‘કોણ જાણતું હતું
કે કટોકટી નવા વેશમાં પાછી આવશે,
આ દિવસોમાં તો તાનાશાહીનું
નામ બદલીને લોકશાહી રાખી દેવાશે.’
આ સમયમાં, જ્યારે કે અસંમતિને દબાવી દેવામાં આવે છે અને સરકારથી અસંતુષ્ટ લોકોના મોંમાં ડૂચો લગાવી દેવાય છે અથવા તો તેમને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે છે, અથવા તો બેઉ રીતે બોલતી બંધ કરી દેવામાં આવે છે ત્યારે, ખેડૂતો અને ખેત કામદારોએ − કિસાનો અને મજૂરો − રામલીલા મેદાનમાં લાલ, લીલા અને પીળા ધ્વજ સાથે કૂચ કરી ત્યારે વિરોધ ગીતની આ પંક્તિઓ ફરી એક વાર સાચી પડી હતી.
એ.આઈ.કે.એસ. (ઓલ ઈન્ડિયા કિસાન સભા), બી.કે.યુ. (ભારતીય કિસાન યુનિયન), એ.આઈ.કે.કે.એમ.એસ. (ઓલ ઈન્ડિયા કિસાન ખેત મજૂર સંગઠન) અને અન્ય સંગઠનોના ખેડૂતો 14 માર્ચ, 2024ના રોજ એસ.કે.એમ. (સંયુક્ત કિસાન મોરચા) ના એકીકૃત મંચ હેઠળ યોજાયેલી કિસાન મજૂર મહાપંચાયતમાં ભાગ લેવા માટે ઐતિહાસિક રામ લીલા મેદાનમાં એકત્ર થયા હતા.
કલાન ગામનાં મહિલા ખેડૂત પ્રેમામતીએ પારીને કહ્યું, “ત્રણ કૃષિ કાયદાઓ રદ થયા પછી સરકારે કેટલાક વચનો આપ્યા હતા, પરંતુ તે હજુ પણ પૂરા થયા નથી. હવે તેમણે તે વચનો પૂરા કર્યા વગર છૂટકો નથી. વર્ના હમ લડેંગે, ઔર લડતે રહેંગે [જો તેઓ આવું નહીં કરે, તો અમે લડીશું અને લડવાનું ચાલુ જ રાખીશું].” તેઓ આ ત્રણ કાયદાઓ: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય ( સંવર્ધન અને સરળીકરણ ) કાયદો , 2020 ; કૃષિક ( સશક્તિકરણ અને સંરક્ષણ ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો , 2020 ; અને આવશ્યક વસ્તુ ( સંશોધન ) કાયદો , 2020 ની વાત કરી રહ્યાં છે.
તેમણે ઉમેર્યું હતું કે, “અમે અહીં ત્રણ વર્ષ પહેલાં વિરોધ પ્રદર્શન માટે પણ આવ્યાં હતાં. પ્રેમામતી ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાંથી મહાપંચાયત માટે આવેલી ત્રણ મહિલા ખેડૂતોમાંથી એક હતાં. તેઓ ભારતીય કિસાન યુનિયન (બી.કે.યુ.) ખેડૂત જૂથ સાથે જોડાયેલાં હતાં. તેમણે રોશ ભેર કહ્યું, “આ સરકાર સફળ થઈ રહી છે, પરંતુ તેમણે ખેડૂતોને બરબાદ કરી દીધા છે.”
પારીએ જે મહિલાઓ સાથે વાત કરી હતી તે બધી સીમાંત ખેડૂત હતી, જેમની પાસે 4 થી 5 એકર જમીન હતી. ભારતમાં 65 ટકાથી વધુ મહિલા ખેડૂતો અને મજૂરો ખેતીનું કામ કરે છે, પરંતુ માત્ર 12 ટકા મહિલા ખેડૂતો પાસે તેમના નામે જમીન છે.
કિસાન મજૂર આયોગ (કે.એમ.સી.), કે જે નેશન ફોર ફાર્મર્સ આંદોલનની એક પહેલ છે, તે મહિલાઓ પરના અન્યાયને ઓળખે છે. 19 માર્ચ, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેમણે કે.એમ.સી. એજન્ડા 2024નું અનાવરણ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કેઃ “મહિલાઓને ખેડૂતો તરીકે માન્યતા આપો અને તેમને જમીનના અધિકારો આપો, ભાડાપટ્ટે આપેલી જમીન પર તેમના ભાડાપટ્ટા અધિકારો સુરક્ષિત કરો.” તેમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, “કૃષિને લગતા કાર્યસ્થળોમાં બાળકોની સંભાળ અને શિશુગૃહની સુવિધાઓ પૂરી પાડો.”
મહિલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ જેવી રાજ્યની યોજનાઓમાં પણ અવગણવામાં આવે છે, જે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે, પરંતુ આ ફાયદો માત્ર ખેતીની જમીનના માલિકોને જ આપવામાં આવે છે. આ યોજનામાં ભાડાપટ્ટે ખેતી કરતા ખેડૂતોને પણ બાકાત રાખવામાં આવે છે.
31 જાન્યુઆરી, 2024ના રોજ બજેટ સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના હેઠળ રૂ. 25 લાખ કરોડ (રૂ. 2,250 અબજ) ફાળવ્યા છે, જેમાંથી રૂ. 54,000 કરોડ (રૂ. 540 અબજ) મહિલા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.
તેનો અર્થ એ થાય કે મહિલા ખેડૂતોને પુરુષોને મળતા દર ત્રણ રૂપિયામાંથી આશરે એક રૂપિયો મળે છે. પરંતુ ગ્રામીણ ભારત, કે જ્યાં મહિલાઓનો એક મોટો હિસ્સો ખેતરોમાં કામ કરે છે − 80 ટકા મહિલાઓ અવેતન પારિવારિક શ્રમ તરીકે સ્વ-રોજગાર કરે છે − ત્યાં લિંગભેદનો અન્યાય વધુ ભયાનક છે.
મંચ પરથી બોલનાર એકમાત્ર મહિલા નેતા, મેધા પાટકરે આ નારાનો પુનરોચ્ચાર કર્યો હતો, જે અગાઉનાં વિરોધ પ્રદર્શનો દરમિયાન વારંવાર સાંભળવામાં આવતો હતોઃ “નારી કે સહયોગ બિના હર સંઘર્ષ અધુરા હૈ [મહિલાઓની ભાગીદારી વિના, દરેક સંઘર્ષ અધૂરો છે].”
તેમના શબ્દોને ઘણી મહિલા પ્રદર્શનકારીઓએ આવકાર્યા હતા, જેઓ મહિલાઓ અને ખેડૂતો તરીકે તેમના અધિકારો માટે લડી રહી હતી. તેઓ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં હાજર હતાં, જે મેળાવડામાં જનમેદનીનો ત્રીજો ભાગ રચતાં હતાં. પંજાબના સંગરૂર જિલ્લાના કપિયાલ ગામનાં એક મહિલા ખેડૂત ચિંદરબાલા કહે છે, “અમારી મોદી સરકાર સાથે લડાઈ છે. તેઓએ તેમના વચનો પૂરા નથી કર્યા.”
તેઓ ઉમેરે છે, “અમારા બધાંની પાસે ત્રણ કે ચાર કિલ્લા [એકર] ના નાના ખેતરો છે. વીજળી મોંઘી છે. તેમણે વચન આપ્યા મુજબ [વીજળી સુધારા] બિલ પાછું ખેંચ્યું નથી.” 2020-21માં દિલ્હીની સરહદો પરના વિરોધ પ્રદર્શનોમાં , મહિલાઓ ખેડૂતો અને કામદારો તરીકે તેમના અધિકારો અને ગૌરવનો દાવો કરવા માટે પુરુષો સાથે ખભાથી ખભા મિલાવીને ઊભી રહી હતી.
*****
મહાપંચાયત સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને ટૂંક સમયમાં જ મેદાન ઘણા રાજ્યોના ખેડૂતો અને કામદારોથી છલકાઈ ગયું હતું.
પંજાબના ઘણા પુરુષ ખેડૂતોમાં ભટિંડા જિલ્લાના સરદાર બલજિંદર સિંહે પારીને કહ્યું, “અમે અહીં ખેડૂતો તરીકે અમારા અધિકારો માંગવા આવ્યા છીએ. અમે અહીં માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ અમારાં બાળકો અને આવનારી પેઢીઓ માટે પણ લડવા આવ્યા છીએ.”
કાર્યકર્તા મેધા પાટકરે મંચ પરથી બોલતાં કહ્યું, “હું અહીં આવેલ દરેકને સલામ કરું છું, જેમની આજીવિકા પ્રકૃતિ પર નિર્ભર છે − ખેડૂતો, માછીમારો, પશુપાલકો, ભરવાડો, જંગલમાંથી સંસાધનો મેળવનારા, ખેત કામદારો, આદિવાસીઓ અને દલિતો. આપણે બધાંએ આપણું જળ, જંગલ અને જમીન (પાણી, જંગલો અને જમીન) બચાવવાની જરૂર છે.”
સંયુક્ત કિસાન મોરચા (એસ.કે.એમ.) ની રચના કરનારા ખેડૂત સંગઠનોના 25થી વધુ નેતાઓ મંચ પર ખુરશીઓની બે પંક્તિઓ પર બેસ્યા હતા. આમાંના મોટાભાગના નેતાઓ પુરુષો હતા, જેમાં માત્ર ત્રણ મહિલાઓ પ્રથમ હરોળની મધ્યમાં મુખ્ય બેઠક પર બેઠેલી હતી. તેઓ પંજાબના બી.કે.યુ. ઉગ્રાહણનાં હરિંદર બિંદુ, મધ્યપ્રદેશના કિસાન સંઘર્ષ સમિતિ (કે.એસ.એસ.) નાં આરાધના ભાર્ગવ અને મહારાષ્ટ્રના નેશનલ અલાયન્સ ઓફ પીપલ્સ મૂવમેન્ટ (એન.એ.પી.એમ.) નાં મેધા પાટકર હતાં.
વક્તાઓએ એસ.કે.એમ.ની મુખ્ય માંગણીઓનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં સૌથી અગ્રણી માંગણી હતી, તમામ પાકો માટે C2 + 50 ટકા પર એમ.એસ.પી. (લઘુતમ ટેકાના ભાવ) માટે ખરીદીની કાયદેસરની બાંયધરી છે. C2 એ વપરાયેલી માલિકીની જમીનનું ભાડાનું મૂલ્ય, જમીન ભાડા પેટે ચૂકવેલા પૈસા અને પારિવારિક મજૂરની કિંમત સહિત ઉત્પાદન ખર્ચ સૂચવે છે.
હાલમાં, જે 23 પાકો માટે એમ.એસ.પી. આપવામાં આવે છે તેમાં વાવણીની મોસમ પહેલાં જમીનના ભાડાને ધ્યાનમાં લેવામાં આવતું નથી કે તેમાં વધારાના 50 ટકાનો સમાવેશ કરાતો નથી, જેમ કે પ્રો. એમ.એસ. સ્વામિનાથને રાષ્ટ્રીય ખેડૂત આયોગના અહેવાલમાં ભલામણ કરી હતી: “લઘુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી.) ઉત્પાદનના ભારિત સરેરાશ ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ હોવું જોઈએ. ખેડૂતોની “ચોખ્ખો નફો” સરકારી કર્મચારીઓની આવક સાથે તુલ્ય હોવો જોઈએ.”
પાટકરે બીજ ઉત્પાદનના કોર્પોરેટ ટેકઓવર, મોટી કંપનીઓ દ્વારા આફ્રિકન દેશોમાં કૃષિ પર નિયંત્રણ અને મહામારી દરમિયાન પણ સમૃદ્ધ લોકોની આવકમાં અનેકગણો વધારો થવા વિશે પણ વાત કરી હતી. જ્યારે શાકભાજી સહિત બધા પાક માટે વાજબી મહેનતાણાની ખેડૂતોની માંગને સરકાર દ્વારા તે નાણાકીય બોજ બનશે એમ કહીને પૂરી કરવામાં આવી ન હતી. પાટકરે કહ્યું હતું કે, “અતિ-સમૃદ્ધ લોકોની સંપત્તિ પર બે ટકા જેટલો નાનો કર લાદવામાં આવે તો પણ તે તમામ પાકોના એમ.એસ.પી.ને સરળતાથી આવરી લેશે.”
તમામ ખેડૂતો માટે વ્યાપક લોન માફી એ લાંબા સમયથી ચાલતી માંગ છે, જેનું વચન કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓ રદ કર્યા પછી 9 ડિસેમ્બર, 2021ના રોજ એસ.કે.એમ. સાથેના તેમના કરારમાં આપ્યું હતું. પણ તેવું થયું નથી.
દેવું ખેડૂતોને પાયમાલ કરી રહ્યું છે, જે ખેડૂતોની આત્મહત્યાની વધતી સંખ્યા પરથી જોઈ શકાય છે. 2014 અને 2022 ની વચ્ચે, વધતા દેવાના બોજ હેઠળ કચડાઈને 100,000થી વધુ ખેડૂતોએ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેમને સરકારી નીતિઓ દ્વારા દબાણ આપવામાં આવ્યું હતું જેના કારણે સબસિડી પાછી ખેંચી લેવામાં આવી હતી, લાભદાયી આવકનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને પી.એમ.એફ.બી.વાય. (પ્રધાનમંત્રી પાક વીમા યોજના) હેઠળ ખોટું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને ખરાબ રીતે અમલમાં મુકવામાં આવેલી પાક વીમા પ્રક્રિયાથી તેઓ ટકી શકે તેમ નહોતા. લોન માફી એક વરદાન બની શકતી હતી, પરંતુ આને પણ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી ન હતી.
ખેડૂતો અને મજૂતો રામલીલા મેદાનમાં છે ત્યારે કવિ ગાય છે: ‘કોણ જાણતું હતું કે કટોકટી નવા વેશમાં પાછી આવશે, આ દિવસોમાં તો તાનાશાહીનું નામ બદલીને લોકશાહી રાખી દેવાશે’
મહાપંચાયતમાં બોલતા એ.આઇ.કે.એસ. (અખિલ ભારતીય કિસાન સભા)ના મહાસચિવ વિજૂ કૃષ્ણને કહ્યું હતું કે, “છેલ્લા દસ વર્ષમાં 4.2 લાખથી વધુ ખેડૂતો, કૃષિ કામદારો અને દૈનિક વેતન કામદારોએ આત્મહત્યા કરી છે, જે દેશમાં તીવ્ર કૃષિ કટોકટીનો સંકેત આપે છે.”
વર્ષ 2022માં, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એન.સી.આર.બી.) ના ભારતમાં આકસ્મિક મૃત્યુ અને આત્મહત્યા (એ.ડી.એસ.આઈ.) 2022ના અહેવાલમાં કુલ 1.70 લાખથી વધુ આત્મહત્યાઓ નોંધવામાં આવી છે − જેમાંથી 33 ટકા (56,405) આત્મહત્યાઓ દૈનિક વેતન મેળવનારાઓ, ખેત મજૂરો અને ખેડૂતોની હતી.
હવે તેની સરખામણી ખાનગી વીમા કંપનીઓની સમૃદ્ધિ સાથે કરો, જેમણે 2016 થી 2021ના સમયગાળા દરમિયાન 24,350 કરોડ રૂપિયા કમાણી કરી છે. તે 10 કંપનીઓ (પસંદ કરેલી 13 કંપનીઓમાંથી) હતી, જેમણે સરકાર પાસેથી પાક વીમાનો કારોબાર મેળવ્યો હતો. તેમને મળેલા અન્ય એક લાભમાં, મોટા કોર્પોરેટ ગૃહોને 2015 થી 2023 દરમિયાન લોન માફી પેટે રૂ. 14.56 લાખ કરોડ મળ્યા હતા.
નાણાકીય વર્ષ 2024-25ના બજેટ માટે સરકારે કૃષિ માટે 1,17,528.79 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમમાંથી 83 ટકા આવક સહાયની વ્યક્તિગત-લાભાર્થી આધારિત યોજનાઓ માટે ફાળવવામાં આવે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ છે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જમીનદાર ખેડૂત પરિવારોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની સહાય. તમામ ખેડૂતોમાંથી લગભગ 40 ટકા જેટલા ભાડૂત ખેડૂતોને આ સહાય મળતી નથી અને તેમને આ મળશે પણ નહીં. જમીનવિહોણા ખેત મજૂરો અને મહિલા ખેડૂતો, કે જેઓ ખેતરોમાં કામ કરે છે પરંતુ તેમના નામે જમીન નથી, તેઓ પણ આ લાભથી વંચિત રહેશે.
મનરેગા થકી નાના અને સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોના ગ્રામીણ પરિવારોને ઉપલબ્ધ અન્ય ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો છે − તેમને ફાળવવામાં આવેલા બજેટનો હિસ્સો 2023-24 માં 1.92 ટકા હતો તેમાંથી ઘટીને 2024-25 માં 1.8 ટકા થઈ ગયો છે.
આ તમામ મુદ્દાઓ અને ખેડૂત સંગઠનોની માંગણીઓ 14 માર્ચ, 2024ના રોજ રામલીલા મેદાનમાં મંચ પરથી ફરી ઉડાવવામાં આવી હતી.
આ મેદાન રામાયણ મહાકાવ્યના નાટ્ય પ્રદર્શન માટેનું વાર્ષિક મંચ પણ છે. દર વર્ષે, કલાકારો નવરાત્રીના તહેવાર દરમિયાન અહીં ખેલ રજૂ કરે છે, જે અનિષ્ટ પર ઈષ્ટ અને અસત્ય પર સત્યની જીતમાં પરિણમે છે. પરંતુ તેને ‘ઐતિહાસિક’ કહેવા માટે આટલી બાબત પૂરતું કારણ નથી. તો પછી તે કારણ છે શું?
આ જ જગ્યાએ સામાન્ય ભારતીયોએ ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને બોલતાં સાંભળ્યા હતા. 1965માં ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ પણ આ મેદાનો પરથી જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. 1975માં, ઇન્દિરા ગાંધીના સરમુખત્યારશાહી શાસનનો વિરોધ કરતી જયપ્રકાશ નારાયણની વિશાળ રેલી પણ અહીં યોજાઈ હતી; જે પછી 1977ની સામાન્ય ચૂંટણીમાં તરત જ સરકાર પડી ભાંગી હતી. 2011માં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન [ભ્રષ્ટાચાર વિરોધમાં ભારત] આંદોલનનો વિરોધ આ મેદાનથી શરૂ થયો હતો. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ આંદોલનમાંથી જ એક નેતા તરીકે ઉભરી આવ્યા હતા. આ વાર્તા પ્રકાશિત થઈ તે સમયે, 2024ની સામાન્ય ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કથિત ભ્રષ્ટાચારના આરોપોમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
30 નવેમ્બર, 2018ના રોજ આ જ રામલીલા મેદાનમાં દેશભરમાંથી ખેડૂતો અને મજૂરો કિસાન મુક્તિ મોરચા માટે દિલ્હી આવ્યા હતા, અહીંથી જંતર મંતર મેદાન તરફ કૂચ કરી હતી અને ભાજપ સરકારને 2014ના ચૂંટણી ઢંઢેરામાં તેમણે જે વચનો આપ્યા હતા તે પૂરા કરવા કહ્યું હતું. વર્ષ 2018માં સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. તે પણ હજું અધૂરું જ છે.
આ ઐતિહાસિક રામલીલા મેદાનમાં, સંયુક્ત કિસાન મોરચા (એસ.કે.એમ.)ના મોરચા હેઠળ ખેડૂતો અને ખેત મજૂરોની કિસાન મજૂર મહાપંચાયતે તેમની માંગણીઓ માટે સંઘર્ષ ચાલુ રાખવાનો અને કેન્દ્રમાં વર્તમાન ભાજપ શાસન દ્વારા 9 ડિસેમ્બર, 2021ના રોજ એસ.કે.એમ.ને આપેલા વચનો પૂરા કરવાના સ્પષ્ટ ઇનકારનો વિરોધ કરવાનો સંકલ્પ લીધો હતો.
પ્રેમામતીના શબ્દોમાં કહીએ તો, “અમે અમારી થેલીઓ અને પથારી સાથે દિલ્હી પરત ફરીશું. ધરને પે બૈઠ જાયેંગે. હમ વાપસ નહીં જાએંગે જબ તક માંગે પૂરી ના હો [અમે વિરોધ પ્રદર્શનમાં બેસી જઈશું. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં, થાય ત્યાં સુધી અમે નહીં જઈએ.]”
અનુવાદક: ફૈઝ મોહંમદ