ફહમીદા બાનુને નિયમિત કદની પશ્મિન શાલ માટે પૂરતો દોરો કાંતવામાં એક મહિનો લાગે છે. ચાંથાંગ બકરીના બારીક, નાજુક ઊનને અલગ કરવું અને કાંતવું એ એક મુશ્કેલ અને કુનેહભર્યું કામ છે. આ 50 વર્ષીય કારીગર કહે છે કે આવું કઠીન કામ કરીને પણ તેઓ મહિનાના 1,000 રૂપિયા જ કમાય છે. તેઓ આને સમજાવતાં કહે છે, “જો હું સતત કામ કરું, તો હું દિવસના 60 રૂપિયા કમાઈ શકું છું.”
તે ખૂબ મૂલ્યવાન શાલ જે ભાવે વેચાશે તેનો આ ખૂબ નજીવો ભાગ છે. આ શાલ સોયકામ, ભરતકામ અને વણાયેલી ભાતની જટિલતાના આધારે 8,000 રૂપિયાથી લઈને 100,000 રૂપિયા સુધી વેચાઈ શકે છે.
પરંપરાગત રીતે, પશ્મિન દોરીને હાથથી કાંતવાનું કામ સ્ત્રીઓ દ્વારા ઘરના કામકાજની વચ્ચે કરવામાં આવતું હતું. ઓછા વેતનના લીધે ફહમીદા જેવા અનેક કારીગરો આ કામ કરવા ઇચ્છુક નથી, જેથી આ કારીગરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
ફિરદૌસા શ્રીનગરનાં અન્ય રહેવાસી છે, જેઓ લગ્ન પછી પોતાના પરિવાર અને ઘરની સંભાળ રાખવામાં વ્યસ્ત થઈ ગયાં તે પહેલાં ઊન કાંતતાં હતાં. પોતાના જવાનીના દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, “પરિવારના વડીલો અમને દોરી કાંતવાનું કહેતાં, એમ કહીને કે તે ગપસપમાં મશગૂલ રહેવાને બદલે અમારાં મગજને કામમાં વ્યસ્ત રાખશે.” તેમની બે કિશોરવયની દીકરીઓ કાંતવાનું કામ નથી કરતી, કારણ કે તેમને તેમના શિક્ષણ અને ઘરના કામ વચ્ચે સમય મળતો નથી. અને આ કામમાં વધારે પૈસા પણ નથી મળતા.
ફિરદૌસા કહે છે કે કાંતવું એ કાશ્મીરી સંસ્કૃતિનો એક ભાગ છે, અને સ્થાનિક સ્વાદિષ્ટ વાનગી, નાદુર (કમળના દાંડા). તેઓ કાંતણ અને નાદુર વચ્ચેની કડીનો ઉલ્લેખ કરે છેઃ “અગાઉની સ્ત્રીઓ એકબીજા સાથે દોરી કાંતવાની સ્પર્ધા કરતી હતી, જે નાદુરના રેસા જેટલી બારીક હતી.”
કાંતવાથી વિપરીત, પશ્મિનને વણવામાં સારી એવી આવક મળે છે, જે કામને પુરુષો દ્વારા કરવામાં આવે છે, જેઓ વધુ ચૂકવણી કરતી અન્ય નોકરીઓ પણ કરી શકે છે. વેતન પરના 2022ના જમ્મુ અને કાશ્મીર રાજ્યના જાહેરનામા અનુસાર, આજે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં, એક અકુશળ કામદાર દિવસના 311 રૂપિયા, અર્ધકુશળ કામદાર 400 રૂપિયા, અને એક કુશળ કામદાર 480 રૂપિયા કમાય છે.
નિયમિત કદની શાલમાં 140 ગ્રામ પશ્મિન ઊન હોય છે. ઊંચાઈ પર રહેતી ચાંથાંગ બકરી (કેપ્રા હિરેકસ) નું 10 ગ્રામ કાચું પશ્મિન ઊનને કાંતવામાં સામાન્ય રીતે ફહમીદાને બે દિવસ લાગે છે.
ફહમીદાએ હાથથી પશ્મિન કાંતવાની કળા તેમનાં સાસુ ખતીજા પાસેથી શીખી હતી. આ મહિલાઓ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં કોહ-એ-મરાનમાં તેમના પરિવારો સાથે એક માળના મકાનમાં રહે છે.
ખતીજા તેમના ઘરના 10 x 10 ફૂટના ઓરડામાં તેમના યાઈન્ડર (ચરખા) પર કામ કરી રહ્યાં છે. તેમના ઘરમાં એક ઓરડાનો ઉપયોગ રસોડા તરીકે થાય છે, જ્યારે બીજા ઓરડામાં પશ્મિન વણાટની વર્કશોપ છે જ્યાં પરિવારના પુરુષ સભ્યો કામ કરે છે; બાકીના ઓરડાઓ શયનખંડ તરીકે વપરાય છે.
આ 70 વર્ષીય અનુભવી સૂતર કાંતનારે થોડા દિવસો પહેલા 10 ગ્રામ પશ્મિન ઊન ખરીદ્યું હતું, પરંતુ તેમને આંખો નબળી પડી ગઈ હોવાથી, તેઓ હજુ પણ તેને સારી રીતે તૈયાર કરી શક્યાં નથી. તેમણે 10 વર્ષ પહેલાં તેમના મોતિયાને દૂર કરાવ્યો હતો અને હવે તેમને નાજુક કાંતણકામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું લાગે છે.
ફહમીદા અને ખતીજા જેવા સૂતર કાંતનારાં કારીગર, પહેલા પશ્મિન ઊનને ‘કાર્ડિંગ’ દ્વારા સાફ કરે છે. કાર્ડિંગ એટલે ઊન પર લાકડાનો કાંસકો ફેરવીને ખાતરી કરવી કે ઊનના તંતુઓ ગૂંચવાયેલા નથી અને એક જ દિશામાં ગોઠવાયેલા છે. પછી તેઓ તેને ઘાસના સૂકા દાંડા વાળીને બનાવેલા સ્પિન્ડલ પર ફેરવે છે.
દોરી બનાવવી એ નાજુક અને સમય માંગી લે તેવું કામ છે. ખાલિદા બેગમ નિર્દેશ કરે છે, “દોરીને મજબૂત બનાવવા માટે બે દોરાને જોડીને એક દોરી બનાવવામાં આવે છે. સ્પિન્ડલની મદદથી, બે દોરાઓને એક સાથે જોડવામાં આવે છે અને પછી તેના પર ગાંઠ બાંધવામાં આવે છે.” તેઓ શ્રીનગરના સફા કદલ વિસ્તારનાં એક પીઢ કાંતનાર કારીગર છે અને 25 વર્ષથી પશ્મિન ઊન કાંતી રહ્યાં છે.
તેઓ કહે છે, “હું એક પુરી [10 ગ્રામ પશ્મiન] માંથી 140-160 ગાંઠો બનાવી શકું છું.” આ કુશળ કામમાં લાંબો સમય લાગતો હોવા છતાં, ખાલિદા બેગમ એક ગાંઠ બાંધીને માત્ર એક રૂપિયો જ કમાય છે.
પશ્મિન સૂતરની કિંમત દોરીના કદ પર આધાર રાખે છે, દોરો જેટલો પાતળો હોય તેટલો તે વધુ મૂલ્યવાન હોય છે. પાતળા દોરામાંથી વધુ ગાંઠો બને છે, જ્યારે જાડા દોરામાંથી ઓછી ગાંઠો બને છે.
ઇન્તિઝાર અહમદ બાબા કહે છે, “દરેક ગાંઠમાં, પશ્મિનના 9-11 દોરા હોય છે જે 8-11 ઇંચ અથવા 8 આંગળીઓ જેટલા લાંબા હોય છે. આ રીતે સ્ત્રીઓ ગાંઠ બનાવવા માટે દોરડાનું કદ માપે છે.” 55 વર્ષીય આ વ્યક્તિ બાળપણથી જ પશ્મિનના વેપારમાં જોડાયેલા છે. દરેક ગાંઠથી હાથથી કાંતનારા કારીગરને તેઓ કયા વેપારી માટે કામ કરે છે તેના આધારે 1 થી 1.50 રૂપિયા કમાય છે.
ગાંઠ દીઠ 1.50 રૂપિયા કમાતાં રુક્સાના બાનુ કહે છે, “એક સ્ત્રી દિવસમાં ફક્ત 10 ગ્રામ પશ્મિન ઊનમાંથી દોરીઓ બનાવી શકે છે, કારણ કે અમારે ઘરનાં બીજાં કામ પણ કરવાનાં હોય છે. એક દિવસમાં એક પુરી પૂર્ણ કરવી લગભગ અશક્ય બાબત છે.”
40 વર્ષીય રુક્સાના કહે છે કે તેઓ આ કામથી દરરોજ 20 રૂપિયા કમાઈ શકે છે. તેઓ નવા કદલના આરામપોરા વિસ્તારમાં તેમના પતિ, પુત્રી અને વિધવા સાસુ સાથે રહે છે. તેઓ કહે છે, “10 ગ્રામ પશ્મિન ગૂંથીને હું વધુમાં વધુ 120 રૂપિયા કમાઈ છું. આ કામને મેં ફક્ત ચા અને ભોજન માટે વિરામ લઈને સવારથી સાંજ સુધી સતત ત્રણ દિવસ સુધી કામ કર્યું હતું.” તેમને 10 ગ્રામ પૂર્ણ કરવામાં 5-6 દિવસ લાગે છે.
ખતીજા કહે છે કે પશ્મિન વણાટથી હવે પૂરતા પૈસા મળતા નથી: “હું દિવસો સુધી તનતોડ મહેનત કરું છું, પણ કમાતી કાંઈ નથી. એક દિવસમાં ફક્ય 30 થી 50 રૂપિયા તો પચાસ વર્ષ પહેલાં કમાતાં હોત તો ઠીક હતું, [અત્યારે તેટલામાં પોસાય તેમ નથી.]”
*****
પશ્મિનને હાથથી કાંતતા કારીગરોને ઓછા પૈસા મળવાનું એક કારણ છે, શાલ ખરીદનારાઓ તેની યોગ્ય કિંમત ચૂકવવા તૈયાર નથી. પશ્મિનના વેપારી નૂર-ઉલ-હુદા કહે છે, “જ્યારે ગ્રાહકને 8,000−9,000 રૂપિયામાં વેચાતી હાથ વણાટની શાલ જેવી જ મશીનથી બનાવેલી શાલ 5,000 રૂપિયામાં મળે, તો તેઓ વધારે કિંમત શું કામ ચૂકવશે?”
શ્રીનગરના બદમવારી વિસ્તારમાં ચિનાર હેન્ડીક્રાફ્ટ્સના પશ્મિન શોરૂમના માલિક 50 વર્ષીય નૂર-ઉલ-હુદા કહે છે, “હાથથી કાંતેલા દોરાઓમાંથી બનાવેલી પશ્મિન શાલના બહુ ઓછા ખરીદદારો છે. હું કહીશ કે 100 માંથી માત્ર બે [ગ્રાહકો] જ અસલ હાથથી કાંતેલી પશ્મિન શાલની માંગણી કરે છે.”
કાશ્મીર પશ્મિન 2005થી ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ ધરાવે છે. નોંધાયેલા કારીગરોના એક સંઘ દ્વારા બહાર પાડવામાં આવેલી અને સરકારી વેબસાઇટ પર ટાંકવામાં આવેલી ગુણવત્તાયુક્ત માર્ગદર્શિકા કહે છે કે, હાથથી કાંતીને બનાવેલી અને મશીનથી બનાવેલી બન્ને શાલ જીઆઈ ટેગ માટે પાત્રતા ધરાવે છે.
અબ્દુલ મન્નાન બાબા શહેરમાં સદીઓ જૂનો પશ્મિનનો વ્યવસાય ચલાવે છે, અને તેમની પાસે લગભગ 250 જીઆઈ સ્ટેમ્પ્ડ માલ છે, જે ખૂબ મોટી સંખ્યા છે. શાલ પરની રબરની ટપાલ ટિકિટ ખાતરી આપે છે કે તે શુદ્ધ અને હાથથી બનાવેલ છે. પરંતુ તેઓ નિર્દેશ કરે છે કે વણકરો મશીનથી કાંતેલા સૂતરને પસંદ કરે છે. “તેના નાજુક સ્વભાવને કારણે વણકરો હાથથી કાંતેલા દોરામાંથી પશ્મિન શાલ વણવા તૈયાર નથી થતા. મશીનથી કાંતેલા સૂતરમાં એક સરખો દોરો હોય છે અને તેનાથી તેને વણવું સરળ બની જાય છે.”
છૂટક વેપારીઓ ઘણીવાર મશીનથી બનાવેલી શાલને હાથથી વણેલી શાલ કહીને વેચે છે. મન્નાન પૂછે છે, “જો અમને 1,000 પશ્મિન શાલનો ઓર્ડર મળે. તો જે કામમાં 10 ગ્રામ પશ્મિનને કાંતવામાં ઓછામાં ઓછા 3−5 દિવસ લાગતા હોય, તે કામને સમયસર પૂરું કરવું કઈ રીતે શક્ય છે.”
મન્નાનના પિતા, 60 વર્ષીય અબ્દુલ હમીદ બાબા કહે છે કે હાથથી કાંતેલી પશ્મિનને પોતાની આકર્ષકતા ગુમાવી દીધી છે. તેઓ માને છે કે કાંતવાની આ કળા સૂફી સંત હઝરત મીર સૈયદ અલી હમદાનીની ભેટ હતી, જેઓ 600 વર્ષ પહેલાં આ કળાને કાશ્મીરમાં લાવ્યા હતા.
હમીદ યાદ કરે છે કે કેવી રીતે તેમના દાદાના જમાનામાં લોકો કાચા પશ્મિન ઊન ખરીદવા માટે ઘોડા પર સવારી કરીને પડોશી લદ્દાખ સુધી જતા હતા. “ત્યારે બધું જ શુદ્ધ હતું, અમારી પાસે 400-500 સ્ત્રીઓ હતી જે અમારા માટે પશ્મિન ઊન કાંતતી હતી, પરંતુ હવે તે કામમાં માત્ર 40 સ્ત્રીઓ જ છે અને તેઓ પણ આ કામ ફક્ત એટલા માટે જ કરે છે, કારણ કે તેમણે કમાવવું છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ