નિશા જમીન પર બેસેલાં છે અને પોતાને વાયરો નાખી રહ્યાં છે. જૂનની તે ગરમ બપોરે તાપમાન વધી રહ્યું છે અને તમાકુ અને સૂકા પાંદડાઓની ગંધ હવામાં પ્રસરી રહી છે. 17-17ના બંડલમાં લપેટેલી આશરે 700 બીડીઓ દર્શાવતાં તેઓ કહે છે, “હું આ અઠવાડિયે માત્ર આટલી જ બીડીઓ બનાવી શકી છું.” 32 વર્ષીય બીડી બનાવનાર આ કારીગર તેમના ગયા અઠવાડિયાના કામ વિશે વાત કરતાં કહે છે, “તેમની કિંમત કદાચ 100 રૂપીયાથી પણ ઓછી હશે.” મધ્યપ્રદેશના દમ્મો જિલ્લામાં એક હજાર બીડીઓ દીઠ 150 રૂપિયા મળે છે.
દર બુધ અને શુક્રવારે, બીડી ઉત્પાદકો તેઓએ બનાવેલી બીડીઓ લાવે છે, અને બીડી વણવાના આગામી સત્ર માટે કાચો માલ પણ એકત્રિત કરે છે. દમ્મો શહેરની બહાર ઘણા કારખાનાઓ આવેલા છે. તેઓ ઠેકેદારોને નોકરી પર રાખે છે જેઓ પછી આ કામ મહિલાઓને હવાલે કરી દે છે.
મહિલાઓ તેમના કાચો માલનો પુરવઠો ઉપાડશે અને આખું અઠવાડિયું તેંદુના પાંદડાઓને કાપીને અને પાતળા દોરાઓ વડે બીડીઓના સુઘડ કટ્ટામાં (બંડલ) બાંધવાનું કામ કરશે. તેઓ આ કામ ઘરના બધા કામ પૂરા કર્યા પછી 10,000-20,000 રૂપિયાની તેમની સરેરાશ માસિક ઘરગથ્થુ આવકમાં ઉમેરો કરવા માટે કરે છે, જે 8-10 લોકોના પરિવારને ખવડાવવા અને ટકાવી રાખવામાં ખર્ચાઈ જાય છે. મોટાભાગની મહિલાઓ ખેત મજૂરો છે અથવા નાની જમીનની માલિકી ધરાવે છે.
નિશા સમજાવે છે, “પાંદડાની નસો બહાર ન આવે ત્યાં સુધી સૂકા તેંદુના પાંદડાઓને પાણીમાં પલાળવામાં આવે છે. પછી, ફર્માનો ઉપયોગ કરીને પાંદડાઓને નાના લંબચોરસ આકારમાં કાપવામાં આવે છે. પછી તેમાં ઝર્દા [સુગંધિત તમાકુ] ઉમેરવામાં આવે છે અને પછી પાંદડાઓને કાપીને બીડી બનાવવામાં આવે છે.” પછી તેમને રંગીન દોરી વડે બાંધવી પણ જરૂરી છે, જે બધી કંપનીઓને અલગ પાડતા બ્રાન્ડ સૂચક તરીકે પણ કામ કરે છે.
પછી તેમને બીડી 'ફેક્ટરી' માં વેચવા માટે લાવવામાં આવે છે, એટલે કે બીડી બનાવતી બ્રાન્ડની પ્રોસેસિંગ અને પેકેજિંગ એકમ અને ભંડારગૃહ. તેઓ તેમનું કામ ઠેકેદારોને સોંપે છે જેઓ તેમની સાથે ફેક્ટરીમાં જાય છે અથવા તેમને સીધી ચૂકવણી કરે છે. ફેક્ટરીની અંદર, તેમને જુદી પાડવામાં આવે છે, શેકવામાં આવે છે, પેક કરવામાં આવે છે અને સંગ્રહિત કરવામાં આવે છે.
અહીંની બીડી વણનારી મહિલાઓ મોટાભાગે મુસ્લિમ છે, પરંતુ અન્ય સમુદાયો પણ આ આજીવિકામાં જોડાયેલા છે.
દમ્મોમાં આશરે 25 ફેક્ટરીઓ હોવાનું કારણ મધ્ય પ્રદેશના આસપાસના જિલ્લાઓમાં ઘણા તેંદૂ જંગલોની નિકટતા છે, જે 31 ટકા જંગલ આવરણ ધરાવે છે. સિવની, મંડલા, સેહોર, રાયસેન, સાગર, જબલપુર, કટની અને છિંદવાડા તમાકુ માટે આવરણ તરીકે ઉપયોગમાં લેવાતા તેંદુના પાંદડાના સમૃદ્ધ સ્રોત છે − જે બીડીના ઉત્પાદનમાં એક નિર્ણાયક ઘટક છે.
*****
ઉનાળાની એક હુંફાળી બપોરે, તેજસ્વી રંગની સલવાર કમીઝ પહેરીને, અડધો ડઝન મહિલાઓ તેમની બીડીઓની ગણતરીની થવાની રાહ જુએ છે. નજીકની મસ્જિદમાંથી, તમે શુક્રવારની નમાઝનો અવાજ અને ઠેકેદાર સાથે તેમનો દલીલો કરવાનો અને બડબડાટનો અવાજ સાંભળી શકો છો. સ્ત્રીઓ તેમના તસ્લા (લોખંડના વાસણ જેવા વાસણો) સાથે બેસે છે જેમાં તેમણે એક અઠવાડિયામાં કરેલું કામ રાખેલું હોય છે.
અમીના (નામ બદલેલ) ગણતરીથી નાખુશ છે. તેઓ કહે છે, “મારી બીડીઓ વધારે હતી, પરંતુ ઠેકેદારે છટણી કરતી વખતે નકારી કાઢી હતી.” મહિલાઓ પોતાને બીડી મજૂર તરીકે ઓળખાવે છે અને તેઓ કહે છે કે તેઓએ જેટલી મહેનત કરે છે તેની સરખામણીએ તેમને 1000 બીડીઓના જે 150 રૂપિયા છે એ પૂરતા નથી.
દમ્મોના ભૂતપૂર્વ બીડી બનાવનાર જાનુ કહે છે, “હું તેને બદલે સીવણ શરૂ કરીશ. તેમાં મારે વધુ આવક થાય છે.” જો કે, જ્યારે તેમણે 14 વર્ષની ઉંમરે આ કામની શરૂઆત કરી હતી, ત્યારે તેઓ કહે છે કે, “મારી પાસે ન તો વધુ કુશળતા હતી કે ન તો કોઈ પસંદગી કરવાની તક નહોતી.”
કલાકો સુધી સખત મહેનત કરવાથી કામદારો માટે પીઠ અને ગરદનની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે, અને હાથ સંવેદનશૂન્ય થઈ જવાથી ઘરના નિયમિત કામો કરવામાં પણ મુશ્કેલી પેદા થાય છે. આ ઉપરાંત તે મહિલાઓને કોઈ વળતર કે તબીબી સહાય પણ નથી મળતી, ફેક્ટરીના માલિકો તેમની મુશ્કેલીઓને નકારી કાઢે છે. તેમાંના એક કારીગરે આ પત્રકારને કહ્યું, “તેમની કામ સંબંધિત બિમારીઓને સંપૂર્ણપણે અવગણીને મહિલાઓ ઘરે બેસીને બીડી વણી રહી છે.”
તેઓ કહે છે, “તેઓ અઠવાડિયામાં 500 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.” પછી આગળ ઉમેરે છે કે તેમને લાગતું હતું કે ઘરગથ્થુ ખર્ચને પહોંચી વળવા માટે આ એક સારો 'સોદો' છે. જો કે, દર અઠવાડિયે 500 રૂપિયા કમાવાના તેમના અંદાજને પહોંચી વળવા માટે તેમણે દર અઠવાડિયે 4,000 બીડીઓ બનાવવાની જરૂર પડશે, જેટલી બનાવવામાં હાલમાં તેમને એક મહિનો લાગે છે.
અમે જેમની સાથે વાત કરી હતી તે તમામ મહિલાઓએ શારીરિક તણાવ અને ઇજાઓની ફરિયાદ કરી હતી. ભીના પાંદડાઓને સતત વાળવાથી અને તમાકુના સતત સંપર્કમાં રહેવાથી ત્વચાની સમસ્યાઓ પણ થાય છે. તે કામદારોમાંનાં એક કહે છે, “હાથ ઐસે કટે રહેતે હૈં, નિશાન તક પડ જાતે હૈં [અમારા હાથમાં એટલા બધા કાપ પડેલા છે કે, ક્યારેક તો તેઓ નિશાન પણ પાછળ છોડી દે છે].” તેઓ આ બોલતી વખતે તેમના હાથ અધ્ધર કરીને મને 10 વર્ષ સુધી આ કામ કરવાથી તેમના પડેલા ફોલ્લાઓ બતાવે છે.
સીમા (નામ બદલેલ) નામનાં અન્ય એક કામદાર કહે છે કે તેઓ ભીના પાંદડાઓના સતત સંપર્કમાં આવવાથી થતી તકલીફને પહોંચી વળવા માટે “સૂતા પહેલાં મારા હાથ પર બોરોલિન લગાવવાનો પ્રયાસ કરું છું, નહીંતર તમાકુ અને ભીના પાંદડાઓના સંપર્કમાં આવવાને લીધે મારી ચામડી છોલાઈ જાય છે.” 40 વર્ષીય આગળ ઉમેરે છે, “હું તમાકુનું સેવન નથી કરતી, પરંતુ મને તેની દુર્ગંધથી ઉધરસ આવવા લાગતી હતી.” તેથી લગભગ 12-13 વર્ષો પહેલાં, તેમણે આખરે આ કામ છોડી દીધું અને શહેરમાં ઘરેલુ કામદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેનાથી તેઓ દર મહિને 4,000 રૂપિયા કમાય છે.
રઝિયા (નામ બદલેલ) ને તેઓ કેટલા સમયથી આ કામ કરી રહ્યાં છે તે પણ યાદ નથી. તેઓ તેંદુના પાંદડાંનું વજન કરી રહેલા ઠેકેદારની ઝાટકણી કાઢતાં કહે છે, “તમે અમને કેવા પ્રકારના પાંદડા આપી રહ્યા છો? અમે તેમાંથી સારી બીડી કેવી રીતે બનાવીશું? પછી તમે તપાસ કરતી વખતે આ બધાને નકારી કાઢશો.”
ચોમાસાની વળી પાછી અલગ જ ચિંતા છે. “જો વો બરિશ કે 4 મહિને લગતે થે, માનો પૂરી બીડી કચરે મેં જાતી થી [ચોમાસાના ચાર મહિના દરમિયાન, એવું લાગતું હતું કે જાણે બધી બીડીઓ નકારી કાઢવામાં આવતી હતી].” ભીના તેંદુના પાનમાં વીંટાળેલી તમાકુ, યોગ્ય રીતે સૂકાતી નથી અને તેથી આખા બંડલને બરબાદ કરી દે છે. “[વરસાદની મોસમ દરમિયાન] આપણે આપણાં કપડાં પણ ભાગ્યે જ સૂકવી શકીએ છીએ, પણ અમારે તે બીડીઓ સૂકવવી જ પડશે.” નહીંતર અમોને કમાણી નહીં થાય.
જ્યારે કોઈ ઠેકેદાર બીડીને નકારી કાઢે છે, ત્યારે મજૂરના સમયની ખોટ ઉપરાંત, તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલના પૈસા પણ તેમની કમાણીમાંથી કાપવામાં આવે છે. જાનુ તે દરમિયાન જોવી પડતી રાહ અને ચિંતા વિષે કહે છે, “ખૂબ લંબી લાઈન લગતી થી ગિનવાઈ કે દિન. જૈસે તૈસે નંબર આતા થા, તો તબ આધી બીડી તો નિકલ દેતે થે [બીડીની ગણતરી કરાવવા માટે ઘણી લાંબી કતાર લાગતી હતી. અને જ્યારે આખરે અમારો નંબર આવે, ત્યારે ઠેકેદારો તેમાંથી અડધી બીડીઓ કાઢી નાખતા હતા].”
લંબાઈ, જાડાઈ, પાંદડાઓની ગુણવત્તા અને વાળવાની ગુણવત્તા જેવા કેટલાક માપદંડોના આધારે બીડીઓને નકારી કાઢવામાં આવે છે. સાઠના દાયકામાં એક બીડી મજૂર સમજાવે છે, “જો વાળતી વખતે પાંદડા બરડ થઈ જાય અને સહેજ ફાટી જાય, અથવા જો દોરી ઢીલી રીતે બાંધવામાં આવે, તો પણ બીડીઓને નકારી કાઢવામાં આવે છે.” કામદારોનું કહેવું છે કે ઠેકેદારો નકારી કાઢેલી બીડીઓ પોતાની પાસે રાખી લે છે અને તેમને સસ્તા ભાવે વેચી દે છે. “પરંતુ અમને તેના માટે કોઈ મહેનતાણું મળ્યું નથી. ન તો અમને તે નકારી કાઢેલી બીડીઓ પાછી મળે છે.”
*****
કેન્દ્ર સરકારે 1977માં બીડી કામદાર કલ્યાણ ભંડોળ અધિનિયમ, 1976 હેઠળ બીડી બનાવતા તમામ લોકો માટે બીડી કાર્ડ બનાવવાનું શરૂ કર્યું હતું. બીડી કાર્ડનો મુખ્ય હેતુ કામદારોની ઓળખ કરવાનો હોવા સાથે સાથે તે તેમને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર, બાળજન્મના લાભો, મૃતકોના અંતિમ સંસ્કાર માટે રોકડ, ઓપ્ટિકલ ચેકઅપ્સ અને ચશ્મા, શાળાએ જતાં બાળકો માટે શિષ્યવૃત્તિ, શાળા ગણવેશ અનુદાન વગેરે જેવી ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ સક્ષમ બનાવે છે. બીડી અને સિગાર કામદારો (રોજગારની શરતો) અધિનિયમ, 1966 તેમને આ લાભોનો ફાયદો ઉપાડવા માટે પાત્ર બનાવે છે. મોટાભાગે, જે બીડી કામદારો પાસે કાર્ડ હોય છે, તેઓ તેનો ઉપયોગ ચોક્કસ દવાખાનાઓમાંથી મફત અથવા સબસિડીવાળી દવા મેળવવા માટે કરે છે.
દમ્મોનાં 30 વર્ષીય બીડી કાર્ડધારક ખુશબૂ રાજ કહે છે, “ઝ્યાદા કુછ નહીં લેકીન બદન દર્દ, બુખાર કી દવા તો મિલ જાતી હૈ [તેનાથી વધારે નહીં, પણ અમને ઓછામાં ઓછી શરીરના દુખાવા, તાવ માટે મૂળભૂત દવાઓ મળી જાય છે].” તેઓ 11 વર્ષથી આ કામ કરી રહ્યાં હતાં પરંતુ તાજેતરમાં જ દમ્મો શહેરની એક નાની બંગડીઓની એક દુકાનમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરવા માટે તેમણે આ કામ છોડી દીધું હતું.
આ કાર્ડ ઘણા લાભો પહોંચાડવાનું વચન આપે છે, પરંતુ મોટાભાગના બીડી કામદારો આ કાર્ડનો ઉપયોગ ચોક્કસ દવાખાનાઓમાંથી મફત અથવા સબસિડીવાળી દવા મેળવવા માટે જ કરે છે. આ કાર્ડ મેળવવાની પ્રક્રિયા શોષણકારી હોઈ શકે છે
ખુશબૂ કહે છે કે કાર્ડનો લાભ લેવા માટે, “અમારે અધિકારીની સામે થોડી બીડીઓ બનાવવી પડે છે. સરકારી અધિકારી દેખતે હૈં કી હમસે સહી મેં બીડી બનતી ભી હૈ યા સિર્ફ ઐસેહી કાર્ડ બનવા રહે હૈં [સરકારી અધિકારી તપાસે છે કે શું અમને ખરેખર બીડી બનાવતાં આવડે છે કે પછી અમે માત્ર લાભ માટે નકલી કાર્ડ મેળવી રહ્યાં છીએ].”
તેમના જૂના ગામમાં આવું કાર્ડ ધરાવતાં અને ગેરરીતિઓ પર આંગળી ચીંધવાથી સાવચેત એક મહિલા કહે છે, “જો અમને અમારું કાર્ડ મળી જાય, તો તેઓ ભંડોળમાં કાપ મૂકે છે.” પરંતુ તેઓ કહે છે કે માલિકો કામદારોના પૈસા કાપી નાખે છે અને તેનો ઉપયોગ ભંડોળ માટે કરે છે. સરકાર પણ 1976ના કાયદા હેઠળ આ ભંડોળમાં સમાન રકમનું યોગદાન આપે છે. કામદારો કાં તો ઉલ્લેખિત કેટલીક યોજનાઓ હેઠળ આ નાણાં ઉપાડી શકે છે, અથવા જ્યારે તેઓ બીડી વાળવાનું બંધ કરે છે ત્યારે તેમને સંપૂર્ણ થાપણ પરત મળે છે.
ખુશબૂએ જ્યારે તેમણે બે મહિના પહેલાં બીડી વાળવાનું બંધ કર્યું ત્યારે ભંડોળના નાણાં તરીકે 3,000 રૂપિયા મળ્યા હતા. કેટલાક કામદારો માટે, આ ભંડોળની વ્યવસ્થા ફાયદાકારક લાગે છે, પરંતુ અન્ય ઘણા લોકો માટે, એવું લાગે છે કે તેમને તેમના શ્રમ માટે તાત્કાલિક ઓછું વેતન મળી રહ્યું છે. આ ઉપરાંત, ભવિષ્યમાં ભંડોળના નાણાં તેમને પરત કરવામાં આવશે જ તેની કોઈ ગેરંટી નથી.
જો કે બીડી કાર્ડ ફાયદાકારક લાગે છે, તેમ છતાં તેને બનાવવાની પ્રક્રિયા દેખરેખ વગરની છે અને કેટલાક લોકો માટે શોષણકારી હોઈ શકે છે. તેમાંની એક મહિલા એક ઘટના વર્ણવે છે કે જ્યાં તેઓ એક સ્થાનિક કેન્દ્રમાં પોતાનું બીડી કાર્ડ બનાવવા ગયાં હતાં અને ત્યાંના સાહેબ (અધિકારી) દ્વારા તેમની જાતીય સતામણી કરવામાં આવી હતી. તેઓ કહે છે, “તેણે મારી સામે નજર ફેરવી અને મને બીજા દિવસે આવવાનું કહ્યું. બીજા દિવસે જ્યારે હું ત્યાં ગઈ, ત્યારે હું મારા નાના ભાઈને મારી સાથે લઈ ગઈ હતી. તેણે મને પૂછ્યું કે હું મારા નાના ભાઈને મારી સાથે કેમ લાવી, [તેણે ઇશારો કર્યો કે] મારે એકલીએ આવવું જોઈતું હતું.”
જ્યારે તેણીએ કાર્ડ બનાવવાની ના પાડી દીધી ત્યારે તેણે તેમને હેરાન કરવાનું અને તેમને તાકવાનું ચાલુ રાખ્યું. તેઓ ઉમેરે છે, “બીજા દિવસે, જ્યારે હું તે વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેણે મને જોઈ અને મારા નામની બુમો પાડવા લાગ્યો. તેણે બખેડો ખડો કર્યો હતો.” તેમણે આ ઘટનાને યાદ કરતી વખતે કહ્યું હતું, “એવું ન વિચારો કે હું એક ભોળી સ્ત્રી છું. હું અહીં તમારા ગંદા ઈરાદાઓનો શિકાર થવા નથી આવી, અને જો તમે આવું ચાલુ રાખશો, તો હું તમારી બદલી કરાવી દઈશ.” આ બનાવને યાદ કરતી વખતે તેમની મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ છે અને તેમનો અવાજ બુલંદ થઈ ગયો છે. તેઓ આગળ કહે છે, “બોહત હિમ્મત લગી થી તબ [તેમાં ઘણી હિંમત લાગી હતી]. તેણે ટ્રાન્સફર થતાં પહેલાં 2-3 અન્ય મહિલાઓ સાથે પણ આવું જ કર્યું હતું.”
*****
જ્યારે મહિલાઓ તેમનો માલ વેચવા માટે ભેગી થાય છે, અને પોતાનો વારો આવવાની રાહ જુએ છે ત્યારે તેઓ તેમનો પીઠનો દુખાવો ને હાથમાં થતી પીડાઓ ભૂલીને મનમૂકીને હસી મજાક કરે છે. બે અઠવાડિયે થતી આ મુલાકાતો તેમને એક સમુદાયની ભાવના આપે છે.
કેટલીક મહિલાઓએ આ પત્રકારને કહ્યું, “આ મુલાકાતોમાં આ બધી હસીમજાક ને વાતો... તેનાથી અમને ખુશીનો એહસાસ થાય છે. એ વખતે અમે ઘરની બહાર નીકળી શકીએ છીએ.”
વાતચીતોથી હવા ગુંજી રહી છે − તાજેતરના પારિવારિક નાટક વિશે ગપસપ, તેમના બાળકો અથવા પૌત્ર-પૌત્રીઓની અજાયબ હરકતો અને એકબીજાના સ્વાસ્થ્ય વિશેની વાસ્તવિક ચિંતાઓ એકબીજા સાથે વહેંચવામાં આવે છે. સીમા યાદ કરી રહ્યાં છે કે જ્યારે તેમનાં માતા તેમનાં પશુઓને દોહી રહ્યાં હતાં ત્યારે તેમનો દીકરો તેમને કનડગત કરતો હોવાથી કઈ રીતે ગાયે તેને લાત મારી હતી. અન્ય એક મહિલા તેમનાં પડોશીની પુત્રીના લગ્નના તાજેતરના અપડેટ આપે છે.
પરંતુ જ્યારે તેઓ તેમના ઘરે જવા માટે નીકળે છે, ત્યારે ખુશખુશાલ અવાજો ખૂબ જ મર્યાદિત કમાણી સાથે ઘરનું સંચાલન કરવાની ચિંતામાં વહી જાય છે. જેમ જેમ મહિલાઓ તેમની ઓછી કમાણી સાથે પાછી ફરે છે, તેમ તેમ તેઓ તેમના શ્રમ અને તેમના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર જે તનતોડ મજૂરી કરે છે તે તેમને ઓછો લાગવા લાગે છે.
સીમા જે પીડા અને સમસ્યાઓ અનુભવે છે તેને યાદ કરતાં કહે છે, “પીઠ, હાથ, બાજુઓ. બધે જ દુખાવો થતો હતો. તમે અત્યારે આ જે આંગળીઓ જુઓ છો એ બીડીઓ વાળી વાળીને પાતળી થઈ ગઈ હતી અને તેમાં ગઠ્ઠા બનવા લાગ્યા હતા.”
તેમની મુશ્કેલીઓ અને ચિંતાઓ છતાં, મધ્યપ્રદેશના બીડી ઉત્પાદકો ખૂબ જ ઓછા વેતન પર પોતાને ટકાવી રાખવા માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખે છે. જેમ કે તેમાંનાં એક કહે છે, “અબ ક્યા કરે, સબ કી અપની મજબૂરી હોતી હૈ [કોઈ શું કરી શકે, દરેકની પોતાની મજબૂરી હોય છે].”
આ વાર્તામાં કેટલાક નામો બદલવામાં આવ્યા છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ