“મેં ઘણી વખત 108 [એમ્બ્યુલન્સ સેવા] ને ફોન કરવાનો પ્રયાસ કર્યો. લાઇન કાં તો વ્યસ્ત હતી અથવા પહોંચી શકાય તેમ ન હતી.” તેમના પત્ની ગર્ભાશયના ચેપથી પીડિત હતા અને દવાઓ ચાલુ હોવા છતાં ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. હવે રાત પડી ગઈ હતી અને તેમની પીડા વધી ગઈ હતી. ગણેશ પહાડિયા ગમે તે ભોગે પત્નીને તબીબી સહાય મેળવી આપવા માગતા હતા.
“આખરે મદદની આશાએ મેં સ્થાનિક પ્રધાનના સહાયકનો સંપર્ક કર્યો હતો. ગણેશ યાદ કરે છે, "તેમણે તેમના [ચૂંટણી] પ્રચાર દરમિયાન અમને મદદ કરવાનું વચન આપ્યું હતું." મદદનીશે તેઓ આસપાસમાં નથી એમ કહીને ઇનકાર કર્યો. "તેમણે અમને મદદ કરવાનું રીતસર ટાળ્યું હતું."
ખૂબ અસ્વસ્થ થઈ ગયેલા ગણેશ ઉમેરે છે, "જો એમ્બ્યુલન્સ મળી હોત તો હું તેને [મોટા શહેરો] બોકારો કે રાંચીની સારી સરકારી હોસ્પિટલમાં લઈ જઈ શક્યો હોત." તેને બદલે તેમને એક સંબંધી પાસેથી 60000 રુપિયા ઉછીના લઈ, દેવું કરીને પોતાની પત્નીને નજીકની ખાનગી સુવિધામાં લઈ જવા પડ્યા.
42 વર્ષના, ગામના વડા કહે છે, "ચૂંટણીના સમય દરમિયાન, તેઓ જાતજાતની વાતો કરે છે - આ થશે, તે થશે... બસ અમને જીતવામાં મદદ કરો. પરંતુ પછીથી તમે તેમને મળવા જાઓ તો પણ તેમની પાસે તમારા માટે સમય હોતો નથી." તેઓ કહે છે કે તેમના પહાડિયા (જેમને પહાડીઆ પણ કહેવાય છે) સમુદાયના સભ્યોને મૂળભૂત સુવિધાઓ આપવાનું સરકાર દ્વારા અવગણવામાં આવે છે.
ધનગર એ પાકુડ જિલ્લાના હિરનપુર બ્લોકમાં આવેલો એક નાનકડો કસ્બો છે અને અહીં પહાડિયા જનજાતિના 50 પરિવારો રહે છે. આ કસ્બામાં આ છેવાડાની વસાહત સુધી પહોંચવા માટે રાજમહેલ પર્વતમાળાની એક ટેકરીની બાજુમાં ખરાબ જાળવણીવાળા રસ્તા પર થઈને આઠ કિલોમીટરની મુસાફરી કરવી પડે છે.
“અમારી સરકારી શાળાની હાલત ખરાબ છે. અમે એક નવી શાળા માગી હતી, પણ ક્યાં છે એ?" ગણેશ પૂછે છે. સમુદાયના મોટાભાગના બાળકના નામ શાળામાં નોંધાવાયેલા નથી અને તેથી તેઓ સરકાર તરફથી ફરજિયાત કરાયેલ મધ્યાહન ભોજન યોજનાનો લાભ મેળવી શકતા નથી.










