જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમના કપાળમાં કરચલીઓ થાય છે, જે તેમના બીમાર નિસ્તેજ ચહેરામાં સ્પષ્ટ દેખાય છે. તેઓ લંગડાય છે, ધીમાં પડી ગયેલાં અને વળી ગયેલાં તેઓ, દર થોડા મીટર અંતર કાપીને શ્વાસ લેવા રોકાઈ જાય છે. હળવા પવનની લહેર તેમના ચહેરા પરના ભૂખરા પડી ગયેલા વાળને લહેરાવે છે.
ઇન્દ્રવતી જાધવની ઉંમર ફક્ત 31 વર્ષની છે, તે માનવામાં જ નથી આવતું.
મહારાષ્ટ્રના નાગપુર શહેરના સીમાડે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારનાં રહેવાસી, જાધવ ફેફસાંમાં લાંબા ગાળાનો અવરોધજન્ય રોગ (સી.ઓ.પી.ડી.) થી પીડાય છે, જે સંભવિત રીતે એક ઘાતક પરિસ્થિતિ છે. તેનાથી ફેફસાંમાં શ્વાસના પ્રવાહમાં અવરોધ પેદા થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને મોટે ભાગે, લાંબા ગાળાની ઉધરસ થાય છે, જેના લીધે અંતે ફેફસાંને નુકસાન પહોંચે છે. આ પરિસ્થિતિને ઘણી વખત ‘ધુમ્રપાન કરનારાંનો રોગ’ કહેવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) મુજબ, ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સી.ઓ.પી.ડી.ના કેસોમાં લગભગ 30થી 40 ટકા કિસ્સાઓમાં દર્દીઓને તમાકુ−ધુમ્રપાનનો ઇતિહાસ હોય છે.
જાધવ ક્યારેય સિગારેટને અડક્યાં ય નથી, પરંતુ તેમના ડાબા ફેફસાને ગંભીર નુકસાન થયું છે. ડબ્લ્યુ.એચ.ઓ. જણાવે છે કે, લાકડા અથવા કોલસાથી ચાલતા ચૂલા પર રાંધવાનું સીધું પરિણામ છે ઘરની હવાનું પ્રદૂષણ.
જાધવે ક્યારેય રસોઈ માટે સ્વચ્છ ઈંધણ વાપર્યું નથી. તેઓ કહે છે તેઓ ખોરાક રાંધવા કે પાણી ગરમ કરવા માટે હંમેશાં લાકડા કે કોલસાથી ચાલતા ખુલ્લા ચૂલાનો જ ઉપયોગ કરે છે. તેમના ડૉક્ટરે તેમને કહેલા શબ્દો દોહરાવતાં તેઓ કહે છે, “ચુલીવર જેવન બનવુન માજી ફુપ્પુસા નિકામી ઝાલી આહેત [ખુલ્લા ચૂલા પર ખોરાક રાંધવાથી મારાં ફેફસાં નકામા થઈ ગયાં છે].” તેમના બાયો-ગૅસથી ચાલતા ચૂલાના પ્રદૂષણથી તેમનાં ફેફસાંને નુકસાન પહોંચ્યું છે.
2019ના લાન્સેટના એક અભ્યાસમાં અંદાજ લગાવાયો છે કે, હવાના પ્રદૂષણના કારણે દર વર્ષે લગભગ છ લાખ ભારતીયો અકાળે મૃત્યુ પામે છે, જેમાં ઘરના વાયુ પ્રદૂષણથી આસપાસની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર અસર થાય છે.
ચીખલીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પંગુલ મોહલ્લામાં તેમના એક ઓરડાની ઝૂંપડીની બહાર પ્લાસ્ટિકની ખુરશી પર બેઠેલાં જાધવ તેમના દયનીય સ્વાસ્થ્ય વિષે વાત કરે છે.
જરાય પણ સાજા થવાની આશા માટે, તેમણે સર્જરી કરાવવી જરૂરી છે. પરંતુ તે જોખમથી ભરેલી છે. તેમના પતિ ઘણીવાર નશાની હાલતમાં જ હોય છે, અને દર 10−15 દિવસે ઘેર આવે છે.
જાધવ તેમનાં બાળકો − 13 વર્ષીય કાર્તિક અને 12 વર્ષીય અનુ – ના ભવિષ્ય વિષે સૌથી વધુ ચિંતામાં રહે છે. એક નિસાસા જેવો સંભળાતો લાંબો શ્વાસ લેતાં તેઓ કહે છે, “મારા પતિ શું કરે છે, અહીં ન હોય ત્યારે તેઓ ક્યાં ખાય છે, ક્યાં સૂવે છે, તેની મને કંઈ જ ખબર નથી. મારા બાળકો શાળાએ જાય છે કે નહીં તે તપાસવાની પણ મારી પાસે તાકાત નથી. અમે સર્જરીને મુલતવી રાખી છે, કારણ કે જો મને કંઈક થઈ જશે, તો મારા બાળકો એક રીતે અનાથ બની જશે.”
જાધવ કચરો ઉપાડવાનું કામ કરતાં હતાં, અને કચરાના ઢગલામાંથી ફરીથી વાપરી શકાય તેવી અથવા રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓ શોધતાં હતાં. આ વસ્તુઓ વેચવાથી તેમને લગભગ મહિને 2,500 રૂપિયાની કમાણી થતી હતી. એક વર્ષ પહેલાં, તેમની તબિયત ખૂબ જ ખરાબ રીતે લથડતાં, તેઓ આટલી રકમ કમાવવા માટે પણ અસમર્થ બની ગયાં.
તેઓ કહે છે, “મને ગૅસ સિલિન્ડર ભરવાનું પણ પોસાય તેમ નથી.” સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પ્રવાહી પેટ્રોલિયમ વાયુ (એલ.પી.જી.)ના ઘરગથ્થુ સિલિન્ડરને એક વાર ભરાવવાનો ખર્ચ 1,000 રૂપિયા છે. “મારે મારી અડધી આવક રાંધણ ગૅસ પર ખર્ચવી પડે, તો હું ઘર કેવી રીતે ચલાવીશ?”
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના 2021ના એક અહેવાલ મુજબ, જેમને આર્થિક કારણોસર રસોઈ માટેનું સ્વચ્છ ઈંધણની પહોંચ ન હોય તેવી વૈશ્વિક વસ્તીમાં વિકાસશીલ એશિયાઈ દેશોનો 60 ટકા ફાળો છે.
બીજા શબ્દોમાં કહીએ તો, એશિયામાં 1.5 અબજ લોકો બાયો−ગૅસથી ચાલતા ચૂલા સળગાવવાથી ઘરની હવામાં ફેલાતા ઉચ્ચ સ્તરના ઝેરી પ્રદૂષકોના સંપર્કમાં આવે છે, જે તેમને સી.ઓ.પી.ડી., ફેફસાનું કેન્સર, ક્ષય રોગ અને શ્વાસોચ્છ્વાસને લગતા અન્ય રોગો માટે સંવેદનશીલ બનાવે છે.
*****
મધ્ય ભારતમાં નાગપુર શહેરની બહાર આવેલ ચીખલીનો ઝૂંપડપટ્ટી વિસ્તાર આ સતત ચાલી આવતી દુર્ઘટનાનું સૂક્ષ્મ રૂપ છે. અહીં લગભગ દરેક સ્ત્રી આંખોમાં પાણી ભરાવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને ઉધરસ જેવી બીમારીઓથી પીડાય છે.
છાપરાં અને સિમેન્ટ અને ટીનની શીટથી બનેલી ઝૂંપડીઓની આ વસાહતમાં લગભગ દરેક ઘર આગળ ઉલટા સી−આકારથી બનાવેલા ચૂલા આવેલા છે. જેમાં ડાળીડાળખાં અથવા ઘાસ સળગાવવામાં આવે છે.
આમાં સૌથી મુશ્કેલ કામ છે ચૂલો સળગાવવો – કારણ કે દીવાસળી અને થોડાક કેરોસીનથી કામ નહીં ચાલે. અગ્નિ સળગાવવા અને તેને ચાલુ રાખવા માટે, સાંકડી પાઇપથી એકાદ મિનિટ માટે સતત જોરથી ફૂંક મારવી પડે છે. આ માટે સ્વસ્થ ફેફસાં હોવાં એ પૂર્વશરત છે.
જાધવ હવે તેમનો ચૂલો સળગાવી શકતાં નથી, કારણ કે તેઓ જોરથી પાઇપમાં ફૂંકી શકતાં નથી. તેમને સરકારની જાહેર વિતરણ વ્યવસ્થામાંથી મફત અનાજ મળે છે, જે 80 કરોડથી વધુ ગરીબ ભારતીયોને મફત અનાજ પૂરું પાડે છે. જોકે, ભોજન રાંધવા માટે, જાધવે ચૂલો સળગાવી આપવા માટે પાડોશીને મદદ માટે વિનંતી કરવી પડે છે. તેઓ કહે છે, “કેટલીક વાર તો મારા ભાઈઓ તેમના ઘેર ભોજન રાંધીને મારા માટે લાવે છે.”
એશિયામાં 1.5 અબજ લોકો બાયો−ગૅસથી ચાલતા ચૂલા સળગાવવાથી ઘરની હવામાં ફેલાતા ઉચ્ચ સ્તરના ઝેરી પ્રદૂષકોના સંપર્કમાં આવે છે, જે તેમને સી.ઓ.પી.ડી., ફેફસાનું કેન્સર, ક્ષય રોગ અને શ્વાસોચ્છ્વાસને લગતા અન્ય રોગો માટે સંવેદનશીલ બનાવે છે
નાગપુર સ્થિત શ્વાસ રોગ નિષ્ણાંત ડૉ. સમીર અરબત કહે છે કે, આવી પરિસ્થિતિઓમાં ચૂલો સળગાવવાની પ્રક્રિયા સી.ઓ.પી.ડી. અને શ્વાસોચ્છ્વાસને લગતા અન્ય રોગોમાં મુખ્ય પરિબળ છે. તેઓ કહે છે, “પાઈપમાં બળપૂર્વક ફૂંક માર્યા પછી તરત જ, આ ક્રિયાને પૂરી કરવા માટે શરીરમાં આપોઆપ પાછો શ્વાસ ખેંચાય છે, જે દરમિયાન પાઇપના બીજા છેડે જે પણ રાખ અને અન્ય કાર્બન ધરાવતા રજકણો રહેલા હોય છે, તે અનૈચ્છિક રીતે શ્વાસમાં થળી જાય છે.”
2004માં, ડબલ્યુ.એચ.ઓ.એ આગાહી કરી હતી કે વર્ષ 2030 સુધીમાં સી.ઓ.પી.ડી. વૈશ્વિક સ્તરે મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ બની જશે. આ રોગ 2019માં તેની પરાકાષ્ઠાએ હતો.
ડૉ. અરબત કહે છે, “વાયુ પ્રદૂષણ એ એક એવી મહામારી છે, જેનો આપણે પહેલાંથી જ સામનો કરી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષોમાં, અમે જોયેલા સી.ઓ.પી.ડી.ના દર્દીઓમાંથી લગભગ અડધા લોકો ધૂમ્રપાન ન કરનારા હતા. તે મોટાભાગે શહેરોમાં અને તેની આસપાસની ઝૂંપડપટ્ટીઓમાં ઘરની અંદરના પ્રદૂષણને કારણે થાય છે, જ્યાં ઘરની અંદર હવાની મુક્ત અવરજવરની સુવિધા વગર રસોઈ બનાવવા માટે લાકડાં બાળવામાં આવે છે. આમાં મહિલાઓને અપ્રમાણસર પ્રભાવિત થાય છે, કારણ કે પરિવાર માટે રસોઈ તેઓ જ બનાવે છે.”
65 વર્ષીય શકુંતલા લોંધે, કે જેમને બોલવામાં તકલીફ પડે છે, તેઓ કહે છે કે તેઓ ચૂલા દ્વારા ઉત્પન્ન થતા ધુમાડાને દિવસમાં બે થી ત્રણ કલાક સુધી શ્વાસમાં લે છે. તેઓ ઉમેરે છે, “મારે મારા અને મારા પૌત્ર માટે દિવસમાં બે વખત ભોજન રાંધવું પડે છે. મારે નહાવા માટે પાણી પણ ગરમ કરવાનું હોય છે. અમારી પાસે ગૅસ કનેક્શન નથી.”
લાંબી માંદગીને કારણે 15 વર્ષ પહેલાં લોંધેના પુત્રનું અવસાન થયું હતું. તેમની પુત્રવધૂ તેના બીજા દિવસે ઘર છોડીને જતી રહી હતી, અને પછી પરત ફરી નથી.
લોંધેનો 18 વર્ષીય પૌત્ર, સુમિત ડ્રમ વૉશર તરીકે કામ કરીને સપ્તાહના 1,800 રૂપિયા કમાય છે. જોકે, તે તેમનાં દાદીને એક રૂપિયો પણ આપતો નથી. તેઓ કહે છે, “જ્યારે મારી પૈસાની જરૂર પડે, ત્યારે હું શેરીઓમાં ભીખ માંગું છું. તેથી ગૅસ કનેક્શન લેવાની તો કોઈ શક્યતા જ નથી.”
લોંધેના મદદરૂપ પાડોશીઓ તેઓ નજીકના ગામડાઓમાંથી લાવેલા થોડાક કાપેલા લાકડા તેમને આપે છે, જેને તેઓ તેમના માથા પર ઊંચકીને દરરોજ એક કલાકથી વધુ સમય સુધી ચાલીને લાવે છે.
લોંધે જ્યારે પણ ચૂલો સળગાવે છે, ત્યારે તેઓ સુસ્તી અનુભવે છે અને ચક્કર આવે છે, પરંતુ તેમણે ક્યારેય સારવાર કરાવી નથી. તેઓ કહે છે, “હું ડૉક્ટર પાસે જાઉં છું અને થોડા સમય માટે રાહત મળે તેવી દવાઓ લઉં છું.”
ઓગસ્ટ 2022માં, બાળકોના ચોખ્ખી હવામાં શ્વાસ લેવાના અધિકાર માટે લડતી માતાઓનું અખિલ ભારતિય જૂથ − વોરિયર મોમ્સ; નાગપુર સ્થિત નોન-પ્રોફિટ − સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ; અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને મળીને સર્વેક્ષણ અને આરોગ્ય શિબિરનું આયોજન કર્યું હતું. ચીખલીમાં, તેમણે મહત્તમ ઉચ્છવાસી વહન દર (પી.ઇ.એફ.આર.)ની તપાસ કરી હતી, જે ફેફસાના સ્વાસ્થ્યનું માપ છે.
350 કે તેથી વધુનો સ્કોર સ્વસ્થ ફેફસાં હોવાનું સૂચવે છે, ચીખલીમાં, તપાસવામાં આવેલી 41 માંથી 34 મહિલાઓનો સ્કોર 350 કરતાં ઓછો હતો. જેમાંથી અગિયારનો સ્કોર તો 200થી પણ ઓછો હતો, જે ફેફસાની ક્ષતિ હોવાનું સૂચક છે.
લોંધેનો 150 નો સ્કોર આદર્શ કરતાં અડધા કરતાં પણ ઓછો હતો.
નાગપુર શહેરની ઝૂંપડપટ્ટીમાં 1,500 ઘરોને આવરી લેતા આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાંથી 43 ટકા ઘરોમાં લાકડાથી ચાલતા ચૂલાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો ઘરમાં બાળકોને બચાવવા માટે ખુલ્લામાં રાંધે છે. તેમ છતાં, ચૂલાના લીધે થતા વાયુ પ્રદૂષણથી સમગ્ર ઝૂંપડપટ્ટી વિસ્તાર પ્રભાવિત થયો હતો, કારણ કે ઝૂંપડપટ્ટીઓ એકબીજાની નજીક આવેલી છે.
ગરીબ ભારતીયોને રસોઈ માટેના સ્વચ્છ ઈંધણની પહોંચ ન હોવાથી ઉદ્ભવતી પર્યાવરણીય અને જાહેર આરોગ્યની ચિંતાઓને પહોંચી વળવા માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પી.એમ.યુ.વાય.) શરૂ કરી હતી, જેના હેઠળ ગરીબ પરિવારોને એલ.પી.જી. સિલિન્ડરના જોડાણો આપવામાં આવ્યા હતા. આ યોજનાનો ઉદ્દેશ 8 કરોડ પરિવારોને સ્વચ્છ રસોઈ ઈંધણ પૂરું પાડવાનો હતો, જેને, આ યોજનાની વેબસાઈટ મુજબ, સપ્ટેમ્બર 2019માં હાંસલ કરવામાં આવ્યો હતો.
જોકે, રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ−5 (2019−21)માં જાણવા મળ્યું છે કે ભારતમાં 41 ટકાથી વધુ ભાગમાં હજુ પણ રસોઈ માટે સ્વચ્છ ઈંધણનો અભાવ છે.
વધુમાં, જેમની પાસે એલ.પી.જી.નું જોડાણ છે, તેમના માટે પણ તે તેમનું પ્રાથમિક બળતણ ન પણ હોય. મહારાષ્ટ્રમાં 14.2 કિલોનું સિલિન્ડર ભરાવવાની કિંમત 1,100 થી 1,200 રૂપિયા વચ્ચે હોયે છે, અને તે વ્યાપકપણે નોંધવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9.34 કરોડ લાભાર્થીઓમાંથી માત્ર અમુક ટકા લાભાર્થીઓને જ નિયમિત સિલિન્ડર ભરાવવા પરવડી શકે તેમ છે.
સરકારી યોજના હેઠળ ચીખલીમાં એલ.પી.જી. જોડાણ મેળવનાર 55 વર્ષીય પાર્વતી કાકડે તેનું કારણ સમજાવતાં કહે છે, “જો હું સંપૂર્ણપણે ચૂલાનો ઉપયોગ કરવાનું બંધ કરી દઉં, તો મારે દર મહિને સિલિન્ડર ભરાવવો પડશે. આવું કરવું મને પોસાય નહીં. તેથી જ્યારે અમારે ત્યાં મહેમાનો આવે, કે ભારે વરસાદ હોય ત્યારે જ હું તેનો ઉપયોગ કરું છું, અને તેને છ મહિના કે તેથી વધુ સમય સુધી ચલાવું છું.”
ચોમાસા દરમિયાન, ભીના લાકડામાં આગ લગાડવા માટે પાઇપમાં વધુ જોરથી અને વધુ લાંબા સમય સુધી ફૂંક મારવી પડે છે. ચૂલામાં જેવી જ્યોત પ્રગટે છે, કે તરત તેમનો પૌત્ર તેમની આંખો ખંજવાળે છે અને રડવાનું શરૂ કરે છે. કાકડે આનાથી શ્વાસોચ્છ્વાસ સંબંધી સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમોથી વાકેફ તો છે, પરંતુ લાચાર છે.
કાકડે કહે છે, “હું તેના વિશે કંઈ કરી શકું તેમ નથી. અમે માંડ માંડ અમારો ગુજારો કરીએ છીએ.”
કાકડેના જમાઈ, 35 વર્ષીય બલિરામ, તેમના પરિવારમાં એકમાત્ર કમાતા સભ્ય છે. તેઓ કચરો ઉપાડીને દર મહિને 2,500 રૂપિયા કમાય છે. આ પરિવાર રસોઈ કરવા માટે તેમના પ્રાથમિક બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે અને તેમના પર અસ્થમા, નબળા ફેફસાં, ઓછી રોગપ્રતિકારક શક્તિ, અને શ્વાસોચ્છ્વાસને લગતા ચેપ લાગવાની સંભાવનાનું જોખમ તોળાઈ રહ્યું છે.
ડૉ. અરબત કહે છે, “ફેફસાનો કોઈપણ લાંબા ગાળાના રોગ, સ્નાયુઓની ક્ષીણતા અને તેમના બગાડનું કારણ બને છે, જે અકાળે વૃદ્ધત્વ તરફ દોરી જાય છે. દર્દીઓનો વિકાસ અટકી જાય છે… શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે તેઓ ઘરની અંદર જ રહેવાનું પસંદ કરે છે અને તેનાથી આત્મવિશ્વાસ પણ ઘટાડો થઈ શકે છે અને ડિપ્રેશનનું પણ કારણ બની શકે છે.”
અરબતની ટિપ્પણીઓ જાધવની પરિસ્થિતિનું આબેહુબ વર્ણન કરે છે.
તેમનો સ્વર અચોક્કસ છે અને તેઓ બોલતી વખતે આંખો મિલાવતાં નથી. તેમના ભાઈઓ અને તેમની પત્નીઓ રાજ્યની બહાર એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બહાર ગયેલાં છે. તેમણે ઘેર જ રહેવાનું નક્કી કર્યું છે, જેથી અન્ય લોકોએ તેમની સારસંભાળ રાખવામાં વ્યસ્ત ન રહેવું પડે. તેઔ સ્મિત સાટે તેમની ઉદાસીનતા દર્શાવતાં કહે છે, “કોઈએ હજું એવા શબ્દો તો વાપર્યા નથી, પરંતુ મારા જેવી પાછળ કોઈ શું કામ ટિકિટના પૈસા બગાડે? હું નકામી છું.”
પાર્થ એમ. એન. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વતંત્રતાઓ પર અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ