આજે આપણે પારીના 170થી વધુ અનુવાદકોની અનોખી ટીમની અદભૂત સિદ્ધિની ઉજવણી કરવાના છીએ -- જેમાંના 45 જેટલા અનુવાદકો દર મહિને કાર્યરત હોય છે. અને આ વિષયમાં આપણે સારી સંગતમાં છીએ. યુનાઇટેડ નેશન્સ પણ 30મી સપ્ટેમ્બરની ઉજવણી આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે કરે છે.
યુએન આ વિષે વાત કરતાં કહે છે કે, "આ દિવસ રાષ્ટ્રોની વચ્ચેનું અંતર દૂર કરવામાં, એક સંવાદ શરુ કરવામાં, સમજણ અને સહકાર વધારવામાં, તેમજ વિકાસમાં યોગદાન કરવામાં મહત્વનો ફાળો ભજવતા ભાષાકર્મીઓને બિરદાવવાની એક તક છે..." અને તેથી અમે આજે પત્રકારત્વની બીજી કોઈપણ વેબસાઈટમાં ના જોવા મળે તેવી એવી આ અનુવાદકોની ટીમને બિરદાવીએ છીએ.
અમારા અનુવાદકોમાં છે ડૉક્ટરો, ભૌતિકશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ, કવિઓ, ગૃહિણીઓ, કલાકારો, પત્રકારો, લેખકો, ઇજનેરો, વિદ્યાર્થીઓ, અને અધ્યાપકો. સૌથી વયસ્ક 84 વર્ષના છે અને સૌથી યુવાન 22 વર્ષના. ઘણાં ભારતની બહાર વસેલાં છે. ઘણાં દેશના દૂરનાં સ્થળોએ રહે છે, જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઘણી નબળી હોય છે.
પારી(PARI) આ વ્યાપક અનુવાદનું ધ્યેય કાર્યક્રમ, આપણી મર્યાદાઓ અને સ્તરોની અંદર રહીને, આ રાષ્ટ્રને તેની ભાષાઓના આદર અને સમાન વ્યવહારના રસ્તે થઇ સંગઠિત કરવાનો છે. પારી(PARI)ની સાઇટ પરનો દરેક લેખ 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે - અથવા બહુ જલ્દીથી થશે. આ 13 ભાષાઓમાં ઉપલબ્ધ પારી(PARI)ના લેખનો એક લાક્ષણિક નમૂનો છે: આપણી આઝાદી માટે ભગતસિંહ ઝુગ્ગીયાનની લડત. અને આવું જ કામ અમારી ટીમે લગભગ 6,000 લેખો માટે કર્યું છે, તેમાંના ઘણા મલ્ટીમીડિયા રૂપે છે.



