“ હું તમને શું કહું? મારી પીઠ તૂટી ગઈ છે. છાતીનું પાંજરું બહાર ધસી આવ્યું છે. મારું પેટ સંકોચાઇ ગયું છે અને છેલ્લા બે-ત્રણ વર્ષથી મારા છાતીપેટ એક થઈ ગયાં છે. ડૉક્ટર કહે છે કે મારા હાડકાં પોલાં થઈ ગયાં છે.” બીબાબાઈ લોયારે પોતાની સ્થિતિનું વર્ણન કરતાં કહે છે.
મૂળશી બ્લોકના હાડાશી ગામના બીબાબાઈના ઘરની બાજુમાં આવેલા પતરાના છાપરાના લગભગ અંધારિયા એવા રસોડામાં અમે બેઠા હતા. લગભગ પંચાવન વર્ષની બીબાબાઈ માટીના ચૂલા પર વધેલો ભાત ગરમ કરતી હતી. એણે મને એક લાકડાની પાટલી આપીને બેસવા કહ્યું અને પોતાના કામ કરતી રહી. એ જ્યારે વાસણ સાફ કરવા ઉઠી ત્યારે મારું ધ્યાન ગયું કે એ તો કમરેથી સાવ જ બેવડ વળી ગયેલી છે. એની દાઢી એના ઢીંચણને અડકે છે. એ જ્યારે પગ ઊભા કરીને બેસે ત્યારે એના ઢીંચણ એના કાનને અડકે છે.
છેલ્લા પચીસ વર્ષમાં બીબાબાઈને ચાર શસ્ત્રક્રિયાઓ કરાવવી પડી છે. એની સાથે હાડકાં પોલાં થઈ જવાની સમસ્યા. એને લીધે એની સ્થિતિ આવી થઈ ગઈ છે. પ્રથમ, તે ટ્યુબેક્ટોમી પ્રક્રિયામાંથી પસાર થઈ, પછી હર્નીયાની શસ્ત્રક્રિયા, ત્યારબાદ હિસ્ટરેક્ટોમી અને ત્યારબાદ ઓપરેશન જેમાં તેના આંતરડા, પેટની ચરબી અને સ્નાયુઓના ભાગને દૂર કરાયો.
“હું મોટી થઈ (મને માસિક આવવાનું શરૂ થયું) કે તરત મારા લગ્ન થઈ ગયાં. હું એ વખતે બાર કે તેર વર્ષની હતી. પહેલા પાંચ વર્ષ તો મને ગર્ભ ન રહ્યો.” બીબાબાઈએ કહ્યું. એને નિશાળે જવા મળ્યું જ નહોતું. એનો પતિ મહીપતિ લોયારે - એને બધા આપ્પા કહે છે - એનાથી વીસ વર્ષ મોટો હતો. એ જિલ્લા પરિષદની સ્કૂલમાં શિક્ષક હતો. હવે નિવૃત્ત છે. પૂના જિલ્લાના મૂળશી બ્લોકના જુદા જુદા ગામોની શાળાઓમાં એની બદલીઓ થતી. લોયારે કુટુંબ પાસે જમીન છે. એમાં એ લોકો ડાંગર, ચણા અને કઠોળના પાક લે છે. એમની પાસે બે બળદ, એક ભેંસ અને એક ગાય-વાછરડું છે. એમના દૂધથી વધારાની આવક થાય છે. મહીપતિને પેન્શન પણ મળે છે.
બીબાબાઈ પોતાની વાત આગળ ચલાવે છે. “ મારા બધાં છોકરાં ઘરમાં જ થયેલાં.” પહેલું બાળક, છોકરો જન્મ્યો ત્યારે એ સત્તર વર્ષની હતી. “ અમે મારે પિયર જતાં હતાં. (એ ગામ ડુંગરાની પેલે પાર હતું.) ત્યાં પહોંચવાનો પાકો રસ્તો હતો નહીં અને એ વખતે અમારા ગામમાં વાહનો ય નહોતા. અમે બળદગાડામાં જતાં હતાં અને મને પાણી પડવા માંડ્યું. બળદગાડામાં જ મને વેણ ઉપડી. થોડી વારમાં તો બાળક અવતર્યું! બળદગાડામાં જ!!” બીબાબાઈ પોતાની એ પ્રથમ પ્રસૂતિની વાત યાદ કરે છે. યોનિમાર્ગની પાસેની જગ્યા ફાટી જતાં એપીસીઓટોમી કરી નાનું ઑપરેશન કરાવવું પડેલું. પણ એ ક્યાં થયેલું એ એને યાદ નથી.
બીબાબાઈને યાદ છે કે એ બીજી વાર સગર્ભા થઈ ત્યારે એના ગામ હાડાશીથી બે જ કિલોમીટર દૂરના ગામ કોળવણના ખાનગી દવાખાનાના ડૉક્ટરે કહેલું કે એનું હિમોગ્લોબિન ઓછું હતું અને ગર્ભનો વિકાસ સામાન્ય કરતા ઓછો હતો. એને યાદ છે કે એણે એના ગામની એક નર્સ પાસે બાર ઇન્જેક્શનો અને લોહતત્ત્વની ગોળીઓ લીધેલી. પૂરા મહિને એને એક છોકરી જન્મી. “આ બાળક જરાય રડતું નહીં કે અવાજ પણ ન કરતું. ઘોડિયામાં પડ્યું રહેતું ને છત તરફ તાકી રહેતું”, બીબાબાઈ કહે છે, “અમને સમજાઈ ગયું કે એ સામાન્ય બાળક નહોતી.” આ છોકરી સવિતા અત્યારે 36 વર્ષની છે. પૂનાની સાસુન હોસ્પિટલના ડૉક્ટરના નિદાન મુજબ એ “માનસિક વિકલાંગ” છે. સવિતા બહારના લોકો સાથે બહુ વાત નથી કરતી પણ ખેતરમાં મદદ કરે છે અને ઘરનું મોટા ભાગનું કામ કરે છે.
બીબાબાઈને એ પછી બીજાં બે બાળકો થયાં. બંને છોકરાઓ. તેનું ચોથું બાળક, સૌથી નાનો છોકરો, ચીરાયેલા હોઠ અને તાળવા સાથે જન્મ્યો. “એને દૂધ પીવડાવીએ તો એ એના નાકમાંથી બહાર આવે. અમે [કોળવણના ખાનગી દવાખાનાના] ડૉક્ટરને દેખાડ્યું. એણે શસ્ત્રક્રિયા કરવાની વાત કરી. એનો ખર્ચ 20000 રૂપિયા થતો હતો. પણ એ વખતે અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. મારા પતિના પિતા અને મોટાભાઇએ [શસ્ત્રક્રિયાની વાત પર] બહુ ધ્યાન ન આપ્યું. મારો છોકરો એક મહિનામાં ગુજરી ગયો.” બીબાબાઈએ કહ્યું.
એનો મોટો દીકરો ઘરની ખેતીવાડીનું કામ સંભાળે છે અને નાનો દીકરો, એનું ત્રીજું બાળક, પૂનામાં લિફ્ટ ટેકનિશયન છે.
ચોથું બાળક ગુજરી ગયું એ પછી બીબાબાઈએ હાડાશીથી લગભગ 50 કિલોમીટર દૂર પૂના જઈને એક ખાનગી દવાખાનામાં નસબંધીનું ઓપરેશન કરાવી લીધું. એ વખતે એની ઉંમર 27-28 વર્ષ હતી. એના મોટા જેઠે એનો ખર્ચ આપેલો. કેટલો ખર્ચ થયેલો એ એને યાદ નથી. આ શસ્ત્રક્રિયા થઈ ગઈ એ પછી થોડા વર્ષે એને વારંવાર પેટમાં દુખાવો થવા માંડ્યો. પેટની ડાબી બાજુએ મોટી ગાંઠ જેવું ઉપસી આવેલું. બીબાબાઈનું કહેવું છે કે એ તો ગેસ થતો હતો પણ ડૉક્ટરોએ એને હર્નિયા કહ્યું. ગાંઠ એવી મોટી હતી કે એના ગર્ભાશય પર એનું દબાણ થતું હતું. પૂનાની એક ખાનગી હોસ્પિટલમાં એની શસ્ત્રક્રિયા થઈ. એનો ખર્ચ એના ભત્રીજાએ આપેલો. કેટલો ખર્ચ થયેલો એ બીબાબાઈને યાદ નથી.
બીબાબાઈને 37-38 વર્ષે માસિકમાં ખૂબ લોહી પડવા માંડ્યું. એ યાદ કરે છે, “ એટલું બધું લોહી પડતું કે હું ખેતરમાં કામ કરતી હોઉં ત્યારે લોહીના ગઠ્ઠા જમીન પર પડે. હું એને માટીથી ઢાંકી દઉં ” આ તકલીફ એણે બે વર્ષ વેઠી. એ પછી બીબાબાઈ કોળવણના ખાનગી દવાખાનામાં એક ડૉક્ટર પાસે ગઈ. એણે કહ્યું કે તમારા ગર્ભાશયમાં ખૂબ નુકસાન થયેલું છે અને એ વહેલામાં વહેલી તકે કાઢી નાખવું જોઈએ.
ચાળીસ વર્ષની બીબાબાઈને પૂનાની એક જાણીતી હોસ્પિટલમાં હિસ્ટરેક્ટોમી, ગર્ભાશય કાઢી નાખવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી. ત્યાં એ જનરલ વોર્ડમાં એક અઠવાડિયું રહી. બીબાબાઈએ કહ્યું, “ડૉક્ટરે શસ્ત્રક્રિયા પછી એક પટ્ટો બાંધવાનું કહેલું( પેટના સ્નાયુઓને આધાર આપવા માટે) પણ મારા ઘરમાં કોઈએ એ પટ્ટો મને અપાવ્યો નહીં.’’ કદાચ એનું મહત્ત્વ કોઈને સમજાયું નહીં હોય. એને પૂરતો આરામ પણ ન મળ્યો. થોડા જ દિવસમાં એ ફરી ખેતીવાડીના કામે લાગી ગઈ.
‘ઇન્ટરનેશનલ રિસર્ચ જર્નલ ઑફ સોશ્યલ સાયન્સિઝ’ના એપ્રિલ 2015ના અંકમાં ગ્રામીણ સ્ત્રીઓમાં માસિક બંધ થવાના સમય પહેલા કરાતી હિસ્ટરેક્ટોમી વિશેના પ્રકાશિત લેખમાં માં નીલાંગી સરદેશપાંડે નોંધે છે કે આ શસ્ત્રક્રિયા થાય એ પછી એક થી છ મહિના ભારે મહેનતનું કશું પણ કામ ન કરવાની સૂચના ડૉક્ટર આપતા હોય છે પણ ખેતીવાડીનું કામ કરતી સ્ત્રીઓને આટલો લાંબો વખત આરામ કરવાની ‘શેઠાઇ’ પોસાય નહીં. એમને બહુ જ થોડા સમયમાં કામે લાગી જવું પડે છે.
ઘણા લાંબા સમય પછી બીબાબાઈના એક દીકરાએ એને બે પટ્ટા લાવી આપ્યા. પણ હવે એ એનો ઉપયોગ કરી શકે એમ નથી. એ કહે છે, “ તમે જુઓ, હવે મારે પેટ-પેઢુ જેવું કશું રહ્યું જ નથી. પટ્ટા બંધાતા જ નથી.” ગર્ભાશય કાઢી નાખવાની શસ્ત્રક્રિયા/ હિસ્ટરેક્ટોમી પછી બે એક વર્ષે બીબાબાઈને પૂનાની એક ખાનગી હોસ્પિટલમાં બીજી એક શસ્ત્રક્રિયા થઈ. (એને એ ક્યારે થઈ એ તારીખ કે વર્ષ યાદ નથી.). “ આ વખતે આંતરડાનો થોડો ભાગ કાઢી નાખેલો.” બીબાબાઈ એની નવવારી સાડીની ગાંઠ ખોલી ને મને ઊંડે ઉતરી ગયેલું પેટ દેખાડે છે. ત્યાં માત્ર થોડી કરચલિયાળી ચામડી જ હતી, નહીં માંસ નહીં સ્નાયુઓ.
બીબાબાઈને બરાબર યાદ નથી કે તકલીફ શું હતી અને કેમ આ શસ્ત્રક્રિયા કરવી પડેલી. નીલાંગી સરદેશપાંડેના અભ્યાસ લેખમાં નોંધાયું છે કે ગર્ભાશય કઢાવી નાખવાની શસ્ત્રક્રિયા થયા પછી મૂત્રાશય, આંતરડા અને મૂત્રમાર્ગની સમસ્યાઓ થવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે. પૂના અને સતારા જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં માસિક બંધ થવાના સમય પહેલાં ગર્ભાશય કઢાવી નાખવાની શસ્ત્રક્રિયા કરાવનાર 44 સ્ત્રીઓની મુલાકાતમાં એમાંની અડધી સ્ત્રીઓએ જણાવ્યું હતું કે એમને શસ્ત્રક્રિયા પછી પેશાબ થવામાં તકલીફ અને પેટમાં સખત દુખાવો થાય છે. ઘણી સ્ત્રીઓએ એમ પણ કહેલું કે એમને શસ્ત્રક્રિયા પછી લાંબા ગાળા સુધી આરોગ્યવિષયક તકલીફો રહી હતી અને શસ્ત્રક્રિયા પહેલાં થતો હતો એ પેટના દુખાવામાં તો રાહત નથી જ મળી.
આ ઉપરાંત બીબાબાઈને છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓસ્ટીઓપોરોસિસ (હાડકાં પોલાં થઈ જવા)ની તકલીફ શરૂ થઈ છે. ઘણી વાર ગર્ભાશય કઢાવી નાખવાની શસ્ત્રક્રિયા અને માસિક વહેલું બંધ થવાને લીધે શરીરમાં સર્જાતા હોર્મોન્સના અસંતુલનનું આ ગંભીર પરિણામ જોવા મળે છે. ઓસ્ટીઓપોરોસિસને લીધે બીબાબાઈ એની પીઠ સીધી કરી શકતી નથી. સૂતી વખતે પણ એ બેવડ વળેલી જ રહે છે. એની સમસ્યાનું નિદાન ‘ઓસ્ટીઓપોરોટિક કોમ્પ્રેશન ફ્રેક્ચર્સ વિથ સિવિયર કેફોસિસ’ એવું થયું છે. અત્યારે એના ગામથી 45 કિલોમીટર દૂર પિંપરી-ચિંચવડની ઔદ્યોગિક વસાહતમાં ચિખલીની એક ખાનગી હૉસ્પિટલમાં એની સારવાર ચાલે છે.
બીબાબાઈ મને એક પ્લાસ્ટિકની થેલી આપે છે. એમાં એના રિપોર્ટ્સ છે. જેનું આખું જીવન પીડાઓ અને બીમારીઓ સાથે વીત્યું છે એવી આ સ્ત્રીની મેડિકલ ફાઇલમાં ત્રણ કાગળો છે, એક એક્સરે રિપોર્ટ અને થોડી દવાઓની પહોંચો. એ પછી એ એક પ્લાસ્ટિકનો ડબ્બો ખોલીને મને બતાવે છે જેમાં એમને દુઃખ ને બળતરામાં રાહત આપતી ગોળીઓના પત્તાં છે. સ્ટીરોઈડ ન હોય એવા પ્રકારની દુખાવામાં અને સોજામાં રાહત આપતી આ દવાઓ એ જ્યારે બહુ મહેનતનું કામ કરવાનું હોય જેમ કે ડાંગર છડવાનું કામ, ત્યારે લે છે.
ડૉ. વૈદેહી નગરકર છેલ્લા અઠ્યાવીસ વર્ષથી હાડાશીથી પંદર કિલોમીટર દૂર આવેલા પૌડ ગામમાં દવાખાનું ચલાવે છે. તેઓ કહે છે, “ડુંગરાળ પ્રદેશમાં અતિશય શારીરિક શ્રમ અને રોજિંદું વૈતરું એમાં સાથે કુપોષણ એ બધું મળીને સ્ત્રીઓના આરોગ્ય પર ભયાનક અસરો થાય છે. અમારી હોસ્પિટલમાં હવે એટલી પ્રગતિ થઈ છે કે સ્ત્રીઓ પોતાની પ્રજનનવિષયક બીમારીઓ માટે સારવાર લેવા આવતી થઈ છે પરંતુ લોહતત્ત્વની ખામી અને એનીમિયા, સંધિવા અને ઓસ્ટીઓપોરોસિસ જેવી લાંબા ગાળાની બીમારીઓની સારવાર લેવા કોઈ આવતું નથી.”
ડૉ. વૈદેહીના પતિ ડૉ. સચિન નગરકર ઉમેરે છે, “ ખેતીના કામકાજ માટે અત્યંત જરૂરી એવી હાડકાંની તંદુરસ્તી પ્રત્યે, ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિઓ, હજી પણ બેધ્યાન જ છે.”
બીબાબાઈ સમજે છે કે એને આટલી બધી તકલીફો કેમ વેઠવી પડી. “ એ જમાનામાં [આજથી વીસ વર્ષ પહેલાં] અમે આખો દિવસ સવારથી રાત સુધી કામ કરવા બહાર જ રહેતાં. સખત મહેનત કરવી પડતી હતી. ડુંગર પર આવેલા ખેતરે ઢોરોનું છાણ નાખવા જવાના સાત થી આઠ ફેરા કરવાના, [અને ઘરથી ત્રણ કિલોમીટર દૂર છે.] કૂવેથી પાણી ભરી લાવવાનું, ચૂલામાં બાળવાના લાકડાં જંગલમાંથી વીણી લાવવાના...”
બીબાબાઈની ખેતીવાડીનું કામ એનો દીકરો અને વહુ સંભાળે છે પણ હજી ય એ ત્યાંનાં કામમાં મદદ તો કરે જ છે. એ કહે છે, “ તમને ખબર છે? ખેડૂતના કુટુંબને ખરેખર આરામ કદી ન હોય. એમાં ય સ્ત્રીજાતને તો જરાય નહીં. સગર્ભા હોય કે બીમાર હોય.(કામ તો કરવું જ પડે.)”
હાડાશી ગામની વસ્તી 936 છે. ગામમાં જાહેર આરોગ્ય માળખા જેવું કશું જ નથી. સૌથી નજીકનું પેટા સ્વાસ્થ્ય કેન્દ્ર કોળવણમાં છે અને સૌથી નજીકનું સ્વાસ્થ્ય કેન્દ્ર ચૌદ કિલોમીટર દૂર કુલે ગામમાં છે. બીબાબાઈને કદાચ આ જ કારણે આટલા બધા દાયકાઓ સુધી ખાનગી ડૉક્ટરો અને ખાનગી દવાખાનાંઓમાં સારવાર લેવી પડી હશે. જોકે કયા ડૉક્ટર પાસે જવું, કઈ હોસ્પિટલમાં જવું એ વિષેના નિર્ણયો દરેક વખતે એના સંયુક્ત કુટુંબના પુરુષવર્ગે જ લીધેલા.
આમ તો મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોના લોકો ભૂવા-ભગતમાં ઘણી શ્રદ્ધા રાખે પણ બીબાબાઈને એમનામાં શ્રદ્ધા નથી. જીવનમાં એ એક જ વાર ભૂવા પાસે ગયેલી. “એણે મને એક મોટી ગોળાકાર થાળીમાં બેસાડી અને નાના બાળકને નવડાવતો હોય એમ એણે મારા માથા પર પાણી રેડ્યું. મને એ જરા ય ન ગમ્યું. બસ એ એક જ વાર હું ભૂવા પાસે ગયેલી” જોકે એને આધુનિક દવાઓમાં શ્રદ્ધા છે એ અપવાદરૂપ વાત કહેવાય. શિક્ષક પતિની પત્ની હોવાની આ અસર હોઈ શકે.
હવે આપ્પાને દવા આપવાનો વખત થયો છે. એ બીબાબાઈને બોલાવે છે. સોળેક વર્ષ પહેલાં આપ્પાને નિવૃત્ત થવાના બે વર્ષ બાકી હતા ત્યારે લકવાનો હુમલો થતાં એ પથારીવશ થઈ ગયા. આપ્પા અત્યારે 74 વર્ષના છે. એ જાતે બોલી, ખાઈ કે હાલીચાલી શકતા નથી. કોઈ વાર એ પથારીમાંથી જાતને ઢસડીને બારણાં સુધી જાય છે. જ્યારે હું પહેલી વાર બીબાબાઈને મળવા ગઈ ત્યારે બીબાબાઈએ મારી સાથે વાતો કરવામાં આપ્પાને દવા આપવામાં મોડું કરેલું એટલે એ ચિડાઇ ગયેલા.
બીબાબાઈ આપ્પાને રોજ ચાર વાર ખવડાવે છે. આપ્પાને સોડિયમની ઉણપ છે. એને માટે એમને મીઠાવાળું પાણી અને દવાઓ આપે છે. સોળ વર્ષથી, પોતાની તબિયતની સમસ્યાઓ છતાં એ સમયસર આ કામ કરે છે અને પ્રેમથી કરે છે. એમ જ તટસ્થતાથી એ એનાથી થાય એટલું ખેતીવાડીનું કામ અને ઘરનું કામ પણ કરે છે. આટલા બધા દાયકાઓના કામ અને શારીરિક પીડાઓ વેઠતાં પણ એ માત્ર એટલું જ કહે છે, “ખેડૂતની ઘરવાળીને આરામ કદી મળે જ નહીં.”.
આવરણ રેખાંકન: પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.
ગ્રામીણ ભારતની કિશોરવયની છોકરીઓ અને યુવતીઓના વિષયનો PARI અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો રાષ્ટ્રવ્યાપી પત્રકારિત્વનો પ્રોજેક્ટ એ પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સહાયથી શરુ કરાયેલો છે જેના અંતર્ગત આ ખૂબ મહત્વના તેમજ વંચિત સમુદાયોની સ્થિતિને તેમના અવાજમાં અને તેમના રોજબરોજના અનુભવોના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ લેખ પુનઃપ્રકાશિત કરવા ઈચ્છો છો? તો લખો: [email protected] અને સાથે સંપર્ક કરો (cc): [email protected]
અનુવાદક: સ્વાતિ મેઢ