“પહેલા તો તેમણે કહ્યું કે કાર્ડ પર સિક્કો નથી. પછી મેં તેના પર સિક્કો લગાડાવવા માટે જરૂરી બધા કાગળો તૈયાર કર્યા. પરંતુ તેઓએ મને કોઈ રેશન આપ્યું નથી. '
હું જ્યારે 12 મી એપ્રિલે પુના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હંગામી ધોરણે કામ કરનાર ગાયાબાઈને મળ્યો ત્યારે તેઓ લોકડાઉન દરમ્યાન તેમના પરિવાર માટે અનાજ ખરીદવાની ચિંતામાં હતા. તેઓ જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ-PDS) કેન્દ્ર પરથી તેમના પીળા રેશનકાર્ડ ઉપર રેશન મેળવી શક્યા નહોતા. ગરીબી રેખાની નીચે (BPL) જીવતા પરિવારોને પીળું રેશનકાર્ડ આપવામાં આવે છે . પુનાના કોથરૂડના શાસ્ત્રી નગર વિસ્તારમાં તેમના ઘરની નજીકની દુકાનમાં દુકાનદારે તેમને કહ્યું હતું કે તેમનું કાર્ડ માન્ય નથી. "તેણે કહ્યું કે જે લોકોને રેશન મળવાનું છે તે યાદીમાં મારું નામ નથી."
ગાયાબાઈના પતિ, ભીખા, એક કારખાના કામદાર હતા. કારખાનામાં ફરજ દરમ્યાન થયેલા અકસ્માતમાં તેઓ અપંગ થઈ ગયા. તે પછી એક વર્ષ બાદ એટલે કે 14 વર્ષ પહેલા 45 વર્ષના ગાયાબાઈએ પુના મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી/PMC ) માં સફાઈ કામદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. હવે તેઓ તેમના પરિવારમાં એકમાત્ર કમાઉ સભ્ય છે. તેમની મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે, તેમની નાની દીકરીએ અને દીકરાએ બંનેએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે અને કંઈ કમાતા નથી. ગાયાબાઈ તેમની મહિને લગભગ 8500 રુપિયાની આવકમાંથી ઘર ચલાવતા હતા. દર મહિને. શાસ્ત્રી નગરની ચાલીમાં પતરાના છાપરાવાળું તેમનું ઘર બિસ્માર હાલતમાં છે. તેમણે કહ્યું, “મારી આ હાલત છે, ને છતાં મને રેશન મળતું નથી.”
રેશનની દુકાનના તેમના અફળ ધક્કા માત્ર લોકડાઉનને કારણે નથી. તેમણે કહ્યું, "તેઓ [દુકાનદારો] છ વર્ષથી મને રેશન આપતા નથી." ગાયાબાઈને આશા હતી કે બીજું કંઈ નહીં તો લોકડાઉન દરમ્યાન તો તેમને થોડીઘણી સહાનુભૂતિ થશે.
25મી માર્ચે લોકડાઉન શરૂ થયાને બે અઠવાડિયા કરતાં પણ વધારે દિવસો વીત્યા પછી પણ ગાયાબાઈની વસાહતમાં રહેતા ઘણા પરિવારો સ્થાનિક પીડીએસ ની દુકાનો પરથી અનાજ ખરીદી શકતા નહોતા. કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર ખાતરી આપવામાં આવી છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (૨૦૧) દ્વારા આવરી લેવામાં આવતા રેશનકાર્ડ ધારકોને સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરાશે, તેમ છતાં દુકાનદારોએ તેમને કોઈને કોઈ કારણ આપી પાછા કાઢ્યા હતા.
જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે ઘણી સ્ત્રીઓ માટે રાહત દરે અથવા મફત મળતું અનાજ એ જ એક આધાર હતો - કારણ તેમની નજીવી આવક પણ બંધ થતાં તેમને છૂટક કિંમતો પરવડી શકે નહીં
ગાયાબાઈની ચાલમાં રહેતા બીજા ઘણા લોકોએ દુકાનદારો તેમને કેવા કેવા જવાબો આપતા તેની વાત કરી. એક પાડોશીએ કહ્યું, "જ્યારે હું કેન્દ્ર પર ગયો ત્યારે મને કહેવામાં આવ્યું કે હવે મને માસિક રેશન મળશે નહીં." બીજાએ ઉમેર્યું, “દુકાનદારે કહ્યું કે મારા અંગૂઠાની છાપ [સિસ્ટમમાંના રેકોર્ડ સાથે] મેળ ખાતી નથી. મારું આધારકાર્ડ રેશનકાર્ડ સાથે સંકળાયેલ નથી. ” એક મહિલાને તેમના પરિવારની આવક તેમના રેશનકાર્ડની આવક મર્યાદા કરતા વધારે હોવાનું કહી પાછા કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, "જે લોકો અનાજ ખરીદી શકતા નથી તેઓ શી રીતે રેશન મેળવશે?"
43 વર્ષના અલકા દાકે કહે છે, “દુકાનદારે મને કહ્યું કે તે મને કંઈ નહીં આપી શકે. છેલ્લા 3 વર્ષથી મને કોઈ રેશન મળતું નથી.” તેઓ નજીકની ખાનગી શાળામાં સફાઈ કામદાર તરીકે કામ કરી મહિને 5000 રુપિયા કમાય છે.
અલકાની પરિસ્થિતિ વિશે જણાવતાં સ્થાનિક કાર્યકર્તા ઉજ્વલા હવાલે કહે છે કે, "તેમની પાસે બીપીએલ પીળું કાર્ડ છે, છતાં તેમને રેશન મળતું નથી. દુકાનદાર તેમને ઘાંટા પાડીને તેમને ત્યાંથી કાઢી મૂકે છે. દુકાનદારે કાર્ડ ‘માન્ય’ કરાવવાનું વચન આપીને દરેક મહિલા પાસેથી 500 રુપિયા લીધા છે પરંતુ તેમને રેશન મળ્યું નથી. "
કેન્દ્રીય નાણાં પ્રધાન દ્વારા 26મી માર્ચે જાહેર કરાયેલા રાહત પેકેજના ભાગ રૂપે પાંચ કિલો ચોખા મફત આપવાનું વચન આપવામાં આવ્યું હતું. કાર્ડ ધારકોને માસિક અનાજની ફાળવણી ઉપરાંત આ ચોખા આપવાના હતા.પણ અલકા અને ગાયાબાઈને આ વચન પ્રમાણેના ચોખા મળ્યા ન હતા. 15મી એપ્રિલે રેશનની દુકાનોમાં ચોખા વહેંચવાનું શરૂ થયા પછી વધારે ને વધારે લાંબી કતારો થવા લાગી. પરંતુ મફત ચોખા સાથે કુટુંબ દીઠ જે એક કિલો દાળ મફત આપવાની હતી, તે હજી પીડીએસ કેન્દ્રો સુધી પહોંચી નથી. કોથરૂડના રેશનના દુકાનદાર કાંતિલાલ ડાંગીએ જણાવ્યું હતું કે, "મફત ચોખા તો આવી ગયા છે, પણ દાળ હજી સુધી આવી નથી , અમે હજી પણ દાળની રાહ જોઈ રહ્યા છીએ.”
જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે ઘણી સ્ત્રીઓ માટે રાહત દરે અથવા મફત મળતું અનાજ એ જ એક આધાર હતો - કારણ તેમની નજીવી આવક પણ બંધ થતાં તેમને છૂટક કિંમતો પરવડી શકે નહીં. રેશનની દુકાને અફળ ધક્કા ખાઈ ખાઈને કંટાળીને મહિલાઓના એક જૂથે કોથરૂડ નજીકના એરંડવણે વિસ્તારમાં પીડીએસની દુકાનની બહાર ધરણા કરવાનું નક્કી કર્યું હતું. 13 મી એપ્રિલે પોતાના રેશનકાર્ડ લઈને તેઓ દુકાનદાર પાસેથી રેશનની માંગ સાથે એકઠા થયા હતા.
નહેરુ વસાહતમાં રહેતી ઘર-નોકર જ્યોતિ પવાર ગુસ્સાથી બોલી ઊઠી: “મારા પતિ [લોકડાઉન દરમ્યાન] રીક્ષા ચલાવી શકતા નથી. અમને કશું જ મળતું નથી. મારી શેઠાણી મને મારો પગાર નથી આપતી. અમે શું કરી શકીએ? આ રેશનકાર્ડનો શું અર્થ છે? અમને અમારા બાળકો માટે સરખું ખાવાનું પણ નથી મળતું. ”લોકોને કેમ પાછા કાઢવામાં આવે છે એમ પૂછતાં કોથરૂડમાં રેશનની દુકાન ધરાવતા સુનિલ લોખંડેએ કહ્યું હતું કે, "અમે નિયત નિયમો અનુસાર રેશન વહેંચીએ છીએ. અમારી પાસે પુરવઠો આવે એટલે અમે અનાજનું વિતરણ કરીએ છીએ. ભીડ [લાંબી કતારો] હોવાથી કેટલાક લોકોને અગવડ પડે છે, પરંતુ એનું અમે કંઈ કરી શકીએ નહીં. "
પુનામાં રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના અધિકારી રમેશ સોનાવણેએ ફોન પર વાત કરતાં કહ્યું કે, "દરેક રેશનની દુકાનને જરૂરી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. તેથી દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં [તેમના હક મુજબનું] અનાજ મળવું જ જોઈએ. જો આમાં કોઈ તકલીફ હોય તો એ લોકોએ અમારો સંપર્ક સાધવો જોઈએ."
અનાજના વિતરણમાં થતી અનિયમિતતાઓ વિશે પોતાનો પ્રતિભાવ આપતા 23 મી એપ્રિલે મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબળે પત્રકારોને જણાવ્યું કે આવી ગેરરીતિઓ આચરવા બદલ અને લોકડાઉન નિયમોનું પાલન ન કરવા બદલ રેશન દુકાનદારો સામે કડક પગલા લેવામાં આવ્યા હતા - મહારાષ્ટ્રમાં 39 દુકાનદારો સામે કેસ નોંધવામાં આવ્યા હતા, અને 48 દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યાં હતાં.
બીજા દિવસે, રાજ્ય સરકારે જાહેરાત કરી કે તે કેસરી-કાર્ડ ધારકોને (ગરીબી રેખાથી ઉપર જીવતા અથવા એપીએલ પરિવારો) તેમજ બીપીએલ પરિવારો કે જેમના પીળા કાર્ડ કોઈપણ કારણોસર રદ કરવામાં આવ્યા છે તેમને ત્રણ મહિના માટે રાહત દરે ચોખા અને ઘઉંનું વિતરણ કરવામાં આવશે.
30મીએપ્રિલના રોજ, અલકાએ તેમના પીળા કાર્ડ પર રેશનની દુકાનમાં બે કિલો ચોખા અને ત્રણ કિલો ઘઉંની ખરીદ્યા. અને મેના પહેલા અઠવાડિયામાં, ગાયાબાઈએ તેમના રાહત પરિવાર માટે 32 કિલો ઘઉં અને 16 કિલો ચોખા ખરીદ્યા.
ગાયાબાઈ કે અલકા બેમાંથી કોઈને ય ખબર નથી કે કઈ સરકારી યોજનાથી તેઓને આ રાહત મળી છે - અથવા તે ક્યાં સુધી ચાલુ રહેશે.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક