જ્યારે ઉષા દેવીએ ધર્મેન્દ્ર રામને છેલ્લી વાર જોયા હતા, ત્યારે તેઓ સાવ સુકાઈ ગયા હતા. તેઓ કહે છે, “તેઓ ચીસ પાડીને રડ્યા, હાંફવા લાગ્યા અને પછી શાંત થઈ ગયા.” હું તેમને ચાનો છેલ્લો કપ પણ આપી શકી ન હતી.
અને આ રીતે ઉષાના 28 વર્ષીય પતિના જીવનનો અંત આવ્યો. તેઓ બીમાર અને ભૂખ્યા મૃત્યુ પામ્યા, કારણ કે તેમની પાસે રેશનકાર્ડ ન હતું. ધર્મેન્દ્ર રામ પાસે સૌથી મહત્ત્વનું મનાતું આધાર કાર્ડ હતું, જે રેશનની દુકાન પર તેમની ઓળખને ચકાસી શકે છે. પરંતુ વાસ્તવિક રેશનકાર્ડ વિના તે નકામું હતું.
ઓગસ્ટ 2016માં ધર્મેન્દ્રના મૃત્યુએ અલ્હાબાદના મૌઇમા બ્લોકમાં આવેલા તેમના ગામ ધરૌતા તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સ્થાનિક મીડિયાએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ગામની મુલાકાત લેવાની માંગ કરી હતી. ગ્રામ વિકાસ અધિકારી અને લેખપાલ (તલાટી)ને બરતરફ કરવામાં આવ્યા હતા. રાહત સામગ્રીની જાહેરાત કરવામાં આવી હતી (જેમાં રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના હેઠળ 30,000 રૂપિયા અને પાંચ બિસવા અથવા 570 ચોરસ મીટર ખેતીની જમીનનો સમાવેશ થાય છે). માંડ 500 ઘરોના આ ગામમાં સ્થાનિક રાજકારણીઓ દોડી આવ્યા હતા. અને તેમનાં પત્ની અચાનક રાજ્ય સરકારના 500 રૂપિયાના વિકલાંગતા પેન્શન માટે પાત્ર થઈ ગયાં હતાં.
ઉષાને સાંભળવાની નબળાઈ છે, અને તેઓ આંશિક રીતે અંધ પણ છે અને તેમનો જમણો પગ તેમના ડાબા કરતાં નોંધપાત્ર રીતે ટૂંકો છે. તેમને આ બધું કઈ રીતે થયું તે બહુ ઓછું યાદ છે. પરંતુ, તેમને એટલું ચોક્કસપણે યાદ છે કે તેઓ મુલાકાતે આવેલા અધિકારી (‘મોટા સાહેબ’) ના પગે પડ્યાં હતાં. તેમને યાદ છે કે તેમણે તેમને કહ્યું હતું, “કુછ તો મદદ કરો [થોડી તો મદદ કરો].”
તે અધિકારી હતા તહસીલદાર રામકુમાર વર્મા, જેમણે આ દંપતીના ઘરની તપાસ કરી હતી. સ્થાનિક મીડિયાએ પછીથી તેમને ટાંકીને કહ્યું કે તેમને ઘરમાં અનાજનો એક દાણો પણ મળ્યો ન હતો. ઉષાની આજીજીના કારણે, તેમણે તેમના ખિસ્સામાંથી 1,000 રૂપિયા કાઢીને આપ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો થાક અને ભૂખના કારણે તેઓ બેહોશ થઈ ગયાં હતાં.
સોરાંવ તાલુકા (જેમાં ધરૌતા આવેલું છે) ના વર્તમાન તલાટી પંચમ લાલ તેને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા ઝડપી પગલાંના ભાગ રૂપે એક પગલું ગણાવતાં કહે છે, “આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી.” તેમનું માનવું છે કે રેશનકાર્ડ મેળવવાની અને તેને આધાર સાથે જોડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તેઓ કહે છે, “લોકો આ બધું ઓનલાઇન કરી શકે છે. ગામમાં એક ખાનગી દુકાન છે, જે આ કામ 50 રૂપિયામાં કરી આપે છે. જોકે, પહેલાં આવું કરવાનો ઈરાદો તો હોવો જોઈએ. શું અમે માત્ર 15 દિવસમાં તેમનાં પત્નીને અંત્યોદય કાર્ડ નહોતું આપ્યું?”
આધાર નંબર દ્વારા રેશનકાર્ડની ચકાસણીને આ ઓળખ પ્રક્રિયાની સૌથી મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. સરકારના પોતાના આંકડાઓ અનુસાર, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જારી કરાયેલા દર પાંચમાંથી ચાર રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યાં છે.
કાગળ પર તો, ધર્મેન્દ્ર પાસે આધાર આઈડી હોવાના કારણે તેમના માટે રેશનકાર્ડ મેળવવું સરળ બનવું જોઈતું હતું. પરંતુ વાસ્તવિકતા સૂચવે છે કે આમાંથી એક પણ મેળવવાની પ્રક્રિયા, જેમાં ખાસ કરીને ઓનલાઇન ફોર્મ ભરવાનો સમાવેશ થાય છે, તે ધર્મેન્દ્ર રામ જેવા લોકો માટે ખૂબ જ જટિલ છે. મદદ મેળવવી પણ સરળ નથી. આવાં કામમાં તેમને ઘણી વાર અધિકારીઓ તરફથી “આ મારા વિભાગમાં નથી આવતું” નો રોકડો જવાબ સંભળાવવામાં આવે છે.
ધરૌતા ગામનાં પ્રધાન (પંચાયતનાં ચૂંટાયેલાં સરપંચ) તીજા દેવી જાહેર કરે છે, “મારા પતિ તેમને નામ નોંધાવવા માટે મોટરસાઇકલ પર લઈ ગયા હતા. રેશનકાર્ડની જવાબદારી પ્રધાનની નહીં પણ પંચાયત સચિવની હોય છે.”
ધર્મેન્દ્ર, કે જેમને પડોશીઓ બેદરકાર અને આળસુ કહે છે, અશિક્ષિત હોવાથી ક્યારેય આ ગૂંચવણોને સમજી શકવાના ન હતા. 2009માં રજૂ કરવામાં આવેલું અને ત્યારથી વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવેલું આધાર જેની પાસે છે તેમના માટે પણ તેને સમજવું મુશ્કેલ છે.
તેમાંથી એક ધર્મેન્દ્રનાં ભાભી ભૂટાની (તેમના મોટા ભાઈ નન્હેનાં પત્ની) પણ છે, જેઓ કહે છે, “સરકારી કાર્ડ હોવું સારી બાબત છે. તે મારી પાસે પણ છે, પણ હું તેને સંપૂર્ણ રીતે જાણતી નથી. આ માટે ઘણા કાગળોની જરૂર પડે છે. અમે જ્યારે પણ શક્ય હતું ત્યારે ધર્મેન્દ્રની મદદ કરી હતી, પરંતુ અમારી પણ કેટલીક મર્યાદાઓ પણ હતી.”
ધર્મેન્દ્રની આવકનો એકમાત્ર સ્રોત લગ્નમાં નૃત્ય કરવાનો હતો. આ કામ પણ હંમેશાં ઉપલબ્ધ નહોતું અને તેમણે એક રાતમાં ગમે તેટલું સારું પ્રદર્શન કર્યું હોય, આવક ક્યારેય 500 રૂપિયાથી વધુ ન થતી. તેમના પિતા પાસે જમીનનો એક ટુકડો હતો, જેને તેમણે ધર્મેન્દ્ર અને નન્હેને વહેંચી દીધો હતો. ધર્મેન્દ્રને જે જમીન મળી હતી તે થોડી ખડકાળ હતી, તેની ઉપજ ઓછી હતી. તેઓ ઘણી વાર ત્યાંથી પસાર થતા લોકોની મદદ માંગતા. ઉષાએ પોતાનું પેટ ભરવા માટે ખોરાકની ભીખ માંગી હતી. કેટલીક વાર લોકો તેમને તેમનો બચેલો હિસ્સો આપવા માટે ફોન કરતા હતા. તેઓ કહે છે, “મને કોઈ શરમ નથી લાગતી.” લગ્નના 12 વર્ષમાં, તેમને એવો કોઈ સમય યાદ નથી કે જ્યારે ઘરે ભરપેટ જમાવનું ઉપલબ્ધ હતું. તેઓ કહે છે, “ક્યારેક જ્યારે તેમની પાસે પૈસા રહેતા, ત્યારે અમે ટામેટાં અને કઠોળ ખરીદતાં.”
તેમાંના એકનું ભૂખથી મૃત્યુ થયું હોવાથી ધરૌતામાં હજુ પણ મિશ્ર લાગણીઓ જોવા મળે છે. ધર્મેન્દ્રના ઘરની શેરીની બાજુમાં જ 50 વર્ષ જૂનું સુનીતા રાજનું મજબૂત દેખાતું ગુલાબી ઘર છે. તે એવા લોકોમાંનાં એક છે જેઓ ક્યારેક ઉષાને ભોજન આપતાં હતાં. તેઓ કહે છે કે તેમના માટે દરેક સમયે તેમની મદદ કરવી અશક્ય બાબત હતી. તેઓ કહે છે, “જ્યારે તમે અમારા ઘરમાં નજર નાખશો, ત્યારે જોશો કે અહીં કંઈ નથી. જ્યારે મારા [દિવંગત] પતિ બીમાર હતા, ત્યારે અમે તે પાંચ વર્ષમાં બધું ગુમાવી દીધું હતું. હવે મારો એકનો એક પણ બેરોજગાર છે. આ બધું જોઈને તમે સમજી શકો છો કે હું પણ એક દિવસ ભૂખથી મરી શકું છું.” તે ડર એ હકીકતથી પેદા થાય છે કે સુનિતા પાસે સ્થાનિક સરનામા સાથેનું આધાર નથી અને તેથી તેમનું નામ પરિવારના રેશન કાર્ડમાં પણ નથી. તેઓ ગુસ્સામાં કહે છે, “મારી પાસે પુણેમાં આધાર હતું, જ્યાં મારા પતિ મજૂર તરીકે કામ કરતા હતા. મને કહેવામાં આવ્યું હતું કે તેઓ દવાઓ મેળવવામાં મદદ કરશે, પરંતુ એવું બન્યું નહીં.”
અન્ય એક પાડોશી, 66 વર્ષીય રામ અસરે ગૌતમ કહે છે કે ધર્મેન્દ્રના મૃત્યુથી અશક્ય સિદ્ધ થઈ ગયું. “કોઈ અધિકારીએ ક્યારેય અમારા ગામને મહત્ત્વ આપ્યું નથી. પછી અચાનક સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, તહસીલદાર, બધા અહીં આવવા લાગ્યા. અમારા ગામને આનાથી જાણે આશીર્વાદ મળ્યા હોય.”
ધર્મેન્દ્રના મૃત્યુ પછી, ઉષા પોતાનો મોટાભાગનો સમય તેમના ભાઈ લાલજી રામના ઘરે દંડુપુર ગામમાં (ધરૌતાથી 19 કિમી દૂર) વિતાવે છે. ચાર બાળકોના પિતા લાલજી કહે છે, “ધર્મેન્દ્ર જ્યારે જીવતા હતા ત્યારે ગામલોકોએ તેમની મદદ કરી ન હતી. હવે તેઓ ઈર્ષ્યા કરે છે કે તેની પાસે [570 ચોરસ મીટરની] ફળદ્રુપ જમીન છે. હું તેના માટે ખેતરની સંભાળ રાખું છું, કારણ કે તેણી માનસિક રીતે વિકલાંગ છે.”
ઉષા માટે જમીન અને નાણાકીય સહાય માત્ર વિગતો છે. તેઓ કહે છે, “મારા પતિ એક નાનકડા કાર્ડ માટે મૃત્યુ પામ્યા હતા. તે એટલું તો મૂલ્યવાન ન હોઈ શકે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ