એસ. મુથુપેચી શાંતિથી તેમની મુશ્કેલીઓ વર્ણવે છે. તેમની પરંપરાગત કળા કારાગટ્ટમ જે તેમની કમાણીનું સાધન છે, તે આખી રાત નૃત્ય કરવા માટે કુશળતા અને તાકાત માંગી લે છે. તેમ છતાં, આ કલાકારોની સાથે કલંકિતો જેવું અને ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે, અને તેમની પાસે ખૂબ જ ઓછી સામાજિક સુરક્ષા હોય છે. ૪૪ વર્ષીય મુથુપેચીએ આ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
તેમના પતિનું દસ વર્ષ પહેલાં નિધન થયું હોવાથી મુથુપેચી વિધવા છે. તેમણે તમામ જીવન ખર્ચની વ્યવસ્થા પણ કરી અને પોતાની કમાણીથી તેમની બે પુત્રીઓના લગ્ન પણ કરાવ્યા. પરંતુ તે પછી, કોવિડ-૧૯ ત્રાટક્યું.
જ્યારે તેઓ કોરોના વાયરસ વિષે બોલે છે ત્યારે તેમનો અવાજ ગુસ્સા અને કરુણાથી ભરેલો છે. તેઓ આ રોગને કોસતા કહે છે કે, “પાઝા પોના કોરોના [આ મનહુસ કોરોના]. જાહેર પ્રદર્શનો બંધ હોવાને લીધે કોઈ આવક પણ નથી. મારે મારી દીકરીઓ પાસેથી પૈસા લેવાની ફરજ પડી છે.”
મુથુપેચી આગળ ઉમેરે છે કે, “આ સરકારે ગયા વર્ષે ૨,૦૦૦ રૂપિયા આપવાની વાત કરી હતી, પરંતુ અમને ૧,૦૦૦ રૂપિયા જ મળ્યા છે. અમે આ વર્ષે મદુરાઈના કલેકટરને અપીલ કરી છે, પણ હજુ સુધી કંઈ થયું નથી.” એપ્રિલ-મે ૨૦૨૦માં તમિલનાડુ સરકારે રાષ્ટ્રીય લોક કલાકાર કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા કલાકારોને ૧,૦૦૦ રૂપિયાનું ખાસ વળતર બે વખત આપવાની જાહેરાત કરી હતી.
લોકકળાના સ્વરૂપોના પ્રખ્યાત કલાકાર અને શિક્ષક મદુરાઇ ગોવિંદરાજ કહે છે કે મહામારીની શરૂઆત થઇ ત્યારથી મદુરાઈ જિલ્લાના આશરે ૧,૨૦૦ જેટલા કલાકારો કામ ન મળવાને લીધે વિવિધ તકલીફોનો સામનો કરી રહ્યા છે. હું મે મહિનામાં આંબેડકર નગર વિસ્તારના અવનીયાપુરમ નગરમાં, મુથુપેચીને જ્યાં મળી ત્યાં જ આશરે ૧૨૦ જેટલા કારાગટ્ટમના કલાકારો રહે છે.
કારાગટ્ટમ એ એક ગ્રામીણ નૃત્ય સ્વરૂપ છે જે ખાસ કરીને મંદિરોમાં ધાર્મિક તહેવારો દરમિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લગ્ન જેવા સામાજિક કાર્યોમાં અને અંતિમ સંસ્કાર દરમિયાન યોજવામાં આવે છે. કલાકારો દલિત છે અને આદી દ્રવિડ જાતિના છે. તેઓ જીવન નિર્વાહ માટે તેમની કળા પર આધાર રાખે છે.
કારાગટ્ટમ એક જૂથ નૃત્ય છે, જે સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે, જેમાં ભારે સજાવટવાળા ઘડા તેઓ પોતાના માથા પર સંતુલિત કરે છે. તેઓ ઘણીવાર રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૩ વાગ્યા સુધી આખી રાત નૃત્ય કરે છે.
મંદિરના તહેવારોનો તેમની નિયમિત આવકમાં મોટો ફાળો હોય છે - અને તે સામાન્ય રીતે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બરની વચ્ચે યોજાય છે - જેને કારણે કલાકારોને પોતાની કમાણી લગભગ આખું વર્ષ ચલાવવાની અથવા તો ટેકા માટે લોન લેવાની ફરજ પડે છે.
પરંતુ મહામારીને લીધે તેમની આવકના મર્યાદિત સ્ત્રોત ઉપર પણ અસર થઈ છે. તેમના ઘરેણાં અને ઘરની દરેક મુલ્યવાન વસ્તુઓ ગીરવી મુકીને, કલાકારો હવે બેચેન અને ચિંતિત છે.
૩૦ વર્ષીય એમ. નલ્લુથાઇ એકલ માતા છે અને ૧૫ વર્ષ કારાગટ્ટમ નૃત્ય કર્યું છે. તેઓ કહે છે, “મને ફક્ત કારાગટ્ટમ જ આવડે છે. અત્યારે તો હું અને મારા બંને બાળકો રાશનના દાળ ચોખા ખાઈને જીવી રહ્યા છીએ. પણ હું નથી જાણતી કે અમે ક્યાં સુધી આવી રીતે જીવી શકીશું. મને દર મહીને ૧૦ દિવસનું કામ મળશે તો જ હું પરિવારને ખાવાનું પૂરું પાડી શકીશ અને બાળકોની શાળાની ફી ભરી શકીશ.”
નલ્લુથાઇ ખાનગી શાળામાં ભણતા તેમના બાળકો માટે વાર્ષિક ૪૦,૦૦૦ રૂપિયા ફી ભરે છે. નલ્લુથાઇ કહે છે કે તેમના બાળકો તેમને પોતાનો વ્યવસાય છોડી દેવાનું કહે છે. તે આશા રાખતા હતા કે, સારું શિક્ષણ મેળવવાથી તે બધા પાસે વધુ વિકલ્પો હશે. પરંતુ તે મહામારી પહેલાના વિચારો હતા. "હું હવે અમારી રોજીંદી જરૂરિયાતો પૂરી કરવામાં પણ મુશ્કેલીઓ અનુભવી રહી છું."
કારાગટ્ટમના નૃત્યકારો જ્યારે કોઈ તહેવારમાં નૃત્યગાન કરે ત્યારે વ્યક્તિદીઠ ૧,૫૦૦-૩,૦૦૦ રૂપિયા કમાય છે. અંતિમ સંસ્કાર વખતે જ્યારે તેઓ ઓપ્પારી (શોકગીત) ગાય છે ત્યારે ઓછું કમાય છે - સામાન્ય રીતે ૫૦૦-૮૦૦ રૂપિયા જેટલું.
૨૩ વર્ષીય મુથુલક્ષ્મી કહે છે કે, મહામારીમાં અંતિમ સંસ્કાર જ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. તેઓ તેમના માતા પિતા, જે બંને બાંધકામ કામદાર છે, તેમની સાથે આંબેડકર નગર ખાતે ૮*૮ ફૂટના રૂમમાં રહે છે. મહામારીને લીધે તેમાંથી કોઇપણ વધારે કમાયું નથી, અને જ્યારે લોકડાઉન હટાવવામાં આવ્યું ત્યારે થોડી રાહત મળી હતી. પણ પછી કારાગટ્ટમના કલાકારોનું વેતન ઓછું કરી દેવામાં આવ્યું હતું. મંદિરના તહેવારો જયારે થયા ત્યારે પણ ત્યારે સામાન્ય દર કરતા ચોથા ભાગની, કે પછી એક તૃતીયાંશ ભાગ જેટલી જ ચૂકવણી કરવામાં આવી.
૫૭ વર્ષીય વરિષ્ઠ નૃત્યકાર, આર. જ્ઞાનામલ, આ ઘટનાઓથી હતાશ છે. તેઓ કહે છે, “હું ખૂબ નિરાશ છું. હું ક્યારેક-ક્યારેક વિચારું છું કે મારે મારો જીવ લઇ લેવો જોઈએ કે શું..."
જ્ઞાનામલના બંને પુત્રો મૃત્યુ પામ્યા છે. તેઓ અને તેમની બે પુત્રવધૂઓ મળીને ઘર ચલાવે છે, જેમાં તેમના પાંચ પૌત્રો પણ છે. તેઓ હવે તેમની નાની પુત્રવધૂ સાથે નૃત્ય કરે છે, તે દરમિયાન તેમની મોટી પુત્રવધૂ, કે જે એક દરજી છે, તેમની ગેરહાજરીમાં ઘર સાચવે છે.
૩૫ વર્ષીય એમ. અલાગુપંડી કહે છે, પહેલા જ્યારે તહેવારો અને કાર્યક્રમોમાં તેઓ વ્યસ્ત રહેતા હતા, ત્યારે તેમની પાસે ખાવા માટે પણ સમય રહેતો નહોતો. "અને વર્ષમાં ૧૨૦થી ૧૫૦ દિવસ કામ મળી રહેતું હતું."
જો કે અલાગુપંડી ભણી શકયા નથી. તેઓ કહે છે કે તેમના બાળકો ભણવા માટે ઉત્સુક છે. “મારી દીકરી કોલેજમાં ભણે છે. તે કમ્પ્યુટર સાયન્સમાં બી.એસ.સી. કરી રહી છે.” જો કે, ઓનલાઈન વર્ગો એક મોટો પ્રશ્ન છે. “જ્યારે કે અમે પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ, ત્યારે અમારી પાસે પૂરી ફી માંગવામાં આવી રહી છે.”
૩૩ વર્ષીય ટી. નાગજ્યોતિ માટે, કે જેમણે કારાગટ્ટમ એટલા માટે ચાલુ કર્યું હતું કેમ કે તેમના અત્તાઈ (કાકી) એક જાણીતા કલાકાર હતા, ચિંતાઓ ગંભીર અને તાત્કાલિક છે. તેમના પતિ ૬ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા ત્યારથી તેઓ પોતાની આવક પર જ નભી રહ્યા છે. તેઓ કહે છે કે, "મારા બાળકો ૯માં અને ૧૦માં ધોરણમાં ભણે છે. તેમને ખવડાવવું પણ મારા માટે મુશ્કેલ થઇ પડ્યું છે."
તહેવારની સિઝનમાં નાગજ્યોતિ સળંગ ૨૦ દિવસ સુધી નૃત્યગાન કરી શકે છે. જો તે બીમાર પણ પડે, તો તેઓ દવા લઈને નૃત્યગાન ચાલું રાખે છે. તેઓ કહે છે, “કંઈ પણ થાય, હું નૃત્ય ચાલું રાખીશ. મને કારાગટ્ટમ પસંદ છે.”
મહામારીને લીધે આ કારાગટ્ટમના કલાકારોના જીવન ઉંધા ચત્તા થઇ ગયા છે. તેઓ પોતાના સપના પુરા કરવા માટે સંગીત, કામચલાઉ મંચ, અને પૈસાની રાહ જોઈ રહ્યા છે.
અલાગુપંડી કહે છે કે, “અમારા બાળકો ઈચ્છે છે કે અમે આ કામ છોડી દઈએ. અમે છોડી શકીએ છીએ, પણ ફક્ત ત્યારે જ કે જ્યારે તેઓ ભણે અને સારી નોકરી મેળવે.”
આ વાર્તાનું લખાણ અપર્ણા કાર્તિકેયને પત્રકારના સહયોગથી લખ્યું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ