ગંગુબાઈ ચૌહાણે પીવાના પાણીમાં હિસ્સો મેળવવા માટે પણ કરગરવું પડે છે. “સરકાર! ચોકીદાર સાહેબ! મહેરબાની કરીને અમને પીવા માટે પાણી આપો. હું અહીંની રહેવાસી છું, સાહેબ.”
પરંતુ માત્ર કરગરવાથી કામ નથી ચાલતું. તેમણે તેમને ખાતરી આપવી પડશે કે, “હું તમારા વાસણોને સ્પર્શ નહીં કરું.”
ગંગુબાઈ (નામ બદલેલ છે) પાણી મેળવવા માટે ખાનગી નળ, ચાની દુકાનો અને મેરેજ હોલના પાણી પર નિર્ભર છે. તેઓ નાંદેડ શહેરના ગોકુલનગર વિસ્તારમાં ફૂટપાથ પર તેમના ‘ઘરની’ સામે આવેલી હોટલ જેવી ઇમારતોના ચોકીદારોને વિનંતી કરે છે. અને તેમને જ્યારે પણ પાણી જોઈએ ત્યારે તેમણે આ રીતે કરગરવું પડે છે.
પાણી મેળવવા માટે મથામણ કરવી એ રોજનું કામ છે, અને એમાંય ફાંસે પારધી આદિજાતિના સભ્ય તરીકે દરરોજ તેઓ જે કલંકનો સામનો કરે છે તેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બને છે. આ સમુદાયને એક સમયે ‘ગુનાહિત જનજાતિઓ’ તરીકે સૂચિત કરવામાં આવતો હતો. આ નામકરણ વસાહતી યુગનું છે, અને તેને 1952માં ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવ્યું હતું . તેમ છતાં, 70 વર્ષ પછી પણ, ગંગુબાઈ જેવા લોકો મૂળભૂત અધિકારો માટે હજુ પણ લડી રહ્યા છે; તેમણે અન્ય લોકોને સમજાવવું પડે છે કે તેઓ ચોર નથી અને ત્યારે જ તેમને પાણીથી ભરેલો ડ્રમ મળી શકે છે.
ગંગુબાઈ કહે છે, “જ્યારે અમે એમ કહીએ કે, ‘તમે અહીં જે વસ્તુઓ રાખી છે તેને અમે ક્યારેય સ્પર્શ નથી કર્યો’ ત્યારે જ અમને પાણી મળે છે.” એક વાર મંજૂરી મળ્યા પછી, તેઓ નાના કન્ટેનર, પ્લાસ્ટિકના ડ્રમ અને પાણીની બોટલમાં શક્ય તેટલું પાણી ભરે છે. જો એક હોટલ ના પાડે, તો તેઓ બીજી હોટલમાં પ્રયાસ કરે છે. તેમની સાથે માલિકો જે અણઘડ વ્યવહાર કરે છે તેને એક વાર બાજુ પર રાખીએ તો પણ, તેમણે ઘણીવાર ચાર-પાંચ જગ્યાએ કરગરવું પડે છે, અને ત્યારે તેમને પીવા, રાંધવા અને ઘર ચલાવવા માટે પાણી મળે છે.
ગંગુબાઈ જેવા પ્રવાસી મજૂરો મહારાષ્ટ્રના ગામો અને અન્ય જિલ્લાઓમાંથી નાંદેડ આવે છે. તેઓ સમજાવે છે, “અમે અહીં (નાંદેડમાં) આઠ મહિનાથી છીએ, અને ચોમાસું શરૂ થયા પછી અમારા ગામમાં પાછાં જતાં રહીએ છીએ.” આ પરિવારોએ શહેરમાં ખુલ્લા મેદાનો, ફૂટપાથ, ઓવરહેડ પાણીની ટાંકીઓ નીચેની જગ્યાઓ, કચરો ભરાય છે તે વિસ્તાર (લેન્ડફીલ) અને રેલવે સ્ટેશનો પર કામચલાઉ આશ્રયસ્થાનોમાં ઘરો સ્થાપ્યા હતા. તેમનો હેતુ એ છે કે તેઓ અહીં જેટલા સમય માટે છે તે સમયગાળા માટે કામનો બંદોબસ્ત કરવો. તેઓ જરૂરિયાત મુજબ સ્થળાંતર કરે છે.
શહેરમાં ક્યાંય પણ સ્થળાંતર કરનારા, વણજારા જૂથોને પાણીની પહોંચ પૂરી પાડવા માટે કોઈ કાયમી વ્યવસ્થા નથી. બાળકો, મહિલાઓ અને ખાસ કરીને યુવાન છોકરીઓએ પાણીની શોધમાં અપમાન અને હિંસાનો સામનો કરવો પડે છે.
મોટાભાગના લોકો ગોકુળનગર, દેગલુર નાકા, વઝેગાંવ, સિડકો રોડ અને હુજુર સાહિબ રેલવે સ્ટેશન નજીક ત્યાં સુધી કામ શોધે છે જ્યાં સુધી તેઓ આગામી શહેરમાં જઈ શકે અથવા તેમના મૂળ ગામમાં પરત ફરી શકે.
અહીં સ્થળાંતર કરનારાઓ ફાંસે પારધી, ઘિસાડી અને વાડાર સમુદાયો તેમજ ઉત્તર પ્રદેશના લખનૌ અને કર્ણાટકના બીદરના છે; તેલંગાણાથી મુસ્લિમો, ચમાર અને જોગીઓ પણ અહીં સ્થળાંતર કરે છે. તેઓ તેમના પરંપરાગત, જાતિ આધારિત વ્યવસાયો કરે છે અને કામની નવી તકો શોધે છે. તેઓ હાથથી બનાવેલા લોખંડના સાધનો, પેન, ફુગ્ગાઓ, સાદડીઓ, કાચના વાસણો અને રમકડાં પણ વેચે છે અને કેટલીકવાર સિગ્નલ પર ભીખ માંગે છે અથવા બાંધકામ મજૂર તરીકે કામ કરે છે. તેઓ ટકી રહેવા માટે કંઈપણ કરવા તૈયાર છે.
સિડકો એમ.આઈ.ડી.સી. રોડ પર વસેલા ઘિસાડી પરિવારનાં કાજલ ચૌહાણ કહે છે કે તેઓ હંમેશા પાણીની શોધમાં રહે છે. તેઓ કહે છે, “કેટલીકવાર અમે રસ્તા પર ચાલતા પાણીના ટેન્કરોમાંથી પાણી માગીએ છીએ. તેના બદલામાં અમારે તેમના માટે કામ કરવું પડશે.” અને આમાં તેઓ એકલાં નથી. મ્યુનિસિપલ મેદાનો પરના વસાહતીઓ એ પણ ઉમેરે છે કે તેઓએ પાણીના બદલામાં ખાનગી નળ માલિકોને મજૂર પૂરા પાડવા પડે છે.
જ્યારે લોકોને નળમાંથી પાણી નથી મળતું, ત્યારે તેઓ અન્ય વિકલ્પો શોધવા મજબૂર થઈ જાય છે. ગોકુળનગરના ફૂટપાથ પર મ્યુનિસિપલ પાણીની પાઈપલાઈનમાં એક ચેમ્બર છે. ચેમ્બરમાંથી લીક થતું પાણી તેની નીચે એક ખાઈમાં ભેગું થાય છે. ગોકુલનગરમાં શેરડીનો રસ વેચનાર એક સ્થાનિક કહે છે, “ચેમ્બરને અઠવાડિયામાં બે વાર [પાઈપલાઈનમાંથી] પાણીનો પુરવઠો મળે છે. જ્યારે ચેમ્બરમાં પાણી હોય છે, ત્યારે તે ઉજવણીનો દિવસ હોય છે.”
નાના બાળકો એટલા નાના હોય છે કે તેઓ ખાઈમાં પ્રવેશી શકે અને પાણી બહાર કાઢી શકે. નજીકની હોટલનો કચરો અને ગંદુ પાણી ખાડાના પાણીને દૂષિત કરે છે. પરંતુ જરૂરિયાતમંદ પરિવારોએ ગમે તેમ કરીને સ્નાન કરવા અને કપડાં ધોવા માટે તેનો ઉપયોગ કરવો જ રહ્યો. ઓછામાં ઓછા 50 પરિવારો આ ફૂટપાથ પરના ચેમ્બર પર આધાર રાખે છે; ત્યાં આનાથી વધુ લોકો પણ હોઈ શકે છે, પરંતુ ગણતરી કરવી મુશ્કેલ છે.
2021નો એક અહેવાલ સૂચવે છે કે નાંદેડ શહેરને દરરોજ કુલ 80 એમ.એલ.ડી. પાણી પુરવઠા સાથે માથાદીઠ 120 લિટર પાણી મળે છે. પરંતુ તે રસ્તાઓ પર રહેતા લોકો સુધી પહોંચતું નથી.
*****
ખાન પરિવાર દેગલુર નાકા ખાતે ઓવરહેડ પાણીની ટાંકી હેઠળ સ્થાયી થયો છે. તેઓ બીડ જિલ્લાના પરલી (બિડ તરીકે પણ ઓળખાતા) ના રહેવાસી છે અને વર્ષમાં કેટલીક વાર નાંદેડની મુલાકાત લે છે, ખાસ કરીને રમઝાન દરમિયાન જ્યારે તેઓ પખવાડિયા સુધી અહીં રહે છે.
સિમેન્ટની ઊંચી પાણીની ટાંકી નીચે રહેલી જગ્યામાં તેઓ આશ્રય પામે છે અને તેઓ નજીકની હોટલોમાંથી પાણી મેળવે છે, અને દૂર સરકારી ક્લિનિકમાંથી ફિલ્ટરવાળું પીવાનું પાણી મેળવે છે. જો ક્લિનિક બંધ હોય, તો ફિલ્ટર પણ બંધ. 45 વર્ષીય જાવેદ ખાન કહે છે, “અમને જે પાણી મળી શકે, તેને અમે પીઈએ છીએ, પછી ભલે તે બોરવેલનું હોય કે નળનું. અમે ઓવરહેડ ટાંકીના વાલ્વમાંથી લીક થતું ગંદુ પાણી પીવા પણ મજબૂર છીએ.”
જ્યારે સ્થળાંતર કરનારાઓ પાણી માટે ભાગદોડ કરે છે, ત્યારે ફિલ્ટરવાળા પાણીના ખાનગી માલિકે ઠેરઠેર છે, જેમની પાસેથી તમને દસ રૂપિયામાં પાંચ લિટર ઠંડુ પાણી મળે છે. ઠંડુ પાણી દસ રૂપિયામાં મળે છે અને નિયમિત પાણી પાંચ રૂપિયામાં મળે છે.
સોલાપુર જિલ્લાનાં 32 વર્ષીય પ્રવાસી મજૂર નયના કાલે મુંબઈ-નાસિક-પુણેની શહેરી ત્રિપુટીની મુસાફરી કરીને નાંદેડ આવ્યાં હતાં. તેઓ કહે છે, “અમે 10 રૂપિયામાં ખરીદેલી પાંચ લિટરની પાણીની બોટલમાં જ ગુજારો કરવાનો પ્રયાસ કરીએ છીએ”.
લોકો દરરોજ પાણી ખરીદી શકતા નથી અને તેના બદલે રિવર્સ ઓસ્મોસિસ (આર.ઓ.) ફિલ્ટરેશન પ્રક્રિયામાંથી જે ગંદુ પાણી છોડવામાં આવે છે, તેને ખરીદે છે. તેઓ આ પાણીનો ઉપયોગ કરે છે જે માનવ વપરાશ માટે, પીવા માટે અને અન્ય જરૂરિયાતો માટે અયોગ્ય છે.
ખાતૂન પટેલ કહે છે, “જો અમે હોટલમાંથી પાણી માગીએ, તો અમારે તે ખરીદવું પડે છે. નહીંતર હોટલના મેનેજરો કહે છે કે તેમની પાસે ગ્રાહકો માટે પણ પાણી નથી તો તેઓ અમને કેવી રીતે આપી શકે?” આ 30 વર્ષીય વ્યક્તિ નાંદેડ સ્ટેશન નજીક રહે છે.
ગોકુલનગરના એક ચોકીદાર કહે છે, “અમારી પાસે પાણી છે, પણ અમે તેમને નથી આપતા. અમે માત્ર એટલું જ કહીએ છીએ કે પાણી ઉપલબ્ધ નથી અને તેમને દૂર કરી દઈએ છીએ.”
એક મેરેજ હોલના માલિક (તેમનું નામ જાહેર કરવા નથી માગતા) કહે છે, “અમે તેમને [આશ્રયસ્થાનોમાંના લોકોને] કહ્યું છે કે તેઓ પાણીના બે કેન લઈ શકે છે, તેમ છતાં તેઓ વધુ માગતા રહે છે. અમારી પાસે મીટરવાળો પાણીનો પુરવઠો છે અને તેનાથી વધુ આપવાનું પોસાય તેમ નથી.”
*****
પાણી એકત્ર કરવાનું કામ મોટે ભાગે મહિલાઓ અને છોકરીઓને ફાળે જાય છે, અને તેમણે જ ઇન્કારનો સામનો કરવો પડે છે. પરંતુ સમસ્યા આટલે પૂરી નથી થતી. ફૂટપાથ પર હંમેશા લોકોની ભીડ રહે છે અને જાહેર સ્નાનગૃહની કોઈ જોગવાઈ નથી. સમીરા જોગી કહે છે, “અમારે અમારાં કપડાં પહેરીને સ્નાન કરવું પડે છે. અમે ખૂબ જ ઝડપથી સ્નાન કરીએ છીએ, કારણે કે ચારે બાજુ ઘણા પુરુષો હોય છે જેઓ અમને તાકતા રહે છે તેથી અમને શરમ લાગે છે. અમે ઝડપથી સ્નાન કરીને અમારાં કપડાં ઉતારીને ધોઈએ છીએ.” 35 વર્ષીય સમીરા લખનઉનાં રહેવાસી છે અને યોગી સમુદાયનાં છે, જેને ઉત્તર પ્રદેશમાં ઓ.બી.સી. તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
દેગલુર નાકા ખાતે સ્થાયી થયેલા પારધી પરિવારોની મહિલાઓ કહે છે કે જ્યારે અંધારું થાય ત્યારે જ તેઓ સ્નાન કરે છે. તેઓ પાર્ક કરેલી ટ્રકોની પાછળની જગ્યાનો લાભ લે છે અને તેમની સાડીઓનો ઉપયોગ એક નાહવા માટેની સલામત જગ્યા બનાવે છે.
સિડકો રોડ પરની વસાહતમાંથી, કાજલ ચૌહાણ અમને કહે છે, “અમે રસ્તા પર રહીએ છીએ, અને રાહદારીઓ અમને જોતા રહે છે. તેથી જ અમે સ્નાન કરવા માટે સાડીઓથી આ નાની જગ્યા બનાવી છે. મારી સાથે એક યુવાન છોકરી છે, તેથી મારે સાવચેત રહેવું પડે છે.”
ગોકુલનગરનાં રહેવાસી નયના કાલેએ ખૂબ જ વહેલા અને ઝડપથી સ્નાન કરવું પડે છે, કારણ કે તેમણે કોઈ તેમને જોઈ ન જાય તે માટે હંમેશાં સજાગ રહેવું પડે છે. દેગલુર નાકા ખાતે ચાલીસ વર્ષીય ઇરફાના શેખ કહે છે, “ત્યાં ન તો પાણી છે અને ન તો કોઈ યોગ્ય વ્યવસ્થા છે, તેથી હું અઠવાડિયામાં માત્ર બે વાર જ સ્નાન કરું છું.”
ગંગુબાઈ પૂછે છે, “સાર્વજનિક સુવિધાઓમાં સ્નાન કરવા માટે, અમારે દર વખતે 20 રૂપિયા ચૂકવવા પડે છે. અમારા જેવા લોકો, જેઓ પેટ પર પાટો બાંધીને જીવતા હોય, તેમને આટલા પૈસા ક્યાંથી પરવડી શકે? જો અમારી પાસે એટલા પૈસા ન હોય, તો અમે તે દિવસે સ્નાન કરવાનું રહેવા દઈએ છીએ.” રેલવે સ્ટેશન નજીક રહેતાં ખાતૂન પટેલ કહે છે, “જો અમારી પાસે પૈસા ન હોય તો અમે નદીમાં સ્નાન કરવા જઈએ છીએ. ત્યાં ઘણા પુરુષો છે જે ત્યાં ફરતા રહે છે, તેથી તે અમારા માટે કઠીન બાબત છે.”
જ્યારે ગોકુલનગરમાં ચેમ્બરમાં પાણી મળે છે, ત્યારે બધા નાના બાળકો નહાવા માટે તેની આસપાસ ભેગા થાય છે. કિશોરવયની છોકરીઓ ફૂટપાથ પાસે કપડાં પહેરીને સ્નાન કરતી જોઈ શકાય છે. સ્ત્રીઓ પોતાને સાડીઓથી ઢાંકી દે છે, કારણ કે તેઓ પોતાના પર પાણી રેડતાં હોય છે. કદાચ કપડાં પહેરીને સ્નાન કરવું ક્યાંક સાડીઓથી બનાવેલ જગ્યામાં નાહવા કરતાં વધુ સુરક્ષિત લાગે છે.
માસિક સ્રાવના સમયે મહિલાઓ માટે પડકારો અનેકગણા વધી જાય છે. ઇરફાના કહે છે, “જ્યારે મનેસ્રાવ માસિક આવે છે, ત્યારે મારે શૌચાલયનો ઉપયોગ કરવાનું બહાનું બનાવવું પડે છે અને પછી ત્યાં મારું પેડ બદલવું પડે છે. સાતમા દિવસે અમારે સ્નાન કરવું જ પડશે. પછી મારે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા અને નહાવા માટે 20 રૂપિયા ચૂકવવા પડે છે.”
ગંગુબાઈ કહે છે, “આ ભૈય્યાઓ (અન્ય રાજ્યોના લોકો) અમને બૂમો પાડીને ખખડાવતા રહે છે ‘તમારા લોકોને અહીં શૌચાલયનો ઉપયોગ કરવાની ના પાડો.’ અમારા લોકો પોટ/કમોડનો ઉપયોગ કરવા માટે ટેવાયેલા નથી, તેથી તેઓ ક્યારેક તેને ગંદું કરે છે. એટલા માટે તેઓ અમને તેનો ઉપયોગ કરવાથી રોકે છે.”
એક વાર જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા માટે 10 રૂપિયા આપવા ચૂકવવા પડે છે અને મોટા પરિવારના તમામ સભ્યોને તે પરવડી શકે તેમ નથી. મળત્યાગ માટે ખુલ્લામાં જવું સસ્તું પડે છે. મ્યુનિસિપલ મેદાનની વસાહતમાં રહેતા 50 વર્ષીય રમેશ પાટોડે કહે છે, “જાહેર શૌચાલય રાત્રે 10 વાગ્યા પછી બંધ થાય છે. પછી અમારે કુદરતી હાજતે ખુલ્લામાં બહાર જવું પડે છે. અમારી પાસે બીજો શું વિકલ્પ છે?”
ગોકુલનગરમાં મ્યુનિસિપલ ગ્રાઉન્ડ નજીક ફૂટપાથ પર રહેતાં નયના કાલે કહે છે, “અમે ખુલ્લામાં શૌચ કરીએ છીએ. જો અમારે રાત્રે જવું પડે તો અમને ડર લાગે છે, તેથી અમે બે-ત્રણ છોકરીઓને સાથે લઈ જઈએ છીએ. જ્યારે અમે ખુલ્લામાં બહાર હોઈએ છીએ, ત્યારે પુરુષો અમારાં નામ લે છે અને હેરાન કરે છે. કેટલીકવાર તેઓ અમારો પીછો પણ કરે છે. અમે પોલીસમાં સો વખત ફરિયાદ કરી હશે, પણ કંઈ ફેર નથી પડતો.”
સિડકો રોડ વિસ્તાર નજીક રહેતાં કાજલ ચૌહાણ કહે છે કે તેનો વિકલ્પ “રસ્તાઓના ખૂણાઓમાં જવાનો” છે.
2011-12માં, નાંદેડમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ શહેર સ્વચ્છતા યોજના તૈયાર કરવામાં આવી હતી. તે સમયે શહેરની લગભગ 20 ટકા વસ્તી ખુલ્લામાં શૌચ કરતી હતી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નાંદેડ શહેરમાં માત્ર 214 બેઠકો સાથે 23 જાહેર શૌચાલયો હતાં, જેમાં 4100થી વધુ બેઠકોની ખોટ હતી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર નિપુન વિનાયકએ સમુદાયની આગેવાની હેઠળના સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ સ્વચ્છતા, ગંદું પાણી અને કચરાના વ્યવસ્થાપન માટે એક સુધારેલો સહભાગી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. વર્ષ 2021માં, વાઘલા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓ.ડી.એફ. પ્લસ અને ઓ.ડી.એફ.પ્લસ પ્લસ (ખુલ્લામાં શૌચ મુક્ત) પ્રમાણપત્રો પ્રાપ્ત થયાં હતાં.
જો કે, શહેરના હાંસિયામાં ધકેલાઈ ગયેલા પ્રવાસી મજૂરો
માટે, પીવાનું પાણી અને સ્વચ્છ અને સલામતરીતે કચરાનો નિકાલ એ હજુ પણ એક દૂરનું સ્વપ્ન
છે. કારણ કે જાવેદ ખાન કહે છે, “સ્વચ્છ, પીવાલાયક પાણી મેળવવાની
કોઈ ગેરંટી નથી.”
આ પત્રકાર વાર્તામાં સહાય કરવા બદલ પૂણેના એસ.ઓ.પી.પી.ઈ.સી.ઓ.એમ. ખાતે સીમા કુલકર્ણી, પલ્લવી હર્ષે, અનિતા ગોડબોલે અને ડૉ. બોઝનો આભાર માનવા માંગે છે. તેમનું સંશોધન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ (આઇ.ડી.એસ.)ના સહયોગથી કરવામાં આવેલા ‘ટુવર્ડ્સ બ્રાઉન ગોલ્ડ રી-ઇમેજિનીંગ ઓફ-ગ્રીડ સેનિટેશન ઇન રેપિડલી અર્બનાઇઝિંગ એરિયાઝ ઇન એશિયા એન્ડ આફ્રિકા’ અભ્યાસ પર આધારિત હતું.
અનુવાદક: ફૈઝ મોહંમદ