“હું સોનેરી કિનાર મૂકીશ અને થોડી ચપટી લઈશ. આપણે બાંયમાં થોડા કટ-આઉટ્સ પણ ઉમેરી શકીએ, પરંતુ તેના 30 રુપિયા બીજા થશે.”
શારદા મકવાણાની તેમના ગ્રાહકો સાથે થતી આ રોજિંદી વાતચીત છે, તેઓ કહે છે કે તેમાંના કેટલાક ગ્રાહકો બાંયની લંબાઈ, કિનારના પ્રકાર અને નીચા ગાળાના બ્લાઉઝને બાંધવા માટેની દોરીને છેડે જોડેલા લટકણના વજન વિશે ખૂબ ચોકસાઈના આગ્રહી હોઈ શકે છે. પોતાની કુશળતા માટેના ગર્વ સાથે તેઓ કહે છે, "હું કાપડમાંથી ફૂલો બનાવીને તેને લટકણ તરીકે ઉમેરીને પણ બ્લાઉઝને શણગારી શકું છું." અને પછી તેઓ એ કેવી રીતે કરે છે તે અમને બતાવે છે.
શારદા અને તેમના જેવા સાડીના બ્લાઉઝ સીવતા બીજા દરજીઓ કુશલગઢની મહિલાઓના માનીતા ફેશન સલાહકાર છે. છેવટે, લગભગ તમામ યુવાન છોકરીઓને અને સાડી પહેરતી તમામ ઉંમરની મહિલાઓને બસ પેલા 80 સેમી કાપડમાંથી બ્લાઉઝ સીવડાવવો પડે છે.
બીજી બધી રીતે સંપૂર્ણપણે પિતૃસત્તાક સમાજમાં, જ્યાં જાહેર સભાઓમાં મહિલાઓ તેમના વિચારો વ્યક્ત કરી શકતી નથી અને જન્મ સમયે લિંગ ગુણોત્તર દર 1000 પુરૂષોએ 879 મહિલાઓ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એનએફએચએસ-5, (રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ, એનએફએચએસ-5 )) જેવો ચિંતાજનક છે, ત્યાં પોતાના વસ્ત્રો બાબતે નિર્ણય લેવાની મહિલાઓની સત્તા ઉત્સાહપ્રેરક છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનું આ નાનકડું શહેર દરજીકામની દુકાનોથી ભરેલું છે. પુરુષોના દરજીઓ બે પ્રકારના છે - એક છે શર્ટ અને પેન્ટ સીવનારા અને બીજા છે કુર્તા જેવા લગ્નના પોશાક અને સાથે સાથે શિયાળુ વરરાજાઓ માટે કોટ બનાવનારા. બંનેમાંથી એકેયમાં ઝાઝી માથાકૂટ નથી, પ્રસંગોપાત હળવા ગુલાબી અથવા લાલથી આગળ વધીને રંગોની પસંદગીમાં ઝાઝો અવકાશ હોતો નથી.
તો બીજી તરફ સાડીના બ્લાઉઝ સીવનારા દરજીઓની દુકાનો એટલે તો જાણે રંગોનું હુલ્લડ, જાતજાતના ને ભાતભાતના ઝૂલતા લટકણો, ચમકતી ગોટાપટ્ટીઓ (સોનેરી અને રૂપેરી કિનારો), અને ચારે તરફ વિખરાયેલી રંગબેરંગી કાપડની ચીંદરડીઓ. 36 વર્ષના શારદા કહે છે, "તમારે થોડા અઠવાડિયા પછી, લગ્નગાળો શરુ થાય ત્યારે આવવું જોઈએ." ચહેરા પર એક ચમક સાથે તેઓ આંનદથી ઉમેરે છે, "એ વખતે તો હું ખૂબ વ્યસ્ત થઈ જઈશ." તેમને વરસાદના દિવસોનો ડર લાગે છે કારણ કે તે વખતે કોઈ બહાર નીકળતું નથી અને તેમના ધંધામાં મંદી આવી જાય છે.
(વસ્તીગણતરી 2011 પ્રમાણે) 10666 લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા નગરમાં બ્લાઉઝ સીવતા હોય એવા ઓછામાં ઓછા 400-500 દરજીઓ છે એવો શારદાનો અંદાજ છે. જોકે 3 લાખથી વધુ લોકો સાથે કુશલગઢ તહેસીલ બાંસવાડા જિલ્લાની મોટામાં મોટી તહેસીલોમાંની એક છે અને શારદાના ગ્રાહકો 25-25 કિલોમીટર દૂરથી તેમની પાસે બ્લાઉઝ સીવડાવવા આવે છે. તેઓ કહે છે, "મારા ગ્રાહકો છેક ઉકાલા, બાઓલીપાડા, સરવા, રામગઢ, ગામેગામથી આવે છે." તેઓ હસતાં હસતાં ઉમેરે છે, "એકવાર મારી પાસે આવે પછી તેઓ ફરી બીજે ક્યાંય જતા નથી." તેઓ કહે છે કે તેમના ગ્રાહકો તેમની સાથે કપડાં, તેમના જીવન, તેમના સ્વાસ્થ્ય અને બાળકોના ભવિષ્ય વિશે વાત કરે છે.
જ્યારે સિલાઈકામની શરુઆત કરી ત્યારે તેમણે 7000 રુપિયામાં સિંગર મશીન ખરીદ્યું હતું અને બે વર્ષ પછી સાડી પીકો (સાડીની ધાર ઓટવા) જેવા નાના-નાના કામો માટે સેકન્ડ હેન્ડ ઉષા સિલાઈ મશીન લીધું હતું, સાડી પીકોના કામના તેમને સાડી દીઠ 10 રુપિયા મળે છે. તેઓ પેટીકોટ અને પતિયાલા સૂટ (સલવાર કમીઝ) પણ સીવે છે અને એ માટે ગ્રાહક પાસેથી અનુક્રમે 60 થી 250 રુપિયા વસૂલે છે.
સિલાઈકામ ઉપરાંત શારદા બ્યુટિશિયન તરીકેનું કામ પણ કરે છે. દુકાનની પાછળના ભાગમાં એક વાળંદની ખુરશી, એક મોટો અરીસો અને હારબંધ મેક-અપ ઉત્પાદનો છે. સુંદરતા વધારવાની યુક્તિઓ અંગેની તેમની કુશળતા આઇબ્રોનું થ્રેડિંગ કરવાથી માંડીને વેક્સિંગ, બ્લીચિંગ અને નાના બાળકો, ખાસ કરીને ધાંધલિયા બાળકો માટે વાળ કાપવા સુધી વિસ્તરે છે, આ તમામ માટે તેઓ લગભગ 30 થી માંડીને 90 રુપિયા લે છે. તેઓ જણાવે છે, "મહિલાઓ ફેશિયલ કરાવવા માટે મોટા પાર્લરમાં જાય છે."
શારદાને મળવા માટે તમારે જવું પડે કુશલગઢના મુખ્ય બજારમાં. અહીં એક કરતાં વધુ બસ સ્ટેન્ડ છે જ્યાંથી દરરોજ આશરે 40 બસો ગુજરાત અને મધ્યપ્રદેશ જતા સ્થળાંતરિતો સાથે ઉપડે છે. બાંસવાડા જિલ્લામાં માત્ર વરસાદ આધારિત ખેતી સિવાય આજીવિકાનો બીજો કોઈ સ્ત્રોત નથી.
શહેરના પંચાલ મહોલ્લામાં એક સાંકડી શેરીમાં, પોહા અને જલેબી જેવા સવારના નાસ્તા વેચતી મીઠાઈની નાની-નાની દુકાનોથી ધમધમતું બજાર વટાવો એ પછી આવે શારદાની એક ઓરડાની દરજીકામની દુકાન કમ બ્યુટી પાર્લર.
36 વર્ષની આ મહિલાના પતિ આઠ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા; તેઓ ટેક્સી ડ્રાઈવર હતા અને લીવરની બીમારીથી પીડાતા હતા જેણે આખરે તેમનો જીવ લીધો હતો. શારદા તેમના બાળકો સાથે તેમના સાસરિયાઓ અને તેમના સ્વર્ગસ્થ પતિના ભાઈના પરિવાર સાથે રહે છે.
આ યુવાન વિધવા કહે છે કે સાવ અચાનક થયેલી એક મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું હતું. "આંગણવાડીમાં હું એક મેડમને મળી જેમણે કહ્યું કે એક વાર સખી કેન્દ્રમાં જઈ આવો અને તમને જે ગમે તે શીખી લો." આ કેન્દ્ર - નફાના હેતુ વિના કરાયેલ એક પહેલ - એક એવી જગ્યા હતી જ્યાં યુવાન મહિલાઓ જે શીખવાથી કામ મળી રહે એ પ્રકારના કૌશલ્યો શીખી શકે. તમે તમારી અનુકૂળતા મુજબના સમયે જઈ શકો એવી સુવિધા હતી અને શારદા પોતાના ઘરનું કામકાજ પરવારીને ત્યાં આવતા; ત્યાં તેઓ ક્યારેક દિવસના કલાકથી માંડીને ક્યારેક અડધો દિવસ ગાળતા. દરેક વિદ્યાર્થીએ માસિક ફી પેટે કેન્દ્રમાં 250 રુપિયા ભરવાના રહેતા.
બ્લાઉઝ ઉપરાંત બીજું પણ શીખવાડવાની વિનંતી કરનાર શારદા આભારની લાગણી સાથે કહે છે, "મને સિલાઈકામ ગમતું હતું, અને અમને ખૂબ જ સારી રીતે શીખવાડતા હતા. મેં તેમને કહ્યું હતું તમે જે કંઈ શીખવાડી શકો એ મને શીખવો, અને 15 દિવસમાં તો હું બધું એકદમ બરોબર શીખી ગઈ!" નવા કૌશલ્યોથી સજ્જ, આ નવ-ઉદ્યોગ સાહસિકે ચાર વર્ષ પહેલાં પોતાનો વ્યવસાય શરુ કરી પોતાના પગ પર ઊભા રહેવાનું નક્કી કરી લીધું.
ત્રણ બાળકોના માતા શારદા કહે છે, “કુછ ઔર હી મઝા હૈ, ખુદ કી કમાઈ કા [તમે પોતે કમાતા હો એનો આખો એક અલગ જ આનંદ હોય છે]." તેઓ રોજિંદા ખર્ચાઓ માટે પોતાના સાસરિયાઓ પર આધાર રાખવા માગતા ન હતા. તેઓ કહે છે, "હું મારા પોતાના પગ પર ઊભી રહેવા માગુ છું."
તેમની મોટી દીકરી, 20 વર્ષની શિવાની બાંસવાડાની એક કોલેજમાં નર્સ બનવા માટેનો અભ્યાસ કરી રહી છે; 17 વર્ષની હર્ષિતા અને 12 વર્ષનો યુવરાજ બંને અહીં કુશલગઢમાં શાળામાં અભ્યાસ કરે છે. તેઓ કહે છે કે તેમના બાળકો ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે સરકારી શાળામાં જવાનું પસંદ કરે છે અને તેથી જ્યારે તેઓ 11 મા ધોરણમાં આવ્યા ત્યારે તેઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં દાખલ થઈ ગયા છે. શારદા કહે છે, "ખાનગી શાળાઓમાં એ લોકો વારેઘડીએ શિક્ષકો બદલ્યા કરે છે."
શારદાના લગ્ન 16 વર્ષની ઉંમરે થયા હતા, અને જ્યારે તેમની મોટી દીકરી એ ઉંમરની થઈ ત્યારે તરત દીકરીના લગ્ન કરાવવાની શારદાની ઈચ્છા નહોતી, તેઓ રાહ જોવા માગતા હતા, પરંતુ કોઈએ આ યુવાન વિધવાનું સાંભળ્યું નહીં. આજે, તેઓ અને તેમની દીકરી માત્ર કાગળ પર રહી ગયેલા આ લગ્ન રદ કરવા માટે તેમનાથી બનતા બધા પ્રયાસો કરી રહ્યા છે, જેથી એ યુવાન છોકરી છૂટી થઈ શકે.
જ્યારે શારદાની બાજુમાં આવેલી દુકાન ખાલી પડી ત્યારે તેમણે પોતાની બહેનપણીને, જે પોતે પણ એકલે હાથે પોતાના બાળકોને ઉછેરી રહી છે તેને, દરજીકામની દુકાન શરૂ કરવા સમજાવી હતી. તેઓ કહે છે, "દર મહિને એકસરખી કમાણી થતી નથી. કમાણી ભલેને એકસરખી ન હોય પણ હું મારા પોતાના પગ પર ઊભી રહી શકું છું એ વાતથી મને ખૂબ સારું લાગે છે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક