ડાબે: 47 વર્ષના પ્રફુલ્લ દેવનાથ 23 વર્ષથી સ્થાયી સમવય કૃષિ ઉન્નયન સમિતિ માર્કેટમાં (હવે લોકડાઉન દરમ્યાન બંધ છે) નાનામોટા કામ કરે છે. તેઓ ઘરાકોને ઘેર સમાન પહોંચાડવા બોરી ઊંચકીને લઈ જાય છે, વાહનોમાંથી દુકાનમાં માલસામાન લઈ જાય છે, અને આખા બજારમાં કચરો વાળે છે અને એ માટે તેઓ દરેક શાકવાળા પાસેથી રોજના 2 રુપિયા અને બીજા દરેક દુકાનદારો પાસેથી રોજનો 1 રુપિયો ઉઘરાવે છે. પરંતુ હવે, દત્તા પારામાં મેદાનમાં બજાર ભરાતા તેમની નજીવી આવક પણ અડધી થઈ ગઈ છે, જો કે કેટલાક શાકવાળા દેવનાથ માટે સવારના નાસ્તાની અને બપોરના જમવાની વ્યવસ્થા કરે છે. તેઓ કહે છે, "જો હું સાફ નહીં કરું તો બજાર ગંદું રહેશે. જો હું બજાર સાફ કરું તો બધાને મારું નામ ખબર પડે. મારા જેવું કામ કોઈ નહિ કરે! ” જમણે: બજાર ફક્ત થોડા કલાકો માટે ખુલ્લું હોવાથી, ઘણા લોકો ઓછા ભાવોની આશામાં છેલ્લી ઘડીએ ખરીદી કરે છે. 50 વર્ષના ખોકા રોય સુથાર હતા, ત્યારબાદ તે પોતાના ઘરમાંથી જ કરિયાણાની એક નાની દુકાન ચલાવતા હતા અને હવે લોકડાઉનને કારણે બજારમાં વેચવા નીકળ્યા છે. તેમની રોજની કમાણી 400-500 રુપિયાથી ઘટીને 200-250 રુપિયા છે. તેઓ કહે છે, "પોલીસ પેટ્રોલિંગને કારણે , લોકો તેમના ઘર છોડીને બહાર નથી નીકળતા. હવે તમે જ મને કહો, અમે શાકભાજી શી રીતે વેચી શકીએ?"