ચાંદી જેવી ચમકતી માછલીઓ પર મીઠાના દાણા નાખતાં વિસલાત્ચી કહે છે, "હું મારી બે દીકરીઓ માટે આવું જીવન નથી ઈચ્છતી." આ 43 વર્ષીય મહિલા તમિલનાડુના કિનારે આવેલા કુડ્ડલોર ઓલ્ડ ટાઉન હાર્બર પર 20 વર્ષ કરતાં વધુ સમયથી માછલીઓ સૂકવવાનું કામ કરી રહ્યાં છે.
તેઓ કહે છે, “હું એક ભૂમિહીન દલિત પરિવારમાં ઉછરી છું, અને ડાંગરની ખેતી કરતા મારા ખેતમજૂર માતા-પિતાને મદદ કરતી આવી છું. તેઓ ભણ્યાં ગણ્યાં ન હતાં." 15 વર્ષની ઉંમરે વિસલાત્ચીના લગ્ન શક્તિવેલ સાથે થયા હતા અને તેના બે વર્ષ પછી તેમની પ્રથમ પુત્રી શાલિનીનો જન્મ કુડ્ડલોર જિલ્લાના ભીમા રાવ નગર નામના એક નેસમાં થયો હતો.
ભીમા રાવ નગરમાં ખેતમજૂરીનું કામ ન મળતાં વિસલાત્ચી આજીવિકાની શોધમાં કુડ્ડલોર ઓલ્ડ ટાઉન હાર્બર પર આવ્યાં હતાં. 17 વર્ષની વયે તેઓ કમલાવેણીને મળ્યાં હતાં, જેમણે તેમને માછલી સૂકવવાનું શીખવ્યું હતું અને આ વ્યવસાય સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારથી વિસલાત્ચી આ જ વેપાર સાથે જોડાયેલાં છે.
ખુલ્લામાં માછલી સૂકવવી એ માછલી પર કરાતી પ્રક્રિયાનું સૌથી જૂનું સ્વરૂપ છે અને તેમાં માછલી પર મીઠું લગાવવું, તેને શેકવી, તેનું અથાણું બનાવવું વગેરે જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. કોચી સ્થિત સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2016માં કરાયેલ મરીન ફિશરીઝ સેન્સસ મુજબ, કુડ્ડલોર જિલ્લામાં માછીમારીના વ્યવસાયમાં સક્રિય એવી 5,000થી વધુ મહિલાઓમાંથી આશરે 10 ટકા મહિલાઓ માછલીઓ સૂકવવામાં, તેમને અલગ પાડવામાં, અને તેની ચામડી ઉતારવાનું કામ કરે છે. મત્સ્યોદ્યોગ વિભાગના જણાવ્યા અનુસાર, 2020-2021માં તમિલનાડુમાં દરિયાઈ મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહિલાઓની સંખ્યા લગભગ 2.6 લાખ હતી.

















