નાયકના પ્રવેશનું આ શ્રેષ્ઠ દ્રશ્ય છે. છ પુરુષો સમ ખાઈને કહે છે – પરિવહન, ભારે વજન ઉઠાવવાનું અને જોખમો એ બધું ધ્યાનમાં લેતા – ફણસનો વેપાર એ મહિલાઓનું કામ નથી તેની પાંચ જ મિનિટ પછી લક્ષ્મી દુકાનમાં પ્રવેશે છે. તેમણે પીળી સાડી પહેરી છે, ધોળા વાળનો અંબોડો વાળ્યો છે અને કાન અને નાકમાં સોનાના ઘરેણાં પહેર્યા છે. એક ખેડૂત આદરપૂર્વક જાહેર કરે છે, "તેઓ આ ધંધામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે,".
"અમારા ઉત્પાદનોની કિંમત તેઓ જ નક્કી કરે છે."
65 વર્ષના એ. લક્ષ્મી પનૃત્તિમાં ફણસના એક માત્ર મહિલા વેપારી છે - અને કોઈપણ કૃષિ વ્યવસાયમાં ખૂબ જ જૂજ વરિષ્ઠ મહિલા વેપારીઓ પૈકીના એક છે.
તમિળનાડુના કડ્ડલોર જિલ્લાનું પનૃત્તિ નગર તેના ફણસ માટે જાણીતું છે. અહીં મોસમ દરમિયાન દરરોજ સેંકડો ટન ફણસ ખરીદાય છે અને વેચાય છે. લક્ષ્મી દર વર્ષે શહેરની ફણસની મંડીઓ તરીકે કામ કરતી 22 દુકાનોમાં વેચવામાં આવતા હજારો કિલો ફણસની કિંમત નક્કી કરે છે. ખરીદનાર પાસેથી તેમને થોડું કમિશન – દર 1000 ફણસદીઠ 50 રુપિયા - મળે છે. મન થાય તો ખેડૂતો તેમને કદાચ થોડીઘણી રકમ ચૂકવે પણ ખરા. તેમના અંદાજ મુજબ, મોસમ દરમિયાન તેમની દૈનિક આવક 1000 થી 2000 રુપિયાની વચ્ચે હોય છે.
આટલું કમાવા તેઓ 12 કલાક કામ કરે છે. તેમનું કામ રાત્રે 1 વાગ્યે શરૂ થાય છે. લક્ષ્મી સમજાવે છે, “જો ત્યાં વધારે સરક્ક [માલ] હોય, તો વેપારીઓ મને લેવા વહેલા ઘેર આવે છે.” તેઓ મોડામાં મોડા રાત્રે 3 વાગ્યે ઓટોરિક્ષામાં મંડી પહોંચી જાય છે. તેમનો કામનો 'દિવસ' બપોરે 1 વાગ્યા સુધી ચાલે છે, ત્યારબાદ તેઓ ઘેર જાય છે, ખાય છે અને બજારમાં પાછા જવાનો સમય ન થાય ત્યાં સુધી આરામ કરે છે…
કલાકોના કલાકો સુધી વાતો કરવાને કારણે અને બૂમો પાડવાને કારણે લક્ષ્મીનો અવાજ કર્કશ થઈ ગયો છે. તેઓ મને કહે છે, "મને ફણસ ઉગાડવા વિશે ઝાઝી ખબર નથી." તેઓ વિનમ્રતાથી કહે છે, "પણ હું વેચાણ વિશે થોડુંઘણું જાણું છું." આખરે તેઓ ત્રણ દાયકાથી વેપારી છે, અને તે પહેલાં, 20 વર્ષ સુધી, તેમણે ચાલતી ટ્રેનોમાં ફણસ વેચ્યા છે.
તેઓ 12 વર્ષના હતા ત્યારે તેમની ફણસ સાથેની સફર શરૂ થઈ હતી. કિશોર વયના લક્ષ્મી અડધી સાડી પહેરી થોડા પલા પળમ લઈને સ્ટીમ એન્જિનથી ચાલતી કરી વંડી (પેસેન્જર ટ્રેન) માં એ વેચતા. ફણસને તમિળમાં પલા પળમ નામે ઓળખવામાં આવે છે. હવે 65 વર્ષના વૃદ્ધા લક્ષ્મી એક ઘરમાં રહે છે જેની આગલી ભીંત પર તેમનું નામ છે - લક્ષ્મી વિલાસ.
લક્ષ્મીએ દુનિયાના સૌથી મોટા ફળોમાંના એક - જેક (ફણસ) ના વેચાણ, વેપારમાંથી આ ઘર ઊભું કર્યું છે.
*****
ફણસની મોસમ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં શરૂ થાય છે અને સામાન્ય રીતે પૂરા છ મહિના ચાલે છે. 2021ના ઉત્તરપૂર્વ ચોમાસા દરમિયાન ભારે અને કમોસમી વરસાદને કારણે ફૂલો અને ફળ આઠ અઠવાડિયા મોડા આવ્યા હતા. પનૃત્તિની મંડીઓમાં આ ફળો આવ્યા ત્યાં સુધીમાં એપ્રિલ મહિનો શરુ થઈ ગયો હતો. અને ઓગસ્ટ સુધીમાં મોસમ પૂરી થઈ ગઈ હતી.
ફણસને સ્થાનિક બોલચાલની ભાષામાં 'જેક' કહેવામાં આવે છે, તે મૂળ દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટનું ફળ છે. આ નામ મલયાલમ શબ્દ ચક્કા પરથી આવ્યું છે. તેનું લાંબુંલચક વૈજ્ઞાનિક નામ છે: આર્ટોકાર્પસ હેટરોફિલસ.
પારીએ એપ્રિલ 2022 માં વેપારીઓ અને ખેડૂતોને મળવા માટે પહેલી વાર પનૃત્તિની મુલાકાત લીધી હતી. ખેડૂત અને દલાલ 40 વર્ષના આર. વિજયકુમારે તેમની દુકાનમાં અમારું સ્વાગત કર્યું હતું. તેમની દુકાન નક્કર માટીની ફર્શ અને ઘાસ છાયેલ છાપરા અને દીવાલોવાળું એક સરળ માળખું છે. આ મામૂલી માળખાના ભાડા પેટે તેઓ વાર્ષિક 50000 રુપિયા ચૂકવે છે. અહીં સુવિધાઓમાં માત્ર એક પાટલી અને થોડી ખુરશીઓ છે.
દુકાનમાં લાંબા સમય પહેલા થયેલ ઉજવણીની યાદ આપતા રંગબેરંગી કાગળના તોરણ, તેમના પિતાની હાર ચડાવેલ તસવીર, મેજ અને ફણસના ઢગલા છે. બારણાની નજીકના ઢગલામાં પહેલા લોટમાં આવેલા 100 ફળો છે, અને ફળોનો એ ઢગલો નાનકડી લીલી ટેકરી જેવો લાગે છે.
વિજયકુમાર સમજાવે છે, "તેની કિંમત 25000 રુપિયા છે." છેલ્લા ઢગલામાં 60 ફળો છે, અને તેની કિંમત લગભગ 18000 રૂપિયા છે - એ બે પક્ષોને વેચવામાં આવ્યો છે અને છેક ચેન્નાઈના અડયાર સુધી જવાનો છે.
ફણસને અખબારની વાનમાં પેક કરીને 185 કિલોમીટર દૂર ચેન્નાઈ મોકલવામાં આવે છે. વિજયકુમાર કહે છે, “જો તે વધુ ઉત્તર તરફ જવાના હોય તો અમે તેને ટાટા એસ ટ્રકમાં મોકલીએ છીએ. અમારા કામના દિવસો ઘણા લાંબા હોય છે. મોસમ દરમિયાન અમે સવારે 3 કે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અહીં હોઈએ છીએ. આ ફળની ઘણી માંગ છે. બધા આ ફળ ખાય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ ચાર સોલ્લઈસ (પેશીઓ) ખાય છે." તેઓ હસીને કહે છે, "ફક્ત અમે જ એ ખાઈ ખાઈને કંટાળી જઈએ છીએ."
વિજયકુમાર સમજાવે છે કે પનૃત્તિમાં 22 જથ્થાબંધ દુકાનો છે. લગભગ 25 વર્ષ સુધી આ જ જગ્યાએ તેમના પિતાની દુકાન હતી. તેમના મૃત્યુ બાદ વિજયકુમાર છેલ્લા 15 વર્ષથી એ દુકાન ચલાવે છે. દરેક દુકાન રોજનો 10 ટનનો વેપાર કરે છે. તેઓ કહે છે, "આખા તમિળનાડુમાં સૌથી વધુ ફણસ પનૃત્તિ બ્લોકમાં પાકે છે." અને પાટલી પર બેસી ઘરાકોની રાહ જોઈ રહેલા ખેડૂતો હકારમાં માથું હલાવીને વાતચીતમાં જોડાય છે.
પુરુષો વેશ્ટી અથવા લુંગી અને શર્ટ પહેરે છે. તેઓ એકબીજાને અને આ ધંધો કરતા લગભગ દરેકને ઓળખે છે. અહીં વાતચીત મોટેમોટેથી થાય છે, (ફોનના) રિંગટોન વધુ મોટા હોય છે, અને પસાર થતા ખટારાના આવાજ સૌથી મોટા હોય છે, તેમના હોર્ન તીણા અને કાનમાં ધાક પડી જાય એવા હોય છે.
47 વર્ષના કે. પટ્ટસામી ફણસની ખેતીના તેમના અનુભવની વાત કરે છે. તેઓ પનૃત્તિ તાલુકાના કટ્ટનાદિકુપ્પમ ગામના વતની છે અને તેમની પાસે ફણસના 50 ઝાડ છે. તેઓ બીજા 600 ઝાડ ભાડાપટે પણ આપે છે. દર 100 ઝાડ દીઠ હાલમાં ચાલતો દર છે 1.25 લાખ રુપિયા. તેઓ કહે છે, "હું 25 વર્ષથી આ વેપારમાં છું. અને હું તમને કહી શકું કે આમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ છે."
પટ્ટસામી દલીલ કરે છે, "જો પુષ્કળ ફળો થયા હોય તો પણ10 સડી જશે, 10 ફાટી જશે, 10 નીચે પડી જશે અને બીજા 10 બીજા પ્રાણીઓ ખાઈ જશે."
વધુ પડતા પાકેલા ફળો ફેંકી દેવામાંઆવે છે અને પશુઓ માટેનો ચારો બની જાય છે. સરેરાશ 5 થી 10 ટકા ફળ નકામા જાય છે. અધિકતમ ફળોની મોસમ દરમિયાન દરરોજ દુકાન દીઠ થતો બગાડ અડધા અને એક ટનની વચ્ચે હોય છે. ખેડૂતો કહે છે કે આ જંગી જથ્થો માત્ર પશુઓના ચારા તરીકે જ યોગ્ય છે.
અને પશુધનની જેમ વૃક્ષો પણ એક રોકાણ છે. ગામડામાં રહેતા સામાન્ય લોકો માટે એ શેરબજારના શેર જેવા છે - જેના ભાવ સામાન્ય રીતે સતત વધે છે, અને સારા નફા સાટે એ વેચી શકાય છે. વિજયકુમાર અને તેમના મિત્રો સમજાવે છે કે એકવાર ફણસના ઝાડનું થડ 8 હાથ પહોળું અને 7 કે 9 ફૂટ ઊંચું થઈ જાય તો "માત્ર લાકડાના જ 50000 રુપિયા ઉપજે."
પટ્ટસામી કહે છે કે બને ત્યાં સુધી ખેડૂતો ઝાડ કાપતા નથી. “અમે [ઝાડની] સંખ્યા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ તબીબી કટોકટી અથવા કુટુંબમાં લગ્ન માટે - પૈસાની જરૂર હોય ત્યારે - અમે થોડા મોટા ઝાડ પસંદ કરીને લાકડા માટે એ વેચીએ છીએ." તેમાંથી ખેડૂતને લાખ-બે લાખ મળી રહે છે. કટોકટીને પહોંચી વળવા અથવા કલ્યાણમ (લગ્ન) ના ખર્ચા ચૂકવવા માટે એ પૂરતા થઈ પડે છે...
દુકાનની પાછળ ચાલીને જતા પટ્ટસામી મને બોલાવે છે, "અહીં આવો." તેઓ સમજાવે છે કે એક સમયે ત્યાં ફણસના ડઝનેક મોટા ઝાડ હતા. જો કે હાલ આપણે માત્ર પલા કન્નુ (ફણસના નાના-નાના ઝાડ) જોઈ શકીએ છીએ. એ જમીનના માલિકે ખર્ચને પહોંચી વળવા મોટા ઝાડ વેચી દીધા હતા. પછીથી તેણે બીજા નવા રોપાનું વાવેતર કર્યું. નીચા, નાજુક ઝાડ તરફ ઈશારો કરતા પટ્ટસામી કહે છે, "આ બધા રોપા માંડ બે વર્ષના છે. જેકનું ઝાડ થોડા વર્ષ જૂનું થાય ત્યારે જ એ ફળ આપે છે."
દર વર્ષે મોસમનો પહેલો પાક પ્રાણીઓ ખાઈ જાય છે. “વાંદરાઓ તેમના મોઢેથી આ ફળોને ફાડી નાખે છે અને પછી હાથેથી તેને ખાય છે. અને ખિસકોલીઓને પણ એ બહુ ભાવે છે.”
પટ્ટસામી કહે છે વૃક્ષો ભાડાપટે આપવાથી બધાને લાભ થાય છે. “જુઓ, ઝાડના માલિકોને દર વર્ષે એકસામટી ઉચ્ચક રકમ મળી જાય છે, અને એક ફળ અહીંથી ને બીજું ફળ ત્યાંથી ઉતારીને એને સમયસર બજારમાં પહોંચાડવાની જરૂર રહેતી નથી. જ્યારે - હું ઘણા બધા વૃક્ષોની સંભાળ રાખતો હોઉં એટલે - મારા જેવી વ્યક્તિ એક સાથે 100 કે 200 ફળો ઉતારીને મંડીમાં લાવી શકે." એટલે જ્યાં સુધી વૃક્ષો બરોબર ફળ આપે, આબોહવા સારી રહે, અને ફળો સરસ રીતે ઉગે, આબોહવા અને ફળોની વૃદ્ધિ સારી હોય ત્યાં સુધી બધાને માટે આ ફાયદાનો સોદો છે.
કમનસીબે આ બધું જ થાય તો પણ ફળોના દર હજી ખેડૂતો નક્કી કરી શકતા નથી. જો તેઓ દર નક્કી કરી શકતા હોત તો ભાવમાં આટલો આકસ્મિક, ત્રણ ગણો તફાવત જોવા ન મળત. 2022 માં એક ટન ફણસની કિંમત 10000 થી 30000 રુપિયાની વચ્ચે જોવા મળી હતી.
વિજયકુમાર તેમના લાકડાના મેજના ડ્રોઅર તરફ ઈશારો કરતા કહે છે, "જ્યારે દર ઊંચો હોય છે, ત્યારે એવું લાગે કે જાણે ખૂબ પૈસા છે." તેમને બંને પક્ષો પાસેથી પાંચ ટકા કમિશન મળે છે. તેઓ ખભા ઉલાળી ડ્રોઅર થપથપાવતા કહે છે, “પરંતુ જો એકાદ ગ્રાહક તમને છેતરી જાય તો બધુંય જતું રહે. તો પછી અમારે બધું ખાલી કરીને ખેડૂતને ચૂકવણી કરવી પડે. અમારી પણ (ખેડૂતો પ્રત્યે) નૈતિક જવાબદારી બને છે, ખરું કે નહીં?
ફણસના ખેડૂતો અને ઉત્પાદકોએ એપ્રિલ 2022ની શરૂઆતમાં એક સંગમ, એક સમિતિની રચના કરી. વિજયકુમાર તેના સચિવ છે. તેઓ કહે છે, "એને હજી 10 દિવસ જ થયા છે. હજી સુધી અમે તેની નોંધણી કરાવી નથી." તેઓને તેમની સમિતિ પાસેથી ઘણી આશાઓ છે. “અમે ભાવ નક્કી કરવા માંગીએ છીએ. પછી અમે (જિલ્લા) કલેક્ટરને મળીને તેમને ખેડૂતોની અને આ ઉદ્યોગની મદદ કરવા વિનંતી કરવા માગીએ છીએ. અમે ઉત્પાદકો માટે કેટલાક પ્રોત્સાહનો, કેટલીક સુવિધાઓ - મુખ્યત્વે આ ફળોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ - મળી રહે તેમ ઈચ્છીએ છીએ. અમે સંગઠિત હોઈએ તો જ અમે જઈને અમારી માગણીઓ રજૂ કરી શકીએ, ખરું કે નહીં?
અત્યારે તેઓ વધારેમાં વધારે પાંચ દિવસ સુધી ફળો રાખી શકે છે. લક્ષ્મી આશા સાથે કહે છે, "આપણે આ સમયગાળો વધારવા કોઈક રસ્તો કાઢવાની જરૂર છે." તેમના મતે છ મહિના સુધી આ ફળો સાચવી શકવાની વ્યવસ્થા થઈ શકે તોઘણું સારું રહે. વિજયકુમારને મતે ઓછામાં ઓછું તેનાથી અડધા સમયગાળા માટે (ત્રણ મહિના માટે) આ ફળો સાચવી શકાય એવી વ્યવસ્થા પૂરતી છે. અત્યારે તેઓને ન વેચાયેલા ફળો થોડા દિવસમાં ફેંકી દેવા પડે છે અથવા છૂટક વેચાણકર્તાઓને આપી દેવા પડે છે - જેઓ તેને કાપીને રસ્તાના કિનારે વેચે છે.
*****
એક પત્રકાર અને અનોખા કન્નડ કૃષિ સામયિક અદિકે પત્રિકે (એરેકા મેગેઝિન) ના સંપાદક શ્રી પાદ્રે કહે છે, “ફણસ માટે કોલ્ડ સ્ટોરેજ એ અત્યારે એક મહત્ત્વાકાંક્ષી વિચાર માત્ર છે. તમે બટેટા કે સફરજન લાંબા સમય સુધી રાખી શકો છો. પરંતુ ફણસ (ને લાંબો સમય સાચવવા) માટે કોઈ પ્રયોગો થયા નથી. ફણસની ચિપ્સ પણ મોસમ પછીના ફક્ત બે મહિના માટે જ મળતી હોય છે."
તેઓ કહે છે કે "ફણસના ઓછામાં ઓછા એક ડઝન ઉત્પાદનો પણ આખું વર્ષ મળી રહે એવું થઈ શકે તો એનાથી ઘણો ફરક પડી જશે."
પારી સાથેની ટેલિફોનિક મુલાકાતમાં પાદ્રેએ ફણસના ઉત્પાદનને લગતા ઘણા મહત્ત્વપૂર્ણ અને નિર્ણયાત્મક મુદ્દાઓની ચર્ચા કરી. તેઓ કહે છે કે સૌથી પહેલા તો અમારી પાસે ફણસના ઉત્પાદન સંબંધિત કોઈ આંકડા નથી. “(ઉપલબ્ધ) આંકડાઓ પરથી કોઈ તારણ કાઢવું મુશ્કેલ છે, અને (જે આંકડાઓ ઉપલબ્ધ છે) તે ગૂંચવણ ઊભી કરે તેવા છે. લગભગ 10 વર્ષ પહેલા સુધી ફણસ એ એક ઉપેક્ષિત પાક હતો, અને તેનું છૂટુંછવાયું ઉત્પાદન થતું હતું. પનૃત્તિ એમાં એક સુખદ અપવાદ છે.”
પાદ્રે નોંધે છે કે ફણસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. "ફણસના ઝાડ દરેક જગ્યાએ છે, પરંતુ વૈશ્વિક મૂલ્યવૃદ્ધિના ચિત્રમાં અમારું ક્યાંય સ્થાન નથી." દેશમાં કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર આ ક્ષેત્રમાં કેટલીક મૂલ્યવૃદ્ધિ કરે છે, જ્યારે તમિળનાડુમાં હજી આ ઉદ્યોગ પ્રારંભિક તબક્કામાં છે.
પાદ્રે કહે છે કે આ શરમજનક છે કારણ કે આ ફળના બહુવિધ ઉપયોગો છે. "કમનસીબે જેક પર ઘણું ઓછું સંશોધન થયું છે. એક મોટું ઝાડ એકથી ત્રણ ટન વચ્ચે ગમે તેટલા ફળ આપી શકે છે. ઉપરાંત દરેક ઝાડ પાંચ સંભવિત કાચા માલ પૂરા પાડે છે: સૌથી પહેલા આવે નાના કૂંળા ફણસ. એ પછી આવે શાકભાજી તરીકે વપરાતા થોડા મોટા ફણસ. ત્યારપછી પાપ્પડ અને ચિપ્સમાં વપરાતા ન પાકેલા ફળ. ચોથા આવે લોકોના મનપસંદ પાકેલાં ફણસ. અને છેલ્લે આવે (ફણસના) બી.
તેઓ કહે છે, "તેને 'સુપરફૂડ' કહેવામાં આવે છે કોઈ આશ્ચર્ય નથી. અને છતાં હજી સુધી તેને માટે કોઈ સંશોધન કેન્દ્ર નથી, કોઈ તાલીમ કેન્દ્ર નથી. તેમ જ કેળા કે બટાકાની જેમ ફણસ માટે કોઈ વૈજ્ઞાનિકો અને સલાહકારો નથી.
ફણસ કાર્યકર તરીકે પાદ્રે તેમાંથી ઘણી ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. “હું છેલ્લા 15 વર્ષથી ફણસ વિશે લખું છું, માહિતીનો વ્યાપક પ્રસાર કરું છું અને લોકોને પ્રેરણા આપું છું. આ અમારું મેગેઝિન અદિકે પત્રિકે જેટલા સમયથી અસ્તિત્વમાં છે [34 વર્ષ] તેનાથી લગભગ અડધો સમયગાળો છે. અમે ફક્ત ફણસ ઉપર જ 34 થી વધુ કવર સ્ટોરી કરી છે!”
પાદ્રે ફણસની સકારાત્મક વાતો પર ભાર મૂકી લોકોનું ધ્યાન તેની તરફ આકર્ષિત કરવા આતુર છે - અને તેઓ વાતચીત દરમિયાન ભારતમાં મળતા સ્વાદિષ્ટ ફણસ આઈસ્ક્રીમ સહિત ફણસમાંથી બનતા અનેક ઉત્પાદનોની સૂચિ આપે છે પણ - તેઓ સમસ્યાઓ છુપાવવનો પ્રયત્ન કરતા નથી. "સફળતાનો માર્ગ છે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવી. સૌથી પહેલી પ્રાથમિકતા છે પાકેલા ફણસને આખું વર્ષ ફ્રોઝન સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવાની. એ કોઈ રોકેટ સાયન્સ નથી, પરંતુ આપણે એ દિશામાં એક નાનું પગલું પણ ભર્યું નથી.”
ઉપરાંત આ ફળની એક અનોખી સમસ્યા છે - તમે ફળને ફક્ત બહારથી જોઈને એની ગુણવત્તા વિષે કંઈ કહી શકતા નથી. પનૃત્તિ, જ્યાં જેકનું કાળજીપૂર્વક ઉત્પાદન કરવામાં આવે છે - અને જ્યાં ફળ માટે ખાતરીપૂર્વકનું બજાર છે - તેનાથી વિપરીત ફણસ ઉગાડતા બીજા તમામ વિસ્તારોમાં કોઈ તૈયાર બજાર નથી. કોઈ ખેડૂત-મૈત્રીપૂર્ણ પૂરવઠા શૃંખલા પણ નથી. અને આને પરિણામે પુષ્કળ બગાડ થાય છે.
પાદ્રે પૂછે છે કે આ બગાડને અટકાવવા આપણે શું કર્યું છે. “શું આ પણ ખાદ્ય પદાર્થ નથી? આપણે માત્ર ચોખા અને ઘઉંને જ આટલું મહત્વ કેમ આપીએ છીએ?"
વિજયકુમાર કહે છે કે ધંધાના વિકાસ માટે પનૃત્તિના ફણસ દરેક જગ્યાએ – દરેક રાજ્યમાં, દરેક દેશમાં પહોંચવા જોઈએ. તેઓ કહેછે, "વધુ પ્રચાર-પ્રસાર થવો જોઈએ. તો જ અમને સારા ભાવ મળશે."
ચેન્નાઈના વિસ્તૃત કોયમ્બેડુ જથ્થાબંધ બજાર સંકુલ, અન્ના ફ્રૂટ માર્કેટમાં ફણસના વેપારીઓની પણ એ જ માંગ છે: કોલ્ડ સ્ટોરેજ અને યાર્ડની વધુ સારી સુવિધાઓ. અહીંના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા સી.આર. કુમારવેલ કહે છે કે આ ફળના ભાવમાં વ્યાપકપણે વધઘટ થાય છે. એક ફળનો ભાવ 100 થી માંડીને 400 રુપિયા સુધીનો હોઈ શકે છે.
“કોયમ્બેડુમાં અમે આ ફળની હરાજી કરીએ છીએ. પુષ્કળ પુરવઠો હોય ત્યારે કુદરતી રીતે જ ભાવ નીચા જાય છે. અને ઘણો બગાડ થાય છે - 5 કે 10 ટકા જેવો. જો આપણે આ ફળને સંગ્રહિત કરીને (પછીથી) વેચી શકીએ તો ખેડૂતોને વધુ સારા ભાવને કારણે ફાયદો થઈ શકે. કુમારવેલનો અંદાજ છે કે દર 10 દુકાનો દીઠ દરરોજ ઓછામાં ઓછા 50000 રુપિયાનો વેપાર થાય છે. "પરંતુ આ ફક્ત મોસમ દરમિયાન - વર્ષના લગભગ પાંચ મહિના."
તમિળનાડુ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની 2022-23ની નીતિ નોંધ માં ફણસના ઉત્પાદકો અને, વિસ્તરણ દ્વારા/ એથી આગળ વધીને, વેપારીઓ માટે કેટલાક વચનો આપવામાં આવ્યા છે. નીતિ નોંધમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “જેકના ઉત્પાદન અને પ્રક્રિયા ક્ષેત્રે રહેલી વિશાળ તકોનો ઉપયોગ કરવા કડ્ડલોર જિલ્લાના પનૃત્તિ બ્લોકના પાણીકનકુપ્પમ ગામમાં પાંચ કરોડ રુપિયાના ખર્ચે જેક માટે એક વિશેષ કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે."
નોંધ ઉમેરે છે કે "વૈશ્વિક બજારોમાં ઊંચી કિંમતો મેળવવા" પનૃત્તિ ફણસ માટે ભૌગોલિક સંકેત (જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન જીઆઈ) ટેગ મેળવવા માટેના પગલાંઓ લેવાઈ રહ્યા છે."
જોકે લક્ષ્મીને નવાઈ લાગે છે કે "ઘણા લોકોને એ પણ ખબર નથી કે પનૃત્તિ ક્યાં આવેલું છે." તેઓ નિર્દેશ કરે છે કે 2002 ની તમિળ ફિલ્મ સોલ્લ મરંદ કદઈ (એક ભૂલાઈ ગયેલી વાર્તા) એ તેમના શહેરને પ્રખ્યાત બનાવ્યું હતું. તેઓ ખૂબ ગર્વ સાથે કહે છે કે “દિગ્દર્શક તન્કર બચ્ચન આ વિસ્તારના છે. તમે મને પણ આ ફિલ્મમાં જોઈ શકો છો/આ ફિલ્મમાં મેં પણ અભિનય કર્યો છે. શૂટ દરમિયાન ખૂબ જ ગરમી હતી, પરંતુ તે રસપ્રદ હતું."
*****
(ફણસની) મોસમમાં લક્ષ્મીની ખૂબ માંગ હોય છે. તેમનો ફોન નંબર ફણસ પ્રેમીઓના સ્પીડ ડાયલ પર હોય છે. તેઓ જાણે છે કે લક્ષ્મી તેમને શ્રેષ્ઠ ફળ અપાવી શકશે.
અને લક્ષ્મી ખરેખર તેમ કરી શકે છે. તેઓ માત્ર પનૃત્તિની 20 થી વધુ મંડીઓ સાથે જ સંકળાયેલા નથી, આ મંડીઓમાં ફણસ પહોંચાડતા ઘણા ખેડૂતોને પણ તેઓ ઓળખે છે. ઘણીવાર તેઓ એ પણ જાણે છે કે કોનો પાક ક્યારે તૈયાર થશે.
તેઓ આવું બધું ધ્યાન શી રીતે રાખે છે? લક્ષ્મી જવાબ આપતા નથી. સ્પષ્ટ છે - તેઓ દાયકાઓથી આ કામ સાથે સંકળાયેલા છે, આ બધું જાણવું એ તેમના કામનો જ એક ભાગ છે, અને તેઓ એ કરે છે.
તેઓ આવા પુરૂષપ્રધાન ક્ષેત્રમાં આવ્યા શી રીતે? આ વખતે તેઓ મને જવાબ આપે છે. “તમારા જેવા લોકો મને પોતાને માટે ફળ ખરીદી આપવા કહે છે. અને હું તેમને તે વ્યાજબી ભાવે મેળવી આપું છું.” તેઓ સ્પષ્ટતા કરે છે કે તેઓ (ઉત્પાદકોને) વેપારીઓ શોધવામાં પણ મદદ કરે છે. એ વાત સ્પષ્ટ છે કે વેપારીઓ અને ખેડૂતો તેમના નિર્ણયને માન આપે છે. તેઓ તેમને આવકારે છે અને તેમના વખાણ કરે છે.
તેઓ જ્યાં રહે છે તે વિસ્તારમાં દરેક જણ તમને કહી શકે કે તેમનું ઘર ક્યાં છે. તેઓ કહે છે, "પરંતુ મારો તો માત્ર સિલ્લરઈ વ્યાપારમ (એક નાનકડો ધંધો) છે. હું દરેકને વ્યાજબી કિંમત અપાવું છું."
જેમ જેમ જેકફ્રૂટનો નવો માલ મંડીમાં આવતો જાય છે તેમ તેમ લક્ષ્મી ભાવ નક્કી કરતા પહેલા તેઆ ફળની ગુણવત્તા તપાસે છે. તે માટે તેમને ફક્ત એક છરીની જરૂર પડે છે. થોડી થપકી લગાવીને તેઓ કહી શકે છે કે એ પાકેલું છે કે કાચું, અથવા બીજા દિવસે ખાવા માટે તૈયાર છે કે નહીં. જો તેમને પોતાના નિર્ણય પર જરાક પણ શંકા હોય તો તેઓ ફેરતપાસ કરે છે, એક નાનો ચીરો કરીને એક પેશી ખેંચીને તપાસે છે. આ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે (ફળનું પરીક્ષણ કરવાની આ સૌથી વિશ્વસનીય રીત છે) છતાં એ ભાગ્યે જ કરવામાં આવે છે કારણ કે તેમાં ફળને ચીરવું પડે છે.
"ગયા વર્ષે જે 120 રૂપિયામાં મળતા હતા એ જ કદના પલાના આજે 250 રુપિયા થાય છે. આ ચોમાસાના વરસાદ અને પાકને થયેલા નુકસાનને કારણે ભાવ વધારે છે." તેમનું અનુમાન છે કે થોડા મહિનામાં (જૂન સુધીમાં) દરેક દુકાનમાં 15 ટન ફળ હશે. અને ભાવમાં તીવ્ર ઘટાડો થશે.
લક્ષ્મી કહે છે કે, તેઓ ધંધામાં આવ્યા ત્યારથી ફણસનો વેપાર ઘણો વિકસ્યો છે. વધુ વૃક્ષો છે, વધુ ફળો છે અને ઘણો વધુ વેપાર છે. જોકે ખેડૂતો તેમની પેદાશ કોઈ એક ચોક્કસ દલાલ પાસે લાવે છે. વફાદારી એનું એક કારણ છે, તો તેમના ચોક્કસ દલાલ તેમને જે લોન આપે છે તે એનું બીજું કારણ છે. લક્ષ્મી સમજાવે છે કે તેઓ વાર્ષિક પાક સામે 10000 રુપિયાથી લઈને એક લાખ સુધી ગમે તેટલી રકમ ઉધાર લે છે. અને વેચાણ સામે તેને ‘સરભર’ કરે છે.
તેમનો દીકરો રઘુનાથ બીજો ખુલાસો આપે છે. "જે ખેડૂતોની પાસે પલા મરમ ઉગાડવા માટે જમીનનો મોટો હિસ્સો છે તેઓએ નક્કી કર્યું છે કે માત્ર ફળો જ વેચવા નહીં - તેઓ મૂલ્યવર્ધન કરીને અને નફો વધારવા માંગે છે." લક્ષ્મી કહે છે કે તેઓ જેકમાંથી ચિપ્સ અને જામ બનાવે છે. ઉપરાંત નહીં પાકેલા ફળને રાંધવામાં આવે છે અને માંસના વિકલ્પ તરીકે તેને ઉપયોગમાં લેવાય છે.
રઘુનાથ કહે છે, "અહીં કારખાનાઓ છે જ્યાં પેશીઓ સૂકવવામાં આવે છે અને તેનો ભૂકો કરવામાં આવે છે." અને એ ભૂકો પોરેજમાં ઉકાળીને ખાવામાં આવે છે. ફળની સરખામણીમાં આ ખાદ્યઉત્પાદનોની હજી સુધી એટલી માંગ નથી - પરંતુ ફેક્ટરીના માલિકો માને છે કે સમય જતાં એ ઉત્પાદનોની માંગ પણ વધશે."
લક્ષ્મીએ બાંધેલું ઘર સંપૂર્ણપણે ફણસના ધંધાની આવકમાંથી બાંધવામાં આવ્યું છે.
આંગળીના ટેરવાથી ફર્શને અડકીને તેઓ કહે છે, "આ (ઘર) 20 વર્ષ જૂનું છે." પરંતુ ઘર બંધાઈ રહ્યું તે પહેલા જ તેમના પતિનું મૃત્યુ થયું હતું. કડ્ડલોરથી પનૃત્તિની મુસાફરી કરી ટ્રેનમાં ફણસ વેચતી વખતે લક્ષ્મીની મુલાકાત તેમના પતિ સાથે થઈ હતી, પનૃત્તિમાં તેમના પતિની ચાની નાનકડી દુકાન હતી.
તેમના પ્રેમ લગ્ન હતા. તેમની વચ્ચેનો એ પ્રેમ હજી આજે પણ એ સુંદર પોટ્રેટ્સમાં ટકી રહ્યો છે જે લક્ષ્મીએ પનૃત્તિના એક કલાકાર પાસે પેઈન્ટ કરાવ્યા હતા. તેમના પતિના પોટ્રેટ માટે તેમણે 7000 રુપિયા ચૂકવ્યા હતા. અને બીજા તેમના બંનેના પોટ્રેટના 6000 રુપિયા થયા હતા. તેઓ મને ઘણી વાતોસંભળાવે છે, તેમનો અવાજ કર્કશ છે પરંતુ ઉર્જાથી ભરેલો છે. તેમના કૂતરા વિશેની વાત મને ગમી જાય છે: "એટલો વફાદાર, એટલો હોંશિયાર અને અમે આજે પણ તેને ખૂબ યાદ કરીએ છીએ."
લગભગ બપોરના 2 વાગ્યા છે, પણ લક્ષ્મી હજી જમ્યા નથી. હું થોડી વારમાં જમી લઈશ એક કહી તેઓ વાતો કરવાનું ચાલુ રાખે છે. (ફણસની) મોસમ દરમિયાન તેમની પાસે ઘરકામ માટે જરાય સમય રહેતો નથી. તેમની પુત્રવધુ કયલવિળી એ સાંભળી લે છે.
તેઓ બંને ફણસમાંથી શું શું બનાવે છે તેની વાત મને કરે છે. “બીજમાંથી અમે ઉપમા બનાવીએ છીએ. કાચી પેશીઓની છાલ કાઢી, તેને હળદરની ભૂકી સાથે ઉકાળીએ, તેને ખાંડણીમાં ખાંડી પછી થોડો ઉલતમ પરપ્પ [અડદની દાળ] નો વઘાર કરીએ અને છેલ્લે થોડું છીણેલું નાળિયેર ભભરાવીએ. જો પેશી લોટ જેવી થઈ ગઈ હોય તો થોડું તેલ નાખીને તેને મરચાંની ભૂકી સાથે ખાઈ શકાય છે." બીજને સાંભરમાં ઉમેરવામાં આવે છે, અને કાચી પેશીઓ બિરિયાનીમાં ઉમેરવામાં આવે છે. પલામાંથી બનાવેલી વાનગીઓને લક્ષ્મી “આરમઈ” (અદ્દભૂત) અને “સ્વાદિષ્ટ” કહે છે.
મોટે ભાગે ખાવાની બાબતમાં લક્ષ્મીને ઝાઝી કચકચ નથી. તેઓ ચા પી લે છે અથવા નજીકની કોઈ પણ ભોજનશાળામાં જમી લે છે. તેમને "પ્રેશર અને સુગર", એટલે કે, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે. "મારે સમયસર જમવું પડે છે નહીં તો મને ચક્કર આવે છે." તે સવારે તેમને ચક્કર આવતા હતા, અને (એટલે જ) વિજયકુમારની દુકાનમાંથી તેઓ ઉતાવળે નીકળી ગયા હતા. તેમના કામ માટે લાંબા અને મોડા કામકાજના કલાકો જરૂરી બને છે, પણ લક્ષ્મીને તેનાથી પરેશાની નથી. "એમાં કંઈ વાંધો નથી."
લગભગ 30 વર્ષ પહેલાં તેઓ ટ્રેનમાં ફણસ વેચતા હતા એ જમાનામાં ફણસ 10 રુપિયામાં વેચાતું હતું. (અત્યારે ફણસના ભાવ તેના કરતાં 20 થી 30 ગણા છે.) લક્ષ્મી યાદ કરે છે કે ટ્રેનના ડબ્બા પેટસ (ખોખા) જેવા હતા. ડબ્બાને છેડે એ ડબ્બામાંથી પડખેના ડબ્બામાં આવજા થઈ શકે એવી કોઈ જગ્યા નહોતી. વણબોલ્યો કરાર હોય તેમ એક કોચમાં ફક્ત એક જ ફેરિયો ચડતો. તે ઊતરી ગયા પછી જ બીજો ફેરિયો પ્રવેશ કરતો. તેઓ મને કહે છે, “ત્યારે ટિકિટ-પરીક્ષકો ભાડા અને ટિકિટનો આગ્રહ રાખતા નહીં. અમે મફતમાં મુસાફરી કરતા. પણ," તેઓ અવાજ ધીમો કરીને કહે છે, "અમે તેમને થોડા ફણસ આપી દેતા ..."
એ પેસેન્જર ટ્રેનો હતી; એ ધીમે ધીમે આગળ વધતી અને તમામ નાના નાના સ્ટેશનો પર રોકાતી. ટ્રેનમાં ચડતા અને ઉતારતા ઘણા લોકો ફળ ખરીદતા. જોકે તેમની કમાણી ઓછી હતી. એક દિવસમાં તેમને કેટલી કમાણી થતી તે તેમને બરાબર યાદ નથી, પરંતુ તેઓ કહે છે કે "તે સમયે 100 રુપિયા ખૂબ મોટી રકમ હતી."
"હું ક્યારેય શાળામાં ગઈ નથી. હું બહુ નાની હતી ત્યારે મારા માતા-પિતા મૃત્યુ પામ્યા હતા." આજીવિકા માટે તેઓ ઘણી ટ્રેન લાઈનો: ચિદમ્બરમ, કડ્ડલોર, સેંગલપટ, વિલ્લુપુરમ પર ફરી ફરીને ફળ વેચતા. “મારા ભોજન માટે હું સ્ટેશનોની કેન્ટીનમાંથી આમલીભાત અથવા દહીંભાત ખરીદી લેતી. જરૂર પડે ત્યારે હું મારી ફણસની ટ્રે સામાનની છાજલી પર મૂકીને ટ્રેનના ડબ્બાના શૌચાલયનો ઉપયોગ કરતી. આટલું સખત મહેનત માગી લેતું કામ હતું. પણ ત્યારે એ કર્યા વિના મારે છૂટકો હતો?"
હવે તેમની પાસે વિકલ્પ છે - તેઓ ઘેર જ રહે છે અને ફણસની મોસમ પૂરી થાય પછી આરામ કરે છે. “હું ચેન્નાઈ જાઉં છું અને મારા સગાં-સંબંધીઓ સાથે અહીં કે ત્યાં બે અઠવાડિયા ગાળું છું." તેઓ નજીકમાં રમતા નાના છોકરાને જોઈને હસીને કહે છે, "બાકીનો સમય હું અહીં મારા પૌત્ર સર્વેશ સાથે ગાળું છું."
કયલવિળી કેટલીક વધુ વિગતો પૂરી પાડે છે. “તેઓ તેમના બધા સગાં -સંબંધીઓને મદદ કરે છે; તેઓ તેમને ઘરેણાં ખરીદી આપે છે. કોઈ તેમની મદદ માગે તો તેઓ ક્યારેય ના નથી કહેતા..."
લક્ષ્મીએ તેમના કામના શરૂઆતના સમયગાળામાં ઘણી વાર ‘ના’ શબ્દ સાંભળ્યો હશે. પણ આજે અહીં એક એવી વ્યક્તિ છે જેણે "સોંઠ ઉસાઈપુ" (જાતમહેનત) થી પોતાનું જીવન બદલી નાખ્યું છે. તેમની વાર્તા સાંભળવી એ કંઈક અંશે ફણસ ખાવા જેવું છે - એ આટલું મીઠું હશે એવી અપેક્ષા તમે રાખતા નથી. અને જ્યારે તમને અણધારી (મીઠાશ) મળે છે ત્યારે એ ખૂબ યાદગાર બની જાય છે.
આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેમના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020 (રિસર્ચ ફંડિંગ પ્રોગ્રામ 2020) ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
મુખપૃષ્ઠ ફોટોગ્રાફ: એમ. પલની કુમાર
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક