દાદીમા બુટે માઝીને છ છોકરીઓ અને બે છોકરાઓની ચિંતા રહે છે, તેમનો દીકરો આ બાળકોને પાછળ છોડી ગયો છે; બાળકોમાં સૌથી નાની છે છ વર્ષની જાનકી.ઓડિશાના બાલાંગિર જિલ્લાના હીઆલ ગામના રહેવાસી 70 વર્ષના આ ગોંડ આદિવાસી મહિલા કહે છે, "ખબર નથી અમે આ બધાને મોટા શી રીતે કરીશું."
બે વર્ષ પહેલા તેમના દીકરા નૃપ માઝીનું મુત્યુ થયું ત્યારે તેઓ (નૃપ) 50 વર્ષના હતા, પરિવારનું માનવું છે કે નૃપનું મૃત્યુ તેમની કિડની કામ કરતી બંધ થઈ જવાને કારણે થયું હતું. એક સ્થળાંતરિત કામદાર, નૃપ અને તેમના પત્ની, 47 વર્ષના નામની ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા તેલંગણા, આંધ્રપ્રદેશ અને તમિળનાડુ જતા હતા.
નામની કહે છે, “નવેમ્બર 2019માં અમે એક ઈંટના ભઠ્ઠામાં કામ કરવા ચેન્નાઈ ગયા હતા. તેઓ કહે છે કે તેમના પરિવારના 10 લોકો ત્યાં ગયા હતા, જેમાં તેમના પતિ 50 વર્ષના નૃપ, તેમનો મોટો દીકરો 24 વર્ષનો જુધિષ્ઠિર અને તેની પત્ની 21 વર્ષની પરમીલા, 19 વર્ષની પૂરનામી, 16 વર્ષની સજને, 15 વર્ષની કુમારી અને તેમના પતિ 21 વર્ષના દિનેશ. તેઓ ઉમેરે છે, "અમને દરેકને સ્થાનિક સરદારે [ઠેકેદારે] 25000 રુપિયા અગોતરા ચૂકવ્યા હતા." પરિવારની સાથે 10 વર્ષની સાબિત્રી અને છ વર્ષની જાનકી પણ હતા, એ બંનેને ચૂકવણી કરવામાં આવી ન હતી.
જૂન 2020 માં કોવિડ -19 લોકડાઉન દરમિયાન તેઓ બધા તેમના ગામમાં પાછા ફર્યા હતા. ઓડિશા સરકારે પાછા ફરતા સ્થળાંતરિતો માટે શાળાઓ અને સમુદાય કેન્દ્રોમાં કામચલાઉ તબીબી અને સંસર્ગનિષેધ (કવોરન્ટાઇન) વિસ્તારોની વ્યવસ્થા કરી હતી. નામની યાદ કરે છે, “અમે ગામની શાળામાં 14 દિવસ રોકાયા. મારા પતિને અને મને પ્રત્યેકને ત્યાં રહેવા માટે [ઓડિશા સરકાર તરફથી] 2000 રુપિયા મળ્યા હતા."
પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ ગૂંચવાવા લાગી. નામની યાદ કરે છે “તેઓ [તેમના પતિ, નૃપ] ચેન્નાઈમાં જ બીમાર પડવા લાગ્યા હતા. શેઠ [સ્થાનિક ઠેકેદાર] તેમને ગ્લુકોઝનું પાણી અને કેટલીક દવાઓ આપતા હતા. અમે અમારા ગામમાં પાછા ફર્યા પછી પણ તેમની તબિયતની તકલીફો ચાલુ રહી." સારવાર માટે નામની તેમના પતિને કાંટાબાંજી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. નૃપની માતા બુટેએ ઉમેર્યું, "મારા દીકરાને રક્ત ઝાડા [મળમાં લોહી પડવું] થવા માંડ્યા હતા."
પરિવાર તેમને સિંધકેલા અને રામપુરની ઘણી સરકારી હોસ્પિટલોમાં પણ લઈ ગયો. છેવટે ફરી કાંટાબાંજી ખાતેની હોસ્પિટલમાં પાછા આવ્યા ત્યારે ત્યાંના ડૉક્ટરે તેઓને કહ્યું કે નૃપને કમજોરી (નબળાઈ) છે. “અમારી પાસે પૈસા નહોતા, તેથી અમે પાછા આવ્યા અને પૈસાની વ્યવસ્થા કરી. અમે હોસ્પિટલમાં ગયા ત્યારે ડૉક્ટરે કેટલાક પરીક્ષણો કર્યા અને કહ્યું કે તેમની કિડની કામ કરતી બંધ થઈ રહી છે.
નામની બીજા વિકલ્પો અજમાવવા માટે મક્કમ હતા, તેમણે વૈકલ્પિક સારવાર પદ્ધતિ અપનાવવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, “મારા માતા-પિતાએ સૂચવ્યું કે હું તેમને આયુર્વેદિક સારવાર માટે સિંધેકેલા [25 કિલોમીટર દૂર] લઈ જાઉં. તેઓ એક મહિનાથી વધુ સમયથી દવાઓ લઈ રહ્યા હતા, પરંતુ તેમની તબિયત સુધરતી નહોતી." તેમની હાલત વધુ બગડી ત્યારે તેઓએ તેમને 40 કિમી દૂર પટનાગઢ નજીક રામપુરમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.
માર્ચ 2021 માં નૃપનું અવસાન થયું હતું, તેઓ પોતાની પાછળ આઠ બાળકો છોડી ગયા, સૌથી નાનું બાળક માત્ર છ વર્ષનું હતું.
પરિવારને આશા હતી કે તેઓ નૃપના મેડિકલ બીલ ચૂકવવા માટે વળતરનો દાવો કરી શકશે અને એમાંથી થોડા દિવસ પોતાનો ગુજારો કરી શકશે કારણ કે નામની ફરીથી સ્થળાંતર કરવા અંગે હજી અવઢવમાં છે. "અમારે કદાચ ફરીથી જવું પડશે કારણ કે મારા પતિની સારવાર માટે લીધેલું દેવું અમારે ચૂકતે તો કરવું પડશે ને. સરકાર તરફથી અમને થોડીઘણી મદદ મળશે તો અમે નહીં જઈએ."
મૃતક નૃપ એ થોડાઘણા ઓડિયા કામદારોમાંના એક હતા જેમણે 2018માં વેલ્ફેર બોર્ડ ખાતે લાભાર્થી તરીકે પોતાની નોંધણી કરાવી હતી, પરંતુ તેમના પરિવારને કોઈ ભંડોળ મળ્યું નથી. જેના તેઓ હકદાર છે. નામની જે 'મદદ' નો ઉલ્લેખ કરી રહ્યા છે તે છે રુપિયા બે લાખ, જે ઓડિશા બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડ હેઠળ તેમના મૃત પતિને નામે મળવા જોઈતા હતા. નામની કહે છે, "તેઓ [શ્રમ વિભાગના અધિકારીઓ] કહે છે કે અમે ત્રણ વર્ષની [સભ્યપદ ચાલુ રાખવા માટેની] ફી ચૂકવી નથી, તેથી અમને પૈસા ન મળી શકે."
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG) પોતાના સરકારી નાણાકીય અહેવાલ (સ્ટેટ ફાઈનાન્શિયલ રિપોર્ટ) માં નિર્દેશ કરે છે કે સરકાર દ્વારા (લાભાર્થીના) નાણાં રોકી રાખવામાં આવે તો તે બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે. અહેવાલ કહે છે, “2020-21 દરમિયાન એકત્રિત કરાયેલા 406.49 કરોડ રુપિયા જેટલી શ્રમ ઉપકર (લેબર સેસ) ની રકમ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સરકારી તિજોરી શાખામાં ફિક્સ ડિપોઝિટ્સ અને ફ્લેક્સી સેવિંગ્સ એકાઉન્ટના સ્વરૂપમાં 'સરકારી ખાતા' ની બહાર રાખવામાં આવી હતી.
બુટે કહે છે, "નૃપ બીમાર પડ્યો ત્યારે તે તેની બહેન ઉમે [તેની એકમાત્ર બહેન] પાસે આર્થિક મદદ માગવા ગયો હતો." ઉમે પરણેલા છે અને નજીકના ગામમાં [માલપરા, જેને માલપાડા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં] રહે છે. બુટેએ ઉમેર્યું, "ઉમેએ તેના દાગીના નૃપને આપ્યા હતા. બંન્નેને એકબીજા માટે આવો પ્રેમ હતો.". નૃપે દાગીના ગીરવે મૂક્યા અને તેમને જે થોડા હજાર રુપિયા મળ્યા તે તેમની સારવારમાં ખર્ચાઈ ગયા.
બુટે અને તેમના મૃત પતિ ગોપી માઝીના પરિવારને 2013માં સરકારી મકાનની ફાળવણી કરવામાં આવી હતી. 2014માં ગોપી માઝીનું નિધન થયું હતું. બુટેએ કહ્યું, "ગોપી જીવતા હતા ત્યારે અમને ત્રણ હપ્તામાં 40000 રૂપિયા મળ્યા હતા - 10000, 15000 અને ફરી 15000 રુપિયા." પરિવારે ઘર બાંધવા માટે પથ્થરો અને રેતી ખરીદ્યા હતા પરંતુ (પરિવારના) વડીલ માઝીનું અવસાન થતા ઘરનું બાંધકામ બંધ પડી ગયું.
(મકાન બાંધવા માટે) ખરીદેલા વપરાયા વિના પડી રહેલા પથ્થરોના બ્લોક તરફ ઈશારો કરતા બુટેએ કહ્યું, “(અત્યારે તો) આ કાચા ઘરમાં અમે જેમતેમ ચલાવીએ છીએ."
તેમના દીકરા-વહુની જેમ બુટેએ ક્યારેય કામ કરવા માટે બીજા રાજ્યોમાં સ્થળાંતર કર્યું નથી. તેમણે કહ્યું, “અમે આજીવિકા માટે અમારા પરિવારની જમીન પર ખેતી કરતા હતા. કામ માટે બીજા રાજ્યોમાં જવાનું શરૂ કરનાર નૃપ પહેલો હતો." પરિવારે પોતાની જમીન ગીરો મૂકીને ગામના ગોંટિયા (શાહુકાર) પાસેથી 100000 રુપિયાની લોન લીધી હતી.
બુટેએ ઉમેર્યું, "જુધિષ્ઠિરે [નૃપના દીકરાએ] કામ પર જવું પડશે અને એ જમીન છોડાવવી પડશે."
*****
લગ્ન પહેલા નામની એ ક્યારેય આજીવિકા માટે ઓડિશાની બહાર સ્થળાંતર કર્યું નહોતું. લગ્ન પછી પહેલી વાર તેઓ (સ્થળાંતર કરીને) પોતાના પતિની સાથે આંધ્રપ્રદેશના મહબૂબનગરમાં ગયા હતા; તેમનો મોટો દીકરો જુધિષ્ઠિર ત્યારે ત્રીજા ધોરણમાં હતો. નામની કહે છે, “કામ માટે મળતી અગોતરી રકમ બહુ ઓછી હતી – અમને 8,000 રુપિયા મળ્યા હતા. વર્ષ તો મને યાદ નથી પણ સજને [દીકરી] થોડા મહિનાની જ હતી તેથી અમે તેને અમારી સાથે લઈ ગયા હતા." નામની કહે છે કે ત્યારથી - 17 વર્ષથી - દર વર્ષે તેઓ કામની શોધમાં અલગ-અલગ જગ્યાએ જતા રહ્યા છે.
પહેલી વખતના એ સ્થળાંતર પછી આ પરિવારે દર વર્ષે સ્થળાંતર કર્યું હતું. નામની કહે છે, “બે વર્ષ માટે અમે ફરી આંધ્રપ્રદેશ ગયા. ત્યારે અમને મળેલી અગોતરી રકમ લગભગ 9,500 રુપિયા હતી." પછીના ચાર વર્ષ તેઓએ સ્થળાંતર કરવાનું ચાલુ રાખ્યું અને અગોતરી રકમ ધીમે ધીમે વધીને સમગ્ર જૂથ માટે 15000 સુધી પહોંચી.
ચેન્નાઈની મુસાફરીમાં સૌથી વધુ પૈસા મળ્યા – 2019 માં અગોતરા રુપિયા 25000. ચેન્નાઈમાં તે વખતે દર 1000 ઈંટો માટે કામદારોના જૂથને લગભગ 350 રુપિયા ચૂકવવામાં આવતા. અને ચાર શ્રમિકોના જૂથમાંનો દરેક શ્રમિક એક અઠવાડિયામાં તેને 1000-1500 રુપિયા મળી રહેશે એવી આશા રાખી શકતો.
તેઓને દર અઠવાડિયે પૈસા ચૂકવવામાં આવતા હતા/સાપ્તાહિક ચૂકવણી કરવામાં આવતી હતી અને એ પૈસામાંથી તેઓ ખાવાનું બનાવવા માટે રાશન ઉપરાંત સાબુ, શેમ્પૂ વિગેરે ખરીદતા. નામનીએ સમજાવ્યું, "ચૂકવણી કરતી વખતે મુકાદમ અગોતરી ચૂકવેલી રકમ પેટે કેટલાક પૈસા કાપી લેતો અને બાકીનું વેતન અમને આપતો." અગોતરી ચૂકવેલી રકમ પૂરેપૂરી કાપી લેવામાં ન આવે ત્યાં સુધી આ પ્રમાણે ચાલતું.
છેવટે મોટાભાગના શ્રમિકોને 100 રુપિયાથી પણ ઓછી કમાણી થતી, જે બાંધકામ ક્ષેત્રના અકુશળ કામદારો માટેના લઘુત્તમ વેતનના અડધા કરતાં પણ ઓછી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના મુખ્ય શ્રમ કમિશનરની કચેરી (ધ ઓફિસ ઓફ ચીફ લેબર કમિશ્નર, યુનિયન મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ) સત્તાવાર રીતે સ્પષ્ટપણે સૂચવે છે કે ચેન્નાઈ જેવા શહેરી વિસ્તારોમાં ચેમ્બર ઈંટો બનાવતા શ્રમિકોને (1000 ઈંટો માટે) રોજના 610 રુપિયા ચૂકવવા જોઈએ.
નૃપ અને તેના પરિવારને જે વેતન ચૂકવવામાં આવતું હતું તે આ શ્રમ કાયદાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન હતું.
મકાનોના અને બીજા બાંધકામના કામોમાં રોકાયેલા આંતર-રાજ્ય સ્થળાંતર કરતા ઓડિયાના મોટાભાગના શ્રમિકો ઓડિશા બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ, 1996 હેઠળ લાભાર્થી તરીકે નોંધાયેલા નથી, આ અધિનિયમ તેમની સલામતી, આરોગ્ય અને કલ્યાણના પગલાંની જોગવાઈ કરે છે.
જો કે નૃપે પોતાની નોંધણી કરાવી હતી પરંતુ તેમના પરિવારને અધિનિયમની એક નાનકડી છટકબારીશોધી તે હેઠળ લાભથી વંચિત રાખી દંડવામાં આવી રહ્યો છે: એક શ્રમિક આ અધિનિયમ હેઠળની જોગવાઈ મુજબ લાભ મેળવી શકે તે માટે નોંધાયેલા લાભાર્થીએ સતત ત્રણ વર્ષ સુધી તેના ભંડોળમાં 50 રુપિયા જમા કરાવવા જરૂરી છે. આ રકમ શ્રમ વિભાગની બાલાંગિરમાં જિલ્લા કચેરીમાં જ જમા કરાવવી જરૂરી છે, આ કચેરી બાલાંગિર જિલ્લાના હીઆલ ગામમાં તેમના ઘરથી 80 કિલોમીટર દૂર આવેલી છે.
1 લી મે, 2022 પછી આ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ હતી. નૃપ ચેન્નાઈ જવા નીકળ્યા તેના થોડા સમય પહેલા જ તેમને પોતાનું લેબર કાર્ડ મળ્યું હતું. લોકડાઉન અને પોતાની માંદગીને કારણે તેઓ વાર્ષિક ફંડ જમા કરાવવા માટે જિલ્લા કાર્યાલય જઈ શક્યા નહોતા. આ પરિવારને માટે હવે તેઓ જે લાભ મેળવવા માટે હકદાર છે તેનો દાવો કરવાનું મુશ્કેલ બની રહ્યું છે.
આ પત્રકારે બાલાંગિર જિલ્લા મેજિસ્ટ્રેટ કમ કલેક્ટરને એક પત્ર લખીને અને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર પર તેમનો સંપર્ક કરીને ઓડિશા બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ હેઠળ નામની અને તેમના પરિવારને મૃત્યુ લાભ પ્રદાન કરવા તેમને વિનંતી કરી છે. આ વાર્તા પ્રકાશિત થઈ ત્યાં સુધી તેમના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક