મધ્ય એપ્રિલ સમયગાળા દરમિયાન સુરેશ બહાદુરે મને કહ્યું હતું, “દવાઓ પણ ખલાસ થઈ ગઈ છે, પૈસા પણ ખલાસ થઈ ગયા છે અને રાંધણ ગેસ પણ ખલાસ થઈ ગયો છે.”
ચાર વર્ષ સુધી સીટી અને સોટીથી સજ્જ સુરેશ તેમની સાઈકલ પર ઘરો અને દુકાનોના ચક્કર મારી તેમનું રક્ષણ કરતા તેમની રાત્રીઓ પસાર કરતા હતા. તેઓ અને તેમના પિતા રામ બહાદુર આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જીલ્લાના ભીમાવરમ શહેરમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા.
૨૨ માર્ચ પછી લોકડાઉનની શરૂઆત થવાથી સાઈકલ બાજુએ મુકાઈ ગઈ અને સુરેશ તેમનો સમય તેમના ફોનમાં કોવીડ-૧૯ વિશે સમાચાર અહેવાલો વાંચવામાં અને ખોરાક, રાંધણ ગેસ અને પાણી મેળવવામાં પસાર કરતા હતા.
૨૩ વર્ષીય સુરેશ તેમના નેપાળના બાજ્હંગ જીલ્લાના દીકલા ગામના મિત્રો ૪૩ વર્ષીય શુભમ બહાદુર અને ૨૧ વર્ષીય રાજેન્દ્ર બહાદુર સાથે તમ્મી રાજુ નગર વિસ્તારમાં ભાડાની ઓરડીમાં રહેતા હતા. ભીમાવરમના અન્ય ભાગમાં ભાડેથી રહેતા રામ બહાદુર પણ લોકડાઉન લાગુ પડ્યું એટલે તેમની સાથે રહેવા આવી ગયા.
ત્યાં સુધી, રામ અને સુરેશ દરેક મહિનાના પહેલા બે અઠવાડિયામાં પગાર પેટે ઘરદીઠ ૧૦-૨૦ રૂપિયા અને દુકાન દીઠ ૩૦-૪૦ રૂપિયા ઘેર ઘેર જઈને ઉઘરાવતા હતા. દરેક ૭૦૦૦ થી ૯૦૦૦ રૂપિયા કમાતા હતા. તે એક અનૌપચારિક વ્યવસ્થા હતી, તેથી તેમની આવકમાં વધઘટ થતી રહેતી અને ઘણી વાર તેઓ ફક્ત ૫૦૦૦ રૂપિયા જ કમાતા હતા. રામ બહાદુરે એપ્રિલમાં કહ્યું કે, “હવે તો એ પણ બંધ થઇ ગયું છે.”
સુરેશે ઉમેર્યું કે, “લોકડાઉન પહેલાં, અમે ક્યારેય દરરોજ ચાર લોકો માટે ત્રણ વખત ભોજન રાંધ્યું નથી.” તે સામાન્ય રીતે રસ્તાની આજુબાજુ આવેલ લારીઓ અને ખાણીપીણીની નાની દુકાનો પર જ જમી લેતા હતા, આ માટે તેમનો માસિક ખર્ચ ૧૫૦૦ રૂપિયા આસપાસ થતો હતો. તેમણે અને ઓરડીમાં તેમની સાથે રહેતા મિત્રએ લોકડાઉન પહેલા બજારમાંથી ગેસનો સીલીન્ડર ખરીદ્યો હતો અને માત્ર સવારનો નાસ્તો બનાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ, ૨૨ માર્ચ પછી તેમણે તેમના રૂમમાં ત્રણે ય વખતનું ખાવાનું બનાવવાનું શરુ કરી દીધું.
સુરેશે કહ્યું કે, “એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં તો રાંધણગેસ અને ખોરાક બંને ખલાસ થઈ ગયા હતા.” ૧૨મી એપ્રિલે જયારે નજીકની દુકાનોથી ખરીદેલું બે ત્રણ દિવસોનું જ રેશન બાકી હતું ત્યારે સુરેશે આંધ્રપ્રદેશના સામાજિક કાર્યકરો અને સંસ્થાઓના જોડાણ દ્વારા ચલાવવામાં આવતી હેલ્પલાઈનનો સંપર્ક કર્યો. ત્યાંના સ્વયંસેવકોએ સુરેશ અને તેના સાથીઓને 12 મી એપ્રિલથી 2 જી મે સુધીમાં ત્રણ વખત લોટ, દાળ, શાકભાજી, તેલ, ખાંડ, સાબુ, વોશિંગ પાવડર અને દવાઓ સુલભ કરાવી આપી હતી.
રાંધણગેસના સીલીન્ડરની રીફીલ તેમને છેક 2 જી મે એ મળી. તે દરમ્યાન સુરેશ અને તેના સાથીઓએ રાંધવા માટે આજુબાજુથી ભેગા કરેલા લાકડાનો ઉપયોગ કર્યો, અને તેમને ક્યાં સુધી મદદ મળશે તેની અનિશ્ચિતતામાં સીલીન્ડર આવ્યા પછી પણ લાકડાનો ઉપયોગ ચાલુ રાખ્યો. સુરેશે કહ્યું કે, “આ દેશ અમારો નથી, તો પછી બીજું કંઈ પણ [અમારા નિયંત્રણમાં] ક્યાંથી હોય?”
લોકડાઉન પહેલા, તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બધા વસાહતીઓને મફત પાણી આપવા માટે દરરોજ બપોરે તેમના ઘરની નજીક મુકવામાં આવતી પાણીની ટેન્કરમાંથી ૮-૧૦ ડોલ પાણી ભરી લેતા હતા. આ સિલસિલો લોકડાઉનમાં પણ ચાલુ રહ્યો. તેઓ નજીકની કોર્પોરેશન ઓફીસમાંથી દરરોજ બે ૧૦-૧૫ લીટર પીવાના પાણીના કેન પાંચ રૂપિયા લેખે ખરીદતા હતા. લોકડાઉન દરમિયાન, આ કેન મફત પુરા પાડવામાં આવતા હતા.
પોપ્યુલેશન મોનોગ્રાફ ઓફ નેપાળ (૨૦૧૪) મુજબ વર્ષ ૨૦૧૧માં ભારતમાં ૭ લાખથી વધુ નેપાળી હિજરતીઓ હતા જે નેપાળની 'કુલ ગેરહાજર વસ્તી'ના ૩૭.૬ ટકા છે. નેપાળના ૨૦૧૮-૧૯ના સરકારી આર્થિક સર્વે મુજબ ‘રેમીટન્સ આવક’ નેપાળના કુલ ઘરેલુ ઉત્પાદનના ચોથા ભાગથી પણ વધુ હતી.
સુરેશે ભારત આવવા માટે ૨૦૧૬માં કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. તેઓ કહે છે, “હું મારા કુટુંબ માટે કમાવવા માંગતો હતો.” તે ખોરાક મેળવવા માટેનો સંઘર્ષ હતો. તેમના ૬ સભ્યોના કુટુંબમાંથી ફક્ત રામ અને સુરેશ બહાદુર જ કમાનાર વ્યક્તિઓ છે. સુરેશના માતા નંદા દેવી ગૃહિણી છે અને તેમના નાના ભાઈઓ 18 વર્ષના રબીન્દ્ર બહાદુર અને 16 વર્ષના કમલ બહાદુર દીકલા ગામમાં વિદ્યાર્થીઓ છે. એપ્રિલમાં સુરેશને તેમને મળ્યે નવ મહિના થઇ ગયા. ભારત આવતા પહેલા સુરેશે શાળામાં તેમની સાથે ભણતી સુષ્મિતા દેવી સાથે લગ્ન કર્યું હતું. સુરેશ હસીને યાદ કરીને કહે છે કે, “જયારે અમે ૧૬ કે ૧૭ વર્ષના હતા ત્યારે અમે પ્રેમમાં પડ્યા હતા.” લોકડાઉન પહેલા સુરેશ દર મહીને ૨૦૦૦ થી ૩૦૦૦ રૂપિયા ઘેર મોકલતા હતા.
લોકડાઉન દરમિયાન રામ બહાદુરે મને કહ્યું કે, “તેની પત્નીએ હમણાં પૈસા માગ્યા નથી.” નેપાળમાં રહેલું તેમનું કુટુંબ રામ અને સુરેશે લોકડાઉન પહેલા મોકલેલા પૈસા અને નેપાળની સરકાર દ્વારા ક્યારેક વહેંચવામાં આવતા રેશન પર ગુજારો કરી રહ્યા છે.
૧૯૫૦માં બંને દેશોએ શાંતિ અને મિત્રતાની સંધિ કર્યા પછી ભારત અને નેપાળ વચ્ચેની સરહદ મહદઅંશે ખુલ્લી રહી છે. કોવીડ-૧૯ ના ફેલાવાને અટકાવવા માટે નેપાળ સરકારે ૨૨ માર્ચ ૨૦૨૦ના રોજ આ સરહદ બંધ કરી દીધી. સમાચારપત્રોના અહેવાલો મુજબ લોકડાઉન શરૂ થયા પછી નેપાળથી આવેલા ઘણા હિજરતી કામદારો ભારતમાં વિવિધ સરહદી ચોકી પર તેમના દેશ પરત ફરવા માટે ભેગા થયા હતા.
રામ બહાદુરે ૧૧ વર્ષની વયે પ્રથમ વખત ભારત-નેપાળ સરહદ ઓળંગી હતી – તેઓ દીકલા ગામમાંથી કામની શોધમાં નીકળી પડ્યા હતા. તેમણે ત્યારબાદ ઘણી નોકરીઓ કરી – દિલ્હીના તિલક નગરમાં ઘર-નોકર તરીકે, ત્યારબાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં ચોકીદાર તરીકે પણ ફરજ બજાવી છે. તેમણે કહ્યું કે, “જો તમે ૧૧ વર્ષના હો તો તમને મુશ્કેલીઓ અને તકલીફો વિષે શું ખબર પડે? મેં ગમેતેમ કરીને રોજી મેળવી લીધી.”
સુરેશે મને એપ્રિલમાં કહ્યું હતું, “અમે આ મહીને ઘેર જવાની તૈયારી કરતા હતા.” તેઓ અને તેમના પિતા દર ઉનાળામાં ટ્રેન અને ભેગી ટેક્સીમાં ૩-૪ દિવસની મુસાફરી બાદ દોઢ મહિના માટે પહાડીઓમાં આવેલા તેમના ગામની મુલાકાત લેતા હતા. આ વર્ષે એપ્રિલમાં તેઓ ક્યારે અને કઈ રીતે પરત ફરશે તેની તેમને કંઈ ખબર નહોતી. આ દરમિયાન, સુરેશ પાસે ચિંતાના ઘણા કારણો હતા: “હું તો પહેલેથી બીમાર છું, જો હું બહાર જઇશ તો શું થશે? ”
તેઓ ફેબ્રુઆરી ૨૦૧૯માં થયેલ અકસ્માતની વિલંબિત અસરો વિશે વાત કરી રહ્યા હતા, જયારે તેઓ તેમનો પગાર ઉઘરાવીને સાઇકલ પર ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ ટ્રક સાથે અથડાયા હતા. ટ્રક ડ્રાઈવરે તેમને તરત જ ભીમાવરમની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમને તાત્કાલિક યકૃતની (લીવર) સર્જરી જરૂરી હતી. સુરેશ અને રામ ટેક્સી દ્વારા ૭૫ કિલોમીટર દૂર ઇલુરૂ શહેરની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા, પરંતુ, ત્યાં જઈને તેમને હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી કે ઓપરેશન માટે તેમની પાસે પૂરતા સાધનો નથી. અંતે, તેમણે વિજયવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી. સુરેશે આંધ્રપ્રદેશમાં રહેતા બીજા નેપાળી હિજરતી દોસ્તોની મદદથી હોસ્પિટલના બીલની ભરપાઈ કરી. તેઓ કહે છે કે, “કાકીનાડા, ભીમાવરમ બધેથી મારા મિત્રો મારી ખબર જોવા આવ્યા અને તેમનાથી શક્ય હોય એટલી મદદ કરી.”
સુરેશે કહ્યું કે એક વર્ષ પછી પણ તેઓ લાખો રૂપિયાના દેવામાં છે અને હજુ પણ સ્વાસ્થ્ય તપાસ અને દવાઓ માટે દર મહીને ૫૦૦૦ રૂપિયાની જરૂર હોય છે. લોકડાઉન ચાલુ રહેવાથી એપ્રિલના અંત સુધીમાં તેઓ ખુબ ચિંતાતુર રહેવા લાગ્યા: “હવે તો મારા માણસો [તેમના નેપાળી દોસ્તો] પણ નાણાંભીડનો સામનો કરી રહ્યા છે. તેમણે ભારતમાં - સિગારેટ વેચવાથી લઈને રેસ્ટોરન્ટ અને હોટેલમાં કામ કરવાથી લઈને - એમને જે મળે એ ઘણી નોકરીઓ કરી છે. મારા અકસ્માત પછી હું વિચારું છું કે, હું તો બચી ગયો પણ અમારી કોઈ બચત હવે બચી નથી.
એપ્રિલ ૧૩ થી ૧૦ મે સુધીમાં મેં પાંચ વાર સુરેશ બહાદુર સાથે ફોન પર વાત કરી. દરેક વખતે તેમણે મને કહ્યું કે અકસ્માત પછી તેઓ હજુ સુધી પૂરી રીતે સ્વસ્થ થઇ શક્યા નથી. સુરેશને ૨૫ મી માર્ચે માસિક તપાસ માટે વિજયવાડામાં તેમના ડોક્ટરને મળવાનું હતું પરંતુ લોકડાઉનના કારણે તેઓ મુસાફરી કરી શક્યા ન હતા.
સુરેશે મને કહ્યું કે, “અમે ગમેતેમ ગુજારો કરી રહ્યાં છીએ, પણ અમે મોટી મુસીબતમાં છીએ. અત્યારે નથી કોઈ ડ્યુટી [કામ], નથી અમને ભાષા આવડતી કે નથી માણસો [આ શહેરમાં નેપાળના લોકો] – ભગવાન જાણે હવે આ કેમનું ચાલશે.” સુરેશે માર્ચમાં તેમના રૂમનું ભાડુ ચૂકવ્યું હતું, અને મકાનમાલિકને એપ્રિલ અને મે મહિનાનું ભાડું ટાળવાની વિનંતી કરી હતી.
૧૦ મે એ અમારી છેલ્લી વાતચીત દરમિયાન સુરેશે મને કહ્યું હતું કે તેમના રાંધણગેસના સીલીન્ડરની રીફીલ એક મહિનો જ ચાલશે. હેલ્પલાઈન સ્વયંસેવકોએ પણ કહ્યું કે હવે ૧૦ મે પછી તેઓ સહાય માટે નવી માંગણીઓ સ્વીકારશે નહીં અને મહિનાના અંત સુધીમાં હેલ્પલાઈન ઔપચારિક રીતે બંધ કરી દેશે. સુરેશ જાણતા હતા કે પછી રાંધણગેસ, ખોરાક અથવા તેમની દવાઓ મેળવવી વધુ મુશ્કેલ બની જશે. તેમણે એ પણ જણાવ્યું કે તેમની વચ્ચેના ત્રણેય ફોનમાં હવે બેલેન્સ પણ ખલાસ થવા આવ્યું છે.
સુરેશ અને રામ બહાદુરના મોબાઈલ ફોન ૩૦ મેથી બંધ છે. લોકડાઉન દરમિયાન તેમને રેશન અને દવાઓ વેચનાર દુકાનદાર સુરે મણીકાન્ત કહે છે કે, “થોડા દિવસો પહેલાં મેં ઘણા નેપાળી લોકોને સામાન બાંધીને જતા જોયા છે.” તેમણે એ પણ કહ્યું કે સુરેશ બહાદુરનો રૂમ લોક હતો.
આ પત્રકાર એપ્રિલ અને મે, 2020 માં આંધ્રપ્રદેશ કોવિડ લોકડાઉન રિલીફ એન્ડ એક્શન કલેકટિવ - જે આ લેખમાં ઉલ્લેખિત હેલ્પલાઈન ચલાવતા હતા - તેમાં સ્વયંસેવક હતા.
અનુવાદક: ફૈઝ મોહંમદ