18 મી ફેબ્રુઆરી 1983ના રોજ જ્યારે નેલી હત્યાકાંડ થયો ત્યારે રશીદા બેગમ માત્ર આઠ વર્ષના હતા. તેઓ યાદ કરે છે, “તેઓ લોકોને ચારે બાજુથી ઘેરીને એક તરફ લઈ ગયા હતા. તેઓએ તીર માર્યા હતા; કેટલાક પાસે બંદૂકો હતી. આ રીતે તેઓએ ઘણા લોકોને મારી નાખ્યા હતા. કેટલાકના ગળા કાપી નાખ્યા હતા, તો કેટલાકની છાતીમાં છરા ભોંક્યા હતા."
એ દિવસે મધ્ય આસામના નેલી (અથવા નેલ્લી) વિસ્તારમાં માત્ર છ કલાકના ગાળામાં બંગાળ મૂળના હજારો મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. રશીદા, જેમને ઘરમાં બધા વ્હાલથી 'રુમી' કહીને બોલાવે છે તેઓ, હત્યાકાંડમાં બચી ગયા હતા. પરંતુ તેઓએ તેમની નજર સામે જ તેમની ચારેય નાની બહેનોની હત્યા થતી જોઈ હતી અને તેમની માતાને ગંભીર રીતે ઘાયલ થતા જોયા હતા. તેઓ યાદ કરે છે, “તેઓએ મારા પર જાડી [ભાલા] થી હુમલો કર્યો હતો, અને મને કમરમાં ગોળી મારી હતી. એક ગોળી મારા પગને વીંધીને આરપાર નીકળી ગઈ હતી.”
નેલી (તેને નેલ્લી એમ પણ લખાય છે) હાલના મોરીગાંવ જિલ્લામાં આવે છે, જે 1989માં નાગાંવ જિલ્લામાંથી વિભાજિત કરવામાં આવ્યો હતો. હત્યાકાંડથી સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં અલીસિંગા, બસુંધારી જલાહ, બોરબોરી, ભુગદુબા બિલ, ભુગદુબા હબી, ખુલાપાથાર, માટીપરબત, મુલાધારી, નેલી અને સિલભેટાનો સમાવેશ થાય છે. સત્તાવાર અહેવાલો અનુસાર મૃત્યુઆંક લગભગ 2000 હતો, પરંતુ બિનસત્તાવાર અંદાજ સૂચવે છે કે મૃત્યુઆંક 3000 અને 5000 ની વચ્ચે હતો.
1979 થી 1985 દરમિયાન આસામમાં વિદેશીઓ વિરોધી આંદોલનને પરિણામે ભડકેલી સાંપ્રદાયિક હિંસા પછી આ હત્યાઓ થઈ હતી. આ આંદોલનની આગેવાની ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ) અને તેના સહયોગીઓ દ્વારા લેવામાં આવી હતી. તેઓએ ગેરકાયદેસર સ્થળાંતરિતોને રાજ્યમાંથી હાંકી કાઢવાની અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવાની માંગ કરી હતી.


