ફોર્બ્સ 2021 સૂચિને જો માનીએ તો (અને જ્યારે અબજોપતિઓ અને તેમની સંપત્તિની વાત આવે, ત્યારે ફોર્બ્સને માનવું રહ્યું) 12 મહિનામાં ભારતીય ડૉલર અબજોપતિઓની સંખ્યા 102 થી વધીને 140 પર પહોંચી ગઈ છે. ફોર્બ્સ નોંધે છે કે, તેમની સંયુક્ત સંપત્તિ છેલ્લા એક વર્ષમાં “લગભગ બમણી થઈને $ 596 અબજ થઈ ગઈ છે.
આનો અર્થ એ છે કે 140 વ્યક્તિઓ, અથવા આખી વસ્તીના 0.000014 ટકા લોકોની કુલ સંપત્તિ આપણા $ 2.62 ટ્રિલિયનના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ના 22.7 ટકા (અથવા પાંચમા ભાગ કરતા વધારે) બરાબર છે. જે હંમેશની માફક અંગ્રેજી ભાષાના 'ગ્રોસ' શબ્દને એક બીજો અર્થ આપી રહે છે. (ગ્રોસનો એક અર્થ છે 'કુલ' અને બીજો અર્થ છે 'ઘૃણાસ્પદ')
મોટાભાગના મોટા ભારતીય દૈનિકોએ ફોર્બ્સની ઘોષણાને ખાસ આ પ્રકારના પરાક્રમો માટે સાચવીને રખાતા એક સ્વીકૃતિના સ્વરમાં પ્રકાશિત કરી હતી - અને જે વાત ખૂબ સીધી અને સ્પષ્ટ રીતે ઓરેકલ ઓફ પેલ્ફ પણ કરે છે તેને એમણે ઉલ્લેખવામાંથી બાકાત રાખી હતી.
આ દેશ વિશેના અહેવાલના પહેલા ફકરામાં જ ફોર્બ્સ કહે છે કે, “બીજી કોવિડ -19 ની લહેર ભારતભરમાં ફેલાઈ રહી છે અને કુલ કેસ હવે ૧૨ કરોડથી વધુ છે. પરંતુ દેશનું શેરબજાર મહામારીના ડરની સામે ખભા ચડાવીને નવા શિખરોને સર કરવામાં પડ્યું છે; બેન્ચમાર્ક સેન્સેક્સ અગાઉના વર્ષ કરતાં 75% ઊંચો ગયો છે. ગયાવર્ષે ભારતીય અબજોપતિઓની કુલ સંખ્યા 102 હતી તે વધીને થઈને હવે 140 થઈ ગઈ છે; તેમની સંયુક્ત સંપત્તિ લગભગ બમણી થઈને $ 596 અબજ થઈ છે. "
ખરેખર, જે વર્ષમાં જીડીપીમાં 7.7 ટકાનો ઘટાડો થયો છે તે વર્ષમાં આ 140 ધનાધિપતિઓની સંયુક્ત સંપત્તિ 90.4 ટકા વધી છે. અને એક તરફ એમની આ સિદ્ધિના સમાચાર આવી રહ્યા છે તો બીજી તરફ આપણે શહેરોને છોડી તેમના ગામો તરફ ફરી એકવાર સ્થળાંતર કરી રહેલા મજૂરોના સમૂહોને જોઈ રહ્યા છીએ - ફરી એક વાર આંકડા એટલા મોટા અને ગંભીર છે કે સમજાવવા મુશ્કેલ છે. આ બધાને પરિણામે જે નોકરીની ખોટ સર્જાશે તેનાથી જીડીપીને કોઈ ફાયદો થશે નહીં. પરંતુ રાહતની વાત છે કે આપણા અબજોપતિઓને વધુ નુકસાન નહિ થાય. આ વાતની ફોર્બ્સ પણ ખાતરી આપે છે.
આ ઉપરાંત, અબજોપતિઓની સંપત્તિ કોવિડ -19 કરતા સાવ ઊંધા તર્કમાં માને છે. સંક્રમણ જેટલું વધારે તેટલી ફેલાવાની શક્યતા ઓછી.







