તેજલીબાઈ ઢેઢિયાને ધીમે ધીમે તેમનાં દેશી બિયારણ પાછાં મળી રહ્યાં છે.
આશરે 15 વર્ષ પહેલાં, મધ્યપ્રદેશના અલીરાજપુર અને દેવાસ જિલ્લાઓમાં ખેતી કરતાં તેજલીબાઈ જેવા ભીલ આદિવાસીઓ જૈવિક ખેતી પદ્ધતિથી ઉગાડવામાં આવતાં દેશી બિયારણના બદલે રાસાયણિક ખાતર વગેરે સાથે ઉગાડવામાં આવતાં સંકર બિયારણ તરફ વળ્યા હતા. તેજલીબાઈ કહે છે કે તેનાથી પરંપરાગત બિયારણની ખોટ સર્જાઈ હતી, અને આનાથી થયેલ પરિવર્તન સમજાવતાં કહે છે, “અમારી પરંપરાગત ખેતીમાં ઘણાં મજૂરની જરૂર પડતી હતી અને બજારમાં અમને જે ભાવ મળતા હતા તેનાથી તેની ભરપાઈ પણ નહોતી થઈ શકતી.” 71 વર્ષીય તેજલીબાઈ ઉમેરે છે, “મજૂરના સમયની બચતથી અમે સ્થળાંતર કરી શક્યાં અને ગુજરાતમાં સ્થળાંતર કામદારો તરીકે ઊંચા દરે વેતન મજૂર કરી શક્યાં.”
પરંતુ હવે, આ જિલ્લાઓનાં 20 ગામોમાં, લગભગ 500 મહિલાઓ તેમના પરંપરાગત બિયારણનું સંરક્ષણ કરી રહી છે અને ભીલ ભાષામાં દેવી કંસારીનું સન્માન (સ્થાનિક રીતે ભિલાલી તરીકે ઓળખાય છે) તરીકે ઓળખાતી સંસ્થા કંસારીનું વડાવનો (KnV)ના માર્ગદર્શન હેઠળ જૈવિક ખેતી તરફ પાછી ફરી રહી છે. ભીલ આદિવાસી મહિલાઓની સામૂહિક સંસ્થા એવી કેએનવીની સ્થાપના 1997માં મહિલાઓના અધિકારો માટે લડવા અને તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે કરવામાં આવી હતી. આરોગ્યના મુદ્દાઓ પર એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા પછી, કેએનવીની રચનાનો ભાગ રહેલી આદિવાસી મહિલાઓને સમજાયું કે તેમના પરંપરાગત પાક પર પાછા ફરવાથી તેમના આહારની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે.
કાવડા ગામના રહેવાસી રિંકુબાઈ અલાવા કહે છે KnV ખાતે, પસંદ કરેલાં બિયારણને દેશભરમાં જૈવવિવિધ જૈવિક ખેતીને ફેલાવવા માટે તેમ જ અન્ય ખેડૂતોને વેચવા અને વિતરણ કરવા માટે અલગથી સંગ્રહિત કરવામાં આવે છે, જ્યારે બાકીનો પાક વપરાશ માટે રાખવામાં આવે છે. 39 વર્ષીય રિંકુબાઈ ઉમેરે છે, “લણણી પછી, અમે શ્રેષ્ઠ બિયારણને અલગ રાખીએ છીએ.”
કાકરાના ગામનાં ખેડૂત અને KnVનાં સભ્ય રાયતીબાઈ સોલંકી આ સાથે સહમત થતાં કહે છે: “બિયારણની ગુણવત્તા સુધારવા અને તેમની ઉત્પાદકતા વધારવા માટે બિયારણની પસંદગી એ શ્રેષ્ઠ માર્ગ છે.”
40 વર્ષીય રાયતીબાઈ ઉમેરે છે, “બાજરી અને જુવાર જેવાં મિલેટ (બાજરાની વિવિધ જાતો) અને અનાજ અમારી ભીલ જનજાતિનો મુખ્ય ખોરાક હતાં. મિલેટ્સને અનાજમાં સૌથી ઓછું પાણી જોઈએ છે ને તે સૌથી વધુ પૌષ્ટિક પણ છે. તેમની ખેતી ડાંગર અને ઘઉં જેવા અન્ય અનાજ કરતાં સરળ છે.” તેઓ મિલેટ્સની જાતોનાં નામોની યાદી આપવાનું શરૂ કરે છે − બટ્ટી (બંટી), ભાદી, રાલા (કાંગ), રાગી (નાગલી), બાજરા (બાજરી), કોદો, કુટકી, સાંગરી (વરી). તેઓ ઉમેરે છે, “કુદરતી રીતે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે જૈવવિવિધ પાકમાં કઠોળ, દાળ, અને તેલીબિયાં જેવી ફળી સાથે તેને વારાફરતી વાવવામાં આવે છે.”
































