સવારના ત્રણ વાગ્યા છે અને નંદિની નારંગી રંગની તાડપત્રીના એક તંબૂની બહાર બેઠાં છે, અને તેમની સહેલી સેલ ફોન પકડીને જે પ્રકાશ પાડે છે તેના અજવાળામાં મેકઅપ કરી રહ્યાં છે.
સાદી સુતરાઉ સાડી પહેરેલી આ 18 વર્ષીય યુવતી થોડા કલાકોમાં લગ્ન કરવા જઈ રહી છે.
આગલી સાંજે, તે અને તેના વરરાજા, 21 વર્ષીય જયરામ, તેમના મિત્રો અને પરિવાર સાથે બેંગાલામેડુ (સત્તાવાર રીતે સરક્કનુર ઇરુલર કૉલોની તરીકે ઓળખાય છે) થી મમલ્લાપુરમ પહોંચ્યા હતા. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાનું આ જૂથ સેંકડો ઇરુલર પરિવારોમાંનું એક છે, જેઓ ચેન્નાઈના દક્ષિણ કિનારે આવેલા નાના તંબુઓમાં રહે છે.
દર માર્ચ મહિનામાં, તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાં ટૂંકો શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થાય છે, ત્યારે મા મલ્લાપુરમની સોનેરી રેતી (અગાઉ મહાબલીપુરમ તરીકે ઓળખાતી) રંગોનો ખજાનો લૂંટાવે છે. દરિયાકિનારો પાતળી સાડીઓ અને તાડપત્રીથી બનેલા ઘેરાવ અને તંબુઓની વિશાળ ભૂલભુલામણીમાં ફેરવાઈ જાય થાય છે, જે નજીકના વૃક્ષોમાંથી તાજી કાપેલી દાંડીઓના ટેકાથી ઊભા રાખવામાં આવે છે.
આ લોકપ્રિય બીચ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સામાન્ય ભીડના બદલે ઇરુલર સમુદાયના લોકો આવી જાય છે, જેઓ રાજ્યભરમાંથી માસી માગમ તહેવાર ઉજવવા માટે અહીં આવે છે. ઇરુલર લોકો ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) છે – જેની અંદાજિત વસ્તી આશરે 2 લાખ છે ( ભારતમાં અનુસૂચિત જનજાતિઓની આંકડાકીય રૂપરેખા , 2013 અનુસાર). તેઓ તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ફેલાયેલા નાના, છૂટાછવાયા વિસ્તારોમાં રહે છે.
તમિલ માસ (ફેબ્રુઆરી-માર્ચ) માં ઇરુલર સમુદાયના લોકો કન્ની અમ્માની પૂજા કરવા માટે મા મલ્લપુરમ આવે છે — જે આદિજાતિ દ્વારા પૂજવામાં આવતી સાત કુમારિકા દેવીઓમાંથી એક છે. માગમ એ હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં એક તારાનું નામ છે.
જયરામનાં નાની વી. સરોજા કહે છે, “અમારા વડીલો કહે છે કે અમ્મા ગુસ્સે થાય છે અને પછી દરિયામાં ચાલ્યાં જાય છે. પછી આપણે તેમના પાછા આવવા માટે પ્રાર્થના કરવાની હોય છે. તેમનો ગુસ્સો ઓછો થાય એટલે તેઓ ઘરે પરત આવે છે.”
વધુમાં વધુ ચારથી પાંચ દિવસના ટૂંકા રોકાણ દરમિયાન, ઇરુલર લોકો તે પાછાં હઠતાં પાણીમાં માછલીઓ પકડે છે અને નજીકના ઝાડમાં ગોકળગાય, ઉંદરો અથવા પક્ષીઓનો શિકાર કરીને તેમના ભોજન માટેનો ખોરાક મેળવે છે.
શિકાર કરવો, ખાદ્ય છોડની શોધ કરવી અને નજીકના જંગલોમાંથી બળતણ અને ઔષધીય વનસ્પતિઓ એકત્રિત કરવી એ પરંપરાગત ઇરુલર જીવનશૈલીનો મોટો ભાગ રહ્યો છે. (વાંચોઃ બંગલામેડુના વનમાં ચરુની શોધમાં ).
જંગલનું આવરણ બાંધકામ યોજનાઓ અને ખેતરો માટે ઉપયોગમાં લેવાતાં અને તેમની વસાહતોની આસપાસના જંગલો અને સરોવરો સુધી તેમની મર્યાદિત પહોંચના કારણે, ઇરુલર લોકો હવે મોટાભાગે દૈનિક વેતનનાં કામ, ખેતરોમાં મજૂરી, બાંધકામ સ્થળો પર મજૂરી, ઈંટોના ભઠ્ઠાઓ અને મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો, જે ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસની રોજગારીની બાંયધરી આપે છે) નાં સ્થળો પર નિર્ભર છે. તેમાંના કેટલાકને સાપને પકડવા અને એન્ટિવેનમ (પ્રતિસર્પવિષ) બનાવવા માટેનો પરવાનો મળેલો છે, પરંતુ આવાં કામ મોસમી અને અણધાર્યાં હોય છે.
અલમેલુ અહીં ચેન્નાઈના આગામી ઉપનગર મનપાક્કમથી આવ્યા છે, જ્યાં તેઓ કુપ્પ મેડ (કચરાના ઢગલા) પાસે રહે છે. 45 વર્ષીય દૈનિક વેતન કામદાર દર વર્ષે દરિયાકાંઠે 55 કિલોમીટરની મુસાફરી કરીને અમ્મનની પ્રાર્થના કરે છે. તેઓ પડદા તરફ ઈશારો કરતાં કહે છે, “આજુબાજુ જુઓ. અમે હંમેશાં આ રીતે જ જીવતા આવ્યા છીએ. જમીન પર જ. ભલે ને પછી ત્યાં ગરોળી હોય કે સાપ હોય. તેથી જ અમે અમ્મા માટે તરઈ (જમીન અથવા લાદી) પર જ અમારું અર્પણ મૂકીએ છીએ.”
પ્રાર્થના સૂર્યોદયના કેટલાંક કલાકો પહેલા શરૂ થાય છે. જે લોકો વહેલી સવારે ઉઠે છે, તેઓ તંબુઓની ભૂલભુલામણી અને ઊંઘતા લોકો પર પગ ન પડી જાય તેની કાળજી રાખતા રાખતા આગળ વધે છે, અને પૂર્ણ ચંદ્રના પ્રકાશના અજવાળામાં ધીમે ધીમે બીચ તરફ આગળ વધે છે. દરેક પરિવાર તેમનું અર્પણ મૂકવા માટે બીચ પર એક સ્થળ તૈયાર કરે છે.
અલમેલુ કહે છે, “અમે રેતીથી સાત પગથિયાં બનાવીએ છીએ.” દરેક પગથિયા પર, તેઓ દેવી માટે અર્પણ રજૂ છે, જેમાં ફૂલો, નાળિયેર, સોપારીનાં પાંદડા, મમરા અને ગોળથી મીઠા કરેલા ચોખાના લોટનો સમાવેશ થાય છે. જ્યારે અર્પણ પર દરિયાના મોજાઓ તૂટી પડે છે, ત્યારે ઇરુલર લોકો માને છે કે તેમનાં અમ્મા અથવા અમ્મને તેમને ખરેખર આશીર્વાદ આપ્યા છે.
અલમેલુ કહે છે, “અડત્તી કુડતા, યેતુક્કુવા [જો તમે તેમને આદેશ આપો, તો તેઓ તેને સ્વીકારે છે].” દેવીની આસપાસ પ્રદક્ષિણા કરવાનું વિચિત્ર લાગી શકે છે, પરંતુ આ અનન્ય સંબંધ છે જે ઇરુલર લોકોને તેમનાં દેવી સાથે છે. એક ઇરુલર કાર્યકર્તા મનીગંડન સમજાવે છે, “તે તમારી માતાને બોલાવવા જેવું છે. તમે તેમાં ફાવે તેમ કરી શકો છો.”
ઇરુલર લોકોનું માનવું છે કે ધાર્મિક પૂજા દરમિયાન અમૂક લોકોને દેવીનો વળગાડ થાય છે. ઘણા ભક્તો પરંપરાગત રીતે પીળા અથવા નારંગી રંગનાં વસ્ત્રો પહેરે છે, જેમાં કન્ની અમ્માનો વળગાડ થતો હોવાનું માનવામાં આવે છે. કેટલાક પુરુષો સાડીઓ પહેરે છે અને તેમના માથાને ફૂલોથી શણગારે છે.
તિરુત્તનીના મનીગંડન ઇરુલર કાર્યકર્તા હતા, તેઓ કહે છે, “અમે પૂજારીઓ નથી રાખતા. જે કોઈ પણ અમ્મનના પ્રાણને સ્વીકારવાનું નક્કી કરે છે તે પૂજારી બની જાય છે.” નવેમ્બર, 2023માં અવસાન પામેલા દિવંગત કાર્યકર્તાએ પારીને આમ જણાવ્યું હતું.
જે સવારે નંદિની અને જયરામના લગ્ન થયા (7 માર્ચ, 2023), તે પ્રસંગે દેવીના પ્રાણ ધરાવતી બે મહિલાઓ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સમારોહની પૂર્ણાહુતિ થઈ હતી. દરિયાકિનારાના પૂજારીઓ લગ્નમાં આશીર્વાદ આપે છે, બાળકોના નામ રાખે છે અને તેમને આશીર્વાદ આપે છે, અને તેમના અરુલવાક્ક દૈવી શબ્દો ઉચ્ચારે છે.
ઇરુલર લોકો, જેઓ પાણીને તેમનાં અમ્મન માને છે, તેઓ તેની પૂજા કરવા માટે તેને ઘરે લઈ જાય છે. તેઓ પ્લાસ્ટિકની બોટલોમાં સમુદ્રમાંથી પાણી લઈ જાય છે, જેને તેઓ તેમના ઘરની આસપાસ છાંટે છે અને જેઓ મુસાફરી કરી શક્યા ન હોય તેમને આપે છે.
દરિયાઈ પવન અને તેમનાં દેવીના આશીર્વાદથી સજ્જ, ઇરુલર લોકો તેમના તંબુઓને લપેટી લે છે. નવદંપતી નંદિની અને જયરામ ખુશીથી ઝૂમી ઉઠે છે. તેઓ લગ્નની યાદોને જીવંત કરવા માટે આ વર્ષે (2024) પાછા ફરવાની યોજના ધરાવે છે. સરોજા કહે છે, “તેઓ બીચ પર રસોઈ કરશે, સમુદ્રમાં સ્નાન કરશે અને મહાબલીપુરમમાં થોડા દિવસો ખુશીથી વિતાવશે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ