લગભગ બપોર થઈ ગઈ છે અને નૃત્યાંગના ગોલાપી ગોયારી તૈયાર છે અને ઘેર રાહ જોઈ રહ્યા છે. શાળામાં ભણતી આઠ છોકરીઓ આસામના બોડો સમુદાયની પરંપરા મુજબ મેળ ખાતા દોખોના અને લાલ અર્નઈ (સ્ટોલ્સ) પહેરીને આવે છે ત્યારે ગોલાપી પોતાના શરીરની આસપાસ વીંટાળેલા પીળા પટ્ટાવાળા દોખોનાને સરખો કરી રહ્યા છે.
ગોલાપી કહે છે, "હું આ કિશોરીઓને અમારા બોડો નૃત્યો શીખવાડું છું." તેઓ પોતે બોડો સમુદાયના છે અને બક્સા જિલ્લાના ગોલગાંવ ગામના રહેવાસી છે.
કોકરાઝાર, ઓદાલગુરિ અને ચિરાંગ અને બક્સા જિલ્લાઓ મળીને બોડોલેન્ડ - સત્તાવાર રીતે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (બીટીઆર) બનાવે છે. આ સ્વાયત્ત પ્રદેશમાં બીજા સ્થાનિક સમુદાયોની સાથેસાથે મુખ્યત્વે બોડો લોકો વસે છે, જે આસામમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. બીટીઆર ભૂતાન અને અરુણાચલ પ્રદેશની તળેટીમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલ છે.
ઉંમરના ત્રીસમા દાયકાની શરૂઆતમાં પહોંચેલા ગોલાપી કહે છે, "તેઓ સ્થાનિક તહેવારો અને કાર્યક્રમોમાં પણ રજૂઆત કરે છે." તેમણે પારીના સ્થાપક સંપાદક, પત્રકાર પી. સાંઈનાથ, જેમને ઉપેન્દ્ર નાથ બ્રહ્મા ટ્રસ્ટ (યુએનબીટી) દ્વારા નવેમ્બર 2022 માં 19મો યુએન બ્રહ્મા સોલ્જર ઓફ હ્યુમેનિટી એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમના સન્માનમાં એક ખાસ રજૂઆત પોતાને ઘેર યોજવાની તૈયારી બતાવી છે.


