખા, દાળ, તેલ, ચાનો પાવડર, અને ખાંડનું વિતરણ કર્યું હતું. પણ અમારું ભાડું કે વીજળીનું બિલ કોણ ભરશે? અને ગેસ સિલિન્ડરનું શું?” તેમને માર્ચ મહિનાથી ભાડું ચૂકવવાનું બાકી છે.
સ્વચ્છાવ્રણ (કોર્નિયલ અલ્સર)ને કારણે વિમલ જ્યારે તેમની દૃષ્ટિ ગુમાવી બેઠાં ત્યારે તેઓ સાત વર્ષનાં હતાં. અને નરેશના મેડિકલ રિપોર્ટ્સમાં નોંધવામાં આવ્યું છે કે એક્યુટ બેક્ટેરિયલ ઇન્ફેક્શનની ખોટી સારવારને કારણે તેઓ ચાર વર્ષની ઉંમરે અંધ થઈ ગયા હતા. તેઓ કહે છે, “મારી આંખોમાં બોઈલ્સ થયા હતા. ગામના વૈદ્યે [પરંપરાગત ઉપચારકે] મારી સારવાર માટે મારી આંખોમાં કંઈક મૂક્યું, અને તેનાથી હું મારી દૃષ્ટિ ખોઈ બેઠો.”
વિમલ અને નરેશ ભારતમાં 50 લાખથી વધુ દૃષ્ટિહીન વ્યક્તિઓમાં સામેલ છે. 2011ની વસ્તી ગણતરી કહે છે કે આમાંથી, 545,131 સીમાંત કામદારો છે − જે વ્યક્તિઓએ અગાઉના 12 મહિનામાં ઓછામાં ઓછા 183 દિવસ કામ કર્યું ન હતું. વિમલ અને નરેશ જેવા ઘણા લોકો નાની નાની વસ્તુઓ વેચીને આજીવિકા રળે છે.
થાણે જિલ્લાના વાંગાણી શહેરમાં, જ્યાં તેઓ રહે છે, ત્યાં 12,628 લોકોની વસ્તી છે. તેમાંથી, આશરે 350 પરિવારોમાં ઓછામાં ઓછો એક સભ્ય દૃષ્ટિહીન છે. 64 કિલોમીટર દૂર મુંબઈ શહેર કરતાં અહીંનું ભાડું ઓછું મોંઘું છે અને તેથી જ કદાચ દૃષ્ટિહીન પરિવારો 1980ના દાયકાથી અમરાવતી, ઔરંગાબાદ, જાલના, નાગપુર અને યવતમાલથી અહીં સ્થાયી થયા છે. વિમલ કહે છે, “ભાડું ઘણું સસ્તું છે, અને શૌચાલય અહીં ઘરની અંદર છે.”
તેઓ અને નરેશ 1985માં નાગપુર જિલ્લાના ઉમરેડ તાલુકાના ઉમરી ગામમાંથી અહીં આવ્યાં હતાં. નરેશ કહે છે, “મારા પિતા પાસે એક ખેતર હતું, પણ હું ત્યાં કેવી રીતે કામ કરી શકું? અમારા જેવા અંધ લોકો માટે બીજું કોઈ કામ ઉપલબ્ધ ન હતું, તેથી અમે મુંબઈ આવ્યાં.” ત્યારથી, તેઓ રૂમાલ વેચતા હતા — જ્યાં સુધી લોકડાઉન શરૂ ન થયું. તેઓ ઉમેરે છે, “ભીખ માંગવાને બદલે, જીવન જીવવાની આ વધુ યોગ્ય રીત હતી.”
વાંગાણી સિવાય, મુંબઈના અન્ય ભાગો અને નજીકની અન્ય ટાઉનશીપમાંથી અપંગ વ્યક્તિઓ શહેરની પશ્ચિમી, બંદરની અને મધ્ય રેલ્વે લાઇનમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચે છે. ડિસએબિલિટી, સી.બી.આર. [સમુદાય આધારિત પુનર્વસન] એન્ડ ઈન્ક્લુઝીવ ડેવલપમેન્ટ જર્નલમાં 2012માં વાંગાણી નગરના 272 દૃષ્ટિહીન લોકોના સર્વેક્ષણ પર આધારિત એક પેપરમાં નોંધવામાં આવ્યું છે કે: “લગભગ 44% લોકો મુંબઈની લોકલ ટ્રેનોમાં તાળા અને ચાવીઓ, સાંકળો, રમકડાં, કાર્ડ હોલ્ડર્સ, વગેરે જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ વેચવાના વ્યવસાયમાં હતા; 19% બેરોજગાર હતા અને 11% ભીખ માગતા હતા.”
હવે, તેમની સલામતીની ચિંતાઓ અને રોજગારની જરૂરિયાતો — જેની હરહંમેશથી ઉપેક્ષા કરવામાં આવી છે — તે લોકડાઉન અને મહામારીને કારણે વધુ વકરી છે.
2016માં, વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમે 1995ના માંડ-માંડ અમલમાં મૂકાયેલા વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) અધિનિયમનું સ્થાન લીધું. આ નવા અધિનિયમની કલમ 40 ભારતની 2.68 કરોડ વિકલાંગ વ્યક્તિઓ માટે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં સુલભ જાહેર સ્થળો બનાવવાનો આદેશ આપે છે.
2015માં, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેઈન (સુગમ્ય ભારત અભિયાન) શરૂ કર્યું હતું. તેનો એક ઉદ્દેશ્ય 2016 સુધીમાં રેલ્વે સ્ટેશનોને સંપૂર્ણપણે સુલભ બનાવવાનો હતો, જેમાં અવરોધ-મુક્ત પ્રવેશ માટે પ્રમાણભૂત રેમ્પ્સ, એલિવેટર્સ, અને બ્રેઇલ-એમ્બોસ્ડ સાઇનેજની સુવિધા વગેરે જેવી જોગવાઈઓ હતી. પરંતુ ખૂબ જ ધીમી પ્રગતિ સાથે, સમયમર્યાદા માર્ચ 2020 સુધી લંબાવવામાં આવી હતી.
ઠાકરે પરિવાર જેવા જ વિસ્તારમાં રહેતાં 68 વર્ષીય અલ્કા જીવહરે કહે છે, “આવા બધા કાયદાઓ અમારા માટે કોઈ કામના નથી. સ્ટેશન પર મારે લોકોને સીડી, ટ્રેનના દરવાજા અથવા જાહેર શૌચાલય સુધી જવાનો રસ્તો શોધવામાં મદદ કરવા માટે આજીજી કરવી પડે છે. અમુક લોકો મદદ કરે છે, જ્યારે બીજાઓ અમને અવગણે છે. ઘણા સ્ટેશનો પર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની ઊંચાઈ ઘણી વધુ છે અને તેથી ત્યાં મારો પગ ઘણી વખત ફસાઈ ગયો છે, પરંતુ હું તેને બહાર કાઢવામાં સફળ રહી છું.”
મુંબઈ શહેરના રસ્તાઓ પર પણ, અલ્કા માટે એક હાથમાં સફેદ અને લાલ લાકડી લઈને એકલાં ચાલવું આસાન નથી. તેઓ કહે છે, “ક્યારેક મારો પગ ગટર અથવા ખાડામાં અથવા કૂતરાના મળમૂત્ર પર સરકી જાય છે. ઘણી વખત મને મારા નાક, ઘૂંટણ, અંગૂઠામાં ઈજા થઈ છે, કારણ કે હું રસ્તા પર પાર્ક કરેલાં વાહનો સાથે ટકરાઈ જાઉં છું. જ્યાં સુધી કોઈ અમને ચેતવણી ન આપે, ત્યાં સુધી અમે અમારી જાતને સુરક્ષિત કરી શકતાં નથી.”
જીવહરેને ચિંતા છે કે અજાણ્યા લોકો અને વટેમાર્ગુઓ આ રીતે જે મદદ કરતા હતા તે હવે બંધ થઈ જશે. તેઓ પૂછે છે, “આ વાયરસને કારણે હવે બધાંએ સાવચેત રહેવાની જરૂર છે. શું કોઈ અમને રસ્તો ઓળંગવામાં કે ટ્રેનમાંથી ઉતરવામાં મદદ કરશે?” અલ્કા અનુસૂચિત જાતિના માતંગ સમુદાયનાં છે અને 2010માં તેમના પતિ ભીમનું અવસાન થયા બાદ તેમના નાના ભાઈના પરિવાર સાથે રહે છે. તેમના પતિ પણ અંધ હતા. તેઓ તેલંગાણાના આદિલાબાદ જિલ્લાના રૂપાપુર ગામમાંથી 1985માં વાંગાણીમાં સ્થાયી થયાં હતાં. તેમની 25 વર્ષની પુત્રી સુષ્મા પરિણીત છે અને ઘરેલુ કામ કરીને કમાણી કરે છે.
અલ્કા કહે છે, “તમારે તમારા હાથ ધોવા જરૂરી છે અથવા તે પ્રવાહી [હેન્ડ સેનિટાઈઝર]નો ઉપયોગ કરવો જરૂરી છે. તે પ્રવાહી ઝડપથી સમાપ્ત થઈ જશે કારણ કે અમે સતત વસ્તુઓને સ્પર્શ કરીએ છીએ — અને માત્ર 100 mlની કિંમત 50 રૂપિયા છે. શું અમે આના પર ખર્ચ કરીએ કે પછી અમને ખાવાનું મળી રહે તેની ખાતરી કરીએ?”
અલ્કા વાંગણીથી મસ્જિદ બંદર સુધીની સેન્ટ્રલ લાઇન પર નેઇલ કટર, સેફ્ટી પીન, હેર પીન, રૂમાલ અને અન્ય વસ્તુઓનું વેચાણ કરીને મહિને લગભગ 4,000 રૂપિયા કમાતાં હતાં. તેઓ ઉમેરે છે, “હું મારા ભાઈના ઘેર રહું છું, અને તેના પર બોજ બનવા નથી માગતી. મારે કમાવવું છે.”
રેલ્વે અધિનિયમ, 1989ની કલમ 144 હેઠળ હૉકિંગ (ફેરિયા તરીકે સામાન વેચવા) પર પ્રતિબંધ હોવાના કારણે, તેમણે ઘણી વાર દંડ ભરવો પડતો હતો. તેઓ કહે છે, “પોલીસે અમને મહિનામાં ઓછામાં ઓછું એક વાર 2,000 રૂપિયાનો દંડ કરતી હતી. તેઓ કહે છે કે આવું કરવું કાયદેસર નથી. જો અમે શેરીઓમાં વેચાણ કરવાનો પ્રયાસ કરીએ છીએ, તો અન્ય વિક્રેતાઓ અમને મંજૂરી આપતા નથી. પછી અમે જઈએ ક્યાં? ઓછામાં ઓછું અમને ઘરેથી કરવા માટે કંઈક કામ આપો.”
આલ્કાના એક ઓરડાના ઘરની બાજુમાં, જ્ઞાનેશ્વર જરારે, જેઓ પણ દૃષ્ટિહીન છે, તેમના મોબાઇલમાં વ્યસ્ત છે, જે તેમને દરેક સ્પર્શ સાથે પ્રોત્સાહન આપી રહ્યો છે. તેમનાં પત્ની ગીતા, એક ગૃહિણી છે, જેઓ પણ આંશિક રીતે અંધ છે. તેઓ અત્યારે બપોરનું ભોજન રાંધવામાં વ્યસ્ત છે.
સપ્ટેમ્બર 2019માં, 31 વર્ષીય જ્ઞાનેશ્વરે બાંદ્રા પશ્ચિમમાં એક મસાજ સેન્ટરમાં 10,000 રૂપિયાના નિર્ધારિત માસિક પગાર સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે, “મેં માંડ માંડ યોગ્ય રીતે કમાવાનું શરૂ કર્યું અને [લોકડાઉનને કારણે] કામ બંધ થઈ ગયું, હું એક વર્ષ પણ કામ કરી શક્યો ન હતો.” તે પહેલા તેઓ પશ્ચિમ રેલવે સ્ટેશનોના ઓવરબ્રિજ પર ફાઇલો અને કાર્ડ હોલ્ડર્સ વેચતા હતા. તેઓ કહે છે, “અમે અમારું મોં ઢાંકીશું, હાથ સાફ કરીશું, મોજા પહેરીશું. પરંતુ માત્ર સાવચેતી રાખવાથી તો અમારું પેટ નહીં ભરાય ને! અમારી આજીવિકા ચાલુ રહેવી જોઈએ. નોકરી મેળવવી એ અન્ય લોકો કરતાં અમારા માટે વધુ મુશ્કેલ હોય છે.”
દિવ્યાંગોને રોજગાર આપવા માટે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 1997માં રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમની સ્થાપના કરી હતી. 2018-19માં, નિગમે 15,786 દિવ્યાંગોને હાથથી ભરતકામ કરવાની, તેમ જ સિલાઈ મશીન ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેલિવિઝન રિપેર ટેકનિશિયન અને અન્ય કુશળતામાં પારંગત કર્યા હતા; અને 165,337 દિવ્યાંગ લોકોને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે કન્સેશનલ ક્રેડિટ આપવામાં આવી હતી.
પરંતુ, મુંબઈ સ્થિત એનજીઓ દૃષ્ટિના પ્રોજેક્ટ્સ ડિરેક્ટર કિશોર ગોહિલ કહે છે, “દિવ્યાંગોને તાલીમ આપવી અને કેટલા લોકોને તાલીમ મળી છે તે જાહેર કરવું પૂરતું નથી. અંધ, દિવ્યાંગ, અને બહેરા લોકોને યોજના હેઠળ કૌશલ્યની તાલીમ મળે છે, પરંતુ તેઓ નોકરી મેળવવામાં નિષ્ફળ જાય છે. પરિણામે, દિવ્યાંગોને ભીખ માંગવા અથવા ટ્રેનોમાં અને પ્લેટફોર્મ પર રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચવાની ફરજ પડે છે.” ગોહિલ પોતે દૃષ્ટિહીન છે; તેમની સંસ્થા મુંબઈમાં દિવ્યાંગોની સલામતી, સુલભતા, અને રોજગાર માટે કામ કરે છે.
24 માર્ચના રોજ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ‘મહામારી દરમિયાન લેવાનાં નિવારક પગલાં’ વિષય પરની કોવિડ-19 સંબંધિત માહિતી સુલભ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવે — જેમાં બ્રેઈલ, ઓડિયો ટેપ અને સબટાઈટલ્સ સાથેના વિડિયોગ્રાફ્સ હોય.
વિમલ કહે છે, “અમને કઈ સાવચેતી રાખવાની છે તે વિશે જણાવવા કોઈ આવ્યું નથી. અમે સમાચાર સાંભળીને અને ટેલિવિઝન જોઈને તેના વિશે શીખ્યાં છીએ.” બપોરનો સમય છે, અને તેમનું સવારનું કામકાજ પૂર્ણ કર્યા પછી, તેઓ હવે બપોરનું ભોજન બનાવી રહ્યાં છે. તેઓ હસતાં હસતાં કહે છે, “ક્યારેક ખોરાક અતિશય ક્ષારયુક્ત બની જાય છે અને ક્યારેક તે ખૂબ મસાલેદાર બની જાય છે. આવું તમારી સાથે પણ થતું હશે ને!”
અનુવાદક: ફૈઝ મોહંમદ