અત્યારે તે બધાયની ઉંમર 22 વર્ષની છે, અને તેઓ છેલ્લા 3-4 વર્ષથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરી રહી છે. વર્ષ 2021ના ઉનાળાની એ સવારે જ્યારે મિનુ સરદાર પાણી લેવા ગઈ, ત્યારે તેણીએ હજુ શેનો સામનો કરવાનો છે તેનો તેણીને અંદાજો જ નહોતો. દયાપુર ગામમાં તળાવ સુધી જવા માટેનો રસ્તો ઘણી જગ્યાએથી તૂટી ગયેલો હતો. મિનુ લપસીને પગથિયા પરથી મોઢાના બળે નીચે પડી.
તેઓ બંગાળી ભાષામાં કહે છે, “મને છાતી અને પેટમાં અસહ્ય પીડા થતી હતી. મને યોનિમાર્ગે લોહી નીકળવા લાગ્યું. જ્યારે હું બાથરૂમ ગઈ ત્યારે મને લાગ્યું કે મારા શરીરમાંથી લપસીને કંઈ જમીન પર પડ્યું છે. મેં જોયું કે મારા શરીરમાંથી માંસ જેવું કંઈ નીકળી રહ્યું હતું. મેં તેને ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પણ તેને આખેઆખું બહાર કાઢી શકી નહીં.”
બાજુના ગામમાં આવેલા એક ખાનગી ક્લિનિકમાં ગયા એટલે તેમણે કસુવાવડની પુષ્ટિ કરી. ઊંચા અને પાતળા બાંધા વાળી મિનુ તેણીની બધી ચિંતાઓને છુપાવીને હસી રહી છે. તેણીને આ બનાવ પછીથી અનિયમિત માસિક ચક્ર સાથે તીવ્ર શારીરિક પીડા અને ભાવનાત્મક રીતે પણ તકલીફ થતી હતી.
પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના ગોસાબા બ્લોકમાં આવેલા તેમના ગામની કુલ વસ્તી લગભગ 5,000 લોકોની છે. દૂર સુધી ડાંગરના પાક અને મેન્ગૃવના જંગલોથી ઘેરાયેલું આ ગામ ગોસાબાના એ મુઠ્ઠીભર ગામો માંથી એક છે જે પાકા રોડથી જોડાયેલો છે.
મિનુ જ્યારે પડી ગઈ તેના એક મહિના સુધી તેણીને સતત લોહી વહેતું હતું, પણ આ તેણીની પીડાઓનો અંત નહોતો. તેણીની કહે છે, “શારીરિક શોમપોરકો એતો બાથા કોરે [સહશયન ખુબજ પીડાદાયક હોય છે]. એવું લાગે છે કે જાણે હું ચિરાઈ જતી હોય. જ્યારે હું કુદરતી હાજતે જાઉ, કે પછી વજન ઉપાડું, ત્યારે મને લાગે છે કે જાણે મારું ગર્ભાશય નીચે આવી રહ્યું છે.”











