ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે, શ્રીરંગમ પાસેના પોતાના તલના ખેતરોથી દસ મિનિટના અંતરે કોલ્લીડમ નદીના રેતાળ કાંઠે ખેડૂત વડીવેલન મને (તેમના જીવન સાથે જોડાયેલી) વાર્તાઓ કહે છે, આ જ નદીમાં 1978 માં તેમના જન્મના 12 દિવસ પછી અચાનક આવેલા પૂરની. તેમના ગામની, જ્યાં દરેક વ્યક્તિએ, મધ જેવા રંગના સુગંધિત તેલ માટે જેને પીલી નાખવામાં આવે છે એવા, યેળ્ળ [તલ] ઉગાડ્યા હતા. તેઓ વાર્તાઓ કહે છે ‘પાણી પર તરતા કેળના બે છોડને પકડીને’ તરતા શીખવાની, એક મોટી નદી - કાવેરીના કાંઠે રહેતી પ્રિયા સાથે પ્રેમમાં પડવાની અને પોતાના પિતાના વિરોધ છતાં એની સાથે લગ્ન કરવાની. અને (અંતે) તેમની દોઢ એકર જમીન પર ડાંગર, શેરડી, અડદ અને તલની ખેતીની…
આમાંના પહેલા ત્રણ પાકમાંથી થોડાઘણા પૈસા મળે છે. વડીવેલન સમજાવે છે, “અમે ડાંગર ઉગાડવામાંથી થયેલી આવકનો ઉપયોગ શેરડીની ખેતી માટે કરીએ છીએ અને એ પૈસા અમે પાછા જમીનમાં જ નાખીએ છીએ.” તલ – તમિલમાં યેળ્ળ – તેલ માટે ઉગાડવામાં આવે છે. આ તેલીબિયાંને લાકડાની ઘાણીમાં પીલી નાખવામાં આવે છે, અને નલ્લેણઈ [તલનું તેલ અથવા જીંજેલી ઓઈલ] એક મોટા વાસણમાં સંગ્રહિત થાય છે. પ્રિયા કહે છે, "અમે તેનો ઉપયોગ રસોઈમાં અને અથાણાં બનાવવા માટે કરીએ છીએ. અને ઓહ, વડીવેલન રોજ તેનાથી કોગળા કરે છે." વડીવેલન હસીને કહે છે, "અને ઓઈલ-બાથ લઉં છું, એ મને ખૂબ ગમે છે!"
વડીવેલનને બીજી ઘણી પ્રવૃત્તિઓ પણ ખૂબ ગમે છે, અને તે તમામ સરળ આનંદ (આપતી પ્રવૃત્તિઓ) છે. નાનપણમાં આ નદીમાં માછીમારી કરવાનું, તાજી પકડેલી માછલીઓને ગ્રિલ કરીને પોતાના મિત્રો સાથે મળીને ખાવાનું, ગામના સરપંચને ઘેર ગામમાંનું એક માત્ર ટેલિવિઝન જોવાનું. તેઓ કહે છે, "અરે, ટીવી તો મને એટલું બધું ગમતું, જ્યારે એ બરોબર ચાલતું ન હોય ત્યારે તેનો ઓંઈઈઈઈ અવાજ પણ હું સાંભળતો!"
પરંતુ (દિવસ પૂરો થતા) પ્રકાશ ઝાંખો થાય તેમ નાનપણની આ ગુલાબી રંગીન યાદો પણ ઝાંખી પડતી જાય છે. વડીવેલન જણાવે છે, "હવે તમે માત્ર જમીન પર નિર્ભર ન રહી શકો. અમારું ઘર ચાલી જાય છે કારણ કે હું કેબ પણ ચલાવું છું." તેઓ અમને તેમની ટોયોટા ઈટીઓસમાં શ્રીરંગમ તાલુકના તિરુવાળરસોલઈ ખાતેના તેમના ઘેરથી આ નદીને કિનારે લઈ આવ્યા છે. તેમણે આઠ ટકાના વ્યાજે ખાનગી લોન લઈને આ ગાડી ખરીદી હતી અને તેની ચૂકવણી માટે તેમને મહિને 25000 રુપિયાનો જંગી હપ્તો ભરવો પડે છે. આ દંપતી કહે છે કે પૈસાની હંમેશા ખેંચ રહે છે. ઘણીવાર કપરા સમયમાં તરી જવા માટે સોનાનો ટુકડો ગીરવે મુકવામાં આવે છે. વડીવેલન નિસાસો નાખે છે, “જુઓ વાત એમ છે કે અમારા જેવા લોકોને ઘર બનાવવા માટે એક બેંક લોન જોઈતી હોય તો અમે ચપ્પલની 10 જોડી ઘસી નાખીશું. એ લોકો અમને એટલા ધક્કા ખવડાવશે, એટલી ભાગદોડ કરાવશે!"
આકાશ હવે જાણે એક તૈલ ચિત્ર હોય એવું લાગે છે: ગુલાબી અને વાદળી અને કાળું. ક્યાંકથી મોર ટહૂકે છે. વડીવેલન કહે છે, "નદીમાં જળબિલાડીઓ છે." અમારાથી થોડે જ દૂર નાના -નાના છોકરાઓ જળબિલાડીના જેવી જ ચપળતાથી પાણીમાં ડૂબકી મારે છે અને રમે છે. "હું પણ આવું જ કરતો હતો, અહીં ઉછરતા બાળકો માટે આ જ એક મનોરંજન છે!"
વડીવેલન નદીઓની પણ પૂજા કરે છે. “દર વર્ષે આડિ પેરક્ક પર - તમિળ મહિના આદિના 18મા દિવસે - અમે બધા કાવેરીના કિનારે જઈએ છીએ. અમે નાળિયેર વધેરીએ છીએ, કપૂર પ્રગટાવીએ છીએ અને ફૂલો ચડાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ." જાણે એના બદલામાં, નદીઓ લગભગ બે હજાર વર્ષથી કરતી આવી છે તેમ, કાવેરી અને કોલ્લીડમ (કોલેરુન) તમિળનાડુના તિરુચિરાપલ્લી (જે ત્રિચી તરીકે પણ ઓળખાય છે) જિલ્લામાં આવેલા તેમના ખેતરોને પોષે છે , ફળદ્રુપ બનાવે છે.
*****
“બાફેલી દાળ, તલના ગોળા, માંસ સાથે ભળેલા ચોખા,
ફૂલો, ધૂપ અને તાજા રાંધેલા ચોખા
સ્ત્રીઓ એકસાથે હાથ પકડે છે અને સમાધિમાં નૃત્ય કરે છે
ઘરડી જાજરમાન સ્ત્રીઓ આશીર્વાદ આપે છે અને ઘોષણા કરે છે
આ મહાન ભૂમિમાં આપણા શાસકની આગેવાની હેઠળ
ભૂખ, રોગ અને દુશ્મની છોડી શકે છે;
વરસાદ અને સંપત્તિનો વિકાસ થાય"
સેન્દિલ નાદન તેમના બ્લોગ ઓલ્ડ તમિલ પોએટ્રીમાં લખે છે કે કોમન ઈરાની 2જી સદીમાં લખાયેલ તમિળ મહાકાવ્ય સિલપ્પદિહારમમાંથી લેવામાં આવેલ આ પ્રાર્થના વિધિ "એ આજે તમિલનાડુમાં પ્રચલિત પ્રાર્થના વિધિને ખૂબ મળતી આવે છે." [કવિતા: ઈન્દિરા વિળાવુ, પંક્તિઓ 68-75]
યેળ્ળ (તલ) પ્રાચીન અને સામાન્ય બંને છે. અને એક એવો પાક છે જેના વિવિધ - અને રસપ્રદ - ઉપયોગો છે. નલ્લેણઈ તરીકે ઓળખાતું તલનું તેલ દક્ષિણ ભારતમાં રસોઈ બનાવવા માટે વપરાતું પ્રચલિત માધ્યમ છે, અને આ તેલીબિયાંનો ઉપયોગ દેશી અને વિદેશી મીઠાઈઓમાં પણ થાય છે. નાના સફેદ અથવા કાળા તલ સ્વાદિષ્ટ ફરસાણોને એક સરસ કરકરાહટ આપે છે, અને ખાસ કરીને જેમાં પૂર્વજોને યાદ કરવામાં આવે છે અથવા તેમની પૂજા કરવામાં આવે છે એવી ધાર્મિક વિધિઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
તલમાં 50 ટકા તેલ, 25 ટકા પ્રોટીન અને 15 ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ઈન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રિકલચર રિસર્ચ આઈસીએઆર) ની તલ અને રામતલ (નાઈજર) વિષયક યોજના નોંધે છે કે તલ એ 'ઊર્જાનો ભંડાર છે અને વિટામિન ઈ, એ, બી કોમ્પ્લેક્સ અને કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર, મેગ્નેશિયમ, ઝીંક અને પોટેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે.' (અને એટલે જ) તલને પીલીને તેલ કાઢી નાખ્યા પછી બચેલ થૂલુ – યેળ્ળ પુન્નાક – પશુધનને નીરવામાં આવે છે.
તલ (સીસમમ ઈન્ડિકમ એલ.) એ ભારતમાં ખેતીનો સૌથી લાંબો ઈતિહાસ ધરાવતો દેશી તેલીબિયાંનો સૌથી પ્રાચીન પાક છે. આઈસીએઆર દ્વારા પ્રકાશિત ધ હેન્ડબુક ઓફ એગ્રીકલ્ચર આગળ ઉમેરે છે કે ભારત વિશ્વમાં તલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વિશ્વભરમાં જ્યાં-જ્યાં આ પાક ઉગાડવામાં આવે છે તે કુલ જમીનનો 24 ટકા હિસ્સો ભારતમાં છે. તે એ પણ નોંધે છે કે ભારત વિશ્વના તેલીબિયાં ઉગાડતા વિસ્તારનો 12 થી 15 ટકા, ઉત્પાદનનો 7 થી 8 ટકા અને વૈશ્વિક વપરાશનો 9 થી 10 ટકા હિસ્સો ધરાવે છે.
જોકે આ કોઈ નવી વાત નથી. કે.ટી. આચાય તેમના અગ્રણી કાર્ય ઇન્ડિયન ફૂડ, એ હિસ્ટોરિકલ કમ્પેનિયનમાં નોંધે છે કે અગાઉના સમયમાં તલની નિકાસ અંગેના અનેક પુરાવા છે.
દક્ષિણ ભારતીય બંદરો પરથી તલના વેપારના ઐતિહાસિક વર્ણનો ઓછામાં ઓછા કોમન ઇરાની 1 લી સદીના છે. એક અજાણ્યા ગ્રીક-ભાષી ઈજીપ્શિયન નાવિક દ્વારા પોતાના જાત અનુભવ પરથી લખાયેલ પુસ્તક ધ પેરિપ્લસ મેરીસ એરિથ્રેઇ (સરકમનેવિગેશન ઓફ એરિથ્રિયન સી - એરિથ્રિયન સમુદ્રનું પરિભ્રમણ) તે સમયના વેપારની ઘણી વિગતો નોંધે છે. તેઓ ઉલ્લેખ કરે છે કે વિદેશ મોકલવામાં આવતી કિંમતી ચીજવસ્તુઓમાં - હાથીદાંત અને મલમલ ઉપરાંત - તલના તેલ અને સોનાનો સમાવેશ થાય છે, આ બંને વસ્તુઓ કોંગનાડમાંથી, હાલના તમિળનાડુના પશ્ચિમ ભાગમાંથી, વિદેશ મોકલવામાં આવતી હતી. સોના અને તલના તેલનો એકસાથે ઉલ્લેખ એ તે સમયે તલનું કેટલું મહત્વ હતું એ દર્શાવે છે
આચાય નોંધે છે કે સ્થાનિક વેપાર ધમધોકાર ચાલતો હતો. માંકુડી મરુતનર દ્વારા આલેખાયેલ મદુરાઈકાંચી સ્થિત મદુરાઈ શહેરનું શબ્દચિત્ર બજારની ઉત્તેજના વ્યક્ત કરે છે: 'અનાજના વેપારીઓની ગલીમાં મરી અને ડાંગર, બાજરી, ચણા, વટાણા અને તલ સહિત સોળ પ્રકારના અનાજની બોરીઓના ઢગલા ખડકાયેલા છે.'
તલના તેલને શાહી સમર્થન હતું. આચાયના પુસ્તક ઇન્ડિયન ફૂડમાં એક પોર્ટુગીઝ વેપારી ડોમિંગો પાઈસનો ઉલ્લેખ છે, તેઓ 1520 ની આસપાસ વિજયનગરમાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા. પાઈસે રાજા કૃષ્ણદેવરાય વિશે લખ્યું હતું:
“રાજા રોજ પરોઢિયે ત્રણ ચતુર્થાંશ પિંટ જીંજેલી ઓઈલ (તલનું તેલ) પીવા ટેવાયેલા છે અને એ જ તેલ પોતાના શરીરે ચોળે છે; તેઓ કમર પર એક નાનકડી લંગોટી વીંટીને હાથમાં ભારે વજન ઊંચકીને કસરત કરે છે, અને પછી જ્યાં સુધી પરસેવો વળીને શરીરે ચોળેલું બધુંય તેલ પરસેવાની સાથે-સાથે બહાર નીકળી ન જાય ત્યાં સુધી પોતાની તલવાર લઈને કસરત કરે છે.
વડીવેલનના પિતા પલણીવેલ આ વાત સાથે સંમત થયા હોત. દરેક વર્ણન પરથી લાગે છે કે એ રાજા રમત-ગમતને ચાહનાર માણસ હતો. “તેમણે પોતાના શરીરનો બાંધો કાળજીપૂર્વક જાળવ્યો હતો. તેઓ પથ્થરો [વજન] ઉપાડીને કસરત કરતા, નારિયેળની ઝાડીમાં કુસ્તી શીખવતા. તેઓ સિલમ્બમ [સંગમ સાહિત્યમાં ઉલ્લેખિત તમિળનાડુની પ્રાચીન માર્શલ આર્ટ (યુદ્ધ કલા)] પણ સારી રીતે જાણતા હતા.”
આ પરિવાર તેલ માટે માત્ર તેમના ખેતરના તલ વાપરે છે અને ક્યારેક ક્યારેક નાળિયેરના તેલ/કોપરેલનો ઉપયોગ કરે છે. બંને મોટા વાસણોમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. “મને બરોબર યાદ છે, મારા પિતા રેલે સાઇકલ ચલાવતા હતા અને તેના પર અડદની બોરીઓ ભરીને ત્રિચીના ગાંધી માર્કેટ જતા હતા. તેઓ મરચું, સરસવ, મરી અને આમલી લઈને પાછા આવતા. તે એક પ્રકારના વિનિમય-વ્યાપાર જેવું હતું. અને અમારા રસોડામાં આખું વર્ષ ચાલે તેટલો પુરવઠો આવી જતો!”
*****
વડીવેલન અને પ્રિયાના લગ્ન 2005 માં થયા હતા. તેમના લગ્ન ત્રિચીની નજીકના વયલુર મુરુગન મંદિરમાં યોજાયા હતા. વડીવેલન કહે છે, "(લગ્નમાં) મારા પિતા આવ્યા નહોતા, તેમણે અમારા લગ્નને મંજૂરી આપી નહોતી. અને જ્યારે મારા સંબંધીઓને લેવા ગામમાં આવેલા મારા મિત્રોએ તરત મારે ઘેર જઈને મારા પિતાને પૂછ્યું કે તેઓ આવી રહ્યા છે કે કેમ ત્યારે બાજી વધુ બગડી. તેઓ ગુસ્સે થઈ ગયા!” વડીવેલન ખડખડાટ હસી પડ્યા.
અમે આ દંપતીના ઘરમાં, હોલમાં, ભગવાનોની છબીઓથી ભરેલ અલમારીની બાજુમાં બેઠા છીએ. દિવાલ પર પરિવારના ફોટા છે - સેલ્ફી, રજાઓ માણવા ગયા હોય ત્યારના ફોટા, પોટ્રેટ, અને એક ટેલિવિઝન જે પ્રિયાને માટે રોબરોજના કામમાંથી થોડી ફુરસદનો સમય મેળવી શકે ત્યારે મનોરંજનનું સાધન છે. અમે તેમને મળવા જઈએ છીએ ત્યારે બાળકો ઘેર નથી, બંને શાળાએ ગયા છે. તેમનો કૂતરો અમને હુલ્લો કહેવા આવે છે. વડીવેલન કહે છે, "આ જુલી છે." તેના વખાણ કરતા હું કહું છે, "એ રૂપાળી છે." વડીવેલન હસીને કહે છે, "એ (નર) કૂતરો છે." જુલી નાખુશ થઈને જતો રહે છે.
પ્રિયા અમને જમવા બોલાવે છે. તેમણે વડઈ (વડા) અને પાયસમ સાથે મિજબાની તૈયાર કરી છે. તેઓ અમને કેળના પાન પર જમવાનું પીરસે છે. ભોજન સ્વાદિષ્ટ અને ભારે છે.
જાગતા રહેવા માટે અમે ધંધાની વાત કરીએ છીએ. તલ ઉગાડવાનો અનુભવ કેવો છે? વડીવેલન કહે છે, "નિરાશાજનક." તેઓ જણાવે છે કે ખેતી જ છે નિરાશાજનક વ્યવસાય છે. "વળતર ખાસ નથી. પરંતુ તલ ઉગાડવાની કિંમત સતત વધી રહી છે. બીજા ખાતરોની જેમ જ યુરિયા પણ ખૂબ મોંઘું છે. એ ઉપરાંત અમારે ખેતર ખેડવું પડે, તલના બીજ વાવવા પડે. એ પછી ચાસ ઊભા કરવા પડે જેથી એની વચ્ચે પાણી વહી શકે. અને સૂર્યાસ્ત પછી જ અમે ખેતરમાં પાણી સિંચીએ છીએ.”
પ્રિયા સમજાવે છે, ત્રીજા અઠવાડિયાની આસપાસ સૌથી પહેલી વાર બરોબર પાણી સિંચીએ. પ્રિયા પોતાની હથેળી જમીનથી નવ કે દસ ઇંચ ઊંચે રાખીને કહે છે ત્યાં સુધીમાં છોડ આટલા ઊંચા થઈ ગયા હોય. તેઓ કહે છે, “એ પછી છોડ ઝડપથી વધવા લાગે. પાંચમે અઠવાડિયે તમારે નીંદણ દૂર કરી યુરિયા ઉમેરવું પડે અને દર દસ દિવસે કે તેનાથી વધુ દિવસે સિંચાઈ કરવી પડે. સૂર્યપ્રકાશ સારો હોય તો તમને સારી ઉપજ મળે."
વડીવેલન કામ પર જાય છે ત્યારે પ્રિયા ખેતરોની સંભાળ રાખે છે. કોઈપણ સમયે તેમની દોઢ એકર જમીનમાં ઓછામાં ઓછા બે પાક હોય છે. તેઓ ઘરકામ સમેટીને બાળકોને શાળાએ મોકલે છે, પોતાનું ભાથું બાંધે છે અને સાઈકલ ચલાવી તેમના ખેતરમાં કામ કરતા શ્રમિકો સાથે જોડાવા માટે જાય છે. તેઓ કહે છે, “સવારે દસ વાગ્યે અમારે બધાને ચા પીવડાવવી પડે. અને બપોરના ભોજન પછી ચા અને પલહારમ (નાસ્તો) આપવો પડે. સામાન્ય રીતે અમે સુઈયમ (મીઠાઈ) અને ઉરળઈ બોન્ડા (એક ફરસાણ) આપીએ.” તેઓ કામ કરતા કરતા ઉપર-નીચે દોડાદોડ કરતા રહે છે, કંઈક ને કંઈક ઊંચકીને લાવે-લઈ જાય, વાળે-ઝૂડે, ઉપાડે-મૂકે, રસોઈ કરે, સાફસૂફી કરે ... અમે તેમના ખેતરો જોવા માટે નીકળીએ તે પહેલાં તેઓ કહે છે, "લો, થોડો રસ પીઓ."
*****
યેળ્ળ વાયલ, તલનું ખેતર, ખૂબ સુંદર દેખાય છે. ફૂલો નાજુક, લગભગ સુશોભનની વસ્તુ હોય એટલા તો સુંદર હોય છે, અને ગુલાબી અને સફેદ રંગ-છટાના એ ફૂલો શિફોનની સાડીઓ અને ફ્રેન્ચ મેનિક્યોર (હાથ તથા નખની સાજસંભાળ) ની યાદ અપાવે છે. દક્ષિણ ભારતીય રસોડામાં રસોઈ બનાવવાના મુખ્ય માધ્યમ એવા પચવામાં ભારે તેલની યાદ તો ભાગ્યે જ આવે.
તલનો છોડ ઊંચો અને પાતળો હોય છે, તેના પાંદડા ઘેરા લીલા હોય છે. ડાળખી પર ઘણી લીલી શીંગો હોય છે. દરેક શીંગ બદામ જેટલી મોટી અને ઈલાયચી જેવા આકારની હોય છે. પ્રિયા અમારે માટે એક શીંગ ખોલે છે. અંદર ઘણા નાના-નાના ફિક્કા સફેદ તલ છે. એક ચમચી તેલ માટે આમાંથી કેટલાને પીલી નાખવા પડે એની કલ્પના કરવી મુશ્કેલ છે. અરે, એક-એક ઈડલી પર સામાન્ય રીતે ઓછામાં ઓછું બે ચમચી તેલ રેડીને થોડી ઇડલી પોડી (એક પ્રકારની સૂકી ચટણી) ભભરાવેલી હોય છે.
જોકે શાંતિથી સ્પષ્ટપણે વિચારવું મુશ્કેલ છે - એપ્રિલનો ધોમધખતો સૂર્ય છે. અમે નજીકની ઝાડીમાં થોડો છાંયો શોધીએ છીએ. વડીવેલન કહે છે કે મહિલા ખેતમજૂરો પણ અહીં આરામ કરે છે. ઘણા મહિલા ખેતમજૂરો તેમના પાડોશી ગોપાલના અડદના ખેતરમાં સખત મહેનત કરી રહ્યા છે. એ દિવસની કાળઝાળ ગરમીથી પોતાને બચાવવા માટે તેમણે માથા પર સુતરાઉ ટુવાલ વીંટાળ્યા છે. તેઓ માત્ર બપોરના ભોજન અને ચા માટે વિરામ લઈ અટક્યા વિના સતત કામ કરે છે.
તે તમામ વૃદ્ધ મહિલાઓ છે. કદાચ સૌથી વૃદ્ધ વી. મારિયાઈ ઉંમરના સિત્તેરમા દાયકામાં છે. તેઓ નીંદણ, રોપણી કે લણણી કરતા ન હોય ત્યારે શ્રીરંગમ મંદિરમાં તુલસી (પવિત્ર તુલસી) ની માળા લઈ જઈને ત્યાં એ વેચે છે. તેઓ ધીમા અવાજે બોલે છે. સૂર્ય તપી રહ્યો છે. સતત…
જોકે તલના છોડને દેખીતી રીતે જ ધોમધખતા સૂર્યનો કોઈ વાંધો હોય એવું લાગતું નથી. વડીવેલનના પાડોશી 65 વર્ષના એસ. ગોપાલ મને કહે છે કે તલના છોડને ઘણી બધી બાબતોનો કોઈ વાંધો હોય એવું લાગતું નથી. અને વડીવેલન અને પ્રિયા એ વાત સાથે સંમત થાય છે. આ ત્રણ ખેડૂતો જંતુનાશક અને સ્પ્રે વિશે ભાગ્યે જ વાત કરે છે - એનો ક્યારેક અછડતો જ ઉલ્લેખ થાય છે - ન તો તેઓ પાણી વિશે ઝાઝી ચિંતા કરે છે. તલ અને બાજરી ઘણી બાબતોમાં સરખા છે - બંને ઉછેરવામાં સરળ છે, બેમાંથી એકેયને ઝાઝું ધ્યાન આપવાની જરૂર નથી હોતી. આ બંને પાકને કોઈ નુકસાન કરી શકે છે તો એ છે કમોસમી વરસાદ.
અને 2022માં એવું જ થયું હતું. વડીવેલન કહે છે, “જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં - છોડ નાના હતા ત્યારે, જ્યારે ન પડવો જોઈએ ત્યારે, વરસાદ પડ્યો હતો, અને છોડની વૃદ્ધિ અટકી ગઈ હતી." તેઓ થોડા જ વખતમાં પોતાના ખેતરમાં લણણી કરવાના છે, પરંતુ તેમને ખૂબ જ ઓછી ઉપજની અપેક્ષા છે. તેઓ કહે છે, “ગયા વર્ષે વાવેલા 30 સેન્ટ્સ (એક એકરનો ત્રીજા ભાગ) માંથી 150 કિલોગ્રામ તલની ઉપજ થઈ હતી. આ વખતે મને લાગતું નથી કે 40 કિલોગ્રામથી વધારે ઉપજ થાય.”
આ દંપતીનો અંદાજ છે કે આટલો જથ્થો તેમની તેલની વાર્ષિક જરૂરિયાત ભાગ્યે જ પૂરી કરી શકશે. પ્રિયા સમજાવે છે, “અમે લગભગ 15 થી 18 કિલોગ્રામના બેચમાં તલને પીલીએ. તેમાંથી અમને લગભગ સાત કે આઠ લિટર તેલ મળે. અમારી જરૂરિયાત પૂરી થાય એ માટે અમારે આવી ઓછામાં ઓછી બે બેચની જરૂર પડે." વડીવેલન બીજે દિવસે અમને ઓઈલ-મિલ પર લઈ જવાનું વચન આપે છે. પરંતુ બીજનું શું? એ કેવી રીતે એકઠા કરવામાં આવે છે?
ગોપાલ ખૂબ ભાવથી અમને એ પ્રક્રિયા જોવા માટે આમંત્રણ આપે છે. તેમનું તલનું ખેતર થોડે દૂર, ઈંટના ભઠ્ઠાની બાજુમાં છે, ઘણા સ્થળાંતરિત પરિવારો ત્યાં રહે છે અને કામ કરે છે - એક ઈંટ દીઠ એક રૂપિયાની 'મોટી' (!) રકમ કમાય છે. અહીં જ તેઓ તેમના બાળકોને ઉછેરે છે (જે આગળ જતા બકરાં અને મરઘાં ઉછેરે છે). આ ભઠ્ઠો સાંજે શાંત થઈ જાય છે. અને ઈંટના ભઠ્ઠામાં કામ કરતા એક શ્રમિક એમ. સીન્નીઅમ્માલ (તલના બીજને સાફ કરવામાં) મદદ કરવા માટે આગળ આવે છે.
સૌથી પહેલા ગોપાલ લણેલા તલના છોડને ઢાંકતી તાડપત્રી હઠાવે છે. તાપમાન અને ભેજ વધે અને બીજની શીંગો ફૂટે એ માટે થોડા દિવસો માટે તાડપત્રીઓને એકની ઉપર એક એકસાથે મૂકી ઢગલો કરવામાં આવ્યો છે. સીન્નીઅમ્માલ નિપુણતાથી લાકડી વડે ડાળખીઓને ફેરવે છે. શીંગો પાકેલી અને તૈયાર છે; શીંગો ફૂટે છે અને પરિપક્વ બીજ નીચે પડી જાય છે. તેઓ તેને હાથેથી ભેગા કરે છે અને તેની નાની નાની ઢગલીઓ કરે છે. અને જ્યાં સુધી તમામ ડાળખીઓ ખાલી ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ફરી ફરી દોહરાવતા રહે છે.
પ્રિયા, ગોપાલ અને બીજાઓ ડાળખીઓ ભેગી કરે છે અને તેની ગાંસડી બાંધે છે. હવે એ બળતણ તરીકે વપરાતી નથી. વડીવેલન સમજાવે છે, “મને યાદ છે કે ડાંગરને ઉકાળવા માટે આ ડાળખીઓ વપરાતી હતી. પરંતુ હવે અમે એ કામ રાઇસ મિલમાં કરાવીએ છીએ. તલની ડાળખીઓ ફક્ત બાળી નાખવામાં આવે છે.
ઘણી જૂની પ્રથાઓ અદૃશ્ય થઈ ગઈ છે, જોકે ગોપાલ એને અનુસરવાનું ચાલુ રાખે છે. ખાસ કરીને ઉયિંર વેલી (જીવંત વાડ) નો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો છે એ વાતે તેઓ નારાજ છે. તેઓ દુઃખી થઈને કહે છે, “જ્યારે આપણે જૂની પ્રથાઓને અનુસરતા હતા ત્યારે શિયાળ વાડની નજીક ખાડાઓમાં રહેતા હતા. અને અમારો પાક ખાઈ જતા પક્ષીઓ અને પ્રાણીઓ પર તેઓ નજર રાખતા હતા. હવે તમને અહીં શિયાળ જોવાય મળતા નથી!”
વડીવેલન સંમત થતા કહે છે, “સાવ સાચી વાત છે. અહીં બધે જ શિયાળ હતા. મારા લગ્ન થયા તે પહેલાં હું નદી કિનારેથી એક શિયાળનું બચ્ચું ઉપાડી લાવ્યો હતો, મને થયું હતું કે એ કોઈ જાતનું રુંવાટીવાળું કૂતરું છે. મારા પિતાએ તરત જ કહ્યું કે તે થોડું અલગ દેખાય છે. તે રાત્રે પુખ્ત શિયાળોનું એક જૂથ અમારા ઘરની પાછળ રડતું કરતું હતું. મેં પાછા જઈને બચ્ચું મને જ્યાંથી મળ્યું ત્યાં એને પાછું છોડી દીધું હતું!”
અમે વાતો કરીએ છીએ ત્યારે સીન્નીઅમ્માલ - હાલ સૂકા ઘાસ અને સૂકા પાન સાથેના - તલના બીજને - સૂપડામાં નાખે છે. તેઓ તેને માથાથી ઉપર ઉઠાવીને કુશળતાપૂર્વક ઝાટકે છે. આ આખી પ્રક્રિયા એક જ સમયે આકર્ષક, જોશીલી અને કુશળતા માગી લે તેવી છે. તલ વરસાદની જેમ પડે છે, સંગીતની જેમ સરકે છે.
*****
શ્રીરંગમમાં શ્રી રંગ મરચેક્ક (એક લાકડાની ઘાણી) ખાતે રેડિયો પર એક જૂનું તમિળ ગીત વાગે છે. ઘાણીના માલિક આર. રાજુ કેશ રજિસ્ટરની પાછળ બેઠા છે. તલને પીલતી વખતે ઘાણી કિચૂડ-કિચૂડ અવાજ કરે છે. સ્ટીલના મોટા વાસણો સોનેરી પીળા તેલથી ભરાઈ જાય છે. પાછલા વાડામાં બીજા વધુ તલ સુકાય છે.
રાજુ સમજાવે છે, “18 કિલો તલને પીલવામાં 1.5 કલાક લાગે છે. અમે તેમાં તાડના રસમાંથી બનાવેલ 1.5 કિલો ગોળ ઉમેરીએ છીએ. ઉપજ લગભગ 8 લિટર છે. તમને સ્ટીલ મિલમાં જે ઉપજ મળે તેનાથી આ થોડી ઓછી છે." એક કિલો તલ પીલવાના તેઓ ગ્રાહકો પાસેથી 30 રુપિયા લે છે. અને કાચી ઘાણીનું તલનું તેલ 420 રુપિયે લિટરના ભાવે વેચાય છે. તેઓ કહે છે, "અમે સારામાં સારી ગુણવત્તાના - સીધા ખેડૂત પાસેથી અથવા ગાંધી માર્કેટમાંથી 130 રુપિયે કિલોના ભાવે ખરીદેલા તલ વાપરીએ છીએ - અને તેલની સુગંધ વધારવા માટે તાડના રસમાંથી બનાવેલ સારી ગુણવત્તાનો 300 રુપિયે કિલોનો ગોળ વાપરીએ છીએ.”
સવારે 10 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે મશીન ચાર વખત ચાલે છે. અને તાજું પીલેલું તેલ ચોખ્ખું ન થઈ જાય ત્યાં સુધી તેને તડકામાં બહાર રાખવામાં આવે છે. તેલ કાઢી નાખ્યા પછી બચેલા થૂલા [યેળ્ળ પુન્નાક] માં થોડી ચીકાશ હોય છે અને ખેડૂતો તેને તેમના પશુધન માટે 35 રુપિયે કિલોગ્રામના ભાવે ખરીદે છે.
રાજુની ગણતરી છે કે તેઓ એક એકર જમીન પર તલ ઉગાડવા પાછળ - એની ખેતી કરવા, કાપણી કરવા, સાફ કરવા અને ઉપજને બેગમાં પેક કરવા એમ બધું મળીને - 20000 રુપિયાથી થોડો વધારે ખર્ચ કરે છે. ઉપજ સામાન્ય રીતે 300 કિલોથી ઉપર હોય છે. તેઓ આ ત્રણ મહિનાના પાક માટે એકર દીઠ 15000 થી 17000 રુપિયા નફાની ગણતરી કરે છે
અને વડીવેલન કહે છે કે તકલીફ ત્યાં જ છે. તેઓ આક્ષેપ મૂકતા કહે છે, “તમને ખબર છે કે અમારી મહેનતથી ફાયદો કોને થાય છે? વેપારીઓને. જ્યારે પાક હાથ બદલે છે ત્યારે તેઓ અમને ચૂકવેલી રકમ કરતાં બમણી રકમ વસૂલે છે." તેઓ પૂછે છે, "તમે જ કહો, આખામાં તેમનું વધારાનું યોગદાન શું છે?" અને ડોકું ધુણાવી તેઓ કહે છે, “એટલે જ અમે તલ વેચતા નથી. અમે ઘર માટે, અમારા પોતાના વપરાશ માટે જ તલ ઉગાડી લઈએ છીએ. બહુ થઈ ગયું …
ત્રિચીના વ્યસ્ત ગાંધી માર્કેટમાં તલની દુકાનો પ્રવૃત્તિથી ધમધમી રહી છે. બહાર ખેડૂતો અડદ, લીલા ચણા અને તલની બોરીઓ પર બેઠા છે. વેપારીઓ કોતરો જેવી ઊંડી દુકાનોમાં અંદર બેઠા છે, આ દુકાનો તેમના બાપ-દાદાની હતી. 45 વર્ષના પી. સરવણન કહે છે કે અમે જે દિવસે મુલાકાત લઈ રહ્યા છીએ તેની આજુબાજુના દિવસોમાં કાળા ચણા વધુ આવ્યા છે. મહિલા અને પુરૂષ શ્રમિકો દાળને ચાળી, વજન કરીને પેક કરે છે. સરવણન જણાવે છે, "સ્થાનિક તલની લણણી હમણાં જ શરૂ થઈ છે, ટૂંક સમયમાં બોરીઓ આવવા માંડશે.”
પરંતુ 55 વર્ષના એસ. ચંદ્રશેખરન અનુમાન કરે છે કે મહત્તમ ઉત્પાદન હોય ત્યારે પણ એ તેમણે તેમના પિતાના સમયમાં જોયેલા ઉત્પાદનના માત્ર ચોથા ભાગનું છે. “જૂન મહિનામાં ગાંધી માર્કેટમાં દરરોજ લગભગ 2000 યેળ્ળ મૂટઈ [તલની બોરીઓ] આવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં એ ઘટીને 500 થઈ ગઈ છે. ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. આ [પાક] ઘણી મહેનત માગી લે છે. ભાવ વધતા નથી - એ કિલોના 100 થી 130 રુપિયાની વચ્ચે રહે છે. તેથી ખેડૂતો તલ ઉગાડવાનું છોડી અડદ ઉગાડી રહ્યા છે, જેની લણણી મશીનથી કરી શકાય છે અને એ જ દિવસે બોરીઓમાં ભરી દઈને તેનો સંગ્રહ કરી શકાય છે.”
હું જણાવું છે કે પરંતુ તેલના ભાવ તો ઊંચા છે અને વધી જ રહ્યા છે. તો પછી ખેડૂતોને સારા ભાવ કેમ મળતા નથી? ચંદ્રશેખરન જવાબ આપે છે, "એ બજાર પર, પુરવઠા અને માંગ પર, બીજા રાજ્યોમાં થયેલા ઉત્પાદન પર, અને મોટા તેલ મિલ માલિકો કેટલા જથ્થા નો સંગ્રહ કરે છે તેના પર આધાર રાખે છે.”
બધે જ, બધા જ પાક અને બધી જ ચીજવસ્તુઓની આ જ કહાણી છે. કેટલાકને માટે 'બજાર' દયાળુ છે, તો બીજાને માટે ક્રૂર. બજાર કોની તરફેણ કરે છે એ દીવા જેવું સ્પષ્ટ છે…
*****
ખાદ્ય તેલ ઉદ્યોગમાં આયાત અને વિસ્થાપનનો -પાક અને સાંસ્કૃતિક પ્રથાઓનો - લાંબો અને જટિલ ઇતિહાસ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હી ખાતે સમાજશાસ્ત્ર અને નીતિ અભ્યાસના એસોસીએટ પ્રોફેસર ડો. રિચા કુમાર એક સંશોધનપત્રમાં સમજાવે છે: "1976 સુધીમાં ભારત તેની ખાદ્ય તેલની જરૂરિયાતોના લગભગ ત્રીસ ટકા આયાત કરતું હતું." ફ્રોમ સેલ્ફ-રિલાયન્સ ટુ ડીપનિંગ ડિસ્ટ્રેસ ( સ્વ-નિર્ભરતાથી શરુ કરીને વધતી જતી પીડા સુધી ) એ શીર્ષક ધરાવતા સંશોધનપત્રમાં તેઓ આગળ કહે છે; "સરકાર ડેરી સહકારી સંસ્થાઓની સફળતા, જેને કારણે દૂધ ઉત્પાદનમાં વધારો થયો હતો, તેની હૂબહૂ નકલ કરવા માગતી હતી.
પરંતુ કુમાર જણાવે છે, “પીળી ક્રાંતિ છતાં ભારતે 1990ના દાયકાના મધ્યમાં ખાદ્ય તેલની વધતી જતી અછત જોઈ, કારણ કે તેલીબિયાં-અનાજ-કઠોળના મિશ્ર પાક ઉગાડતી જમીનો સરકાર દ્વારા વિશેષ પ્રોત્સાહનો અને ખરીદીની બાંયધરી આપવામાં આવી હતી એવા ઘઉં, ચોખા અને શેરડી જેવા પાકો ઉગાડતી જમીનોમાં ફેરવાઈ ગઈ હતી. વધુમાં 1994માં ખાદ્ય તેલની આયાતના ઉદારીકરણે ઇન્ડોનેશિયાથી સસ્તા પામ તેલ અને આર્જેન્ટિનામાંથી સોયાબીન તેલ પુષ્કળ પ્રમાણમાં સ્થાનિક બજારમાં ઠલવાવાનો માર્ગ મોકળો કર્યો હતો
ડો. કુમાર લખે છે, “પામ તેલ અને સોયાબીન તેલ બીજા ખાદ્ય તેલોના સસ્તા વિકલ્પ બન્યા હતા, ખાસ કરીને વનસ્પતિ (રિફાઇન્ડ, હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ શોર્ટનિંગ) ઘીના ઉત્પાદનમાં, જે વધુ મોંઘા ઘીનો ખૂબ જ લોકપ્રિય વિકલ્પ છે. આ બધાએ મળીને સરસવ, તલ, અળસી, નાળિયેર અને મગફળી સહિત ભારતભરના ખેતરો અને થાળીઓમાં પરંપરાગત અને પ્રાદેશિક તેલીબિયાં અને તેલનું સ્થાન લઈ લીધું, કારણ કે ખેડૂતોને (પરંપરાગત તેલીબિયાંના) આ પાકો બિનલાભકારી જણાયા હતા.”
હવે તો એવું થઈ ગયું છે કે ભારતમાં પેટ્રોલિયમ અને સોના પછી ખાદ્ય તેલ સૌથી વધુ આયાત કરવામાં આવતી વસ્તુ છે. જૂન 2023માં પ્રકાશિત થયેલ પુશિંગ ફોર સેલ્ફ-સફિશિયન્સી ઈન એડીબલ ઓઈલ્સ ઈન ઈન્ડિયા ( ભારતમાં ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે દબાણ) શીર્ષક ધરાવતા સંશોધન પત્રમાં જણાવાયું છે કે અલગ-અલગ ખાદ્ય તેલો કુલ મળીને કૃષિ આયાત બિલના 40 ટકા અને કુલ આયાત બિલના 3 ટકા હિસ્સો ધરાવે છે. આ સંશોધનપત્ર નોંધે છે કે ખાદ્ય તેલની ઘરેલુ વપરાશની લગભગ 60 ટકા માંગ આયાત દ્વારા સંતોષાય છે.
*****
વડીવેલનના પરિવારનો સાઠ ટકા ખર્ચ તેમની ટેક્સીથી થતી આવકમાંથી નીકળે છે. તેમના ગામથી થોડે જ આગળ બે ભાગમાં વિભાજીત થતી કાવેરીની જેમ વડીવેલનનો સમય - અને જીવન જ - ખેતી અને ડ્રાઈવિંગ એ બે વચ્ચે વહેંચાયેલું છે. તેઓ સમજાવે છે કે ખેતીનું કામ અઘરું છે. તેઓ કહે છે, "તે અનેક પરિબળો પર નિર્ભર હોવાને કારણે તેને વિષે પહેલેથી કશું કહી શકાય તેમ નથી હોતું અને એ ઉપરાંત એ કામ ખૂબ મહેનત માગી લે છે
તેમનું કામ દિવસનું છે (અને તેઓ લાંબા કલાકો સુધી ટેક્સી હંકારે છે) એટલે તેમના પત્ની ખેતરોમાં કામ કરે છે. આ કામ તેમના ઘરેલુ કામની ઉપરાંતનું છે, મોટા ભાગનું ઘરેલુ કામ તેઓ જ કરે છે. વડીવેલન ઘણી વાર તેમાં મદદ કરે છે. કેટલીકવાર રાત્રે ખેતરને પાણી આપવાનું અને કાપણી માટે દરેકના ખેતરો તૈયાર હોય અને લણણી મશીનની ખૂબ માંગ હોય ત્યારે મશીન લાવવા માટે દિવસો સુધી દોડાદોડી કરવાનું કામ વડીવેલન કરે છે. તેઓ ખેતરમાં તનતોડ મજૂરી કરતા હતા. તેઓ કહે છે, "પરંતુ આજકાલ હું પાવડાથી ખોદવાનું કામ કરું તો મને પીઠ દુખવા લાગે છે અને પછી હું ગાડી ચલાવી શકતો નથી!”
તેથી આ દંપતી તલના ખેતરમાં નીંદણ કરવા અને રોપાની ફેરરોપણી કરવા અને તલ ઝાટકવા માટે જ્યારે મળી શકે એમ હોય ત્યારે દાડિયા મજૂરો રોજે રાખે છે. ખેતરમાં આવીને કામ કરવા માટે તેઓ મોટાભાગે મોટી ઉંમરની મહિલાઓને રાખે છે.
અડદની ખેતી પણ એટલી જ મુશ્કેલ છે. તેઓ પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતા કહે છે, "લણણી પહેલાં અને પછી વરસાદ પડ્યો હતો, ચણાને સૂકા રાખવા માટેના પ્રયત્નોમાં મને એટલી બધી મુશ્કેલી પડી હતી." અને તેમના પ્રયત્નો સામાન્ય માણસોની સરખામણીએ ઘણા મોટા લાગે છે. તેમની વાતો સાંભળીને મને મારી ઈડલી અને ડોસાઈ (ઢોંસા) માંના ઉલુન્દ (અડદ) પ્રત્યે વધુ અહોભાવ થાય છે.”
તેઓ કહે છે, “હું વીસ વર્ષનો હતો ત્યારે ખટારો ચલાવતો હતો. તેમાં 14 પૈડાં હતાં. અમે બે ડ્રાઇવર હતા અને અમે વારા લેતા હતા, અને આખા દેશમાં બધે જ જતા હતા - ઉત્તર પ્રદેશ, દિલ્હી, કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત...” તેઓ મને બધી વાત કરે છે - તેઓ શું ખાતા-પીતા (ઊંટના દૂધની ચા, રોટલી અને દાળ, ઈંડાની ભૂર્જી), તેઓ ક્યાં નહાતા (નદી કિનારે, અથવા તો ક્યારેક નહાતા જ નહોતા, જેમ કે શ્રીનગરમાં ખૂબ ઠંડી હતી ત્યારે), ખટારો ચલાવતા ત્યારે શું સાંભળતા ("ઈળયરાજાના ગીતો, અલબત્ત અને કુતુ પટ્ટુ... અમે જાગૃત રહી શકીએ એ માટે!"). તેઓ ખૂબ પ્રેમથી તેમની બિરાદરીની, તેમની ગપસપની અને ભૂતની વાતો કરે છે. તેઓ કહે છે, “એક રાત્રે હું બાથરૂમ જવા માટે ખટારા પરથી નીચે ઉતર્યો. મારા માથા પર ધાબળો હતો. બીજે દિવસે સવારે બીજા માણસોએ કહ્યું કે તેઓએ માથું ઢાંકેલું ભૂત જોયું છે!” અને તેઓ હસે છે.
તેમણે ક્રોસ-કંટ્રી ડ્રાઇવિંગ છોડી દીધું કારણ કે તે માટે તેમને અઠવાડિયાઓ સુધી ઘરથી દૂર રહેવું પડતું હતું. તેમના લગ્ન પછી તેઓ સ્થાનિક રીતે વાહન ચલાવે છે અને ખેતી કરે છે. વડીવેલન અને પ્રિયાને બે બાળકો છે - એક દીકરી જે 10 મા ધોરણમાં છે અને એક દીકરો સાતમા ધોરણમાં છે. તેઓ કંઈક વિચારપૂર્વક કહે છે, "અમે તેમને બધું આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ કદાચ હું નાનો હતો ત્યારે વધુ ખુશ હતો.”
તેમનું બાળપણ મુશ્કેલીઓમાં વીત્યું હતું. તેઓ મારી તરફ હસીને કહે છે, "સાચું કહું તો ત્યારે કોઈએ ખરેખર અમને ઉછેર્યા નહોતા. અમે એમ જ મોટા થઈ ગયા." જ્યારે તેઓ નવમા ધોરણમાં હતા ત્યારે તેમને ચપ્પલની પહેલી જોડી મળી હતી. ત્યાં સુધી તેઓ ઉઘાડા પગે ફરતા હતા, ઘણી વાર તેઓ તેમના દાદીએ ભેગો કરેલો ઘાસચારો કે તેમણે ઉગાડેલી ભાજી લઈ જતા અને દરેક બંડલ પચાસ પૈસામાં વેચતા હતા. તેઓ નિસાસો નાખીને કહે છે, "કેટલાક લોકો તેના માટે પણ ભાવ બાબતે રક્ઝક કરતા!" શાળાએ આપેલ બાંડિયું અને ચડ્ડી પહેરી તેઓ સાયકલ પર ફરતા હતા. તેઓ કહે છે, “તે અમને ત્રણ મહિના ચાલતા. મારો પરિવાર અમને વર્ષમાં માત્ર એક જ વાર નવાં કપડાં અપાવતો.”
વડીવેલન કપરો સમય તરી ગયા. તેઓ રમતવીર હતા, અને તેમણે દોડની હરીફાઈઓમાં ભાગ લીધો હતો, ઈનામો જીત્યા હતા. તેઓ કબડ્ડી રમતા હતા, નદીમાં તરતા હતા, મિત્રો સાથે ફરતા હતા અને ઘેર તેમના અપ્પાયી (દાદી) રોજ રાત્રે તેમને વાર્તાઓ કહેતા એ સાંભળતા હતા. તેમણે કહ્યું, “વાર્તા અડધી પૂરી થાય ત્યાં સુધીમાં તો હું સૂઈ જતો અને બીજે દિવસે રાત્રે દાદી બાકી રહી હોય ત્યાંથી વાર્તા ફરી શરૂ કરતા. તેમને રાજાઓ અને રાણીઓ અને દેવતાઓની ઘણી બધી વાર્તાઓ આવડતી હતી…”
પરંતુ વડીવેલન જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શક્યા ન હતા, કારણ કે તેમના પરિવારને રમત માટેના ખાસ સાધનો અને તે માટે જરૂરી ચોક્કસ આહાર પોસાય તેમ ન હતો. ઘરનો ખોરાક રાબ, ભાત અને ગ્રેવી અને ક્યારેક માંસ એવો હતો. શાળામાં બપોરના ભોજનમાં તેમને ઉપમા મળતી. અને સાંજે મીઠું નાખીને ચોખાનું ઓસામણ ‘નાસ્તા’ તરીકે પીધાનું તેમને યાદ છે. તેઓ હેતુપૂર્વક 'નાસ્તા' શબ્દનો ઉપયોગ કરે છે. અને હવે તેઓ તેમના બાળકોને માટે પેક કરેલા નાસ્તા ખરીદે છે.
તેમને પોતાને તેમના બાળપણમાં જે મુશ્કેલીઓ પડી તે તેમના બાળકોને ન પડે તેનું તેઓ ધ્યાન રાખે છે. બીજી વાર હું કોલ્લીડમના કિનારે તેમના નગરની મુલાકાત લઉં છું ત્યારે તેમના પત્ની અને દીકરી રેતી ખોદતા હોય છે. છ ઈંચ ઊંડે પાણી ધીમે ધીમે વહે છે. પ્રિયા કહે છે, “આ નદીમાં શુદ્ધ પાણી છે." તેઓ રેતીની એક ટેકરી બનાવે છે અને પોતાની માથાની પીન તેમાં છુપાડી દે છે, તેમની દીકરી એ શોધે છે. વડીવેલન અને તેમનો દીકરો છીછરા પાણીમાં ન્હાય છે. દૂર-દૂર સુધી, જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી આસપાસ અમારા સિવાય બીજું કોઈ નથી. રેતીમાં ઘેર જઈ રહેલી ગાયોના પગના નિશાન છે. પવનથી હાલતા નદીના ઘાસનો ધીમો ધીમો અવાજ થાય છે. માત્ર વિશાળ, ખુલ્લી જગ્યાઓ જ જેવી સુંદર હોઈ શકે તેવી આ જગ્યા સુંદર છે. ઘેર પાછા ફરતા વડીવેલન કહે છે, "તમને તમારા શહેરમાં આ ક્યારેય ન મળે. સાચું કહો, મળે કે?"
*****
બીજી વખતે જ્યારે હું નદીએ આવું છું ત્યારે એવું લાગે છે જાણે હું શહેરમાં છું. નાની જગ્યામાં ખૂબ ભીડ છે. ઓગસ્ટ 2023 ની વાત છે, વડીવેલનના નગરની મારી પહેલી મુલાકાતના એક વર્ષ કરતાં પણ વધુ સમય પછીની. હું અહીં કાવેરીના કિનારે ઉજવાતા આડિ પેરક્ક માટે આવી છું, અહીં નદી કિનારે ઇતિહાસ, સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓનો સંગમ થાય છે.
શ્રીરંગમમાં એક શાંત ગલીમાં ગાડી પાર્ક કરતાં વડીવેલન ચેતવણી આપે છે, "ભીડ હશે." અમે કાવેરી નદી પરના ઘાટ અમ્મા મંડપમ સુધી ચાલીને જઈએ છીએ, જ્યાં યાત્રાળુઓ ભેગા થાય છે. હજી તો સવારના 8:30 થયા છે અને ઘાટ ભરેલો છે. પગથિયાં પર પગ મૂકવાનીય જગ્યા નથી, પગથિયાં લોકોથી, અને કેળના પાંદડાઓથી, નદીને અર્પણ કરવાના - નારિયેળ, અગરબત્તીથી વીંધાયેલા કેળા, હળદરના નાના ગણેશ, ફૂલો, ફળો અને કપૂરથી ભરેલા છે. ઉત્સવનું વાતાવરણ છે, લગ્ન જેવું, માત્ર વધારે મોટું.
નવા પરણેલા યુગલો અને તેમના પરિવારો પૂજારીઓની આસપાસ ભેગા થાય છે, પૂજારીઓ તેમને તાલી [મંગલસૂત્ર] ના સોનાના ઘરેણાંને નવા દોરામાં બાંધવામાં મદદ કરે છે. પછી પતિ-પત્ની બંને પ્રાર્થના કરે છે, અને કાળજીપૂર્વક સાચવેલ લગ્નની માળા પાણીમાં પધરાવી દે છે. મહિલાઓ એકબીજાના ગળામાં હળદરના દોરા બાંધે છે. તેઓ પરિવારજનોને અને મિત્રોને કુમકુમ અને મીઠાઈઓ આપે છે. કાવેરીની સામે પાર ત્રિચીનું પ્રખ્યાત ભગવાન ગણેશનું મંદિર, ઉચ્ચી પીળ્ળયાર કોઈલ, સવારના સૂર્યમાં ઝળહળી રહે છે.
અને નદી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ લઈને ઝડપથી વહેતી રહે છે, ખેતરો અને સપનાઓને સીંચતી, જેમ તે હજારો વર્ષોથી કરતી આવી છે તેમ જ…
ફ્રોમ સેલ્ફ-રિલાયન્સ ટુ ડીપનિંગ ડિસ્ટ્રેસઃ ધ એમ્બિવલેન્સ ઓફ ધ યલો રિવોલ્યુશન ઈન ઈન્ડિયા સંશોધનપત્ર શેર કરવા બદલ લેખક ડો. રિચા કુમારનો આભાર માને છે.
આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેના રિસર્ચ ફંડિંગ કાર્યક્રમ 2020 ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક