કારદગા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે પરિવારો સૌથી પહેલા તેની જાણ સોમાક્કા પૂજારીને કરે છે. તેઓ, લગભગ 9000 લોકોના આ ગામના એવા કેટલાક કલાકારોમાંના એક છે જેઓ હજી આજે પણ ઘેટાંના વાળમાંથી બંગડીઓ બનાવી શકે છે. સ્થાનિક રીતે કંડા તરીકે ઓળખાતા આ આભૂષણો શુભ મનાય છે અને નવજાત શિશુના કાંડા પર પહેરાવવામાં આવે છે.
ઉંમરના 50 મા દાયકાના અંતમાં પહોંચેલા સોમાક્કા કહે છે, "ઘણીવાર ઘેટાં ગોચરની શોધમાં ગામડાંઓમાં ફરે છે, ડર્યા વિના ખરાબ હવામાનનો સામનો કરે છે અને જાતજાતના લોકોને મળે છે." ઘેટાંને સહનશક્તિનું પ્રતીક મનાય છે, અને તેમના વાળમાંથી બનાવેલ કંડા બાળકને ખરાબ નજરથી બચાવે છે એમ મનાય છે.
પરંપરાગત રીતે ધનગર સમાજની મહિલાઓ આ બંગડીઓ બનાવતી આવી છે. આજે કરાદગામાં માત્ર આઠ ધનગર પરિવારો જ આ કળા સાથે સંકળાયેલા છે. સોમાક્કા મરાઠીમાં કહે છે, “નિમ્મ ગાવાલા ઘાતલ આહે [આ ગામના અડધા બાળકોના કાંડા મેં જ આ બંગડીઓથી શણગાર્યા છે]." કારદગા ગામ મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા કર્ણાટકના બેળગાવી જિલ્લામાં આવેલું છે, અને તેથી સોમાક્કા જેવા ઘણા રહેવાસીઓ કન્નડ અને મરાઠી બંને ભાષા બોલી શકે છે.
સોમાક્કા કહે છે, "દરેક જાતિ અને ધર્મના લોકો કંડા લેવા અમારી પાસે આવે છે."
બાળપણમાં સોમાક્કાએ તેમના માતા સ્વર્ગસ્થ કિસ્નાબાઈ બનકરને કારદગામાં કેટલાક સારામાં સારા કંડા બનાવતા જોયા હતા. તેઓ કહે છે, "કંડા બનાવતા પહેલા મા ઘેટાંના વાળના દરેકેદરેક સેર [તેને લોકર પણ કહેવાય છે] શા માટે તપાસતી એ જાણવાની મને ઉત્સુકતા રહેતી." તેઓ યાદ કરે છે કે તેમની માતા પાતળી સેરોનો ઉપયોગ કરતી કારણ કે તેને આકાર આપવાનું સરળ હોય છે. કંડા બનાવવા માટે ઘેટાંના શરીર પરથી પહેલી વખત ઉતારવામાં આવતા વાળનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એ પ્રમાણમાં બરછટ હોય છે. "(કંડા બનાવવામાં વાપરી શકાય એવા) યોગ્ય પ્રકારના વાળ સોમાંથી માંડ એક ઘેટામાં જોવા મળે છે."
સોમાક્કા તેમના પિતા સ્વર્ગસ્થ અપ્પાજી બનકર પાસેથી કંડા બનાવતા શીખ્યા. તેઓ ત્યારે 10 વર્ષના હતા અને એ શીખતા તેમને બે મહિના લાગ્યા હતા. ચાર દાયકા પછી સોમાક્કા કંડા બનાવવાનું ચાલુ રાખે છે અને તેઓ આ કળાની ઘટી રહેલી લોકપ્રિયતા વિશે ચિંતિત છે: “આજકાલ તો યુવાન ભરવાડો ઘેટાં જ ચરાવતા નથી. પછી ઘેટાંના વાળ સાથે સંકળાયેલી આ હસ્તકલા વિશે તો તેઓ શું જાણતા હોય?
સોમાક્કા સમજાવે છે, "એક વાર વાળ ઉતારવામાં આવે ત્યારે એક ઘેટું સામાન્ય રીતે 1-2 કિલો લોકર આપે છે." તેમનો પરિવાર ઘેટાં પાળે છે, પરિવારના પુરુષો વર્ષમાં બે વાર એ ઘેટાંના વાળ ઉતારે છે, સામાન્ય રીતે દિવાળી અને બેંદુર (જૂન અને ઓગસ્ટ વચ્ચે બળદની ઉજવણીના તહેવાર) દરમિયાન. એ માટે કાથરભુની અથવા પરંપરાગત કાતરનો ઉપયોગ થાય છે. ઘેટાંના વાળ ઉતારવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે અને એ કામ સામાન્ય રીતે સવારે કરવામાં આવે છે. પછીથી દરેક સેરને ગુણવત્તા માટે ચકાસવામાં આવે છે જ્યાં (આબોહવાની અસરથી) ખરાબ થઈ ગયેલા વાળ કાઢી નાખવામાં આવે છે.
એક કંડા બનાવતા સોમાક્કાને 10 મિનિટ લાગે છે. સોમક્કા જે લોકરનો ઉપયોગ કરી રહ્યા છે તે વર્ષ 2023 માં દિવાળી દરમિયાન ઉતારવામાં આવ્યા હતા - તેઓ કહે છે, "મેં નવજાત શિશુઓ માટે એ સાચવીને રાખ્યા છે."
વાળને આકાર આપવાનું શરૂ કરતા પહેલા સોમાક્કા તેમાંથી ધૂળ અને બીજો કચરો દૂર કરે છે. તેઓ ખેંચીને સેરને ગોળ આકાર આપે છે, તેઓ નવજાત શિશુનાં કાંડાને આધારે કંડાની સાઈઝ નક્કી કરે છે. એકવાર ગોળાકાર માળખું તૈયાર થઈ જાય પછી તેઓ તેને પોતાની હથેળીઓ વચ્ચે ઘસે છે. આ ઘર્ષણ તેને મજબૂત બનાવે છે.
સોમાક્કા આ ગોળાકાર ફ્રેમને દર થોડી-થોડી સેકંડે પાણીમાં ડુબાડે છે. સેરને હાથ વડે ઝડપથી અને કુશળતાપૂર્વક ખેંચતા અને પોતાની હથેળીઓ વચ્ચે ફ્રેમને ઘસતા તેઓ કહે છે, "જેટલું વધારે પાણી ઉમેરો એટલી ફ્રેમ વધારે મજબૂત બને."
તેઓ કહે છે, "1-3 વર્ષની વયના બાળકો આ બંગડી પહેરે છે", અને ઉમેરે છે કે કંડાની એક જોડી ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ચાલે છે. ધનગર સમુદાય આ બંગડીઓ બનાવવા ઉપરાંત પશુધન ચરાવે છે અને ખેતરોની સંભાળ પણ રાખે છે. ધનગરો મહારાષ્ટ્રમાં વિચરતી જાતિ તરીકે અને કર્ણાટકમાં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ ક્લાસ) તરીકે સૂચિબદ્ધ છે.
સોમાક્કાના પતિ બાળુ પૂજારીએ 15 વર્ષની ઉંમરે ભરવાડ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલ 62 વર્ષના બાળુએ હવે પશુધન ચરાવવાનું બંધ કરી દીધું છે. હવે તેઓ ખેડૂતનું કામ કરે છે, ગામમાં પોતાની માલિકીની બે એકર જમીનમાં તેઓ શેરડીની ખેતી કરે છે.
પશુધન ચરાવવાનું કામ સોમાક્કાના મોટા દીકરા, 34 વર્ષના માળુ પૂજારીએ સંભાળી લીધું છે. બાળુ કહે છે કે તેમનો દીકરો 50 થીય ઓછાં ઘેટાં-બકરાં ચરાવે છે. તેઓ યાદ કરે છે, "એક દાયકા પહેલાં અમારા પરિવાર પાસે 200 થી વધુ પશુઓ હતા અને અમે એ ચારતા હતા." પશુધનની સંખ્યાના આ ઘટાડા માટે તેઓ મુખ્યત્વે કારદગાની આસપાસ ઘટતી જતી ચરાઉ જમીનને જવાબદાર ગણાવે છે.
ટોળાનું કદ ઘટતા અગાઉ એક પણ વખત વાળ ન ઉતાર્યા હોય એવાં ઘેટાં શોધવાનું મુશ્કેલ બને છે. પરિણામે ગામમાં જોવા મળતા કંડાને અસર પહોંચે/ઓછા કંડા જોવા મળે છે.
બાળુની ઘેટાં-બકરાં ચરાવવાની રોજની મુસાફરીમાં સોમાક્કા તેમની સાથે જતાં હતાં એ વાત યાદ કરે છે. આ દંપતી 151 કિલોમીટર દૂર કર્ણાટકના બીજાપુર અને 227 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના સોલાપુર સુધીની મુસાફરી કરતા હતા. સોમાક્કા એક દાયકા પહેલા સુધીના તેમના જીવન વિશે વાત કરતા કહે છે, "અમે એટલી બધી મુસાફરી કરતા કે ખેતરો જ અમારું ઘર બની જતા. દરરોજ ખુલ્લા મેદાનમાં સૂવા હું ટેવાયેલી હતી. અમારા માથા ઉપર તારાઓ અને ચંદ્ર હતા. આ ચાર દીવાલોથી સુરક્ષિત ઘર છે એવું કશું નહોતું."
સોમાક્કા કારદગા અને તેની નજીકના ગામોના ખેતરોમાં પણ કામ કરતા - એમાંના કેટલાક ગામો લગભગ 10 કિલોમીટર દૂર હતા. તેઓ દરરોજ કામ કરવા માટે ચાલીને જતા અને તેઓ કહે છે કે તેમણે "કુવા પણ ખોદ્યા છે અને પથ્થરો પણ ઉપાડ્યા છે." 1980 ના દાયકામાં તેમને કૂવા ખોદવા માટે 25 પૈસા ચૂકવવામાં આવતા હતા. તેઓ યાદ કરે છે, “એ સમયમાં ચોખા 2 રુપિયે કિલોના ભાવે મળતા."
હાથ વડે કંડા બનાવવું દેખીતી રીતે સરળ લાગે છે પરંતુ તેમાં અનેક પડકારો સમાયેલા છે. ઘેટાંના વાળ ઘણી વખત કંડા બનાવનારના નાક અને મોંમાં પેસી જાય છે, જેના કારણે તેમને સખત ઉધરસ અને ઉપરાઉપરી છીંકો આવે છે. ઉપરાંત આ કામ મફતમાં કરવામાં આવે છે - અહીં પૈસાની કોઈ આપલે કરવામાં આવતી નથી - એ કારણે અને સાથેસાથે ચરાઉ જમીનમાં ઘટાડો થવાને કારણે આ હસ્તકલાને ભારે અસર પહોંચી છે.
નવજાત શિશુના કાંડા પર કંડા પહેરાવવાની વિધિ પછી સોમાક્કાને સામાન્ય રીતે હલદ-કુંકુ (હળદર-સિંદૂર), ટોપી (પરંપરાગત ટોપી), પાન (નાગરવેલનું પાન), સુપારી (સોપારી), ઝાંપર (બ્લાઉઝ પીસ), સાડી, નારળ (નારિયેળ), અને ટાવલ (ટુવાલ) મળે છે. સોમાક્કા કહે છે, "કેટલાક પરિવારો થોડા પૈસા પણ આપે છે." તેઓ ઉમેરે છે કે તેઓ (નવજાત શિશુને કંડા પહેરાવવાના) બદલામાં ક્યારેય કશું માંગતા નથી. તેઓ ભારપૂર્વક કહે છે, "આ કળાનો હેતુ ક્યારેય પૈસા કમાવવાનો રહ્યો નથી."
આજકાલ કેટલાક લોકો ઘેટાંના વાળ સાથે કાળો દોરો ભેળવીને તેને મેળામાં કંડા તરીકે 10 રુપિયાના સાવ ઓછા ભાવે વેચે છે. સોમાક્કાના નાના દીકરા, 30 વર્ષના રામચંદ્ર કહે છે, “અસલ કંડા મેળવવાનું હવે મુશ્કેલ બની ગયું છે." રામચંદ્ર ગામના મંદિરમાં પૂજારી છે અને પોતાના પિતા સાથે ખેતી પણ કરે છે.
સોમાક્કાના દીકરી 28 વર્ષના મહાદેવી તેમની પાસેથી આ કૌશલ્ય શીખ્યા છે. ધનગર સમુદાયની દરેક મહિલા કંડા કેવી રીતે બનાવવા એ જાણતી હતી એ સમયને યાદ કરતા સોમાક્કા કહે છે, “હવે બહુ ઓછા લોકોને તેમાં રસ છે."
સોમાક્કાને સેરોને એકસાથે પોતાની જાંઘ પર ફેરવીને લોકર (ઘેટાંના વાળ) માંથી દોરીઓ વણતા પણ આવડે છે. આ ઘર્ષણને કારણે ઘણીવાર તેમની ચામડી બળે છે, તેથી જ કેટલાક લોકો આવા વણાટ માટે લાકડાના ચરખાનો ઉપયોગ કરે છે. તેમનો પરિવાર ઘેટાંના વાળમાંથી બનાવેલા ધાબળા - ઘોંગડીઓ બનાવવા માટે પ્રખ્યાત સંગર સમુદાયને વણેલા લોકર વેચે છે. આ ધાબળા ગ્રાહકોને 1000 રુપિયાથી વધુના ભાવે વેચવામાં આવે છે ત્યારે સોમાક્કા વણેલા દોરા 7 રુપિયે કિલોના સાવ ઓછા ભાવે વેચે છે.
કોલ્હાપુરના પટ્ટન કોડોલી ગામમાં દર વર્ષે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે યોજાતી વિઠ્ઠલ બિરદેવ યાત્રામાં આ દોરાઓ વેચાય છે. આ યાત્રાની તૈયારી માટે સોમાક્કા લાંબા કલાકો સુધી કામ કરી યાત્રા શરૂ થાય તેના આગલા દિવસ પહેલા ઓછામાં ઓછી 2500 દોરીઓ વણે છે. તેઓ કહે છે, "આનાથી ઘણી વાર મારા પગ સૂજી જાય છે." સોમાક્કા માથા પર એક ટોપલીમાં 10 કિલોથી વધુ દોરા લઈને 16 કિલોમીટર દૂર આ યાત્રાના સ્થળ સુધી ચાલીને જાય છે - આમાંથી તેઓ માંડ 90 રૂપિયા કમાય છે.
મુશ્કેલીઓ છતાં સોમાક્કાનો કંડા બનાવવાનો ઉત્સાહ ઓછો થયો નથી. તેઓ કહે છે, "હું આ પરંપરાને જીવંત રાખું છું એનો મને ગર્વ છે." તેમણે કપાળે ભંડારા (હળદર) નો લેપ કર્યો છે. સોમાક્કા ઉમેરે છે, "હું ખેતરોમાં જન્મી હતી, આસપાસ ઘેટાં-બકરાં હતા, અને મરતાં સુધી હું હસ્તકલાના આ સ્વરૂપને જીવંત રાખીશ."
આ વાર્તા સંકેત જૈનની ગ્રામીણ કારીગરો પરની શ્રેણીનો એક ભાગ છે, અને તેને મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક