“અમે ચિંતિત હતા કે મૃત્યુ પછી અમારા પિતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવશે.”
પંચનાથન સુબ્રમણ્યમના અવસાનના બે મહિના પછી પણ એમના દીકરા એસ. રમેશ આજ સુધી દુઃખી છે: “કોવિડ-૧૯ના લક્ષણો પછી જયારે અમે એમને તંજાવુરની સરકારી હોસ્પિટલમાં ભરતી કર્યા, ત્યારે અમે સ્વપ્ને ય નહોતું વિચાર્યું કે અહિયાંથી અમારે એમને મૃત અવસ્થામાં પાછા લઇ જવા પડશે.”
ભારતીય સેનામાં કારકુન પદેથી વર્ષો પહેલાં નિવૃત્ત થયેલા ૬૮ વર્ષીય સુબ્રમણ્યમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ મોટી સમસ્યા નહોતી. એમને સેના સાથેના એમના સંબંધ ઉપર ગર્વ હતો “અને એમણે એમના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખ્યું હતું. એમણે ક્યારેય એમની દૈનિક ચાલવાની ક્રિયા છોડી નહોતી અને એમના ખોરાક ને લઈને શિસ્તબદ્ધ હતા.” તમિલનાડુના કુંબકોણમ શહેરના નિવાસી, ૪૦ વર્ષીય રમેશ સમજાવે છે કે, “એમને હોસ્પિટલમાં ભરતી કરતી વખતે પણ, અમે વિચારી રહ્યાં હતા કે તેઓ સાજા થઇ જશે.”
પરંતુ ૧૪ ઓગસ્ટે જ્યારે સુબ્રમણ્યમનું અવસાન થયું, તો રમેશ અને એમના પરિવારનાં સભ્યો વ્યાકુળ થઇ ગયા– ફક્ત એટલા માટે નહીં કે એમણે એમને ખોઈ દીધા હતા. પરંતુ તેઓએ જોયું હતું કે કઈ રીતે કોવિડ-૧૯ પીડિતોની અંતિમ વિધિને રાજ્યમાં કલંકિત કરવામાં આવતી હતી અને તેઓ હવે શું કરવું એ વિષે ચિંતિત હતા. રમેશ કહે છે કે, “અમને મિત્રો અને સંબંધીઓ પાસે થી વધારે મદદ નહોતી મળી. એ વાત સમજી શકાય છે, કેમ કે કોરોનાથી થયેલું મૃત્યુ એક ખૂબ મોટી ચિંતાનું કારણ છે.”
ત્યારે જ અનપેક્ષિત દિશામાંથી, રાજ્યના એક ગેર-સરકારી સંગઠન – તમિલનાડુ મુસ્લિમ મુન્નેત્ર કડ્ગમ (ટીએમએમકે) તરફથી ખુબજ વ્યવહારિક મદદ મળી. સુબ્રમણ્યમના અવસાનની થોડીક જ ક્ષણો બાદ, ટીએમએમકે ના છ સ્વયંસેવક પરિવારની સહાયતા અર્થે ત્યાં પહોંચી ગયા – એમણે હોસ્પિટલ માંથી મૃતદેહ લેવાથી લઈને, એમના વતન કુંબકોણમમાં એમને પુરા સન્માનથી દફનાવા સુધી (કેટલાક હિંદુ સમુદાય એમના મૃત પામેલા લોકોને અગ્નિદાહને બદલે દફ્નાવે છે) પૂરી સહાયતા કરી.
પરિવાર માટે આ નસીબની વાત હતી. જયારે ટીએમએમકે માટે, સુબ્રમણ્યમની અંતિમ વિધિ એ એમણે આખા તમિલનાડુ અને પાંડુચેરીમાં માર્ચના અંતથી લઈને અત્યારે સુધી કરી હતી એવી ૧,૧૦૦ અંતિમ વિધિઓ પૈકીની એક હતી. આ અંતિમ વિધિ મૃતકના સમુદાય કે જાતિની પરવાહ કર્યા વગર – પરિવારની ધાર્મિક પરંપરાઓ અને ઈચ્છાઓ અનુસાર કરવામાં આવે છે. કોવિડ-૧૯થી થનારા મૃત્યુના મામલામાં, ટીએમએમકે સ્થાનિક વહીવટીતંત્રના નિયમોનું પાલન કરીને એમને ૮ ફૂટ ઊંડા ખાડામાં દફન કરે છે.









