સૂર્ય આથમી ગયો હતો. અંધકાર ઝડપથી ફેલાઈ રહ્યો હતો. તેમના માથા પર બળતણ અને વાસણો, ઇંટો, રાંધ્યા વગરના ચોખા, સૂકી માછલી અને મસાલા હાથમાં લઈને, હજારો આદિવાસીઓ –આયોજકોના અંદાજ મુજબ 50,000 – ઉત્તર-પૂર્વ મુંબઈમાં મુલુંડ ખાતે જૂની ઓકટ્રોય ચોકી તરફ ચાલી નીકળ્યા હતા. નિષ્ક્રિય પડેલું આ પરિસર પ્રદર્શનકારીઓ માટે રહેવાનું મેદાન બની ગયું.
મનુબાઈ ગવારીએ તેમના માથા પરનો બળતણનો ભાર ઊતારતાં કહ્યું, “અમે અહીં રોકાણ કરીશું. અમે જરૂરી બધી વસ્તુઓ સાથે લાવ્યાં છીએ. ચૂલા માટે બળતણ, રાંધવા માટેના વાસણો, ચોખા – અમારી પાસે તે બધું છે. જ્યાં સુધી અમારી બધી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ.” 60 વર્ષીય મનુબાઈ, વારલી સમુદાયનાં છે અને ભીવંડી તાલુકાના દીઘાશી ગામમાં રહે છે; તેઓ તેમના ગામના અન્ય 70-80 લોકો સાથે મોરચા માટે આવ્યાં હતાં.
વારલી, કટકરી, મહાદેવ કોળી, મા ઠાકુર અને અન્ય આદિવાસી સમૂહો ગુરૂવાર, 30 ઓક્ટોબર સવારે 11 વાગ્યાથી નાસિક, પાલઘર, રાયગઢ, થાણે, અને મુંબઈ જિલ્લાઓમાંથી થાણે શહેરમાં એકત્ર થવા લાગ્યા. તેઓ ભાડે કરેલા ટેમ્પો, બસ, અને ટ્રેન દ્વારા જૂથોમાં ત્યાં આવ્યા હતા. બપોરના સુમારે, મહિલાઓ અને પુરુષોની આ ભીડે, બે કિલોમીટર દૂર સાકેત નાકાથી થાણે શહેરમાં કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. તેમાં ખેતમજૂરો, કુલીઓ, સફાઈ કામદારો અને બાંધકામ મજૂરો શામેલ હતા.








