હૌસાબાઈ દિઘેએ કહ્યું, "મને મારી માતા જે ગીતો ગાતી હતી એમાંથી બે-ત્રણ શબ્દો હજી આજે પણ યાદ હશે." એ 1995 નું વર્ષ હતું અને તેઓ હેમા રાઈરકર અને ગી પ્વાતવાં સાથે વાત કરી રહ્યા હતા. 1980 ના દાયકાના અંતમાં ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ (જીએસપી) ની શરૂઆત કરનાર પુણેના આ સમાજશાસ્ત્રીઓ અને (સામાજિક) કાર્યકરો તેમની ટીમ સાથે ગ્રાઇન્ડમિલ સોંગ્સ (દળણું દળતી વખતે ગવાતા ગીતો) ગાતા મહિલા કલાકારો સાથે વાત કરવા માટે મુલશી તાલુકાના ભાંબર્ડે ગામમાં પહોંચ્યા હતા.
હૌસાબાઈએ પછીથી ઉમેર્યું, "જ્યારે હું ખેતરોમાંથી મજૂરી કરીને પાછી આવું છું અને જોઉં છું કે ઘરમાં જરાય લોટ નથી, ત્યારે હું ઘંટી (ગ્રાઇન્ડમિલ) પર બેસીને કામ કરું છું. તેના વિના અમારો દિવસ અધૂરો હોય એવું લાગે છે. જેમ જેમ શબ્દો યાદ આવતા જાય તેમ તેમ ગીતો વહેતા રહે છે. મારી આંખ હંમેશને માટે મીંચાશે ત્યારે જ આ ગીતો બંધ થશે. ત્યાં સુધી હું એ યાદ રાખીશ.” તેમના આ શબ્દો ખેડૂત, ખેતમજૂર, માછીમાર, કુંભાર અને માળી એ બધા સમુદાયોની અસંખ્ય ગ્રામીણ મહિલા ગાયકોની લાગણીનો પડઘો પાડે છે. દરરોજ કલાકોના કલાકો સુધી કામ કરતી આ મહિલાઓ ઘરનું કામકાજ નિપટાવવા અને ખેતરોમાં કામ કરવા માટે સૂરજ ઊગતા પહેલા જ ઊઠી જતી હતી.
અને લગભગ હંમેશા દિવસનું સૌથી પહેલું કામ પથ્થરની ઘંટી પર અનાજ દળીને તેનો લોટ બનાવવાનું હતું. તેઓ દળતા દળતા ગીતો ગાતા. રસોડાનો કે વરંડાનો એ ખૂણો એ તેમના હકની, તેમની પોતીકી જગ્યા હતી, પોતાના સંઘર્ષ, આનંદ, દુઃખ અને પોતાની જીતની વાતો ગીતો દ્વારા એકબીજાને કહીને મન હળવું કરવા માટેની એ એક ખાનગી જગ્યા હતી.
સાથે સાથે, તેઓ દુનિયા, તેમના ગામ અને સમુદાયના જીવન, પારિવારિક સંબંધો, ધર્મ અને તીર્થયાત્રાઓ, જાતિવ્યવસ્થા અને પિતૃસત્તાક સમાજવ્યવસ્થાના જુલમ, બાબાસાહેબ આંબેડકરના કાર્ય અને બીજા ઘણા વિષયો અંગેના તેમના વિચારો પણ એકબીજા સાથે વહેંચતા. વીડિયોમાં પુણેના મુળશી તાલુકાના ખડકવાડી કસ્બાના તારાબાઈ ઉભે એ વિશે વાત કરે છે.





