હવે ગમે તે ક્ષણે માત્ર અમદાવાદના હજારો રનવે પરથી તેઓ ઉડાન ભરશે. કોઈપણ જાણીતી એર પરેડ કરતાં વધુ રંગીન અને તેજસ્વી દૃશ્ય હશે એ. તેમના મગરૂર પાઇલટ્સ અને માલિકો બંને જમીન પર છે. એ બંને જે હકીકતથી અજાણ છે તે એ છે કે - તેઓ જે યાન ઉડાવી રહ્યા છે તે - તે દરેકેદરેક યાન - આ ઉદ્યોગને ધમધમતો રાખવા લગભગ આખું વરસ કામે લાગતા આઠેક સભ્યોના ગ્રાઉન્ડ ક્રૂ (જમીન પર રહેલા કાફલા) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ કાફલામાં મોટે ભાગે મહિલાઓ છે, ઘણું કરીને ગ્રામીણ અથવા નાના શહેરમાં રહેતી, અને જેઓ તેમના જટિલ, નાજુક પરંતુ કઠિન કામ માટે નજીવી કમાણી કરે છે, અને જેઓ પોતે ક્યારેય ઊંચી ઉડાન ભરી શકવાના નથી.
મકરસંક્રાંતિનો સમય છે અને આ હિંદુ તહેવારની ઉજવણીરૂપે શહેરમાં ઉડાવવામાં આવતા મેઘધનુષી રંગના પતંગોમાંના ઘણાખરા અમદાવાદમાં જ અને ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં - મુસ્લિમ અને ગરીબ હિંદુ ચુનારા સમુદાયની મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. મોટાભાગના પતંગ ચગાવનારા, સ્વાભાવિક રીતે જ, હિંદુઓ રહેવાના.
આ મહિલાઓ વર્ષમાં દસ મહિના કરતાં વધુ સમય માટે - સાવ નજીવા વળતર સાટે - પતંગો બનાવવાનું કામ કરે છે - ખાસ કરીને એ રંગબેરંગી પતંગો જે 14 મી જાન્યુઆરીએ આકાશને શણગારે છે. ગુજરાતમાં 625કરોડના આ ઉદ્યોગમાં કામ કરતા 1.28 લાખ લોકોમાં દર 10 માણસોમાંથી 7 મહિલાઓ હોય છે.
40 વર્ષના સબીન અબ્બાસ નિયાઝ હુસૈન મલિક કહે છે, “સાત (જણના) હાથમાંથી પસાર થાય ત્યારે એક પતંગ તૈયાર થાય. અમે ખંભાતના લાલ મહેલ વિસ્તારની એક નાની ગલીમાં તેમના 12 x 10 ફૂટના ઘર-કમ-દુકાનમાં બેઠા છીએ. અને ચળકતા રૂપેરી પેકેટોમાં લપેટાઈને વેચાણકર્તાઓને મોકલવા માટે તૈયાર થયેલા પતંગોની પૃષ્ઠભૂમિમાં બેસીને તેઓ દેખીતી રીતે મનોરમ જણાતા આ ઉદ્યોગની ઓછી જાણીતી બાજુથી અમને માહિતગાર કરી રહ્યા છે.
પેક કર્યા વિનાના ચોતરફ વિખરાયેલા રંગબેરંગી પતંગો તેમના એક રૂમના ઘરની અડધાથી વધુ ભોંય આવરી લે છે. મકરસંક્રાંતિ માટે (પતંગનો) પુરવઠો તૈયાર કરવા 70 કારીગરોના કાફલા/ની ફોજ સાથે વર્ષભર કામ કરતા તેઓ ત્રીજી પેઢીના કોન્ટ્રાક્ટ ઉત્પાદક છે. (ઉડાન ભરતા પહેલા) પતંગને જે હાથોમાંથી પસાર થવું પડે છે તેમાંના આ આઠમા હાથ છે.
આસ્તિકો માટે મકરસંક્રાંતિ એ સૂર્યના મકર રાશિમાં સ્થાનાંતરનો (સંક્રાંતિનો) સંકેત આપે છે. તે (પાકની) લણણી સાથે સંકળાયેલો તહેવાર પણ છે જે સમગ્ર ભારતમાં વિવિધ પરંપરાઓ અને નામો સાથે ઉજવવામાં આવે છે, જેમ કે આસામમાં માઘ બિહુ, બંગાળમાં પોષ પર્વન અને તમિલનાડુમાં પોંગલ. ગુજરાતમાં તેને ઉત્તરાયણ કહેવાય છે જે શિયાળુ અયનકાળ દરમિયાન સૂર્યની ઉત્તર તરફની ગતિનો સંકેત આપે છે. પણ હવે તો ઉત્તરાયણ એટલે પતંગ અને પતંગ એટલે ઉત્તરાયણ જેવું થઈ ગયું છે.
દાદાના ઘરની અગાશી પરથી મેં પહેલી વાર પતંગ ચગાવ્યો હતો ત્યારે હું છ વર્ષની હતી. અમદાવાદની પોળમાં આવેલું અમારું એ ઘર આસપાસના મકાનોમાં સૌથી ઊંચું. સારામાં સારો પવન હોય તો ય મારો પતંગ ચગાવવા મારે બીજા છ હાથની જરૂર પડે. સૌથી પહેલા (બે) નિષ્ણાત હાથ મારા પપ્પાના, જેઓ કિન્ના બાંધી આપે. બીજા વધુ ધીરજવાળા (બે હાથ) મારી માના, જે હંમેશા માંજાવાળી ફિરકી પકડે. અને છેલ્લા બે હાથ કોઈ હોય તો તે બાજુના મકાનની અગાશી પરથી મને છૂટ અપાવતા કોઈ અજાણ્યા ભલા મદદરૂપ વ્યક્તિના, જેઓ મારા પતંગને કમાનના બંને છેડેથી પકડીને, તેમની અગાશીના સૌથી દૂરના ખૂણે પહોંચી - હાથ આકાશ તરફ લંબાવી અને પવનનો જોરદાર સપાટો એ પાતળા રંગીન કાગળને ઘેરી લે અને હું મારા પતંગને હવામાં ખેંચી શકું ત્યાં સુધી રાહ જુએ.
અમદાવાદની પોળોમાં નાનેથી મોટા થનાર દરેકે મારી જેમ જ આ પતંગો વિષે કંઈ ઝાઝું વિચાર્યા વિના, પતંગને સાવ સહજ મળી રહેતી વસ્તુ માની લીધી હોય. અમારે મન પતંગો એટલે અનેક કદ અને આકારના નાના કાગળના પક્ષીઓ, એ કાં તો માળિયામાં છુપાયેલા જૂના પટારામાંથી ઉડે કે પછી ઉત્તરાયણના દિવસે આખા ય આકાશને ભરી દે તેના થોડા દિવસો પહેલા શહેરના ભીડભાડવાળા બજારોમાંથી ખરીદાય. અમારા પતંગ થોડા સમય માટે આકાશમાં ઊંચી ઉડાન ભરી શકે તે માટે આખું વર્ષ કામે લાગતા જમીન પર રહેલા એ ગુમનામ કાફલાની - પતંગ બનાવનારાઓની - જિંદગી વિષે વિચારવાની વાત તો દૂરની થઈ, પતંગના અથવા તેને બનાવવાની હસ્તકલાના ઇતિહાસ વિષે કોઈએ ક્યારેય કંઈ જ વિચાર્યું ન હોય.
પતંગ ચગાવવાની રમત એ આ સિઝનમાં બાળકોને ઘેલું લગાડતી રમત. પણ પતંગ બનાવવા એ સહેજે રમતવાત નથી.
*****
સબિન મલિક સમજાવે છે, "દરેક કામ અલગ-અલગ કારીગર કરે. એક જણ કાગળ કાપે, બીજો પાન [હૃદયના આકારનું કટ આઉટ] ચોડે, ત્રીજો દોરી [પતંગને લગાડેલી દોરીની કિનારી] ચોડે અને ચોથો ઢઢ્ઢો. એ પછી વળી બીજો એક કારીગર કમાન ચોડે, ને વળી બીજો મોર, ચીપ્પા, માથા જોડી, નીચી જોડી [પતંગને મજબૂતી આપવા તેના જુદા જુદા ભાગો પર ચોંટાડવામાં આવતી કાગળની નાની નાની પટ્ટીઓ] ચોડે, તો વળી ત્રીજો પતંગને ચોંટાડવામાં આવતી ફૂદડી (પૂંછડી) બનાવે."
મલિક મારી સામે એક પતંગ પકડી દરેક ભાગ તરફ આંગળી ચીંધીને સમજાવે છે. હું એ સમજવા માટે મારી નોટબુકમાં એક નાનકડો પતંગ દોરું છું. દેખીતી રીતે સાવ સીધાસાદા લાગતા પતંગ બનાવવાની પ્રક્રિયા ખાસ્સી અટપટી છે - પતંગ પરનું દરેકેદરેક કામ હકીકતમાં ખંભાતના અલગ-અલગ વિસ્તારોમાં થાય છે.
સબીન મલિક તેમનું નેટવર્ક સમજાવતા કહે છે, "અહીંથી એકાદ કિલોમીટર દૂર શકરપુરમાં એક જ કામ થાય, દોરીની કિનારીનું, અકબરપુરમાં પાન/સાંધા [ડિઝાઈનના સાંધા] કરે. નજીકના દાડીબામાં ઢઢ્ઢા ચોડે. 3 કિલોમીટર દૂર નાગારા ગામમાં કમાન ચોડે, મટન માર્કેટમાં પટ્ટી કામ (પતંગને મજબૂતી આપવા તેના જુદા જુદા ભાગો પર કાગળની નાની નાની પટ્ટીઓ ચોંટાડવાનું કામ) થાય. ત્યાં ફૂદડી પણ બને.”
ખંભાત, અમદાવાદ, નડિયાદ, સુરત અને ગુજરાતમાં બીજા સ્થળોએ પતંગ બનાવવનો ધંધો કરતા દરેકની આ જ કહાણી છે.
60 વર્ષના મુનાવર ખાન અમદાવાદમાં આ જ વ્યવસાય સાથે સંકળાયેલી ચોથી પેઢીના છે. તેમનું કામ પતંગ માટે બેલ્લારપુર અથવા ત્રિવેણી કાગળો ખરીદવાથી શરુ થાય છે, કાગળની આ બંને જાતના નામ તેના ઉત્પાદકોના નામ પરથી પડ્યા છે - અમદાવાદમાં બેલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝ અને કોલકતામાં ત્રિવેણી ટિશ્યૂઝ. વાંસની લાકડીઓ આસામથી મંગાવવામાં આવે છે અને કોલકાતામાં તેને વિવિધ કદમાં કાપવામાં આવે છે. તેઓ જે કાગળના રીમ ખરીદે છે તે વિવિધ કદ અને આકારોમાં કાપવા માટે તેમની વર્કશોપમાં જાય છે.
કાગળોને લગભગ 20-20 શીટ્સના સુઘડ બંડલમાં મૂકી તેઓ એક મોટી છરીથી પતંગના કાગળોને જોઈતા કદમાં કાપવાનું શરૂ કરે છે. તે પછી તેઓ તેને એકની -ઉપર-એક ઢગલામાં ગોઠવીને આગલા કારીગર સુધી પહોંચાડે છે.
ખંભાતમાં 41 વર્ષના રાજ પતંગવાળા પણ આવું જ કામ કરે છે. તેઓ કહે છે, "મને બધા કામ આવડે." અમારી સાથે વાતો કરતા કરતા તેઓ તેમના પતંગો માટે મુક્ત વળાંકોવાળા આકારો કાપી રહ્યા છે. તેઓ ઉમેરે છે, “પરંતુ હું એકલો આ બધા કામ ન કરી શકું. અમારે ત્યાં ખંભાતમાં ઘણા કારીગરો છે, કોઈ મોટા પતંગો પર કામ કરે તો કોઈ નાના પતંગો પર. અને દરેક કદની પતંગોની 50 જાત હોય.”
મારા શિખાઉ હાથ ઘેંશિયાને અમારી અગાશીથી માંડ ત્રણ મીટરના ટૂંકા અંતર સુધી ચગાવી શકે ત્યાં સુધીમાં તો આકાશમાં કેટકેટલા આકારના ને કેટકેટલા રંગના પતંગો વચ્ચે અદ્દભૂત પેચ જામ્યા હોય. ચીલ, ચાંદેદાર, પટ્ટેદાર, અને બીજા કંઈ કેટલાય પ્રકારના પતંગોથી આકાશ ભરાઈ ગયું હોય.
પતંગની ડિઝાઇન, રંગ અને આકાર જેટલા જટિલ, તેટલી જ વધારે મહેનત એક કુશળ કારીગરે એ અનેક ટુકડાઓને એકસાથે ચોડવા માટે કરવી પડે. ખંભાતના અકબરપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષના કૌસર બાનુ સલીમભાઈ છેલ્લા 30 વર્ષથી આ કામ કરતા આવ્યા છે.
તેઓ કાપેલા રંગબેરંગી આકારોને પતંગના મુખ્ય ઢાંચા સાથે મિક્સ એન્ડ મેચ કરે છે અને ડિઝાઇન પૂરી કરવા આ આકારોની ધાર પર ગુંદર લગાડી તેમને મુખ્ય ઢાંચા સાથે જોડે છે. કૌસર બાનુ ત્યાં ભેગા થયેલા તરફ ઈશારો કરતા કહે છે, "અમે બધી મહિલાઓ જ અહીં આ કામ કરીએ છીએ. પુરુષો કારખાનાઓમાં કાગળ કાપવાના કે પતંગ વેચવાના એવા બીજા કામો કરે છે."
કૌસર બાનુ સવારે, બપોરે અને ઘણીવાર રાત્રે પણ કામ કરે છે. તેઓ સમજાવે છે, “મોટાભાગનો સમય હજાર પતંગ બનાવવાના મને 150 રુપિયા મળે. ઓક્ટોબર અને નવેમ્બરમાં, જ્યારે માંગ તેની ટોચ પર હોય ત્યારે બહુ બહુ તો 250 રુપિયા મળે. અમે મહિલાઓ (આ કામની સાથે સાથે) ઘરનું કામ તો કરીએ જ અને રસોઈ પણ બનાવીએ."
સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન દ્વારા 2013 માં કરાયેલા અભ્યાસ માં પુષ્ટિ મળી હતી કે આ ઉદ્યોગમાંની 23 ટકા મહિલાઓ મહિને 400 રુપિયા કરતાં ય ઓછી કમાણી કરતી હતી. તેમાંની મોટા ભાગની મહિલાઓની કમાણી 400 થી 800 રુપિયાની વચ્ચે હતી. માત્ર 4 ટકા મહિલાઓની કમાણી મહિને 1200 રુપિયાથી વધુ હતી.
તેનો અર્થ એ કે તેમાંની મોટા ભાગની મહિલાઓની મહિનાની કમાણી એક જ મોટા, ડિઝાઇનર પતંગની વેચાણ કિંમત - 1000 રુપિયા - કરતાં ય ઓછી છે. સસ્તામાં સસ્તો પતંગ લેવા જાઓ તો ય તમારે લગભગ 150 રુપિયાનું પાંચ (પતંગ)નું પેકેટ લેવું પડે. મોંઘામાંના પતંગો તો 1000 રુપિયાના કે એથી ય વધારે મોંઘા હોય. અને એ બેની વચ્ચેની કિંમતોની શ્રેણી તો પતંગની જાતો, આકારો અને કદની સંખ્યા જેટલી જ આશ્ચર્યજનક. અહીં સૌથી નાના પતંગો 21.5 x 25 ઇંચના છે. સૌથી મોટા પતંગો એનાથી બે-ત્રણ ગણા મોટા હોઈ શકે.
*****
મને યાદ છે માંડ સહેજ ઊંચે ચગીને મારો પતંગ વળી પાછો જો અગાશી પર જ પાછો આવી જાય તો આ જોઈ રહેલું કોઈક બૂમ પાડીને મને કહેતું “ઢઢ્ઢો મચડ!” અને હું મારા નાનકડા હાથથી પતંગને ઉપરના અને નીચેના છેડેથી પકડી તેનો ઢઢ્ઢો મચડતી. ઢઢ્ઢો સહેલાઈથી વાળી શકાય એવો હોવો જોઈએ પણ વાળીએ કે સહેજમાં તૂટી જાય એવો ય ન હોવો જોઈએ.
દાયકાઓ પછી ખંભાતના ચુનારવાડમાં હું 25 વર્ષના જયાબેનને આ સહેલાઈથી વાળી શકાય એવો વાંસનો ઢઢ્ઢો પતંગ પર ચોંટાડતા જોઉં છું. તેઓ જે ગુંદરનો ઉપયોગ કરે છે તે બાફેલા સાબુદાણામાંથી ઘેર જ બનાવેલો છે. તેમના જેવા કારીગરને હજાર ઢઢ્ઢા ચોંટાડવાના 65 રુપિયા મળે. પતંગ બનાવવાની ચોક્કસ ક્રમાનુસાર ચાલતી આખી પ્રક્રિયામાં હવે તેમના પછીના કારીગરે પતંગ પર કમાન ચોંટાડવાની હોય.
પણ એક મિનિટ, એક મિનિટ, (પતંગ પર ચોડતા) પહેલા હજી કમાનને પોલિશ કરવી પડે, લીસ્સી કરવી પડે. ચુનારાવાડના 36 વર્ષના આશાબેન વર્ષોથી એ વાંસની લાકડીઓ છોલીને તેને યોગ્ય આકાર આપતા આવ્યા છે. લાકડીઓનું બંડલ પાસે લઈ પહેલી આંગળી પર સાયકલની ટ્યુબના રબરનો ટુકડો વીંટાળી પોતાના ઘરમાં બેઠા બેઠા તેઓ પાતળી ધારદાર લોખંડની છરીથી એ લાકડીઓ છોલે છે. આશાબેન કહે છે, "આવી હજાર લાકડીઓ છોલવાના મને લગભગ 60 થી 65 રુપિયા મળે. આ કામ કરતા કરતા અમારી આંગળીઓ ય બરછટ થઈ જાય છે. મોટી લાકડીઓ છોલવાની આવે ત્યારે કોઈ વાર લોહી પણ નીકળે."
કમાન લીસ્સી થઈ ગઈ છે, હવે એને એક ખાસ પ્રક્રિયામાંથી પસાર કરવી પડશે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં 60 વર્ષના જમીલ અહેમદની નાનકડી દુકાન છે અને હજી આજે પણ તેઓ કમાન પર આ ખાસ પ્રક્રિયા કરે છે જેને પરિણામે કમાનમાંનો ભેજ દૂર થાય છે અને તે જંતુરહિત બને છે. તેઓ વાંસની થોડી લાકડીઓ એકસાથે લઈ તેને આઠ જ્યોતથી સળગતા એકથી વધુ બર્નરવાળા કેરોસીન લેમ્પ બોક્સ પર તપાવે છે. આ પ્રક્રિયાને કારણે વાંસની લાકડીઓ પર કાળી પટ્ટીઓના નિશાન આવી જાય છે.
જમીલ કમાન ચોંટાડવા ખાસ ગુંદર વાપરે છે. "પતંગ બનાવવા ત્રણથી ચાર જાતના ગુંદરની જરૂર પડે, દરેક ગુંદર અલગ-અલગ ઘટકોમાંથી બને અને દરેકની ઘનતા અલગ અલગ હોય." તે આછા વાદળી રંગના ગુંદરનો ઉપયોગ કરી રહ્યા છે, તે મોરથુથુ તરીકે ઓળખાતા કોબાલ્ટ રંગદ્રવ્યો સાથે મેંદો ભેળવીને બનાવેલ છે. કમાન ચોંટાડવાનો દર છે - હજાર કમાનદીઠ 100 રુપિયા.
અમદાવાદના જુહાપુરામાં 35 વર્ષના શહાબિયા દોરીની કિનારીના કામ માટે જે ગુંદર વાપરે છે તે જમીલના ગુંદર કરતા અલગ છે. તેઓ એ ગુંદર રાંધેલા ભાતમાંથી ઘેર જ બનાવે છે. છત પરથી તેમના માથા પર લટકતા દોરાના જાડા સમૂહમાંથી ખૂબ પાતળો દોરો ખેંચતા ખેંચતા તેઓ કહે છે કે તેઓ વર્ષોથી આ કામ કરે છે. તેઓ પતંગની પરિમિતિની આસપાસ ઝડપભેર દોરો ઘુમાવે છે, પોતાની આંગળીઓ પર ચોંટેલુ ગુંદરનું પાતળું પડ દોરા પર લગાડે છે. લઈ (રાંધેલા ભાતમાંથી બનાવેલ ગુંદર) થી ભરેલો વાડકો તેમના નીચા ડેસ્કની નીચે સંતાડેલો છે.
“મારા વર ઘેર આવી જાય એ પછી મારાથી આ કામ ના કરાય. મને બધું કરતી જુએ તો એ ચિડાઈ જાય." શહાબિયાનું કામ પતંગને મજબૂતી આપે છે અને પતંગની ધારને ફાટી જતી રોકે છે. હજાર પતંગની કિનારીનું કામ કરવાના તેમને 200-300 રુપિયા મળે. તે પછી બીજી મહિલાઓ પતંગના ઢઢ્ઢાને મજબૂતી આપવા અને કમાનના છેડાને તેની જગ્યાએ બરોબર પકડી રાખવા દરેક પતંગ પર કાગળની નાની નાની પટ્ટીઓ ચોંટાડે છે. હજાર પતંગ પૂરા કરે ત્યારે તેમને 85 રુપિયા મળે છે.
42 વર્ષના ફિરદોસ બાનુ - 100-100ના સમૂહમાં એકસાથે બાંધેલ ઉઠાવદાર અને રંગબેરંગી પતંગના કાગળના ફૂમતાં (અથવા ફૂદડીઓ) ને - એક હાથેથી પકડીને અમારી સામે લટકાવી દે છે - જાણે ગોળ વીંટેલા અનેક મેઘધનુષ્ય !!! ફિરદોસ બાનુના પતિ અકબરપુરમાં રીક્ષા ચલાવે છે. તેઓ પહેલા ઓર્ડર પર પાપડ બનાવતા હતા. ફિરદોસ બાનુ કહે છે, “પણ એ બહુ અઘરું હતું, કારણ પાપડ સૂકવવા માટે અમારી પાસે અમારી પોતાની અગાશી નથી. જો કે આ કામ પણ સહેલું નથી અને તેમાં મને ખાસ પૈસા પણ મળતા નથી, પણ શું કરીએ? મને આનાથી વધારે સારું બીજું કંઈ આવડતું ય નથી."
પતંગની ડિઝાઈન, રંગ અને આકાર જેટલા જટિલ તેટલા વધુ ટુકડાઓ ચોંટાડવા માટે કુશળ શ્રમિકોની મહેનતની જરૂર
તેઓ લાંબી ધારદાર કાતર વડે નાની-મોટી જે પ્રમાણેની ફૂદડી બનાવવાની હોય તે પ્રમાણેના કાગળને વાળીને એક બાજુથી પાતળી પાતળી પટ્ટીઓમાં કાપી નાખે છે. એ પછી આ પટ્ટીઓ કાપેલા કાગળ તેઓ પોતાની દીકરીઓ 17 વર્ષની દિલશાદ બાનુ અને 19 વર્ષની માહેરા બાનુના હાથમાં સોંપે છે. તેઓ બંને એક સમયે પટ્ટીઓ કાપેલો એક-એક કાગળ લે છે અને પહેલેથી બનાવી રાખેલ લઈ કાગળની વચ્ચે થોડીક લગાડે છે. બંને દીકરીઓ પોતપોતાના પગના અંગૂઠા અને આંગળી વચ્ચે પકડી રાખેલા દોરાના સમૂહમાંથી એક દોરો ખેંચે છે, અને તેનું નાનકડું સટકિયું વાળી તેની આસપાસ કાગળને ઘુમાવી મજાની ફૂદડી બનાવી દે છે. ક્રમાનુસાર ચાલતી પ્રક્રિયામાં હવે તેમના પછીનો આગળનો કારીગર ફૂદડીને પતંગ સાથે બાંધે ત્યારે પતંગ ચગાવવા લાયક બને છે. અને આ ત્રણેય મહિલાઓ ભેગી થઈને આવી હજાર ફૂદડીઓ બનાવે ત્યારે તેઓને ત્રણેયની વચ્ચે બધું મળીને ફક્ત 70 રુપિયા જ મળે.
“લપેટ…!!” આ વખતની બૂમો જોરદાર હતી. ભારે અને ઝોલા ખાતો પતંગનો માંજો આકાશમાંથી અગાશી પર પડતો હતો. હા, મારો એ મનગમતો પતંગ કપાઈ ગયો હતો, દાયકાઓ પછી હજી આજે ય મને એ યાદ છે.
હું હવે પતંગ ચગાવતી નથી. પરંતુ આ અઠવાડિયે એવા લોકોને મળવાનું થયું જેઓ હજી પણ આવતી પેઢીઓના બાળકો માટે ઊંચી ઉડાન શક્ય બનાવે છે, જેમની અવિરત મહેનત આપણી મકરસંક્રાંતિ(ની ઉજવણી) માં રંગ લાવે છે.
લેખક આ લેખના રિપોર્ટિંગમાં મદદ કરવા બદલ હોઝેફા ઉજ્જૈની, સમીના મલિક, અને જાંનિસાર શેખના આભારી છે.
મુખપૃષ્ઠ આવરણ: ખમરુન નીસા આજકાલ બહુ પ્રચલિત એવી પ્લાસ્ટિકની પતંગો પર કામ કરે છે. ફોટો: પ્રતિષ્ઠા પંડ્યા
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક