સીતાપુરની હોસ્પિટલના ખાટલે ઓક્સિજનને સહારે જીંદગી ટકાવી રાખવા સંઘર્ષ કરી રહેલા રિતેશ મિશ્રાનો સેલફોન સતત રણકતો રહ્યો. આ ફોન હતા રાજ્ય ચૂંટણીઆયોગ અને સરકારી અધિકારીઓના - ક્ષણે ક્ષણે મોતની વધુને વધુ નજીક ધકેલાઈ રહેલા એ શાળાના શિક્ષક 2 મેના રોજ ઉત્તર પ્રદેશની પંચાયત ચૂંટણીની મતગણતરીના દિવસે ફરજ પર હાજર થશે તેની પુષ્ટિ કરે તેવી માગણી કરતા.
તેમની પત્ની અપર્ણા કહે છે, "ફોન સતત રણક્યા જ કરતો હતો" તેમણે પારી (PARI) ને કહ્યું, “જ્યારે મેં ફોન ઉઠાવ્યો અને તે વ્યક્તિને કહ્યું કે રિતેશ હોસ્પિટલમાં દાખલ છે અને તે ફરજ સ્વીકારી શકે તેમ નથી - ત્યારે તેમણે માંગણી કરી કે હું તેમને હોસ્પિટલના ખાટલે પડેલા રિતેશનો ફોટો મોકલું - પુરાવા તરીકે. મેં આમ કર્યું. હું તમને તે ફોટોગ્રાફ મોકલીશ." અને તેમણે પારીને એ ફોટો મોકલ્યો.
પોતાના પતિને ચૂંટણીના કામ માટે ન જવા કેટકેટલી આજીજી કરી હતી તે વિશે 34 વર્ષના અપર્ણા મિશ્રા સૌથી વધુ વાતો કરે છે. તેઓ કહે છે, "તેમની ફરજની યાદી આવી ત્યારથી હું તેમને કહેતી હતી. પરંતુ તેમણે એક જ વાત કર્યે રાખી કે ચૂંટણી સંબંધિત ફરજ નકારી ન શકાય. અને જો તેઓ ફરજ પર હાજર ન થાય તો અધિકારીઓ તેમની સામે એફઆઈઆર પણ નોંધાવી શકે છે."
રિતેશ 29 મી એપ્રિલે કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા. પંચાયતોની ચૂંટણીમાં ફરજ પર હાજર થયા પછી આ જ રીતે મૃત્યુ પામેલા 700 થી વધુ યુપીના શિક્ષકોમાંના તેઓ એક છે. પારી પાસે સંપૂર્ણ સૂચિ છે જેની કુલ સંખ્યા હાલ - 713 - 540 પુરુષ અને 173 મહિલા શિક્ષકો થવા જાય છે - અને આ આંકડો સતત વધી રહ્યો છે. આ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 8 લાખ શિક્ષકો છે - જેમાંથી હજારો લાખો શિક્ષકોને મતદાનને લગતી ફરજો સોંપાઈ હતી.
સહાયક અધ્યાપક (સહાયક શિક્ષક) રિતેશ તેમના પરિવાર સાથે રહેતા હતા સીતાપુર જિલ્લાના મુખ્યાલયમાં પરંતુ ભણાવતા હતા લખનૌના ગોસાઈગંજ બ્લોકની એક પ્રાથમિક શાળામાં. 15, 19, 26 અને 29 મી એપ્રિલે ચાર તબક્કામાં યોજાનારી પંચાયતની ચૂંટણીઓમાં તેમને નજીકના ગામની એક શાળામાં મતદાન અધિકારી તરીકેની ફરજ બજાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
યુપીમાં પંચાયતની ચૂંટણીઓ એક પ્રચંડ કવાયત છે અને આ વખતે આ ચૂંટણીઓમાં આશરે 1.3 લાખ ઉમેદવારો 8 લાખ થી વધુ બેઠકો પર ચૂંટણી લડતા હતા. ચાર અલગ અલગ પદ માટે સીધી ચૂંટણી દ્વારા ઉમેદવારો પસંદ કરવા હકદાર 130 લાખ યોગ્ય મતદારો સાથે 520 લાખ મતપત્રકો છાપવાનું જરૂરી હતું. આ આખી કવાયત કરવામાં આવે તો તમામ મતદાન અધિકારીઓ માટે સ્પષ્ટ જોખમો હતા.
કોરોનાવાયરસ મહામારી તેની ચરમ સીમાએ હતી ત્યારે આ પ્રકારની ફરજ બજાવવા સામે શિક્ષકો અને તેમના સંગઠનોના વિરોધને અવગણવામાં આવ્યો હતો. યુપી શિક્ષક મહાસંઘે (ટીચર્સ ફેડરેશને) 12 મી એપ્રિલે રાજ્યના ચૂંટણી કમિશ્નરને લખેલા એક પત્રમાં ધ્યાન દોર્યું હતું કે શિક્ષકોને વાયરસ સામે રક્ષણ આપવા નહોતી કોઈ વાસ્તવિક સુરક્ષા કે નહોતા અંતર અંગેના કોઈ શિષ્ટાચાર કે કોઈ સુવિધાઓ. તાલીમ, મતપેટીઓની વ્યવસ્થા અને શિક્ષકોને હજારો લોકોના સંપર્કમાં આવવું પડે તે કારણે તેમને માટે ઊભા થતા જોખમો અંગે પત્રમાં ચેતવણી આપવામાં આવી હતી. તેથી ફેડરેશને મતદાન મુલતવી રાખવા માગણી કરી હતી. તે પછી 28 મી અને 29 મી એપ્રિલના બીજા પત્રોમાં મતગણતરીની તારીખ મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી હતી.
યુ.પી. શિક્ષક મહાસંઘના પ્રમુખ દિનેશચંદ્ર શર્માએ પારીને જણાવ્યું હતું કે, “અમે આ પત્ર રાજ્ય ચૂંટણી કમિશનરને ઈ-મેલ દ્વારા મોકલ્યો હતો અને હાથોહાથ પણ સુપરત કર્યો હતો. પરંતુ અમને ક્યારેય કોઈ જવાબ કે પત્ર મળ્યાની પહોંચ સુધ્ધા મળ્યા નથી મળી નથી અથવા માન્યતા પણ મળી નથી. અમારા પત્રો મુખ્ય પ્રધાનને પણ ગયા હતા પરંતુ તેનો પણ કોઈ જવાબ મળ્યો નહોતો."
શિક્ષકો પહેલા એક દિવસની તાલીમ માટે ગયા, પછી બે દિવસની ચૂંટણીને લગતી ફરજો માટે - પહેલે દિવસે તૈયારી માટે અને પછી મતદાનના વાસ્તવિક દિવસે. પાછળથી મતગણતરી માટે ફરીથી હજારો (શિક્ષકો) ફરજ પર હાજર થાય એ જરૂરી હતું. આ ફરજો નિભાવવી ફરજિયાત હોય છે. એક દિવસની તાલીમ દિવસ પૂરી કર્યા પછી 18 મી એપ્રિલે રિતેશ મતદાનને લગતી ફરજ માટે હાજર થયા હતા. અપર્ણા કહે છે, "તેમણે વિવિધ વિભાગોના બીજા સરકારી કર્મચારીઓ સાથે મળીને કામ કર્યું હતું, પરંતુ તેમાંના કોઈને પહેલેથી ઓળખાતા નહોતા."
અપર્ણા ઉમેરે છે, “ફરજ માટે મતદાનકેન્દ્રમાં જતા હતા ત્યારે તેમણે મને મોકલેલી સેલ્ફી હું તમને બતાવીશ. તે સુમો અથવા બોલેરો હતી જેમાં તેઓ બે બીજા માણસો સાથે બેઠા હતા. તેમણે મને એવા જ એક બીજા વાહનનો ફોટો પણ મોકલ્યો હતો જેમાં ચૂંટણી ફરજ માટે લગભગ 10 વ્યક્તિઓને લઈ જવામાં આવતા હતા. હું તો ભયથી સ્તબ્ધ થઈ ગઈ હતી. અને પછી મતદાન મથક પર સામાજિક અંતર જળવાયા વિના હજી વધારે ક્રિયા-પ્રતિક્રિયા થઈ.
શિક્ષકો પહેલા એક દિવસની તાલીમ માટે ગયા, પછી બે દિવસની ચૂંટણીને લગતી ફરજો માટે - પહેલે દિવસે તૈયારી માટે અને પછી મતદાનના વાસ્તવિક દિવસે. પાછળથી મતગણતરી માટે ફરીથી હજારો (શિક્ષકો) ફરજ પર હાજર થાય એ જરૂરી હતું.આ ફરજો નિભાવવી ફરજિયાત હોય છે.
"તેઓ મતદાન પછી 19 મી એપ્રિલે 103 ડિગ્રી તાવ સાથે ઘેર પાછા ફર્યા હતા. ઘેર આવવા માટે નીકળતા પહેલા, પોતાને ઠીક લાગતું નથી એમ જણાવતો ફોન તેમણે મને કર્યો હતો અને મેં તેમને ઝડપથી ઘેર પાછા ફરવાનું કહ્યું હતું. થોડા દિવસો સુધી તો અમે કામના અતિશય ભારણને લીધે આવેલ સામાન્ય તાવ હશે એમ માનીને સારવાર આપતા રહ્યા. પરંતુ જ્યારે ત્રીજા દિવસે (22 મી એપ્રિલે) પણ તાવ ચાલુ રહ્યો ત્યારે અમે એક ડોક્ટરની સલાહ લીધી અને તેમણે રિતેશને તાત્કાલિક કોવિડ પરીક્ષણ અને સીટી-સ્કેન કરાવવાનું કહ્યું.
“અમે તે કરાવ્યું - તેઓ સંક્રમિત થયા હતા (તેઓ પોઝિટિવ હતા) - અને હોસ્પિટલમાં ખાટલો શોધવા ચારે તરફ અમારી ભાગદોડ શરુ થઈ. લખનૌમાં અમે ઓછામાં ઓછી 10 હોસ્પિટલોમાં તપાસ કરી હશે. એક આખો દિવસ ભટક્યા પછી છેવટે રાત્રે અમે તેમને સીતાપુર જિલ્લાના એક ખાનગી દવાખાનામાં દાખલ કર્યા. ત્યાં સુધીમાં તો તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થવા માંડી હતી.
"ડોક્ટર દરરોજ ફક્ત એક જ વાર આવતા, મોટાભાગે મધરાતે 12 વાગ્યે, અને અમે જ્યારે અણીને વખતે મદદ માટે બોલાવીએ ત્યારે દવાખાનાના કોઈ કર્મચારી જવાબ પણ નહોતા આપતા. છેવટે 29 મી એપ્રિલે સાંજે 5: 15 વાગ્યે તેઓ કોવિડ સામેની લડાઈ હારી ગયા. તેઓ પોતાનાથી બનતું બધું કરી છૂટ્યા - અમે બધા ય અમારાથી બનતું બધું કરી છૂટ્યા - પણ છેવટે તેઓ અમારી નજર સામે જ મોતને ભેટયા."
રિતેશ તેમના પાંચ સભ્યો - પોતે, અપર્ણા, તેમની એક વર્ષની પુત્રી અને પોતાના માતાપિતા સહિત - ના પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા. 2013 માં તેમના અને અપર્ણાના લગ્ન થયા અને એપ્રિલ 2020 માં તેમનું પહેલું સંતાન. અપર્ણા ડૂસકાં ભરતાં કહે છે, "12 મી મેએ અમારી આઠમી લગ્નગાંઠની ઉજવણી કરી હોત, પરંતુ તેઓ એ પહેલા જ ..." તેઓ (અપર્ણા) વાક્ય પૂરી કરી શકતા નથી.
*****
26 મી એપ્રિલે અતિશય ક્રોધે ભરાયેલ મદ્રાસ હાઈકોર્ટે કોવિડ -19 મહામારી દરમિયાન રાજકીય રેલીઓને મંજૂરી આપવા બદલ ભારતીય ચૂંટણી પંચ (ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા - ઈસીઆઈ) ની ઝાટકણી કાઢી. મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાતમૂર્તિ સંજીબ બેનરજીએ ઈસીઆઈના વકીલને કહ્યું: " કોવિડ -19 ની બીજી લહેર માટે માત્ર અને માત્ર તમારી સંસ્થા એકલી જ જવાબદાર છે." મુખ્ય ન્યાતમૂર્તિએ મૌખિક રીતે તો એ હદ સુધી કહ્યું કે " તમારા અધિકારીઓ પર તો ખૂનના આરોપ હેઠળ કેસ માંડવો જોઈએ ir."
કોર્ટના આદેશો હોવા છતાં મતદાન અભિયાન દરમિયાન ફેસ માસ્ક પહેરવાની, સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવાની અને સામાજિક અંતર જાળવવાની ફરજ પાડવામાં કમિશનની નિષ્ફળતા પર મદ્રાસ હાઈકોર્ટે તીવ્ર નારાજગી વ્યક્ત કરી.
બીજા દિવસે 27 મી એપ્રિલે ક્રોધે ભરાયેલ અલાહાબાદ હાઈકોર્ટની બેંચે યુપી રાજ્ય ચૂંટણી પંચ (સ્ટેટ ઈલેક્શન કમિશન - એસઈસી) ને "શા માટે ચૂંટણી પંચ તાજેતરમાં યોજવામાં આવેલ પંચાયતની ચૂંટણીઓના વિવિધ તબક્કાઓ દરમિયાન કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયું અને આ અંગે શા માટે તેના અને તેના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવે અને આવા ઉલ્લંઘન માટે જવાબદાર લોકો સામે કાયદેસર પગલાં ભરવામાં આવે" એ અંગેની કારણદર્શક નોટિસ ફટકારી .
મતદાનનો એક તબક્કો અને મતગણતરી હજી બાકી છે, કોર્ટે એસઇસીને "પંચાયતની ચૂંટણીઓના આગામી તબક્કાઓમાં આવા તમામ પગલાં તાત્કાલિક ધોરણે લેવાય, સામાજિક અંતર જાળવવાની અને ચહેરાને માસ્કથી ઢાંકવાની કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે અને સાવધાનીપૂર્વક પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો" આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે "જો આમ ન થાય તો ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ તેમની સામે કાયદાકીય કાર્યવાહીને પાત્ર ઠરશે.”
તે તબક્કે મૃત્યુની સંખ્યા 135 હોવાનું બહાર આવ્યું હતું અને દૈનિક અમર ઉજાલા દ્વારા તે અંગેના અહેવાલ આધારે આ બાબતે કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
[તેમ છતાં] પરિસ્થિતિ એ જ રહી. ખરેખર કશું જ બદલાયું નહિ.
1 લી મેએ મતગણતરીના દિવસના માંડ 24 કલાક પહેલા એટલી જ ક્રોધે ભરાયેલ સુપ્રીમ કોર્ટે (સર્વોચ્ચ અદાલતે) સરકારને પૂછ્યું હતું : "આ ચૂંટણીમાં લગભગ 700 શિક્ષકોનાં મોત નીપજ્યાં છે, તમે તેમના માટે શું કરી રહ્યા છો?" (ઉત્તરપ્રદેશમાં પણ તેની અગાઉના 24 કલાકમાં જ કોવિડ -19 ના 34372 કેસ નોંધાયા હતા).
એડિશનલ સોલિસિટર જનરલનો જવાબ હતો: “જે રાજ્યોમાં ચૂંટણી નથી યોજાઈ ત્યાં પણ કોવિડ - 19 ના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં કોઈ ચૂંટણી નથી પરંતુ તેમ છતાં ત્યાં પણ કેસોમાં ઉછાળો છે. જ્યારે મતદાન શરૂ થયું ત્યારે આપણે ત્યાં કોવિડ - 19 ની બીજી લહેર શરુ થઈ નહોતી.”
બીજા શબ્દોમાં કહીએ તો મૃત્યુની સંખ્યાને ચૂંટણી અને મતદાન સાથે કોઈ જ સંબંધ નથી
યુપીના પ્રાથમિક શિક્ષણ અંગેના રાજ્યકક્ષાના પ્રધાન સતિષચંદ્ર દ્વિવેદીએ પારીને કહ્યું હતું કે, "કોણ કોવિડ સંક્રમિત (પોઝિટિવ) હતું અને કોણ નહોતું એ દર્શાવી શકે એવી કોઈ અધિકૃત માહિતી અમારી પાસે નથી. એ અંગે અમે કોઈ તપાસ કરી નથી. તદુપરાંત, ફક્ત શિક્ષકો જ ફરજ માટે ગયા અને સંક્રમિત થયા એવું નથી." તેઓ પૂછે છે, "ઉપરાંત, તમને શી ખબર કે તેઓ ફરજ માટે જતા પહેલા અગાઉથી જ કોરોના સંક્રમિત નહોતા?/કોને ખબર ફરજ પર હાજર થતા પહેલા તેઓ અગાઉથી જ કોરોના સંક્રમિત નહિ હોય?”
જો કે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનો અહેવાલ સત્તાવાર માહિતી ટાંકતા દર્શાવે છે કે “જાન્યુઆરી 30, 2020 અને એપ્રિલ 4, 2021 વચ્ચે - 15 મહિનાના ગાળામાં - યુપીમાં કુલ 6.3 લાખ કોવિડ -19 કેસ નોંધાયા હતા. 4 થી April એપ્રિલથી શરૂ કરીને 30 દિવસમાં 8 લાખથી વધુ નવા કેસો ઉમેરાતાં યુપીમાં કુલ કેસોની સંખ્યા વધીને 14 લાખ પર પહોંચી હતી. આ સમયગાળો ગ્રામીણ પંચાયતોની ચૂંટણીઓનો હતો.” બીજા શબ્દોમાં કહીએ તો મહામારીના ત્યાર સુધીના આખા સમયગાળાની સરખામણીએ રાજ્યમાં મતદાન સંબંધિત પ્રવૃત્તિઓના એક જ મહિનામાં અનેક ગણા વધારે કોવિડ -19 કેસ જોવા મળ્યા હતા.
29 મી એપ્રિલે મૃત્યુ પામેલા 706 શિક્ષકોની સૂચિ તૈયાર કરવામાં આવી, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત આઝમગઢ જિલ્લામાં 34 શિક્ષકો મૃત્યુ પામ્યા હતા. 28 મોત સાથે ગોરખપુર, 23 મોત સાથે જૌનપુરમાં અને 27 મોત સાથે લખનૌ જિલ્લાઓની હાલત પણ ખરાબ હતી. યુપી શિક્ષક મહાસંઘ લખનૌના જિલ્લા પ્રમુખ સુધાંશુ મોહન કહે છે કે મૃત્યુઆંક હજી ય અટકવાનું નામ લેતો નથી. તેમણે 4 થી મેએ અમને કહ્યું હતું, "છેલ્લા પાંચ જ દિવસમાં મતદાન સંબંધિત ફરજ પરથી પાછા ફરેલા વધુ સાત શિક્ષકોના મૃત્યુ નોંધાયા છે." (આ નામો પારી પુસ્તકાલયમાં અપલોડ કરેલી સૂચિમાં ઉમેરવામાં આવ્યાં છે).
રિતેશ કુમારની દુર્ઘટના આપણને ઓછામાં ઓછા 713 કુટુંબો જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેનો આછોપાતળો ખ્યાલ ચોક્કસ આપે છે, પણ આ વાત ત્યાં પૂરી થતી નથી. એવા બીજા પણ છે જેઓ હાલ કોવિડ -19 સામે લડી રહ્યા છે; જેઓનું પરીક્ષણ હજી બાકી છે; અને જેઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને પરિણામોની રાહ જોવાય છે. એવા પણ છે કે જેમનામાં ફરજ પરથી પાછા ફર્યા પછી અત્યાર સુધી કોઈ લક્ષણો જોવા મળ્યા નથી પરંતુ સેલ્ફ-કવોરેન્ટાઈન્ડ (પોતે સંસર્ગનિષેધમાં) છે. તેમની આ બધી વાતો એ કઠોર વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે જેણે મદ્રાસ અને અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ક્રોધ અને ચિંતાને વેગ આપ્યો હતો.
43 વર્ષના સંતોષ કુમાર કહે છે, "મતદાન સંબંધિત ફરજ માટે પહોંચેલા સરકારી કર્મચારીઓની સલામતી માટે નહિવત્ વ્યવસ્થા હતી." તેઓ લખનૌના ગોસાઈગંજ બ્લોકની એક પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક છે, અને તેમણે મતદાનના દિવસોમાં તેમ જ મતગણતરીના દિવસે પણ ફરજ બજાવી છે. “અમારે બધાએ સામાજિક અંતરનો વિચાર સરખો ય કર્યા વગર બસો અથવા અમારે માટે વ્યવસ્થા કરાયેલ બીજા વાહનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. તે પછી, સ્થળ પર, અમને સાવચેતીનાં પગલાં તરીકે ગ્લવ્સ (હાથમોજાં) અથવા સેનિટાઇસર્સ મળ્યા નહોતા. અમે જે લઈ ગયા હતા તે જ અમારી પાસે હતું. હકીકતમાં અમે અમારી સાથે જે વધારાના માસ્ક લાવ્યા હતા તે અમે માસ્કથી ચહેરો ઢાંક્યા વિના (માસ્ક પહેર્યા વિના) આવેલા મતદારોને આપ્યા હતા."
'દર બીજે દિવસે મારા રસોઇયણ બેનનો ફોન આવે છે અને તેમના ગામની પરિસ્થિતિ કેટલી વિકટ બની રહી છે એની વાત તેઓ મને કરે છે . ત્યાંના લોકો તો જાણતા પણ નથી કે તેઓ બિચારા શેને કારણે મરી રહ્યા છે.'
તેઓ ઉમેરે છે, "એ સાચું છે કે અમારી પાસે ફરજ રદ કરાવવાનો કોઈ વિકલ્પ નહોતો. એકવાર ફરજની યાદીમાં તમારું નામ આવ્યું એટલે તમારે ફરજ પર હાજર થયે જ છૂટકો. સગર્ભા સ્ત્રીઓને પણ મતદાન સંબંધિત ફરજ પર જવું પડ્યું હતું, તેમની રજા માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી.” કુમારને હજી સુધી કોઈ લક્ષણો નથી - અને ત્યારબાદ 2 જી મેની મતગણતરીમાં પણ તેમણે ફરજ બજાવી છે.
લખમીપુર જિલ્લાની એક પ્રાથમિક શાળાના વડા મીતુ અવસ્થી વધારે કમનસીબ હતા. તેમણે પારીને જણાવ્યું કે જે દિવસે તેઓ તાલીમ માટે ગયા હતા તે દિવસે બીજા 60 લોકો તેમના રૂમમાં હતા. તેઓ બધા લખીમપુર બ્લોકની વિવિધ શાળાઓમાંથી હતા. તે બધા એકબીજાની અડોઅડ બેઠા હતા અને ત્યાંની એક અને એકમાત્ર મતપેટી પર મહાવરો કરી રહ્યા હતા. કલ્પના તો કરી જુઓ કે આખી પરિસ્થિતિ કેટલી ડરામણી હશે.”
તે પછી 38 વર્ષના અવસ્થી સંક્રમિત થયા છે. તેમણે તેમની તાલીમ પૂરી કરી હતી - જેને તેઓ (પોતે સંક્રમિત થયા તે માટે) જવાબદાર લેખે છે - અને મતદાન અથવા મતગણતરી સંબંધિત ફરજ માટે ગયા ન હતા. જો કે તેમની શાળાના અન્ય કર્મચારીઓને આવી કામગીરી સોંપવામાં આવી હતી.
તેઓ કહે છે, “અમારા એક સહાયક શિક્ષક ઇન્દ્રકાંત યાદવને ભૂતકાળમાં ક્યારેય કોઈ ચૂંટણી કામગીરી આપવામાં આવતી નહોતી. આ વખતે તેમને પણ ન છોડ્યા. યાદવ વિકલાંગ હતા. તેમને એક જ હાથ હતો અને તેમ છતાં તેમને ફરજ પર મોકલાયા હતા. (ફરજ પરથી) પાછા ફર્યાના થોડા જ દિવસોમાં તેઓ બીમાર પડ્યા અને આખરે મૃત્યુ પામ્યા."
અવસ્થી ઉમેરે છે, “દર બીજે દિવસે મારા રસોઇયણ બેનનો ફોન આવે છે અને તેમના ગામની પરિસ્થિતિ કેટલી વિકટ બની રહી છે એની વાત તેઓ મને કરે છે. ત્યાંના લોકો તો જાણતા પણ નથી કે તેઓ બિચારા શેને કારણે મરી રહ્યા છે. જે તાવ અને ઉધરસની તેઓ ફરિયાદ કરે છે - તે કદાચ કોવિડ -19 પણ હોઈ શકે - તે વિશે તેમને ખ્યાલ સુદ્ધા નથી."
27 વર્ષના શિવા કે. માંડ એક વર્ષથી શિક્ષક છે. તેઓ ચિત્રકૂટના માઉ બ્લોકની એક પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. ફરજ પર જતા પહેલા તેણે પોતાનું પરીક્ષણ કરાવ્યું હતું: "સલામતી ખાતર મતદાન સંબંધિત ફરજ પર જતા પહેલા મેં આરટી-પીસીઆર પરીક્ષણ કરાવ્યું હતું અને બધુ બરાબર હતું." ત્યાર બાદ 18 અને 19 એપ્રિલે તેઓ તે જ બ્લોકના બિયાવાલ ગામમાં ફરજ પર હાજર થયા હતા. તેમણે પારીને જણાવ્યું, "પરંતુ ફરજ પરથી પાછા ફર્યા પછી જ્યારે બીજી વાર પરીક્ષણ કરાવ્યું ત્યારે ખબર પડી કે હું કોવિડ પોઝિટિવ હતો."
“હું માનું છું કે જે બસ અમને ચિત્રકૂટ જિલ્લાના મુખ્ય મથકથી મતદાન કેન્દ્ર સુધી લઈ ગઈ હતી તે બસમાંથી જ મને ચેપ લાગ્યો. તે બસમાં પોલીસ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો હતા." તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ ક્વોરન્ટાઇનમાં છે.
ઊભરી આવતી દુર્ઘટનાની એક વિચિત્ર વિશેષતા એ હતી કે કેન્દ્રમાં પહોંચતા એજન્ટો માટે નેગેટિવ આરટી-પીસીઆર પ્રમાણપત્ર હોવું ફરજિયાત હતું તેમ છતાં આ અંગેની ક્યારેય કોઈ તપાસ કરવામાં આવી નહોતી. મતગણતરીની ફરજ બજાવતા સંતોષ કુમાર કહે છે કે આ અને બીજી માર્ગદર્શિકાઓનું કેન્દ્રોમાં ક્યારેય પાલન કરવામાં આવતું નહોતું.
*****
શિક્ષક મહાસંઘના પ્રમુખ દિનેશ ચંદ્ર શર્મા કહે છે, "28 મી એપ્રિલે અમે યુપી રાજ્ય ચૂંટણી આયોગને અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ 2 જી મેથી શરુ થતી મતગણતરી મુલતવી રાખવા વિનંતી કરતો પત્ર લખ્યો હતો. અમારા સંઘની બ્લોક કક્ષાની શાખાઓની મદદથી સંકલિત કરેલી 700 થી વધુ મૃત્યુકોની સૂચિ બીજે જ દિવસે અમે એસઇસીને અને મુખ્યમંત્રીને આપી હતી."
મદ્રાસ હાઈકોર્ટે ભારતના ચૂંટણી પંચની કાઢેલી ઝાટકણી બાબતે શર્મા જાણતા હોવા છતાં કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરે છે. જો કે તેઓ ખૂબ વ્યથા સાથે કહે છે કે “આપણી જીંદગીની કોઈ કિંમત નથી કારણ કે આપણે તો રહ્યા સામાન્ય માણસો, આપણે શ્રીમંત નથી. સરકાર મતદાન મુલતવી રાખીને વગદાર લોકોને પરેશાન કરવા માગતી નહોતી - કારણ કે તે લોકોએ ચૂંટણી ઉપર પહેલેથી જ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ્યા હતા. ને એથી ઊલટું અમે રજૂ કરેલા આંકડા બાબતે અમે અન્યાયી આરોપોનો સામનો કરીએ છીએ.
“જુઓ, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના 300000 સરકારી શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતો અમારો સંઘ 100 વર્ષ જૂનો છે. તમને લાગે છે કે જૂઠાણાં અને છેતરપિંડીના આધારે કોઈ પણ સંઘ આટલું લાંબું ટકી શકે?"
“ તેઓએ અમારા આંકડા ધ્યાનમાં લેવાનો અને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે એટલું જ નહિ તેઓ તે અંગે તપાસપંચ નીમી રહ્યા છે. અમારા પક્ષે તો અમને ખ્યાલ છે કે 706 ની આ પ્રથમ સૂચિમાં ઘણા નામો નોંધવાના રહી ગયા છે. તેથી અમારે સૂચિમાં સુધારો કરવો પડશે. ”
તેઓ ખૂબ વ્યથા સાથે કહે છે કે 'આપણી જીંદગીની કોઈ કિંમત નથી કારણ કે આપણે તો રહ્યા સામાન્ય માણસો, આપણે શ્રીમંત નથી. સરકાર મતદાન મુલતવી રાખીને વગદાર લોકોને પરેશાન કરવા માગતી નહોતી - કારણ કે તે લોકોએ ચૂંટણી ઉપર પહેલેથી જ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ્યા હતા.'
મહાસંઘના લખનૌ જિલ્લા પ્રમુખ સુધાંશુ મોહને પારીને જણાવ્યું હતું કે, “અમે મતગણતરીની ફરજમાંથી પાછા ફરેલા શિક્ષકો કે જેઓ કોવિડ પોઝિટિવ આવ્યા છે તેમની સૂચિ સુધારવાનું કામ પણ કરી રહ્યા છીએ. લક્ષણો દેખાતા સાવચેતીરૂપે 14-દિવસના ક્વોરન્ટાઇનમાં હોય પરંતુ હજી સુધી પરીક્ષણ ન કરાવ્યું હોય એવા પણ ઘણા લોકો છે."
દિનેશ શર્મા ધ્યાન દોરે છે કે યુનિયનના પ્રથમ પત્રમાં માંગ કરવામાં આવી હતી કે “ચૂંટણી પ્રક્રિયાઓમાં સામેલ તમામ કર્મચારીઓને કોવિડ -19 થી પોતાને બચાવવા માટે પૂરતા સાધનો આપવામાં આવે.” પણ એ ક્યારેય બન્યું જ નહીં.
અપર્ણા મિશ્રા કહે છે, “મને સહેજ પણ ખ્યાલ હોત કે મારે આ રીતે મારા પતિને ગુમાવવા વારો આવશે તો મેં તેમને જવા જ ન દીધા હોત. વધારેમાં વધારે શું થાત? તેમની નોકરી જાત પણ જિંદગી તો બચી જાત.
શિક્ષક મહાસંઘે અધિકારીઓને લખેલા પહેલા પત્રમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે “કોવિડ - 19 થી સંક્રમિત થનાર કોઈપણ વ્યક્તિને સારવાર માટે ઓછામાં ઓછા 20 લાખ રુપિયા મળવા જોઈએ. અકસ્માત અથવા મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારને 50 લાખની રકમ મળવી જોઈએ. "
જો એવું થાય તો અપર્ણા અને બીજા ઘણા લોકોને થોડીઘણી રાહત મળે, જેમના જીવનસાથી અથવા કુટુંબીજનોએ તેમની નોકરી તેમ જ તેમના જીવ ગુમાવ્યા છે.
નોંધ: હાલમાં મળેલા સમાચારો મુજબ ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ હાઈકોર્ટને કહ્યું છે કે, સરકારે " મૃતક મતદાન અધિકારીઓના પરિવારના સભ્યોને 3000000/- રુપિયા વળતર આપવાનું નક્કી કર્યું છે." જો કે રાજ્ય ચૂંટણી પંચના વકીલે અદાલતને જણાવ્યું હતું કે સરકાર પાસે અત્યાર સુધીમાં 28 જિલ્લામાંથી માત્ર 77 લોકોના મોત થયાના અહેવાલો છે.
જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે . ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી .
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક