સિયાદેહી ગામના પ્રવેશદ્વાર પર વાંસથી બનાવેલી આડાશ પરના પ્લેકાર્ડ્સ પર લખ્યું છે - ‘બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે’. જ્યારે આ પત્રકારે છત્તીસગઢના ધામતારી જિલ્લાના નાગરી બ્લોકનાં ગામની મુલાકાત લીધી, ત્યારે નજીક બેઠેલા રહેવાસીઓનું એક જૂથ વાત કરવા માટે આડશની નજીક આવ્યું હતું - પરંતુ તેમણે અંતર જાળવ્યું હતું.
બાજુના કાંકર જિલ્લાની સરકારી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કાર્યરત ભરત ધ્રુવે કહ્યું, '' અમે, ગ્રામજનોએ આ જીવલેણ કોરોનાવાયરસથી અમારી જાતને બચાવવા માટે આ આડશ ઊભી કરવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે. ' લગભગ 900ની વસ્તીવાળું સિયાદેહી, મુખ્યત્ત્વે ગોંડ આદિવાસી ગામ, છત્તીસગઢની રાજધાની રાયપુરથી આશરે 80 કિલોમીટર દૂર છે.
એ જ ગામનો છેવાડાનો ખેડૂત અને મજૂર રાજેશ કુમાર નેતમ કહે છે , “અમારે ‘સામાજિક અંતર’ જાળવવું છે. અમે આ લોકડાઉન સમયગાળા દરમિયાન બહારના લોકો અમારા ગામની મુલાકાત લેવા દેવા માંગતા નથી , કે પછી અમે પણ બહાર નીકળીને નિયમોનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. તેથી, આ આડશ.”
ખેતમજૂર સજ્જીરામ માંડવીએ જણાવ્યું હતું, “કોઈ પણ પ્રકારના સંપર્કથી બચવા અમે અહીં આવતા બધાને રોકી રહ્યા છીએ. અમે તેઓને તેમના પોતાના ગામોમાં પાછા જવા વિનંતી કરીએ છીએ." તેઓ ઉમેરે છે, "આમારા ગામના કેટલાક યુવાનો કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત મહારાષ્ટ્ર સ્થળાંતર કરી ચૂક્યા હતા, પરંતુ તેઓ હોળી પહેલા પાછા ફર્યા. તેમ છતાં, આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમની વિગતો લીધી છે."
સિયાદેહીથી હાલ પાછા ફરનારા અન્ય સ્થળાંતરિતોનું શું? શું તેઓને અંદર પ્રવેશવા દેવાશે? પંચાયત અધિકારી મનોજ મેશ્રામ કહે છે, '' હા, પરંતુ સરકારની માર્ગદર્શિકા મુજબ, તેઓએ ચોક્કસ સમયગાળા માટે અલગ રહેવું પડશે (કવૉરન્ટીન થવું પડશે)."






