કુનોના ચિત્તાને લગતી માહિતી હવે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત થઈ ગઈ છે, જેનો ભંગ કરવાથી વિદેશી દેશો સાથેના ભારતના સંબંધોને પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.
અથવા, ઓછામાં ઓછું આ એ કારણ છે જે મધ્યપ્રદેશ સરકારે જુલાઈ 2024માં માહિતીના અધિકાર (આર.ટી.આઈ.) ની વિનંતીને નકારી કાઢતાં આપ્યું હતું, જેમાં ચિત્તાના વ્યવસ્થાપનની વિગતો માંગવામાં આવી હતી. આર.ટી.આઈ. દાખલ કરનારા ભોપાલ સ્થિત કાર્યકર્તા અજય દુબે કહે છે, “વાઘ વિશેની તમામ માહિતી પારદર્શક છે, તો પછી ચિત્તા વિશેની કેમ નહીં? વન્યજીવન વ્યવસ્થાપનમાં પારદર્શિતા સામાન્ય વાત છે.”
કુનો પાર્કને અડીને આવેલા અગરા ગામમાં રહેતા રામ ગોપાલને ખબર નથી પડતી કે તેમની આજીવિકાથી આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને રાજદ્વારી સંબંધો પર કઈ રીતે કોઈ જખમ આવી પડશે. તેમને અને તેમના જેવા હજારો આદિવાસીઓને અન્ય, વધુ ગંભીર ચિંતાઓ છે.
તેમણે તાજેતરમાં જ ટ્રેક્ટરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. એટલા માટે નહીં કે તેમને અચાનક બળદોના બદલે આ મશીન પોસાવા લાગ્યું છે. ના, વાત આખી અલગ છે.
“મોદીજીએ અમને આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમારે અમારા બળદોને જવા ન દેવા જોઈએ. પરંતુ એકમાત્ર ચરાઈ [કુનોના] જંગલમાં જ છે અને જો અમે તેમાં પ્રવેશ કરીએ છીએ તો ફોરેસ્ટ રેન્જર્સ અમને પકડી લે છે અને જેલમાં ધકેલી દે છે. તેથી, અમે વિચાર્યું, ચાલો તેના બદલે એક ટ્રેક્ટર જ ભાડે લઈ લઈએ.”
આ એક એવો ખર્ચ છે જે રામ ગોપાલ અને તેમના પરિવારને પરવડી શકે તેમ નથી. તેમની ઘરગથ્થુ આવક તેમને ગરીબી રેખાથીય નીચે રાખે છે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ચિત્તાનું ઘર બન્યા પછી, તેનાથી તેમને જંગલ આધારિત જે આજીવિકા મળતી હતી તેમાં ભારે નુકસાન થયું છે.






















