દિયા પહેલી વાર લગભગ ભાગી છૂટી હતી.
બસ ભરાય તેની રાહ જોતી તે સહેજ ગભરાટમાં બસમાં બેઠી હતી. તેણે સુરતથી ઝાલોડની ટિકિટ ખરીદી હતી. તે જાણતી હતી કે ત્યાંથી ગુજરાત સરહદ પાર કરીને રાજસ્થાનના કુશલગઢમાં તેને ઘેર પહોંચવા માટે બીજા એક કલાકની મુસાફરી કરવી પડે તેમ હતું.
રવિ અચાનક તેની પાછળથી આવ્યો ત્યારે તે બારીની બહાર જોઈ રહી હતી. તે કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ રવિએ તેનો હાથ ખેંચીને તેને બસમાંથી બહાર ઢસડી.
આજુબાજુના લોકો સામાન ચઢાવવામાં, બાળકોને સંભાળવામાં વ્યસ્ત હતા. ગુસ્સે ભરાયેલ યુવક અને ગભરાઈ ગયેલી કિશોરી તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. દિયા કહે છે, “હું બૂમો પાડતા ડરતી હતી. રવિના મિજાજના દિયાના ભૂતકાળના અનુભવને જોતા શાંત રહેવું જ ઠીક હતું.
એ રાત્રે બાંધકામના સ્થળે છેલ્લા છ મહિનાથી તેને માટે જેલ બની ચૂકેલા તેના ઘરમાં દિયા ઊંઘી શકી નહોતી. તેનું આખું શરીર દુખતું હતું. રવિએ તેને સખત માર મારતા તેની ચામડી ઠેરઠેરથી ઉતરડાઈ ગઈ હતી અને તેના શરીર પર ભૂરા-લીલા ચકામા પડી ગયા હતા. તે યાદ કરે છે, "રવિએ મને મુક્કા માર્યા હતા, લાતો મારી હતી. કોઈ તેને રોકી શક્યું નહોતું.” દરમિયાનગીરી કરનારા પુરુષોની નજર દિયા પર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે મહિલાઓએ આ દુર્વ્યવહાર જોયો હતો તેઓએ આ મારપીટથી ડરીને વચ્ચે ન પાડવાનું મુનાસિબ માન્યું હતું. જો કોઈએ વાંધો ઉઠાવવાની હિંમત કરી તો રવિ તેમને કહી દેતો, ‘મેરી ઘરવાલી હૈ, તુમ ક્યોં બીચ મેં આ રહે હો [મારી વહુ છે. તમે શું કરવા વચ્ચે પડો છો]?'
“જ્યારે પણ મને માર મારવામાં આવતો ત્યારે મારે મલ્લમ પટ્ટી [ઘા પર ડ્રેસિંગ કરાવવા] માટે હોસ્પિટલમાં જવું પડતું, અને 500 રુપિયા ખરચવા પડતા. દિયા કહે છે કે ક્યારેક રવિનો ભાઈ પૈસા આપતો, મારી સાથે હોસ્પિટલમાં પણ આવતો અને કહેતો, “તુમ ઘર પે ચલે જા [તું તારે પિયર જતી રહે].". પરંતુ બંનેમાંથી કોઈનેય ખબર ન હતી કે તે કેવી રીતે એવું કરી શકશે.

















