ગૌરી કહે છે, “મેં સાંભળ્યું છે કે ઘણા લોકોને સરકારી યોજનાઓ દ્વારા સારી નોકરીઓ મળી છે અને તેમનું જીવન પણ સારી રીતે પસાર થઈ રહ્યું છે. મેં આ ટેલીવિઝન પર આવતી જાહેરાતોમાં જોયું છે.”
જો કે, ગૌરી વાઘેલા વાસ્તવમાં એવી કોઈ વ્યક્તિને ઓળખતાં નથી કે જેમને આવી નોકરીઓ મળી હોય અથવા રાજ્યની યોજનાઓને કારણે સારું જીવન જીવતાં હોય, જેવું કે જાહેરાતોમાં બતાવવામાં આવ્યું છે; અને તેમની પોતાની પાસે પણ કામના વિકલ્પો ખૂબ જ ઓછા છે. ૧૯ વર્ષીય ગૌરી કહે છે, “મેં સરકાર દ્વારા સંચાલિત કૌશલ્ય વર્ધનનો કોર્સ કર્યો છે અને હું સિલાઈ મશીન ચલાવી શકું છું. મને [ગારમેન્ટ ફેક્ટરીમાં] નોકરી પણ મળી. પરંતુ તે માસિક ૪,૦૦૦ રૂપિયાના નજીવા વેતન પર દરરોજની ૮ કલાકની નોકરી હતી. અને હું જ્યાં રહું છું ત્યાંથી તે લગભગ ૬ કિલોમીટર દૂર હતું. લગભગ બધી જ કમાણી ખોરાક અને પરિવહનમાં જ ખર્ચાઈ જતી. તેથી મેં બે મહિના પછી તે નોકરી છોડી દીધી.” તેઓ હસીને ઉમેરે છે, “હવે હું ઘેર રહું છું, અને ૧૦૦ રૂપિયા પ્રતિ નંગના હિસાબે પડોશીઓનાં કપડાં સીવું છું. પણ અહીં લોકો આખા વર્ષમાં ફક્ત બે જોડી જ કપડાં સિવડાવે છે, તેથી હું વધારે કમાણી કરી શકતી નથી.”
અમે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરના રામનગરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતી યુવતીઓ સાથે વાતચીત કરી રહ્યાં છીએ. ચર્ચા આજે, ૨૩ એપ્રિલે, થનારા મતદાનની આસપાસ ચાલી રહી છે.
૨૦૧૪ની ચૂંટણીમાં, કચ્છમાં કુલ ૧૫.૩૪ લાખ મતદારોમાંથી ૯.૪૭ લાખ મતદારો એ મતદાન કર્યું હતું; જેમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની બધી ૨૬ બેઠકો પર જીત મેળવી હતી. કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડાએ તેમના સૌથી નજીકના હરીફ એવા કોંગ્રેસ પક્ષના ડૉ. દિનેશ પરમારને ૨.૫ લાખ કરતાં પણ વધારે મતોથી હરાવ્યા હતા. તદુપરાંત, ૨૦૧૭ની ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં, કુલ ૧૮૨ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે ૯૯ બેઠકો જીતી હતી, તેમાં ભુજ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. એ વખતે, કોંગ્રેસે ૭૭ બેઠકો પર જીત મેળવી હતી.
રામનગરીના મોટા ભાગના રહેવાસીઓ ગ્રામીણ કચ્છમાંથી સ્થળાંતરિત થયેલા છે, જેઓ કામની શોધમાં આવ્યા હતા અને અહીં જ સ્થાયી થઈ ગયા હતા. ભુજમાં મહિલાઓ સાથે કામ કરતા કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અરુણા ધોળકિયા કહે છે કે લગભગ ૧.૫ લાખ લોકોની વસ્તીવાળા (૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ) આ શહેરમાં આવી ૭૮ વસાહતો છે - જ્યાં ગ્રામીણ ગુજરાતમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકો વસે છે.
રામનગરીમાં અમે જે ૧૩ મહિલાઓને મળ્યા તે બધાની ઉંમર ૧૭ થી ૨૩ વર્ષની વચ્ચે હતી. તેમાંથી કેટલાંક અહીં જ જન્મેલાં હતાં, તો કેટલાંક તેમના માતાપિતા સાથે ભુજ આવ્યાં હતાં. તેમાંથી માત્ર એક જ મહિલા, પૂજા વાઘેલાએ આ પહેલા ચૂંટણીમાં મતદાન કર્યું હતું, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં. ગૌરી સહીત, ૧૮ વર્ષથી વધુ વયની એકપણ મહિલાએ મતદાન માટે નોંધણી કરાવી નથી.
તે બધાંએ પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેમાંથી મોટાભાગનાંએ ગૌરીની જેમ પાંચમાથી આઠમા ધોરણની વચ્ચે અભ્યાસ છોડી દીધો હતો. ગૌરીએ ભુજ તાલુકાના કોડકી ગામની સરકારી બોર્ડિંગ સ્કૂલમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમાંથી માત્ર ગૌરીની નાની બહેન ચંપા વાઘેલાએ જ તેનાથી આગળ અભ્યાસ કર્યો છે અને તે અત્યારે દસમા ધોરણમાં ભણે છે. લગભગ અડધી મહિલાઓને લખતા કે વાંચતા નથી આવડતું, જેમાંથી કેટલાંક તો પાંચમા ધોરણ સુધી ભણેલાં છે.
વનિતા વઢિયારાના શાળાના દિવસો ત્યારે પૂરા થયા, જ્યારે તેઓ પાંચમા ધોરણમાં હતાં. જ્યારે તેમણે તેમના દાદા-દાદીને ફરિયાદ કરી કે એક છોકરો તેણીનો પીછો કરે છે, એટલે તેમણે વનિતાને શાળામાંથી ઉઠાવી લીધી. વનિતા એક સારી ગાયિકા છે અને તેમને એક સંગીત સમૂહ સાથે કામ કરવાની ઓફર પણ કરવામાં આવી હતી. વનિતા કહે છે, “પરંતુ જૂથમાં ઘણા છોકરાઓ હતા, તેથી મારા માતાપિતાએ મને રજા ન આપી.” વનિતા તેમના ભાઈ-બહેનો સાથે બાંધણીનું કામ કરે છે. કપડાના ૧,૦૦૦ બિંદુઓને બાંધીને અને રંગીને તેઓ ૧૫૦ રૂપિયા કમાય છે - અને મહીને ૧,૦૦૦ થી ૧,૫૦૦ રૂપિયાની કમાણી થાય છે.
૨૨ વર્ષની ઉંમરે, તેમને એ નથી સમજાતું કે મતદાનથી તેમના જીવનમાં શું ફેર આવી શકે. તેઓ કહે છે, “અમારી પાસે ઘણા વર્ષોથી શૌચાલય નહોતા અને ખુલ્લામાં શૌચ કરવા જવું પડતું હતું. અમને રાત્રે બહાર જવામાં બહુ ડર લાગતો હતો. અમારામાંના ઘણા લોકો પાસે હવે [ઘરની બહાર] શૌચાલય છે, પરંતુ તેમાંથી ઘણા [ગટરલાઇન સાથે] જોડાયેલા નથી અને તેનો ઉપયોગ કરી શકાતો નથી. આ ઝૂંપડપટ્ટીમાં સૌથી ગરીબ લોકોને હજુ પણ ખુલ્લામાં શૌચ કરવું પડે છે.”
ત્યાં એકઠી થયેલી મહિલાઓના પરિવારના પુરુષો રસોઈયા, ઓટોરિક્ષા ડ્રાઇવર, ફળ વિક્રેતા અને મજૂર તરીકે કામ કરે છે. ઘણી યુવતીઓ રેસ્ટોરન્ટના રસોડામાં ઘરેલુ કામદાર અથવા હેલ્પર તરીકે કામ કરે છે. ૨૩ વર્ષીય પૂજા વાઘેલા કહે છે, “હું અને મારી મમ્મી સાંજે ૪ વાગ્યાથી મધરાત સુધી પાર્ટી કેટરર્સ માટે રોટલી બનાવવાનું અને વાસણો ધોવાનું કામ કરીએ છીએ. અમને દરેકને દિવસના કામ પેટે ફક્ત ૨૦૦ રૂપિયા જ ચૂકવવામાં આવે છે. જો અમે કોઈ દિવસ ચૂકી જઈએ અથવા કામથી વહેલાં ઘેર જતાં રહીએ, તો અમારો પગાર કાપવામાં આવે છે. પરંતુ અમને વધારાના કામ માટે ક્યારેય પગાર મળતો નથી - અને અમારે ઘણીવાર વધારાનું કામ કરવું પડે છે.
તેઓ અને તેમની સાથેની અન્ય મહિલાઓને લાગે છે કે સંસદનાં મહિલા ધારાસભ્યો તેમના જેવા સમુદાયોના પ્રશ્નો માટે વધુ સારો પ્રતિભાવ આપશે. ગૌરી કહે છે, “નેતા બનવા માટે અમારા જેવા ગરીબ લોકો પાસે વધારે પૈસા હોવા જોઇશે. જો સંસદમાં અડધી મહિલાઓ હોત, તો તેઓ ગામડે ગામડે જઈને જાણી લેતાં કે મહિલાઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ અત્યારે તો એવું થઇ રહ્યું છે કે જો કોઈ મહિલા ચૂંટાય છે, તો પણ તેના પિતા અથવા પતિ જ મહત્તા મેળવે છે અને સત્તા ભોગવે છે.”
‘મોટી કંપનીઓ પોતાનો બચાવ જાતે કરી શકે છે, સરકાર તેમની મદદ શા માટે કરે છે? મેં ટીવી સમાચારોમાં સાંભળ્યું છે કે તેમનું દેવું માફ કરવામાં આવ્યું છે...’
તેમની આ શંકાના પડઘા ૫૦ કિલોમીટર દૂર કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દાદોર ગામમાં પણ પડે છે. ૨૦ એકર જમીન અને બે ભેંશોના માલિક તથા એરંડાની ખેતી કરનારા ૬૫ વર્ષીય હાજી ઇબ્રાહીમ ગફૂર કહે છે, “આ લોકશાહીમાં, લોકોને રૂપિયાથી ખરીદવામાં આવે છે. તેમના મત માટે ૫૦૦, ૫,૦૦૦ કે ૫૦,૦૦૦ સુધીની રકમ આપવામાં આવે છે. આનાથી ગરીબ લોકોમાં ભાગલા પડી જાય છે, અડધા લોકો એક તરફ અને બાકીના અડધા એક તરફ. આનાથી તેમને કશો ફાયદો નથી થતો. સમુદાયના વડાને ચૂંટણીમાં ઊભા રહેલા લોકો પૈસા આપી દે છે. પરંતુ જેઓ મતદાન માટે તે વડાનું કહ્યું કરે છે, તેમને કોઈ વાસ્તવિક લાભ નથી મળતો. તેઓ મતદાનમાં દાન આપી રહ્યા છે [તેમના મતનું દાન].”
નંદુબા જાડેજા, જેમને અમે તે જ તાલુકાના વાંગ ગામમાં મળ્યા (તેઓ દેવીસર ગામનાં વતની છે), સરકારને આ સલાહ આપે છે: “જો તેઓ ખરેખર લોકોને મદદ કરવા માગતા હોય, તો તેઓએ ખેડૂતો અને પશુપાલકોનું દેવું માફ કરી દેવું જોઈએ. તે લોકો જે કામ કરે છે તેના લીધે જ આપણે જીવી શકીએ છીએ - આપણને ખાવા માટે ખોરાક અને પીવા માટે દૂધ મળે છે. સરકારને મારી વિનંતી છે કે તેઓ આ લોકોને મદદ કરે.”
૬૦ વર્ષીય નંદુબા, કચ્છ મહિલા વિકાસ સંગઠનના સૈયેરે જો સંગઠન સાથે કામ કરે છે. તેઓ ઉમેરે છે, “મોટી કંપનીઓ પોતાનો બચાવ જાતે કરી શકે છે, સરકાર તેમની મદદ શા માટે કરે છે? મેં ટીવી સમાચારોમાં સાંભળ્યું છે કે સરકારે તેમનું દેવું માફ કરી દીધું છે. અને જ્યારે ખેડૂતો દેવું માફ કરવાની વાત કરે છે, ત્યારે સરકાર તેમને કહે છે કે તે તેમના નિયમોમાં બંધબેસતું નથી! આ દેશમાં ખેતીના કારણે લોકો જીવે છે. કંપનીઓ જે પ્લાસ્ટિક બનાવે છે તેને લોકો ખાઈ શકતા નથી.”
રામનગરીથી માંડીને દાદોર અને વાંગ સુધી લોકોએ વ્યક્ત કરેલા પ્રશ્નો સ્પષ્ટ છે. પરંતુ, ચૂંટણીના તાજેતરના ઇતિહાસને જોતાં, શું મતદાનના વલણો પર આ મુદ્દાઓની અસર પડશે?
આ લેખક ભુજમાં કચ્છ મહિલા વિકાસ સંગઠનની ટીમનો, અને ખાસ કરીને કેવીએમએસ સખી સંગિનીના શબાના પઠાણ અને રાજવી રબારી અને કચ્છના નખત્રાણાના સંગઠન સૈયેરે જોના હકીમાબાઈ થેબાનો તેમણે કરેલી મદદ બદલ આભાર માને છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ