પ્રિયંકા મંડલે ધીમા અવાજે કહ્યું, "કાશ, બાબા અહીં મારી સાથે હોત." તેમની યાદોથી દુઃખી પ્રિયંકા ચમકતો લાલ અને સોનેરી પોશાક પહેરીને ખોળામાં ફૂલો લઈને ગુલાબી અને વાદળી પાલખીમાં બેઠા હતા, જે તેમને રજત જ્યુબિલી ગામમાં તેમના પતિને ઘેર લઈ જવાની હતી.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના આ ગામના રહેવાસી 23 વર્ષના પ્રિયંકાના લગ્ન 7 મી ડિસેમ્બર, 2020 ના રોજ એ જ ગામના 27 વર્ષના હિરણમય મંડલ સાથે થઈ રહ્યા હતા. હિરણમય બાજુમાં જ રહેતો હતો અને કોલકતામાં છૂટક કપડાંની દુકાનમાં ફ્લોર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. બંને પ્રેમમાં હતા અને તેઓએ 2019માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
પરંતુ 29 મી જુલાઈ, 2019 ના રોજ પ્રિયંકાના પિતા, 45 વર્ષના અર્જુન મંડલ, એક વાઘના હુમલામાં માર્યા ગયા ત્યારે સુંદરવનના લાહિરીપુર ગ્રામ પંચાયતના આ ગામમાં તેમના લગ્ન મોકૂફ રાખવા પડ્યા. વ્યવસાયે એક માછીમાર, અર્જુન, તે દિવસે, હંમેશની જેમ કરચલાઓનો શિકાર કરવા સુંદરવનના વાઘ અભયારણ્યની વચ્ચે આવેલા પીરખલી ગાઝી જંગલ વિસ્તારમાં ગયા હતા. તેમના મૃતદેહના અવશેષો ક્યારેય મળી શક્યા નહોતા.
જ્યારે જ્યારે અર્જુન કરચલાઓનો શિકાર કરવા જંગલોમાં જતા ત્યારે દરેક વખતે તેમના પરિવારને તેઓ સુરક્ષિત પરત ફરશે કે કેમ એવો ડર રહેતો હતો. જુલાઈ 2019 માં તેઓ શિકાર કરવા નીકળ્યા ત્યારે અર્જુનના મનમાં તેમની દીકરીના લગ્નના વિચાર ચાલતા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી શિકાર સફર બની રહેવાની હતી.
તેમના પત્ની પુષ્પાએ કહ્યું, “પ્રિયંકાના લગ્ન માટે અમારે પૈસાની જરૂર હતી. અર્જુન જંગલમાં જવાનું ટાળી શકે એમ નહોતા, પરંતુ તેમને જાણે કંઈક ખરાબ થવાનું છે એવો અણસારો આવી ગયો હતો."

























