પાછલા એક મહિના કરતા પણ વધુ સમયથી, નિશા યાદવ પોતાના પરિવારના રાશન લાવવા માટે વધારે મુસાફરી કરી રહી છે. એમના ઘર નજીક આવેલ કરિયાણાની દુકાન પર એમને કરિયાણું આપવાની મનાઈ કરવામાં આવે છે. તેઓ કહે છે કે, “જ્યારથી પિતા હોસ્પિટલમાં ભર્તી થયા હતા, રાજનવાલા [કરિયાણાની દુકાનના માલિક] અમને એમની દુકાનમાં જવા દેતા નથી.”
નિશા કહે છે કે, “મારા પિતા જૂનના અંતમાં કોવીડ-૧૯ પોઝિટિવ આવ્યા હતા, પરંતુ તેઓ હવે પૂરી રીતે તૈયાર થઇ ગયા છે. અમે બાકી બધા બે અઠવાડિયા સુધી એકબીજાંથી અળગા રહ્યાં. જો કે પિતા એક મહિના પહેલા જ તૈયાર થઇ ગયા હતા, પરંતુ દુકાનદાર હજુ પણ કહે છે કે જો અમે એમની દુકાનમાં આવ્યા તો દુકાનમાં વાઈરસ ફેલાશે. આ કારણે અમારામાંથી કોઈ એક માણસે કિરાણાનો સમાન લેવા માટે આ વરસાદના મોસમમાં લગભગ એક માઈલ દૂર રહેતાં અમારા સંબંધીઓ પાસે ઘૂંટણ સમા કાદવવાળા પાણીમાં ચાલતા જવું પડે છે.”
૨૪ વર્ષીય નિશાએ ૬ વર્ષ પહેલા ૧૧માં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો, તેઓ ઉત્તર પ્રદેશના કુશીનગર જીલ્લાના હાટા વિસ્તારના સોહસા ગામમાં રહે છે. ગોરખપુર શહેરથી લગભગ ૬૦ કિલોમીટર દૂર આવેલ એમનું ગામ વરસાદ અને પુરની આફતથી ખુબજ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
“મારા ફોઈ-ફુવા અમારા માટે કરિયાણું ખરીદે છે અમે તેમને પાછળથી પૈસા ચૂકવીએ છીએ.” આ વાત કરતી વેળાએ પણ નિશા એમની સલવારના છેડાને ૩-૪ વખત વાળે છે – તેમણે તેમના ઘરે જવા માટે પુરના પાણીમાંથી પસાર થવું પડશે. એમના પરિવાર પાસે સાંજની ચા માટે ખાંડ પૂરી થઇ ગઈ છે.







