બંને 17 વર્ષની છે, બંને સગર્ભા છે. કેટલીકવાર નજર નીચી રાખવાની માતાપિતાની સૂચનાઓને ભૂલીને તે બંને સહેજમાં મોટેથી હસી પડે છે. અને હવે શું થશે એ વિચારે બંને ગભરાય છે.
સલીમા પરવીન અને અસ્મા ખાતુન (નામ બદલ્યા છે) બંને ગયા વર્ષે 7 મા ધોરણમાં હતા, જો કે ગામની સરકારી શાળા 2020 ના સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ જ હતી. લોકડાઉન જાહેર થતા પટના, દિલ્હી અને મુંબઇ રહીને નોકરી કરતા બિહારના અરરિયા જિલ્લાની બંગાળી તોલા વસાહતમાં રહેતા પરિવારોના પુરુષો પોતાને ઘેર પાછા ફર્યા. અને પછી એક પછી એક લગ્નો ગોઠવવા માંડ્યા.
બંનેમાંથી વધુ વાચાળ અસ્મા કહે છે, “કોરોના મેં હુઈ શાદી. મેં કોરોના દરમિયાન લગ્ન કર્યા."
સલીમાના નિકાહ (લગ્નવિધિ) બે વર્ષ પહેલાં જ વિધિપૂર્વક સંપાદિત થઈ ગયા હતા , અને જ્યારે તે લગભગ 18 વર્ષની થાય ત્યારે તેણે તેના પતિ સાથે રહેવાનું શરૂ કરવાનું હતું. પછી લોડાઉન જાહેર થયું અને દરજી તરીકે કામ કરતા તેના 20 વર્ષના પતિ અને એ જ વસાહતમાં રહેતા તેના (પતિના) પરિવારે સલીમા સાસરે રહેવા આવી જાય એવો આગ્રહ રાખ્યો. તે જુલાઈ 2020 ની આસપાસનો સમય હતો. તેના પતિ પાસે કામ ન હતું અને તે આખો દિવસ ઘેર જ હતો, બીજા પુરુષો પણ ઘેર હતા - અને (સલીમા સાસરે રહેવા આવી જાય તો) વધારાના બે હાથ મદદમાં લાગે તો સારું પડે.
અસ્માને માનસિક રીતે તૈયાર થવા માટે પણ પૂરતો સમય નહોતો મળ્યો. 2019 માં તેની 23 વર્ષની બહેનનું કેન્સરથી મૃત્યુ થયું હતું અને ગયા વર્ષે જૂનમાં તેની બહેનના પ્લમ્બર પતિએ લોકડાઉન દરમિયાન અસ્મા સાથે લગ્ન કરવાની જીદ પકડી. જૂન 2020 માં લગ્નવિધિ થઈ.
બેમાંથી એકે ય છોકરી જાણતી નથી કે બાળકો કેવી રીતે જન્મે છે. અસ્માની માતા રુખસાના કહે છે, “આ બાબતો માતા દ્વારા સમજાવવામાં આવતી નથી. લાજ કી બાત હૈ [તે શરમજનક બાબત છે]." છોકરીઓનું હસવાનું ચાલુ જ છે. દરેક જણ સંમત થાય છે કે આ અને અન્ય માહિતી મેળવવા માટે યોગ્ય વ્યક્તિ એ કન્યાની ભાભી, તેના ભાઈની પત્ની, છે, પરંતુ સલીમા અને અસ્મા નણંદ-ભોજાઈ છે અને બેમાંથી એકેય ગર્ભાવસ્થા કે બાળજન્મ વિશે સલાહ આપી શકે તેમ નથી.
બંગાળી તોલા એ રાણીગંજ બ્લોકની બેલવા પંચાયતમાં આવેલ આશરે 40 કુટુંબોની વસાહત છે. બંગાળી તોલાની આશા વર્કર (એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર) અસ્માની કાકી બંને છોકરીઓને "જલ્દીથી" બધું સમજાવી દેશે.
અથવા છોકરીઓ તેમનાથી 2 વર્ષ મોટી અને હજી થોડા વખત પહેલા જ નવી-નવી માતા બનેલી ઝકીયા પરવીનને પૂછી શકે છે. ઝકિયાનો દીકરો નિઝામ માંડ 25 દિવસનો છે (નામ બદલ્યા છે). મેશ આંજેલી આંખે નિઝામ એકીટશે જોઈ રહે છે. કોઈની '(ખરાબ) નજર' ન લાગે તે માટે તેના ગાલે મેશનું ટપકું કરેલું છે. ઝકિયા કહે છે કે તે હવે 19 વર્ષની થઈ ગઈ છે જો કે તે ઘણી નાની લાગે છે, પરંતુ તેની ફૂલેલી સુતરાઉ સાડીને કારણે તે વધુ નબળી અને નિસ્તેજ દેખાય છે. તે ક્યારેય શાળાએ ગઈ નહોતી, અને તે લગભગ 16 વર્ષની હતી ત્યારે તેના પિતરાઇ ભાઈ સાથે તેના લગ્ન કરાવી દેવાયા હતા.
આરોગ્ય કર્મચારીઓ અને સંશોધનકારો નોંધે છે કે બિહારની ઘણી ‘કોવિડ બાળવધૂ’ હવે સગર્ભા છે, તેઓ અપૂરતા પોષણ અને યોગ્ય માહિતીના અભાવ સામે/પોષણ અને માહિતી બંનેના અભાવ સામે સંઘર્ષ કરી રહ્યા છે. જો કે બિહારના ગામડાઓમાં લોકડાઉન પહેલાં પણ કિશોર વયમાં ગર્ભાવસ્થા સામાન્ય હતી. બ્લોક હેલ્થ મેનેજર પ્રેરણા વર્મા કહે છે કે, "અહીં આમાં કશું નવું નથી, યુવાન છોકરીઓ લગ્ન પછી થોડા વખતમાં જ ગર્ભવતી થાય છે અને પહેલા વર્ષમાં જ બાળકને જન્મ આપે છે."
રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે - એનએફએચએસ -5, 2019-20) નોંધે છે કે 15-19 વર્ષની વય મર્યાદામાં આવતી બધી છોકરીઓમાંથી 11 ટકા પહેલેથી જ માતા બની ચૂકી હતી અથવા સર્વેક્ષણ સમયે ગર્ભવતી હતી. આખા દેશના આંકડાઓ પર નજર કરીએ તો કુલ બાળલગ્નમાંથી બિહારનો હિસ્સો છોકરીઓમાં (18 વર્ષની વય પહેલા) બાળલગ્નમાં 11 ટકા અને છોકરાઓમાં (21વર્ષની વય પહેલા) બાળલગ્નમાં 8 ટકાનો છે.
બિહારમાં હાથ ધરાયેલ 2016 ના બીજા એક સર્વેક્ષણમાં પણ આ જ જોવા મળે છે. આરોગ્ય અને વિકાસના મુદ્દાઓ પર નફાના હેતુ વિના કામ કરતી પોપ્યુલેશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલ અધ્યયન નોંધે છે કે 15-19 વર્ષની વયની છોકરીઓમાંથી 7 ટકા છોકરીઓના લગ્ન 15 વર્ષની વય પહેલા થઈ ગયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં 18-19 વર્ષની વયની 44 ટકા જેટલી છોકરીઓના લગ્ન તેઓ 18 વર્ષની થાય તે પહેલા જ થઈ ગયા હતા.
દરમિયાન ગયા વર્ષના લોકડાઉન દરમિયાન લગ્ન થયા હોય તેવી બિહારની ઘણી યુવા નવવધૂઓ તેમના પતિ કામ માટે શહેરોમાં પાછા ફર્યા બાદ જીવનસાથી વિના સંપૂર્ણ અપરિચિત વાતાવરણમાં જીવી રહી છે
મુંબઇના ઝરી એમ્બ્રોઇડરી એકમમાં કામ કરતો ઝકીયાનો પતિ નિઝામના જન્મના થોડા દિવસો પછી ગામ છોડીને આ જાન્યુઆરીમાં મુંબઈ પહોંચ્યો. તે (ઝકિયા) બાળજન્મ પછી કોઈ પૂરક પોષણ લેતી નથી અને બાળજન્મ પછીના મહિનાઓ માટે રાજ્ય દ્વારા ફરજિયાત પૂરી પાડવામાં આવતી કેલ્શિયમ અને આયર્ન (લોહતત્ત્વ) ની ગોળીઓનું વિતરણ હજી બાકી છે, જો કે તેને આંગણવાડીમાંથી બાળજન્મ પહેલાના પૂરક પોષણની ગોળીઓ યોગ્ય રીતે મળી છે.
તે તેના રોજિંદા ખોરાકની યાદી આપતા કહે છે, “આલૂ કા તરકારી ઔર ચવલ [રાંધેલા બટાટા અને ભાત]." નહીં કોઈ દાળ, નહીં કોઈ ફળ. તેના બાળકને કમળો થઈ જાય તો એ ચિંતામાં ઝકિયાના પરિવારે થોડા દિવસ માટે તેને માંસાહારી ખોરાક અથવા ઇંડા ખાવાની ના પાડી છે. કુટુંબ પાસે દુધાળી ગાય છે, જે તેમના ઘરના દરવાજે ખીલે બાંધેલી છે, પરંતુ ઝકિયાને થોડા મહિના સુધી દૂધ આપવામાં નહિ આવે. આ બધી ખાદ્ય ચીજોથી કમળો થઈ શકે એવું મનાય છે.
પરિવાર ખાસ કરીને નિઝામની ખૂબ સંભાળ લે છે. 16 વર્ષની ઉંમરે ઝકિયાના લગ્ન થયાના લગભગ બે વર્ષ પછી તેને નિઝામને લઈને દિવસો રહ્યા હતા. ઝકિયાની માતા ગૃહિણી છે (તેના પિતા શ્રમિક છે). ઝકિયાની માતા કહે છે, "અમારે તેને (ઝકીયાને) કેસરારા ગામે એક બાબા પાસે લઈ જવી પડી હતી. ત્યાં અમારા સબંધીઓ છે. તેમણે (બાબાએ) અમને તેને (ઝકિયાને) ખવડાવવા માટે એક જડીબુટ્ટી [ઔષધિ] આપી, અને તે પછી તરત જ તેને દિવસો રહ્યા. તે એક જંગલી દવા [જંગલી ઔષધીય વનસ્પતિ) છે." જો તેને બીજા બાળકને લઈને ફરીથી સમયસર દિવસ નહિ રહે તો તેઓ તેને લગભગ 50 કિલોમીટર દૂર કેસરારા ફરી પાછા લઈ જશે? "ના, જ્યારે અલ્લાહ આપશે ત્યારે બીજું બાળક આવશે."
ઝકિયાની ત્રણ નાની બહેનો છે, સૌથી નાની તો હજી પાંચ વર્ષની પણ નથી અને એક મોટો ભાઈ લગભગ 20 વર્ષનો છે, તે પણ શ્રમિક તરીકે કામ કરે છે. આ બધી બહેનો શાળામાં અને મદરસામાં ભણે છે. પરિવારની મર્યાદિત આવકને કારણે ઝકિયાને શાળામાં દાખલ કરવામાં આવી નહોતી.
બાળજન્મ પછી પેરીનીઅલ ટેર માટે તેને ટાંકા લેવા પડ્યા હતા? ઝકિયા ડોકું હલાવી હા પાડે છે. શું તે દુ:ખે છે? છોકરીની આંખો આંસુથી ભરાઈ જાય છે, પણ તે બોલતી નથી, તેના બદલે તેની નજર નાના નિઝામ તરફ ફેરવી લે છે.
બીજી બે ગર્ભવતી છોકરીઓ પૂછે છે કે શું તે બાળજન્મ દરમિયાન રડતી હતી, અને આસપાસ ભેગી થયેલી મહિલાઓ હસે છે. ઝકિયા સ્પષ્ટપણે અત્યાર સુધી બોલી તેના કરતા ખૂબ મોટેથી બોલીને કહે છે, “બહુત રોઈ [ખૂબ].” અમે થોડીઘણી વધુ સારી સ્થિતિના પાડોશીના અર્ધ-નિર્મિત ઘરમાં લાદી પર ઢગલામાં પડેલા છૂટા સિમેન્ટ પર માગીને લાવેલી પ્લાસ્ટિકની ખુરશીઓ પર બેઠા છીએ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (તેના ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ 2016 માં: ડેથ્સ બાય કોઝ,એઈજ, સેક્સ, બાય કન્ટ્રી એન્ડ બાય રિજન, 2000-2016) નોંધે છે કે વૈશ્વિક સ્તરે 10 થી 19 વર્ષના વય જૂથની કિશોર માતાઓને એક્લેમ્પસિયા (બાળજન્મ પહેલાં અથવા તે દરમિયાન અથવા તે પછી આંચકી અને લોહીનું ઊંચું દબાણ), પ્યુઅરપેરલ (બાળજન્મ પછીના છ અઠવાડિયાના સમયગાળામાં) એન્ડોમેટ્રિઓસિસ અને ઇન્ફેક્શન (ચેપ) નું જોખમ 20-24 વર્ષના વય જૂથની સ્ત્રીઓ કરતાં વધારે છે. નવજાત શિશુઓ માટે પણ જન્મ સમયે ઓછા વજનથી લઈને નવજાતની વધુ ગંભીર સ્થિતિના જોખમો હોય છે.
અરરિયાના બ્લોક હેલ્થ મેનેજર પ્રેરણા વર્માને ઝકિયા માટે બીજી એક ચિંતા છે. તેઓ કિશોર માતાને સલાહ આપે છે કે, "તમારા પતિની નજીક ન જશો" - ખૂબ જ નાની માતા માટે વારંવાર ગર્ભાવસ્થા એ એક વાસ્તવિકતા છે અને બિહારના ગામોમાં આરોગ્યકર્મીઓ તેનાથી પરિચિત છે.
દરમિયાન સલીમા, જેને (મેં ફેબ્રુઆરીમાં મુલાકાત લીધી હતી ત્યારે)પહેલો મહિનો જાય છે તેને સ્થાનિક આંગણવાડીમાં બાળજન્મ પહેલાની સંભાળ માટે નોંધણી કરાવવાની બાકી છે. અસ્માને છઠ્ઠો મહિનો જાય છે, પણ તેનું પેટ હજી થોડુંક જ બહાર આવ્યું છે. તેને ‘તાકતી કા દવા’ (શક્તિ માટેની દવાઓ), કેલ્શિયમ અને લોહતત્ત્વના પૂરક પોષણની ગોળીઓ મળવાનું શરુ થઈ ગયું છે, રાજ્ય 180 દિવસ સુધી ગર્ભવતી મહિલાઓને આ દવાઓ પૂરી પાડે છે.
પરંતુ એનએફએચએસ -5 નોંધે છે કે બિહારમાં માત્ર 9.3 ટકા માતાઓએ ગર્ભાવસ્થા દરમિયાન 180 દિવસ અથવા તેથી વધુ સમય સુધી આયર્ન ફોલિક એસિડ લીધું હતું. માત્ર 25.2 ટકા માતાઓએ બાળ જન્મ પહેલાની સંભાળ માટે આરોગ્ય સુવિધા કેન્દ્રની ઓછામાં ઓછી ચાર મુલાકાત લીધી હતી.
અસ્માની માતા સમજાવે છે કે ભાવિ વરરાજા તેની સાથે લગ્ન કરવા માટે એક વર્ષ કેમ રાહ જોતો નથી ત્યારે અસ્મા ગભરાતા ગભરાતા હસે છે. રુખસાના કહે છે, “છોકરાના પરિવારને લાગ્યું કે ગામનો બીજો કોઈ છોકરો તેની સાથે નાસી જશે. તે શાળાએ જતી હતી ને, અને અમારા ગામમાં આવું બધું થાય છે."
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (2019-20) નોંધે છે કે 15-19 વર્ષની વય મર્યાદામાં આવતી બધી છોકરીઓમાંથી 11 ટકા પહેલેથી જ માતા બની ચૂકી હતી અથવા સર્વેક્ષણ સમયે ગર્ભવતી હતી.
*****
2016 ની પોપ્યુલેશન કાઉન્સીલ સર્વે (Udaya – Understanding Adolescents and Young Adults ઉદયા -અન્ડરસ્ટેન્ડિંગ અડોલસન્ટ એન્ડ યંગ અડલ્ટ્સ) પણ છોકરીઓને પોતાના પતિ તરફથી સહન કરવી પડતી ભાવનાત્મક, શારીરિક અને જાતીય હિંસા અંગે વિસ્તારપૂર્વક નોંધે છે: 15 થી 19 વર્ષની વયની 27 ટકા છોકરીઓને ઓછામાં ઓછી એક વાર થપ્પડ મારવામાં આવી હતી, અને 37.4 ટકાને ઓછામાં ઓછી એક વાર સેક્સ કરવાની ફરજ પાડવામાં આવી હતી. વળી આ વય જૂથની 24.7 ટકા પરિણીત છોકરીઓને લગ્ન પછી તરત જ બાળક પેદા કરવા પરિવારના સભ્યો દ્વારા દબાણ કરાતું હતું, અને 24.3 ટકાને લગ્ન પછી તરત દિવસ નહિ રહે તો 'વાંઝણી' નો બટ્ટો લાગી જશે એવો ડર હતો.
‘સક્ષમા: ઇનિશિયેટિવ ફોર વોટ વર્કસ, બિહાર’ ખાતે સંશોધનનું નેતૃત્વ કરતા પટના સ્થિત અનમિકા પ્રિયદર્શિની કહે છે કે તે સ્પષ્ટ હતું કે રાજ્યમાં બાળ લગ્નની સમસ્યા પર કાબૂ મેળવવાનો પડકાર લોકડાઉનને કારણે વધારે તીવ્ર બન્યો છે. તેઓ કહે છે, "2016-17 માં યુએનએફપીએ અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી બંધન તોડ એપ્લિકેશન પર બાળ લગ્નના અનેક અહેવાલો અથવા ફરિયાદો આવી હતી." એપ્લિકેશન દહેજ અને જાતીય ગુના જેવા મુદ્દાઓ વિશેની માહિતી આપે છે, અને તેમાં એસઓએસ (કટોકટી સહાય) બટન છે, વપરાશકર્તા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.
બાળલગ્નોના વિગતવાર સર્વેક્ષણની યોજના કરી રહેલ સક્ષમાએ જાન્યુઆરી 2021 માં ‘બિહારના વિશેષ સંદર્ભ સાથે ભારતમાં બાળ લગ્ન’ શીર્ષક હેઠળ પ્રવર્તમાન યોજનાઓની સમીક્ષા કરી એ અંગેનો એક અહેવાલ તૈયાર કર્યો. અનામિકા કહે છે કે છોકરીઓને સારું શિક્ષણ, રાજ્યની અન્ય વિવિધ દરમિયાનગીરીઓ, શરતી રોકડ સ્થાનાંતરણ અને અન્ય પગલાં દ્વારા તેમના બાળ લગ્ન થતા અટકાવવાની યોજનાઓને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. તેઓ કહે છે, “આમાંના કેટલાક કાર્યક્રમોની ચોક્કસ હકારાત્મક અસર પડી રહી છે. દાખલા તરીકે, શાળામાં છોકરીઓનો અભ્યાસ ચાલુ રાખવા માટે રોકડ પુરસ્કાર, અથવા બિહારની છોકરીઓ માટે સાયકલ યોજના દ્વારા માધ્યમિક શાળામાં તેમની પ્રવેશ સંખ્યામાં વધારો થયો અને હરીફરી શકવાની તેમની ક્ષમતા પણ વધી. આ કાર્યક્રમોના લાભાર્થીઓ 18 વર્ષના થાય ત્યારે લગ્ન કરી લે તો પણ આવા પ્રયત્નો આવકાર્ય છે."
બાળલગ્ન નિવારણ અધિનિયમ, 2006 શા માટે યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો નથી તે અંગે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “બિહારમાં બાળલગ્ન કાયદાના કાયદાકીય અમલીકરણની અસરકારકતા સંદર્ભે જાહેરમાં કોઈ અભ્યાસ ઉપલબ્ધ નથી. જો કે આંધ્રપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં હાથ ધરાયેલા અધ્યયનો પરથી જાણવા મળ્યું છે કે રાજકીય હસ્તક્ષેપ અને સ્થાપિત હિત ધરાવતા સંગઠિત જૂથો અને નેટવર્કની પહોંચને કારણે કાયદાના અમલીકરણ માટે જવાબદાર એજન્સીઓને પીસીએમએ લાગુ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે."
બીજા શબ્દોમાં કહીએ તો રાજકીય રીતે જોડાયેલા અથવા વિશેષાધિકાર ભોગવતા લોકો સહિત સમાજની વ્યાપક સ્વીકૃતિને કારણે બાળલગ્ન અટકાવવા સરળ નથી. ઉપરાંત આ પ્રથા સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલી હોવાને કારણે રાજ્યની દખલ એ સંવેદનશીલ મુદ્દો બની જાય છે.
પૂર્ણિયા જિલ્લાના પૂર્ણિયા પૂર્વ બ્લોકમાં અરરિયાથી આશરે 50 કિલોમીટર પૂર્વમાં આગાટોલા ગામની મનીષા કુમારી તેની માતાના વરંડામાં શીળી છાયામાં તેના એક વર્ષના પુત્રને દૂધ પીવડાવી રહી છે. તે કહે છે કે તે 19 વર્ષની છે. તેને ગર્ભનિરોધક વિશે ખાસ કંઈ ખબર નથી, અને તે ફરી દિવસ ન રહે તે માટે મોટે ભાગે નસીબ પર જ આધાર રાખે છે. તેની નાની બહેન 17 વર્ષની મણિકા લગ્ન કરવા માટેના પરિવારના દબાણ હેઠળ નાહિંમત થવા લાગી છે. તેમની માતા ગૃહિણી છે અને પિતા ખેતમજૂર તરીકે કામ કરે છે.
મણિકા કહે છે, 'મારા સાહેબે કહ્યું છે કે લગ્નની લઘુત્તમ વય 18 વર્ષ છે." તે પૂર્ણિયા શહેરની રહેણાંક શાળાના એક શિક્ષકનો ઉલ્લેખ કરી રહી છે, તે ત્યાં 10 મા ધોરણમા અભ્યાસ કરતી હતી. માર્ચ 2020 માં લાદવામાં આવેલા લોકડાઉનને કારણે તેને ઘેર પાછા ફરવું પડ્યું. પરિવાર તેને પાછો મોકલશે કે નહિ તે નક્કી નથી છે - આ વર્ષે બીજી ઘણી બધી વસ્તુઓ પોસાય તેમ નથી . ઘેર પાછા ફરતાં હવે મણિકાને તેના લગ્ન નક્કી થવાની શક્યતાનો સામનો કરવો પડે છે. તે કહે છે, "દરેક જણ એક જ વાત કરે છે લગ્ન કરી લે."
નજીકની આશરે 20-25 પરિવારોની વસાહત રામઘાટમાં 38 કે 39 વર્ષની ઉંમરે બીબી તંઝિલા આઠ વર્ષના છોકરા અને બે વર્ષની છોકરીની દાદી છે. તંઝિલા કહે છે, “19 વર્ષની ઉંમરે કોઈ છોકરીના લગ્ન ન થયા હોય તો તે બુઢિયા [વૃદ્ધ સ્ત્રી] ગણાય, કોઈ તેની સાથે લગ્ન ન કરે.” ગર્ભનિરોધક પર પ્રતિબંધ છે અને છોકરીઓ તરુણ (ઊઠતી-બેસતી) થાય પછી થોડા વર્ષોમાં જ તેમના લગ્ન કરાવી દેવાય છે એ સમજાવતા તેઓ ઉમેરે છે, "અમે શેરશાહબાદી મુસ્લિમ છીએ, અમે અમારા ધાર્મિક ગ્રંથોનું ખૂબ જ ચુસ્તપણે પાલન કરીએ છીએ." તેઓ લગભગ 14 વર્ષની ઉંમરે નવવધૂ હતા અને એક વર્ષ પછી એક માતા. ચોથા બાળક પછી તેમને આરોગ્ય સંબંધિત ગૂંચવણો ઊભી થઈ અને તેમણે વંધ્યીકરણની શસ્ત્રક્રિયા કરાવી. (એનએફએચએસ -5 મુજબ) બિહારમાં જન્મ નિયંત્રણની સૌથી લોકપ્રિય પદ્ધતિ હિસ્ટરેકટમી અને ટ્યુબલ લિગેશન (ગર્ભાશય કઢાવી નાખવાની શસ્ત્રક્રિયા અને સ્ત્રી-નસબંધી) અંગે તે કહે છે, "અમારા સંપ્રદાયમાં કોઈ પોતાની મરજીથી આ શસ્ત્રક્રિયા કરાવતું નથી. આજ સુધી કોઈએ એવું કહ્યું નથી કે અમારે 4-5 બાળકો છે અને હવે અમારાથી વધારે બાળકો નહિ સંભળાય."
રામઘાટના શેરશાહબાદી મુસ્લિમો પાસે ખેતીની કોઈ જમીન નથી, પુરુષો નજીકના પૂર્ણિયા શહેરમાં શ્રમિક તરીકે દાડી પર આધાર રાખે છે જ્યારે કેટલાક પટણા અથવા દિલ્હી સ્થળાંતર કરે છે, અને કેટલાક સુથાર અથવા પ્લમર તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે તેમના સમુદાયનું નામ પશ્ચિમ બંગાળના માલદામાં આવેલા શેરશાહબાદ શહેર પરથી પડ્યું છે, અને આ શહેરનું નામ શેર શાહ સુરીના નામ પરથી છે. તેઓ એકબીજા સાથે બંગાળીમાં વાતચીત કરે છે, અને એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલા સમુદાયના જૂથોમાં રહે છે, જેને ઘણીવાર તિરસ્કારપૂર્વક બાંગ્લાદેશી તરીકે ઓળખવામાં આવે છે.
ગામની આશા સહાયક સુનિતા દેવી કહે છે કે, કુટુંબ નિયોજન અને જન્મ નિયંત્રણમાં સરકારી હસ્તક્ષેપના રામઘાટ જેવી વસાહતોમાં નજીવા પરિણામો આવ્યા છે, જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, બાળલગ્ન સામાન્ય છે અને ગર્ભનિરોધક સ્પષ્ટપણે પ્રતિબંધિત છે. તેઓ ખૂબ જ યુવાન 19 વર્ષની સાદિયા (નામ બદલ્યું છે) નો પરિચય કરાવે છે, તે બે બાળકોની માતા હતી, તેણે લોકડાઉન દરમિયાન મે 2020 માં તેના બીજા દીકરાને જન્મ આપ્યો. તેના બે બાળકોનો જન્મ લગભગ 13 મહિનાના અંતરે થયો હતો. સાદિયાના પતિની બહેને તેના પતિની પરવાનગીથી ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક લેવાનું શરૂ કર્યું છે - તે (સાદિયાની બહેનનો પતિ) સ્થાનિક નાઈ છે - અને તેણે આ પરવાનગી આશાની ભલામણો કરતાં વધુ તેમની પોતાની આર્થિક તકલીફોથી પ્રેરાઈને આપી છે.
તંઝિલા કહે છે કે સમય ધીરે ધીરે બદલવા લાગ્યો છે. તેઓ કહે છે, “અલબત્ત બાળજન્મ પીડાદાયક હતો, પરંતુ તે દિવસોમાં એટલો પીડાદાયક નહોતો જેટલો આજે લાગે છે. કદાચ આપણે આજકાલ જે ખોરાક ખાઈએ છીએ તેનું પોષણનું સ્તર નબળું છે તે કારણ હોઈ શકે. તે જાણે છે કે રામઘાટની કેટલીક મહિલાઓએ ગર્ભનિરોધક ગોળીઓ, અથવા ઈંજેક્શન્સ અથવા ઇન્ટ્રા-યુટેરાઈન ઉપકરણ (કોપર-ટી) નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. "ગર્ભ ધારણ થતો અટકાવવો એ પાપ છે, પરંતુ લાગે છે આજકાલ લોકોની પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી."
લગભગ 55 કિલોમીટર દૂર અરરિયાના બંગાળી ટોલામાં અસ્મા જાહેર કરે છે કે તેણે શાળા છોડી નથી. તેના લગ્ન થયા ત્યારે લોકડાઉનને કારણે શાળા બંધ થઈ ગઈ હતી, અને લગ્ન પછી તે 75 કિમી દૂર કિશનગંજ બ્લોક જતી રહી હતી. સ્વાસ્થ્યના કારણોસર ફેબ્રુઆરી 2021થી તે પોતાની માતા સાથે રહેવા આવી છે, તે કહે છે કે બાળકને જન્મ આપ્યા પછી તે તેની શાળા કન્યા મધ્ય વિદ્યાલય ચાલતી જઈ શકશે. તે કહે છે કે તેના પતિને કોઈ વાંધો નથી.
સ્વાસ્થ્યની ઘટના વિશે પૂછપરછ કરતાં રુખસાના તેનો જવાબ આપે છે: “એક સાંજે મને તેના સાસુ-સસરાનો ફોન આવ્યો, તેને થોડો રક્તસ્રાવ થયો હતો. હું બસ પકડીને તરત કિશનગંજ ગઈ, અમે બધા ડરી ગયા હતા અને રડતા હતા. તે શૌચાલયનો ઉપયોગ કરવા બહાર નીકળી હતી, અને પવનમાં જ કંઈક હોવું જોઇએ, ચુડેલ હશે." માતા બનનારી વહુની રક્ષા માટે ધાર્મિક વિધિ માટે એક બાબાને બોલાવવામાં આવ્યા હતા. ઘેર અસ્માએ પરિવારને કહ્યું કે તેને લાગતું હતું કે તેણે ડોક્ટરને મળવું જોઈએ. બીજા જ દિવસે તેઓ અસ્માને કિશનગંજ શહેરના એક ખાનગી ક્લિનિકમાં લઈ ગયા, ત્યાં અલ્ટ્રાસાઉન્ડ કરી જણાવવામાં આવ્યું કે ગર્ભને નુકસાન થયું નથી.
પોતે જે પ્રક્રિયામાંથી પસાર થઇ હતી તેની ઝાંખી-પાંખી યાદથી પણ તેના ચહેરા પાર સ્મિત ફરકી જાય છે. તે કહે છે, “હું સુનિશ્ચિત કરવા માગતી હતી કે બાળક અને હું બંને સ્વસ્થ છીએ.” તે ગર્ભનિરોધક વિશે જાણતી નથી, પરંતુ અમારી વાતચીતથી તેને રસ જાગ્યો છે. તે વધુ જાણવા માંગે છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક