ઝારખંડમાં બોરોટિકા ખાતે, જટિલ ગર્ભાવસ્થાનો સામનો કરતી એક મહિલાને ડૉક્ટર પાસે તપાસ કરાવવા માટે ઓડિશામાં સરહદ પાર કરવાની નોબત આવી શકે છે.
આમાં તેઓ એકલાં નથી – જો તમે ગ્રામીણ ભારતમાં રહેતી એક મહિલા છો, તો સ્ત્રીરોગચિકિત્સક અથવા તો સર્જનને મળવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. અહીંના સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી)માં હાલની માળખાકીય સુવિધાઓમાં પ્રસૂતિ નિષ્ણાતો અને સ્ત્રીરોગચિકિત્સકોની 74.2 ટકા અછત છે.
જો તમે યુવાન માતા હોય અને તમારું બાળક બીમાર હોય, તો સીએચસીમાં બાળરોગ નિષ્ણાતને મળવામાં થોડો સમય લાગી શકે છે, કારણ કે સીએચસીમાં બાળરોગ નિષ્ણાતો અને ચિકિત્સકોની 80 ટકા જગ્યાઓ હજુ ભરવાની બાકી છે.
અમને આ બધી માહિતી અને વધુ વિગતો 2021-22ના ગ્રામિણ સ્વાસ્થ્ય આંકડાઓમાંથી મળી છે. આ અને અન્ય મહત્વપૂર્ણ અહેવાલો, સંશોધન પત્રો અને ભરોસાપાત્ર ડેટા, કાયદા અને સંમેલનો પારી હેલ્થ આર્કાઈવમાં ઉપલબ્ધ છે અને ભારતમાં મહિલા સ્વાસ્થ્યની સ્થિતિને વધુ સારી રીતે સમજવા અને સમજાવવા માટે એક નિર્ણાયક દ્રષ્ટિકોણ પૂરો પાડી શકે છે.
આ વિભાગ ખાસ કરીને ગ્રામીણ ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્યની અનિશ્ચિત પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે. પ્રજનન સ્વાસ્થ્યથી લઈને જાતીય હિંસા, માનસિક સ્વાસ્થ્યથી લઈને કોવિડ-19 મહામારીની અસર સુધી, પારી હેલ્થ આર્કાઈવ મહિલાઓના સ્વાસ્થ્યના અનેક પાસાઓને આવરી લે છે – જે પારીના ‘સામાન્ય લોકોના સામાન્ય જીવન’ ને આવરી લેવાના આદેશને મજબૂત બનાવે છે.
પારી હેલ્થ આર્કાઈવ, પારી લાઇબ્રેરીનો એક પેટાવિભાગ છે, જેમાં 256 દસ્તાવેજો છે; તેમાં સરકારી, સ્વતંત્ર સંસ્થાઓના અને યુએન એજન્સીઓના અહેવાલોનો સમાવેશ થાય છે. તેમાં વૈશ્વિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય મુદ્દાઓ અથવા દેશના ચોક્કસ પ્રદેશોની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બીડી વાળવાનું કામ કરતાં તનુજા કહે છે, “તેમણે મને કહ્યું હતું કે મને કેલ્શિયમ અને લોહતત્ત્વની સમસ્યા [ઉણપ] છે અને મારે ક્યારેય જમીન પર બેસવું જોઈએ નહીં.”
નીલગિરિઝની આદિવાસી હોસ્પિટલમાં ડૉ. શૈલજા કહે છે, “અમારી પાસે હજુ પણ એવી આદિવાસી સ્ત્રીઓ આવે છે જેમનામાં લોહીની ગંભીર માત્રામાં ઉણપ હોય છે − હિમોગ્લોબિનના ડેસીલીટર દીઠ 2 ગ્રામ! તે આનાથી પણ ઓછું હોઈ શકે છે, પરંતુ અમે તેને માપી શકતાં નથી.”
તાજેતરના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ ( એનએફએચએસ−5, 2019-21 ) અનુસાર, દેશભરમાં, 2015-16થી મહિલાઓમાં લોહિની ઉણપની સમસ્યામાં વધારો થયો છે. આ સર્વેક્ષણ ભારતના 28 રાજ્યો, આઠ કેન્દ્રશાસિત પ્રદેશો અને 707 જિલ્લાઓમાં વસ્તી, આરોગ્ય અને પોષણ વિષે માહિતી પૂરી પાડે છે.
બિહારના ગયા જિલ્લામાં અંજની યાદવ કહે છે, “મારી પ્રસૂતિ દરમિયાન મારે વધુ માત્રામાં લોહી વહી ગયું હતું . બાળકના જન્મ પહેલાં જ, નર્સે મને કહ્યું હતું કે મને લોહીની ખૂબ જ ઉણપ [ગંભીર એનિમિયા] છે અને મારે ફળો અને શાકભાજી ખાવાની જરૂર છે.”
2019-21ના સમયગાળા દરમિયાન 15-49 વર્ષની ભારતીય મહિલાઓમાંથી 57 ટકા મહિલાઓમાં લોહીની ઉણપ હતી. સમગ્ર વિશ્વમાં લગભગ ત્રણમાંથી એક મહિલા લોહીની ઉણપથી પીડાય છે. યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રીશન ઈન વર્લ્ડ 2022 અનુસાર, “લોહીની ઉણપ ગ્રામીણ વિસ્તારોમાં, ગરીબ ઘરોમાં અને જેમણે કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી તેવી વધુ મહિલાઓને અસર કરે છે.”
પૌષ્ટિક ભોજન પોસાતું ન હોવાથી આવી પરિસ્થિતિ વણસે છે. 2020નો વૈશ્વિક પોષણ અહેવાલ જણાવે છે કે ઘણા પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક (જેમ કે ઈંડા અને દૂધ) ની ઊંચી કિંમત કુપોષણ નાથવામાં મુખ્ય અવરોધ છે. પોષણક્ષમ આહારની કિંમત 2.97 અમેરિકી ડોલર કે 243 રૂપિયા જેટલી ઊંચી હોવાથી, ભારતમાં 973.3 મિલિયન જેટલા લોકો તંદુરસ્ત આહારથી વંચિત રહે છે. તેથી એ વાત નવાઈ પમાડે એવી નથી કે મહિલાઓને તેમના ઘરોમાં અને તેની બહાર પણ, સંસાધનોની ફાળવણીમાં ઓછો હિસ્સો મળે છે.
પારી લાઇબ્રેરીમાં પ્રવર્તમાન આરોગ્ય માળખાને લગતા અખિલ ભારતીય સર્વેક્ષણોનો સમાવેશ થાય છે. ભારતમાં આશરે 20 ટકા ઘરોમાં શૌચાલયની સુવિધા નથી. પટનાની ઝૂંપડપટ્ટીમાં રહેતી છોકરીઓ કહે છે કે, “રાતના સમયે, અમારી પાસે જે એકમાત્ર શૌચાલય છે તે રેલ્વે ટ્રેક છે.”
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ−5 (2019-21) જણાવે છે કે, શહેરી વિસ્તારોમાં રહેતી લગભગ 90 ટકા મહિલાઓની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રહેતી ફક્ત 73 ટકા મહિલાઓને જ માસિકસ્રાવ માટેના આરોગ્યપ્રદ ઉત્પાદનોની પહોંચ છે. ‘માસિકસ્રાવ માટેના આરોગ્યપ્રદ ઉત્પાદનોમાં’ સેનિટરી નેપકિન્સ, મેન્સ્ટ્રુઅલ કપ, ટેમ્પોન અને કાપડના ટુકડાનો સમાવેશ થાય છે. અભ્યાસોએ નોંધ્યું છે કે ઘણા સેનિટરી નેપકિન્સમાં મોટી માત્રામાં ઝેરી રસાયણો હાજર છે.
ભારતીય મહિલા આરોગ્ય ચાર્ટર “ભેદભાવ, બળજબરી અને હિંસાથી મુક્ત” તેમના પ્રજનન સ્વાસ્થ્યને લગતા નિર્ણયો લેવાના મહિલાઓના અધિકારોને સમર્થન આપે છે. આ અધિકારોની પરિપૂર્ણતા માટે પોષણક્ષમ આરોગ્યસંભાળ સુવિધાઓની પહોંચ અનિવાર્ય છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ−5 (2019-21) મુજબ, લગભગ 80 ટકા મહિલાઓ કે જેમણે સ્ત્રી નસબંધીની પ્રક્રિયા કરાવી હતી, તેઓએ સામાન્ય રીતે મ્યુનિસિપલ હોસ્પિટલ અથવા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર જેવી જાહેર આરોગ્ય સંભાળ સુવિધાઓમાં આ પ્રક્રિયા કરાવી હતી. તેમ છતાં, દેશમાં આવી સંસ્થાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે.
જમ્મુ અને કાશ્મીરના વઝિરીથલ ગામના રહેવાસીઓ માટે સૌથી નજીકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) પાંચ કિલોમીટર દૂર આવેલું છે.
તેમાં પણ સ્ટાફ ઓછો છે અને સુવિધાઓનો અભાવ છે. કાશ્મીરના બાંદીપોર જિલ્લાના બડુગામ પીએચસીમાં માત્ર એક જ નર્સ છે. વઝિરીથલમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતાં, રાજા બેગમે પારીને કહ્યું હતું, “કટોકટી હોય, ગર્ભપાત હોય કે કસુવાવડ હોય, બધાએ છેક ગુરેઝ જવું પડે છે. અને જો કોઈ ઓપરેશન કરવાનું થાય, તો તેઓએ શ્રીનગરની લાલ ડેડ હોસ્પિટલમાં જવું પડશે. તે ગુરેઝથી લગભગ 125 કિલોમીટર દૂર છે અને મુશ્કેલ હવામાનની પરસ્થિતિમાં ત્યાં પહોંચવામાં નવ કલાક લાગી શકે છે .”
2021-22ના ગ્રામીણ આરોગ્ય આંકડા નોંધે છે કે 31 માર્ચ, 2022ની પરિસ્થિતિ પ્રમાણે, પેટા કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સહાયક નર્સ મિડવાઇવ્સ માટેની 34,541 જેટલી જગ્યાઓ ખાલી હતી. એક નોંધપાત્ર આંકડો એ ધ્યાનમાં લેતો હતો કે મહિલાઓ તેમની આરોગ્યની જરૂરિયાતો માટે માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો (આશા), સહાયક નર્સ મિડવાઇવ્સ (એએનએમ), અને આંગણવાડી કાર્યકરોનો સંપર્ક કરે છે.
ઓક્સફેમ ઈન્ડિયાના ઇનઇક્વાલિટી રિપોર્ટ 2021: ઇન્ડિયાઝ અનઇક્વલ હેલ્થકેર સ્ટોરી અનુસાર, દેશમાં દર 10,189 લોકો માટે લગભગ એક સરકારી એલોપેથિક ડૉક્ટર છે અને દર 90,343 લોકો માટે એક સરકારી હોસ્પિટલ છે.
ભારતમાં આરોગ્ય સેવાઓની જરૂરિયાત અને માંગ વર્તમાન માળખા કરતાં ઘણી વધારે છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ , જે લિંગ સમાનતાની સ્થિતિ આધારિત દેશોને ચિહ્નિત કરે છે, તેમાં 2022માં ભારતને 146 દેશોમાંથી 135મા ક્રમે સ્થાન મળ્યું હતું. ‘સ્વાસ્થ્ય અને આજીવિકા’ માટેના સૂચકાંકમાં પણ આપણો દેશ સૌથી નીચલા ક્રમે હતો. આવા માળખાકીય અભાવ વચ્ચે, દેશમાં આરોગ્યસંભાળની સ્થિતિ અને મહિલાઓના જીવન પર તેની અસરને વધુ સારી રીતે સમજવી નિર્ણાયક બની જાય છે.
પારી લાઇબ્રેરી આ ધ્યેય સાધવાનો એક રસ્તો છે.
અમે ગ્રાફિક્સ ડિઝાઇન કરવા બદલ પારી લાઇબ્રેરીનાં સ્વયંસેવક આશના ડાગાનો આભાર માનીએ છીએ.
કવર અનાવરણ: સ્વદેશ શર્મા
અનુવાદક: ફૈઝ મોહંમદ