બેલડાંગાના ઉત્તરપરા વિસ્તારમાં તેમના ઘરના ધાબા પરથી કોહિનૂર બેગમ કહે છે, “મારા અબ્બુ [પિતા] વેતન કામદાર હતા, પરંતુ માછીમારી કરવી એ તેમના જીવનનો પ્રેમ હતો. તેઓ કોઈક રીતે એક કિલો ચોખા માટે પૈસાની વ્યવસ્થા કરતા અને પછી… તેઓ દિવસભર માટે ગાયબ થઇ જતા! મારાં અમ્મી [માતા] ને બાકીની બધી બાબતોનો સામનો કરવો પડતો હતો.”
“અને કલ્પના કરો, તે એક કિલો ચોખામાંથી, મારાં અમ્મીએ ચાર બાળકો, અમારાં દાદી, મારા પિતા, એક કાકી અને તેમના પોતાના ખાવાનો બંદોબસ્ત કરવો પડતો હતો.” તેઓ થોડો વિરામ લે છે અને પછી કહે છે, “આ બધા પછી પણ, મારા અબ્બુમાં માછલીને નાખવા માટે થોડા ચોખા માંગવાની પણ હિંમત હતી. એ માણસે અમને હેરાન કરી મૂક્યા હતા.”
55 વર્ષીય કોહિનૂર આપા [બહેન], બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલી જાનકી નગર પ્રાથમિક વિદ્યાલયમાં મધ્યાહન ભોજનનાં રસોઈયણ છે. પોતાના ફાજલ સમયમાં તેઓ બીડી વાળે છે અને આ કામ કરતી અન્ય મહિલાઓના અધિકારો માટે પણ ઝુંબેશ ચલાવે છે. મુર્શિદાબાદમાં, બીડીઓ વાળવા જેવું થકવી નાખનારું કામ સૌથી ગરીબ મહિલાઓ કરે છે. નાનપણથી જ તમાકુના સતત સંપર્કમાં રહેવાથી તેમના સ્વાસ્થ્યને પણ મોટું જોખમ રહેલું છે. વાંચો: ધુમાડો થઈ જતું મહિલા બીડી કામદારોનું સ્વાસ્થ્ય.
2021માં ડિસેમ્બરની એક સવારે, કોહિનૂર આપા બીડી કામદારો માટેના અભિયાનમાં ભાગ લીધા પછી આ પત્રકારને મળ્યાં હતાં. પાછળથી, વધુ હળવા મિજાજમાં કોહિનૂરે તેમના બાળપણ વિષે વાત કરી અને પોતે રચેલું એક ગીત પણ ગાયું - બીડી કામદારોના તનતોડ કામ કામની અને શોષણકારી પરિસ્થિતિઓ પરનું ગીત.
કોહિનૂર આપાના કહેવા પ્રમાણે, જ્યારે તેઓ નાનાં હતાં, ત્યારે તેમના પરિવારની ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે ઘરમાં ઘણી બોલાચાલી થતી હતી. તે યુવતી માટે તે અસહ્ય હતું. તેઓ કહે છે, “ એક સવારે, ઘરની સામાન્ય કથળેલી પરિસ્થિતિમાં, કોલસા, ગાયના છાણ અને લાકડાથી માટીના ચૂલા તૈયાર કરતી વખતે મે મારી અમ્મીને રડતી જોઈ. તેમની પાસે રાંધવા માટે કોઈ અનાજ બચ્યું ન હતું. તે વખતે હું માત્ર નવ વર્ષની હતી.”






