પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગરના કુંભાર જગમોહન કહે છે, "અમારા કામ પર પહેલેથી અસર થઈ હતી," રાજ્ય સરકારે એક વર્ષ પહેલાં જારી કરેલ લાકડા અને લાકડાનો વહેર સળગાવીને ચલાવવામાં આવતી ભઠ્ઠીઓને બંધ કરવાના આદેશોનો હવાલો આપીને કહે છે કે, “આ કારણે, ઘણા કુંભાર ઓછી સંખ્યામાં વાસણો બનાવવા લાગ્યા, કેટલાક ફક્ત માલ વેચવા લાગ્યા અને કેટલાકે તો આ કામ જ છોડી દીધું. અને હવે સૌથી વધુ વેચાણની આ સિઝનમાં [માર્ચથી જુલાઈ] આ મહામારી અને લોકડાઉનને કારણે અમને ભારે અસર પહોંચી છે.”
૪૮ વર્ષના જગમોહન (ઉપરના કવર ફોટોમાં; તેઓ ફક્ત તેમના પ્રથમ નામનો ઉપયોગ કરે છે) છેલ્લા 30 વર્ષથી કુંભાર તરીકે કામ કરી રહ્યા છે. “સારી વાત એ હતી કે, અમને સમજાયું કે આ વર્ષે માટલાની માંગ વધારે હતી, કારણ કે લોકો [કોવિડ -19 ના ડરથી] ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું ટાળી રહ્યા છે. પરંતુ, લોકડાઉન દરમિયાન અમારી માટી ખલાસ થઇ ગઈ હતી, આથી અમે પૂરતો માલ તૈયાર રાખી શક્યા નહિ.” સામાન્ય રીતે પરિવારના સભ્યોની મદદથી અહીં એક કુંભાર ૨-૩ દિવસમાં લગભગ ૧૫૦-૨૦૦ માટલા બનાવી શકે છે.
વસાહતના રસ્તાઓની બંને તરફ સુકી માટીના ઢગલા પડેલા હોય છે – અને કામ પૂરજોશમાં ચાલતું હોય ત્યારે બારણાં પાછળથી કુંભારોના ચાક અને વાસણો ટીપવાનો અવાજ સંભળાય છે, હાથથી બનાવેલા સેંકડો વાસણો, દીવા, મૂર્તિઓ અને બીજી ઘણી વસ્તુઓ આંગણામાં અને કામ કરવાની જગ્યાએ છાંયડામાં સુકાતા હોય છે. પછી એમને અહીં ઘરોના ધાબા પર પારંપરિક ભઠ્ઠીમાં પકવતા પહેલા ગેરુ (માટીથી બનેલ વસ્તુઓને કુદરતી રંગ આપવા માટેની પ્રવાહી લાલ માટી) થી રંગવા માટે લઇ જવામાં આવે છે. બહાર ઘણી તૈયાર વસ્તુઓ મુલાકાતીઓ અને વેપારીઓને ખરીદવા માટે રાખવામાં આવે છે.
આસપાસના વિસ્તારને સ્થાનિક રીતે પ્રજાપતિ કોલોની અથવા કુમ્હાર ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. વસાહતના વડા હરકિશન પ્રજાપતિના અંદાજ પ્રમાણે અહીં ૪૦૦-૫૦૦ થી પણ વધારે પરિવારો રહે છે. ૧૯૯૦માં રાષ્ટ્રીય પુરસ્કાર અને ૨૦૧૨માં સરકારનો શિલ્પ ગુરુ પુરસ્કાર જીતી ચુકેલા ૬૩ વર્ષીય પ્રજાપતિ કહે છે કે, “કોઈ કામ ન હોવાને કારણે ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા કુંભારો અને તેમના સહાયકો તેમના ગામોમાં પાછા જતા રહ્યા છે."તેઓ ઉમેરે છે કે, “અત્યારે ગણેશ ચતુર્થીનો સમય છે અને જ્યારે દિવાળી માટે કામ શરૂ થતું હતું, ત્યારે બધા લોકો વ્યસ્ત થઇ જતા હતા. આ વર્ષે બધા બજાર વિષે અસમંજસમાં છે અને તેમને ભરોસો નથી કે લોકો તેમની બનાવેલી વસ્તુઓ ખરીદશે. તેઓ [મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ તૈયાર કરવામાં] વધારે પૈસા ખર્ચીને જોખમ લેવા નથી માંગતા. કુંભારો કામ તો કરી રહ્યા છે પણ તેમના મનમાં ઘોર નિરાશા છે.."
પ્રજાપતિના પત્ની, ૫૮ વર્ષના રામરતી અને એમની દીકરી, ૨૮ વર્ષની રેખા દીવા પર કામ કરી રહ્યા છે, પણ તેઓ કહે છે કે, “મજા નથી આવતી.” ઉત્તમ નગરના કુંભારોના પરિવારની સ્ત્રીઓ સામાન્ય રીતે માટી અને ગૂંદેલી માટી, મૂર્તિઓ અને દીવા બનાવે છે, અને રંગ અને નકશીકામ કરી માટીના વાસણો શણગારે છે.
૪૪ વર્ષના શિલા દેવી કહે છે કે, “લોકડાઉનના શરૂઆતના મહિના [માર્ચ-એપ્રિલ] માં કોઈ કામ નહોતું, કારણકે અમને માટી નહોતી મળી. અમે અમારી બચતમાંથી જેમતેમ કરીને ઘર ચલાવ્યું. તેઓ કાચી માટીને ભાંગીને બારીક પાવડર બનાવી, એને ચાળીને ગૂંદવાનું કામ કરે છે – આ બધા કામ હાથેથી જ કરે છે. ”
તેઓ કહે છે કે તેમના પરિવારની માસિક આવક ૧૦૦૦૦ થી ૨૦૦૦૦ રુપિયા હતી, જે એપ્રિલથી જૂન વચ્ચે ઘટીને માંડ ૩૦૦૦-૪૦૦૦ રૂપિયા થઈ ગઈ હતી. ત્યાર બાદ લોકડાઉનના પ્રતિબંધો હળવા થતા વેપારીઓ ધીમે-ધીમે વસાહતમાં વસ્તુઓ ખરીદવા આવવા લાગ્યા છે.
પરંતુ લોકડાઉનની અસર વિષે શિલા દેવીને જે ચિંતા છે તે જ ચિંતા આખી ય વસાહતમાં પડઘાઈ રહી છે – કદાચ કુંભારોના ચાકના અવાજ કરતા કંઈક મોટા અવાજે/એટલા મોટા અવાજે કે એના અવાજમાં કદાચ કુંભારોના ચાકના અવાજ પણ ડૂબી જાય છે. ૨૯ વર્ષના કુંભાર નરેન્દ્ર પ્રજાપતિ કહે છે કે, “૨૨ મી ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે. પરંતુ આ વાયરસને કારણે અમારા કામને ભારે અસર પહોંચી છે. એટલે, દાખલા તરીકે, દર વર્ષે જો અમે ગણેશની ૧૦૦ મૂર્તિઓ વેચી શકતા હતા, તો આ વર્ષે ફક્ત ૩૦ જ વેચી શકીશું. લોકડાઉન દરમિયાન માટી અને બળતણ [નકામા લાકડા અને લાકડાના વહેર] ના ભાવ પણ વધી ગયા છે – [ટ્રેક્ટરના કદની] એક ટ્રોલીની કિંમત પહેલાં ૬૦૦૦ રુપિયા હતી એ હવે ૯૦૦૦ રુપિયા થઈ ગઈ છે.” (ઉત્તમ નગરમાં બનાવવામાં આવતા વાસણો અને બીજી વસ્તુઓ માટેની માટી મુખ્યત્વે હરિયાણાના ઝજ્જર જિલ્લામાંથી આવે છે.
નરેન્દ્ર પૂછે છે કે, “એક બાજુ સરકાર સ્થાનિક ઉદ્યોગો વિકસાવવાની વાત કરે છે, તો બીજી બાજુ એ જ સરકાર અમને અમારી ભઠ્ઠીઓ બંધ કરવા દબાણ કરે છે. ભઠ્ઠી વગર અમારું કામ કેવી રીતે થાય? શું ભઠ્ઠીઓ બંધ કરીને અમારી આવકનો સ્ત્રોત છીનવી લેવો એ કંઈ ઉપાય છે?” પરંપરાગત માટીની ભઠ્ઠી – જે હાલ વિવાદ હેઠળ છે – ની કિંમત આશરે ૨૦૦૦૦-૨૫૦૦૦ રુપિયા છે, જયારે વૈકલ્પિક ગેસ-સંચાલિત ભઠ્ઠી લગાવવામાં લગભગ ૧ લાખ રુપિયા ખર્ચ કરવો પડે છે. પ્રજાપતિ વસાહતના ઘણા કુંભારોને આ રકમ પરવડી શકે એમ નથી.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના (એપ્રિલ ૨૦૧૯ના) આદેશ વિરુદ્ધ અપીલ કરવા માટે વકીલ રોકવા કુંભાર દીઠ ૨૫૦ રૂપિયાનો ફાળો ઉઘરાવવાની વાતનો ઉલ્લેખ કરતા હરકિશન પ્રજાપતિ કહે છે, “તેમને આ ફાળો આપવાનું પણ પોસાતું નહોતું.” આ આદેશમાં દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિને લાકડાની ભઠ્ઠીઓ અંગે સાચી હકીકતનો અહેવાલ રજૂ કરવા જણાવાયું હતું. તેના આધારે સમિતિએ જુલાઈ ૨૦૧૯માં ભઠ્ઠીઓ તોડી પાડવી જોઈએ એવો નિર્દેશ જારી કર્યો. કુંભારોએ તેની સામે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી છે.
લોકડાઉનની સાથ સાથે આ અનિશ્ચિતતા વધુ ઘેરી બની – અને ઉત્તમ નગર જેવી જ મંદી દેશભરની કુંભારોની બીજી વસાહતોમાં પણ જોવા મળે છે.
કુંભાર રમજુ અલીએ થોડા અઠવાડિયા પહેલા મને કહ્યું હતું કે, “દર વર્ષે, આ સમય દરમિયાન [માર્ચથી જૂન સુધી, ચોમાસા પહેલા] અમે અમારા ગલ્લા, ગમલા [કુંડા], પાણીના માટલા [પાણીના વાસણો] અને તાવડી [રોટલીના તવા] તૈયાર રાખતા હતા. પરંતુ લોકડાઉન પછી લોકો આવી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચતા ખચકાય છે, આથી વેપારીઓએ એ વસ્તુઓની ખાસ માંગ કરી નથી. દર વર્ષે રમઝાનના મહિનામાં અમે દિવસે આરામ કરતા અને રાત્રે કામ કરતા. તમે આખી રાત વાસણો ટીપવાનો અવાજ સાંભળી શકતા. પરંતુ આ વર્ષે રમઝાન [૨૪ એપ્રિલથી ૨૪ મે] દરમિયાન આવું ન બન્યું.....”૫૬ વર્ષના રમજુભાઇ ગુજરાતના કચ્છ જીલ્લાના ભુજમાં રહે છે અને કામ કરે છે. ચૈત્ર (એપ્રિલ) મહિનાના પહેલા સોમવારે કચ્છના બન્નીમાં દર વર્ષે યોજાતા હાજીપીર મેળામાં વેપારીઓને ૨૫૦૦૦ રૂપિયાની માટીની ચીજો વેચ્યાનું તેમને યાદ છે. પણ આ વર્ષે લોકડાઉનના કારણે આ મેળો રદ કરવામાં આવ્યો હતો.
27 વર્ષના તેમના દીકરા કુંભાર અમદ કહે છે કે, “લોકડાઉન દરમિયાન હોટલ અને ખાદ્ય કારોબાર બંધ થઈ જતા કુલ્હડ [કપ] અને વાડકી [બાઉલ] જેવા માટીના વાસણોની માંગ ઘટી છે. અને અહીંના ગ્રામીણ વિસ્તારોમાં ઘણા કુંભારો આજીવિકા માટે ફક્ત કુલ્હડ બનાવે છે.”
બીજી એક વધતી જતી ચિંતા વ્યક્ત કરતા રમજુ અલી કહે છે કે, “અમારા કામ માટે જે માટી જોઈએ તે મેળવવી પણ એટલી સરળ નથી. ઈંટ ઉદ્યોગ અમારા માટે સૌથી મોટો ખતરો છે કારણ કે તેઓ [ખાસ કરીને નજીકના હરિપુર વિસ્તારમાંથી] બધી માટી ખોદી લે છે અને અમારા માટે ત્યાં ખાસ કંઈ બચતું નથી.”
ભુજના લખુરાઈ વિસ્તારમાં રમજુભાઈના ઘરથી થોડેક દૂર રહેતા ૬૨ વર્ષના કુંભાર અલારખ્ખા સુમર આંશિક રૂપે દ્રષ્ટિહીન છે. એમણે કહ્યું કે, “રેશનની દુકાનની ચુકવણી કરવા અને [લોકડાઉન દરમિયાન] બીજા ખર્ચનો પ્રબંધ કરવા મેં સ્થાનિક બેંકમાં સોનાની ચેન ગીરવે મૂકીને થોડાક પૈસા ઉધાર લીધા. મારા દીકરાઓ કામ માટે બહાર જવા લાગ્યા એ પછી મેં ધીમે-ધીમે એ દેવું ચૂકવવાનું શરૂ કરી દીધું છે.” એમનેના ત્રણ દીકરા છે; બે બાંધકામના સ્થળો પર મજુર છે અને એક કુંભાર છે. “લોકડાઉનના શરૂઆતેના મહિનાઓ [માર્ચથી મે] દરમિયાન, હું ગલ્લા બનાવતો હતો, પરંતુ થોડા વખત પછી જયારે માલ બિલકુલ વેચાયો નહિ અને ઘરમાં રાખવાની કોઈ જગ્યા ન રહી ત્યારે મારે બેકાર બેસી રહી ઘણા દિવસો સુધી કામ ન કર્યા સિવાય છૂટકો નહોતો.”
૫૬ વર્ષના કુંભાર ઈસ્માઈલ હુસૈન ભુજથી લગભગ ૩૫ કિલોમીટર દૂર લોડાઈ ગામમાં રહે છે. એમણે કહ્યું, “સામાન્ય રીતે અમે [પરિવારની સ્ત્રીઓએ] કચ્છી ચિત્રકલાની પારંપરિક શૈલીથી શણગારેલા રાંધવાના અને પીરસવાના વાસણો બનાવીએ છીએ. અમારું કામ જોવા આવતા પ્રવાસીઓ પાસેથી અમને ઓર્ડર મળતા. પરંતુ, લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહિનાથી ગામમાં કોઈ આવ્યું જ નથી...” ઈસ્માઈલભાઈએ કહ્યું કે એપ્રિલથી જૂન સુધી તેમણે કંઈ જ વેચ્યું નથી. અગાઉ તેઓ મહિને સરેરાશ ૧૦૦૦૦ રુપિયા કમાતા હતા. કેટલાક પારિવારિક તકલીફોને કારણે તેઓ હજી સુધી વેપાર ફરીથી શરૂ કરી શક્યા નથી.
એમના પરિવાર માટે આ વર્ષ કેવી રીતે અનુકુળ નથી રહ્યું એ વિષે વાત કરતા લોડાઈના જ એક બીજા નિવાસી ૩૧ વર્ષના કુંભાર સાલેહ મમદે કહ્યું કે, “લોકડાઉનની શરૂઆતમાં અમારી બહેનનું કેન્સરથી મૃત્યુ થયું હતું. અને અમ્મીની આંતરડાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ તેઓ બચી શક્યા નહીં... છેલ્લા પાંચ મહિનાથી પરિવાર પાસે કોઈ કામ નથી.”
તેમના માતા ૬૦ વર્ષના હુરબાઈ મમદ કુંભાર અસાધારણ કુશળતા અને પારંપરિક કચ્છી પ્રતીકોનું જ્ઞાન ધરાવતા કુંભાર હતા. ગયા વર્ષે એમના પતિ મમદ કાકા હૃદયરોગનો હુમલો આવતા લકવાગ્રસ્ત થયા ત્યારથી હુરબાઈ જ એમના પરિવારનો મજબૂત સહારો બની રહ્યા હતા.
અને દેશભરમાં, પશ્ચિમ બંગાળના બાંકુરા જીલ્લાના પંચમુરા ગામની કુંભારોની એક બીજી વસાહતમાં ૫૫ વર્ષના બાઉલદાસ કુમ્ભકારે કહ્યું કે, “છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગામ વેરાન છે. લોકડાઉનને કારણે કોઈ મુલાકાતીઓ અહીં આવી નથી શકતા, કે ન તો અમે બહાર જઈ શકીએ છીએ. પહેલા ઘણા લોકો અમારું કામ/અમારી કળા જોવા, માલ ખરીદવા અને ઓર્ડર આપવા અહીં આવતા હતા. પરંતુ મને નથી લાગતું કે આ વર્ષે કોઈ આવે.” બાઉલદાસ, પંચમુરા મૃતશિલ્પી સંભય સમિતિના ૨૦૦ સદસ્યોમાંથી એક છે. વિજ્ઞાપન અને વેચાણ માટે કુંભારો દ્વારા આ સમિતિનું સંચાલન અને વ્યવસ્થાપન કરવામાં આવે છે.
તલડાંગરા તાલુકાના એ જ ગામના ૨૮ વર્ષના જગન્નાથ કુંભકાર કહે છે કે, “અમે મોટે ભાગે મૂર્તિઓ, દીવાલની ટાઈલ્સ અને ઘરની અંદર વાપરવામાં આવતી સજાવટની વસ્તુઓ બનાવીએ છીએ. લોકડાઉનના પહેલા બે મહિના કોઈ ઓર્ડર નહોતો મળ્યો અને અમારા માલના એકમાત્ર ખરીદાર સ્થાનિક આદિવાસી સમુદાયો હતા, તેમણે અમને વાસણો, ઘોડા અને બાધા મુજબ ભગવાનને અર્પણ કરવાના હાથી માટે વ્યક્તિગત ઓર્ડર આપ્યા.” ઘણા કુંભારોએ એપ્રિલ પછી કામ શરૂ કરી દીધું અને તહેવારોની આગામી સિઝનમાં વેચાણની આશાએ થોડો સ્ટોક તૈયાર રાખ્યો હતા. પરંતુ, આ વખતે અમારી પાસે પૂજો [વાર્ષિક દુર્ગાપૂજા] માટે દેવી મનસાચાલી અને દુર્ગા ઠાકુરની મૂર્તિઓના ખૂબ જ માર્યાદિત ઓર્ડર આવ્યા છે. આ વખતે કોલકતા અને બીજા સ્થળોએ દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી નહિ હોય.
અનુવાદક: ફૈઝ મોહંમદ